ડોશીમાની વાતો/10. હસમુખી

Revision as of 10:43, 10 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
10. હસમુખી


એક હતો સોદાગર. એ સોદાગરને ત્રણ દીકરી હતી. મોટી બે બહેનો દેખાવમાં રૂપાળી પણ એનાં મન બહુ ખારીલાં. આખો દિવસ બેઠી બેઠી બેઉ જણીઓ નવા નવા શણગાર સજ્યા કરે. નાની દીકરી, જેવી રૂપાળી તેવી જ ગુણવાન. એનું મોં તો સદાય હસતું ને હસતું. બધાંયને એના ઉપર બહુ હેત આવે. બધાએ એનું નામ પાડ્યું : ‘હસમુખી’.

સોદાગર બહુ જ પૈસાદાર. એને ઘેર સાતસાત કોટડી દ્રવ્ય ભર્યું છે. મહામૂલા માલ ભરી એનાં વહાણ દેશવિદેશમાં જાય છે. એક વખત ખબર પડ્યા કે એનાં બધાં વહાણ દરિયામાં ડૂબી ગયાં. એ રંક બની ગયો. મહેલ વેચીને નાની ઝૂંપડીમાં રહેવા ગયો. ભાતભાતનાં ભોજનને બદલે જુવારનો રોટલો જ મળે. મોટી બે બહેનોને તો બહુ જ ખીજ ચડી. એને કાંઈ સારું લાગે નહીં. આખો દિવસ કચકચ કર્યા જ કરે. પણ નાની બહેન હસમુખીનું મોં તો હસતું ને હસતું. આખો દિવસ ઘરનું કામકાજ કરે, રાંધણું કરે, વાળીચોળીને ઘર ચોખ્ખું રાખે, પોતાના બાપુની સંભાળ રાખે ને રાતે પોતાની નાની મજાની પથારીમાં સુખેથી ઊંઘી જાય. સવાર પડ્યું ન હોય ત્યાં તો ઊઠે ને કામકાજ કરવા માંડે. બાપનેય આ નાની દીકરી ઉપર બહુ જ હેત. પણ મોટી બે બહેનોથી એ ખમાય નહીં. વળી ખબર આવ્યા કે એનું એક વહાણ હાથ આવ્યું છે. એ વહાણને લેવા જવામાં સોદાગરને પાછા આવતાં એક વરસ લાગશે. એણે દીકરીઓને પૂછ્યું “તમારે માટે કાંઈ લાવું?” મોટી દીકરી કહે કે “મારે માટે એક રૂપાળું ઓઢણું લાવજો”. વચેટ દીકરી કહે કે “મારે માટે એક મોતીની માળા લાવજો”. સહુથી નાની દીકરી હસમુખી રોતી રોતી કહે કે “બાપુ! મારે બીજું કાંઈ નથી જોઈતું. તમે વહેલા વહેલા પાછા આવજો”. બાપુ કહે, “ના બેટા! બીજી બહેનોએ કંઈક કંઈક મંગાવ્યું છે. માટે તું પણ કંઈક તો મંગાવ”. હસમુખી બોલી, “ઠીક ત્યારે બાપુ! એક સફેદ ગુલાબનું ફૂલ લેતા આવજો”. સોદાગર ગયો. પાછા વળવાનો વખત આવ્યો. મોટી દીકરી માટે ઓઢણું અને વચેટને માટે મોતીની માળા મળી; પણ ધોળું ગુલાબનું ફૂલ ક્યાંથી કાઢવું? એ દેશમાં તો ગુલાબ જ ન મળે. તો પછી સફેદ ગુલાબની શી વાત જ કરવી? એમ વિચાર કરતો કરતો સોદાગર ઘોડે ચડીને બીજે ગામ જતો હતો એમાં એ રસ્તો ભૂલ્યો. એને બહુ જ થાક લાગ્યો. ઊંઘ પણ આવતી હતી. ફરતાં ફરતાં એણે એક મોટો મહેલ જોયો. એને એમ થયું કે ઓહો! વનમાં આવો મહેલ ક્યાંથી? એણે તો મહેલને દરવાજે સાંકળ ખખડાવી. તુરત દરવાજો ઊઘડ્યો. ત્યાં કોઈ માનવી નહોતું. કોણે દરવાજો ખોલ્યો હશે એ કાંઈ સમજાયું નહીં. સોદાગર જુએ ત્યાં તો હવામાં બે હાથ દેખાય છે. એ હાથ એને પગે લાગીને અંદર બોલાવે છે. સોદાગર બોલ્યો, “ઘોડાને એકલો મૂકીને શી રીતે આવું?” ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજા બે હાથ આવ્યા અને લગામ ઝાલી ઘોડાને તબેલામાં લઈ ગયા. સોદાગરને થયું કે નક્કી આ તો ભૂતનું ઘર લાગે છે. પણ એને તો એવો થાક લાગેલો કે અંદર ગયા વિના ઉપાય નહોતો. અંદર જાય ત્યાં તો બીજા બે હાથ આવીને એને ભોજનશાળામાં લઈ ગયા. ખૂબ સારી મીઠાઈ, મેવા, શરબત ને મુખવાસ દીધાં. સોદાગર ખાવા મંડ્યો. જુએ ત્યાં તો ચારેય તરફ કેટલાયે હાથ હવામાં ઊભેલા. કોઈ એને પંખો ઢાળે, કોઈ પીરસે, ને કોઈ શરબત લાવી આપે. પછી એને સૂવાના ઓરડામાં લઈ ગયા. જુએ તો બે હાથ બિછાનું કરે છે. બિછાનું એવું સુંવાળું કે સોદાગરને મીઠી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને ઘોડે ચડી એ ચાલવા લાગ્યો. ત્યાં તો એણે એક રૂપાળી ફૂલવાડી જોઈ. એ ફૂલવાડીમાં ધોળાં ધોળાં સુંદર ગુલાબ ઊઘડેલાં. સોદાગરને એની નાની દીકરીનો સંદેશો સાંભર્યો. તરત એ ફૂલ તોડવા ગયો. જ્યાં તોડે ત્યાં મોટી ચીસ પડી. સોદાગરના હાથમાંથી ફૂલ પડી ગયાં. સામે જુએ તો એક વિકરાળ સિંહ! રાતી રાતી એની આંખો! છરી જેવા એના દાંત! એની જીભ તો લસ લસ થાતી હતી. સિંહ કહે, ‘કેમ મારું ફૂલ તોડ્યું? તને ખાઈ જાઉં’. સોદાગર કહે, ‘ભૂલ થઈ. આ વખતે માફ કરો. મારી નાની દીકરીએ મંગાવ્યાં છે, એટલે જ મેં તોડેલાં’. સિંહ બોલ્યો, ‘ઠીક, એક વાત કબૂલ કર તો જાવા દઉં. ઘેર જા ત્યારે તને જે પહેલું સામું મળે તેને એક મહિનાની અંદર આંહીં મોકલી દેવું’. સોદાગરે વિચાર કર્યો કે ઘેર પહેલવહેલું તો બીજું કોણ મળશે? બારણામાં મારો કૂતરો બેઠો હશે. એને મોકલી દઈશ. એમ સમજીને એણે કહ્યું કે ‘બહુ સારું’. સિંહ કહે, ‘આ ફૂલ તારી દીકરી પાસે લઈ જા. એક મહિનો વીત્યે જ્યારે આંહીં આવવું હોય, ત્યારે આ ફૂલ હાથમાં રાખજો ને મનમાં ચિંતવજો, એટલે તરત આંહીં આવી પડશો’. સોદાગર ઘેર ગયો. દરવાજામાં જાય ત્યાં તો નાની દીકરી ‘બાપુ આવ્યા, બાપુ આવ્યા’ કરતી દોડી આવી. બાપુને વળગી પડી. બાપના મનમાં ફાળ પડી કે ‘હાય હાય! શા સારુ મેં સિંહનું વચન કબૂલ કર્યું? આ દીકરીને મારાથી કેમ મોકલાશે? એના કરતાં સિંહ મને જ ખાઈ ગયો હોત તો કેવું સારું થાત?’ સોદાગરની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. હસમુખીએ પૂછ્યું, ‘બાપુ, શા સારુ રડો છો? શું થયું છે?’ બાપુએ રોતાં રોતાં બધી વાત કહી. હસમુખી બોલી કે ‘કાંઈ વાંધો નહીં. આપણું વચન કાંઈ આપણાથી ભંગાય? બાપુ! મને ત્યાં ખુશીથી લઈ જજો’. એક મહિનો વીતી ગયો. સોદાગરે વાત કાઢી જ નહીં. પણ હસમુખી કાંઈ ભૂલે! એણે સંભારી આપ્યું. સોદાગર ખૂબ રોયો પણ હસમુખી એકની બે થઈ જ નહીં. બંને જણાંએ હાથમાં ફૂલ લઈને ચિંતન કર્યું, એટલે ઘડી વારમાં તો સિંહની ફૂલવાડીમાં પહોંચ્યા, દરવાજે કોઈ માણસ નહોતું, પણ આગળની જેમ બે હાથ આવ્યા ને બાપ–દીકરીને અંદર લઈ ગયા. પછી ઘણા હાથ આવ્યા અને બાપ–દીકરીને જમાડી લીધું. ત્યાં તો સિંહ આવ્યો, સોદાગરે એને પગે લાગીને કહ્યું, ‘આ મારી દીકરી’. સિંહ બોલ્યો, ‘તમે હવે તમારે ઘેર જાઓ. તમારી દીકરી આંહીં જ રહેશે. એની ચિંતા કરશો નહીં. એને આંહીં કાંઈ દુઃખ નહીં થાય’. સોદાગર દીકરીને એક બચ્ચી ભરીને ચાલ્યો ગયો. હસમુખી તો એ ભૂતના મહેલમાં એકલી પડી. ઘણા હાથ એની પાસે હાજર રહે છે. એને જે જોઈએ તે આપે છે. હસમુખી નહાવાની ઓરડીમાં જાય ત્યાં તો પથ્થરની કૂંડીમાં સુગંધી ગુલાબજળ ભરેલાં, જાતજાતનાં રૂપાળાં તેલ પડેલાં, અને જાતજાતનાં રંગબેરંગી ઓઢણાં ટાંગેલાં. ખાવાને વખતે ખાવાનું પણ તૈયાર. ખાવા બેસે તે વખતે મીઠાં મીઠાં વાજાં વાગવા માંડે. એક ઓરડામાં જુએ તો અપરંપાર રમકડાં, બીજા ઓરડામાં ચિત્રોની ચોપડીઓ, ત્રીજા ઓરડામાં લાલ, પીળા ને વાદળી રંગનાં પંખી. હસમુખીને આ બધુંય બહુ જ ગમ્યું. પણ અરેરે? આવી શોભા શું એકલાં જ જોયા કરવાની? મારી સાથે બીજું કોઈ માનવી નહીં? સાંજે સિંહ આવ્યો. સિંહ કહે, ‘તને વાર્તા કહું?’ હસમુખી બીતી બીતી બોલી કે ‘ભલે!’ રાજી થઈને સિંહ વાર્તા કહેવા લાગ્યો. બહુ જ મજાની વાર્તા. સિંહની મીઠી મીઠી બોલી સાંભળે ત્યારે હમસુખીને બહુ હેત આવે. પણ સિંહના મોઢા સામે જુએ ત્યાં હસમુખી બી મરે. સિંહ થોડીક વાતો કરીને ચાલ્યો ગયો. પછી તો રોજ સાંજે આવીને સિંહ વાર્તા કરે. ધીરે ધીરે હસમુખીની બીક ઓછી થઈ. એને લાગ્યું કે સિંહનું મોં ભલે ખરાબ હોય, પણ એનું મન બહુ જ પ્રેમાળ લાગે છે. એક વાર સિંહ કહે કે ‘મારી સાથે પરણીશ?’ હસમુખી તો આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. બિચારો સિંહ દિલગીર થઈને ચાલ્યો ગયો. હસમુખીને એક દિવસ સ્વપ્નું આવ્યું કે પોતાને ઘેર એના બાપુ બહુ માંદા છે. એને બહુ જ શોક થયો. સાંજે સિંહને એણે વાત કરી. સિંહ કહે, ‘લે આ ગુલાબ. હાથમાં રાખીને તારા ઘરનું ચિંતવન કરજે. જલદી આવજે, હો! તારા વિના મારા દિવસ કેમ જાશે?’ હસમુખી કહે, ‘હું આઠ દિવસમાં જ આવીશ’. બીજે દિવસે એ ઘેર પહોંચી. ખરેખર એના બાપુ માંદા હતા. પણ હસમુખીને દેખીને એ સાજા થઈ ગયા. હસમુખીએ પોતાની બે બહેનોને સિંહના ઘરની બધી વાત કહી સંભળાવી. એ સાંભળીને એ બે બહેનોના મનમાં બહુ જ ખાર થયો. એક દિવસ તેઓ છાનીમાની એના ઓરડામાં ગુલાબનું ફૂલ ચોરી લાવી. ફૂલ હાથમાં રાખીને ચિંતવન કર્યું કે ‘અમને એ રૂપાળાં રાજમહેલમાં લઈ જા’. ત્યાં તો એક ભયંકર અવાજ થયો : જાણે કોઈ રાક્ષસ ખાવા આવે છે. બેય જણીના હાથમાંથી ફૂલ પડી ગયાં ને બેય જણી ઘરમાં ભાગી ગઈ. સાત સાત દિવસ વીતી ગયા. હસમુખીને જવાનો વખત થયો. એણે બાપુની રજા લીધી. પણ જુએ તો ફૂલ ન મળે. હસમુખી રોતી રોતી ફૂલ ગોતવા લાગી. બહાર જઈને જુએ ત્યાં સુકાઈ ગયેલું ગુલાબ પડેલું. હસમુખી જઈને એ ફૂલને અડકી ત્યાં તો આગળના જેવું જ તાજું બની ગયું. રાજી થઈને એ સિંહને ઘેર ચાલી ગઈ. જઈને જુએ ત્યાં તો હાય! હાય! રૂપાળી ફૂલવાડી હતી ત્યાં બધું જંગલ થઈ ગયેલું; ઘરમાં જઈને જુએ તો બધું વીંખાયેલું પડેલું. આખું ઘર ઝાંખું ઝાંખું બની ગયેલું. પેલા હાથ તો કામ કરતા હતા, પણ એમાં જાણે જોર જ નહોતું. તે દિવસે ખાવાને વખતે વાજાં પણ ન વાગ્યાં. સાંજે સિંહ આવશે એમ લાગ્યું. પરંતુ અરેરે! કદાચ એને બહુ જ ખોટું લાગ્યું હશે તો હું શું કરીશ? સાંજ પડી, પણ સિંહ તો આવ્યો નહીં! આખી રાત હસમુખીને ઊંઘ આવી નહીં. એ તો આંસુડાં ઢાળતી જાય ને મનમાં વિચારતી જાય કે અરેરે! એને રીસ ચઢી હશે? કે એ માંદા પડ્યા હશે? મેં અભાગણીએ શા સારુ મોડું કર્યું? હસમુખી બગીચામાં જઈને ગોતવા મંડી. એણે જોયું તો આઘે એક ઝાડ હેઠળ સિંહ સૂતેલો. સાવ મરવા જેવો થઈ ગયેલો. એની આંખમાંથી આંસુ પડતાં હતાં. ‘હસમુખી એની પાસે જઈને રોતી રોતી કહેવા લાગી ‘સિંહ! ઓ સિંહ! ઊઠો, ફરી વાર કદી હું આવું નહીં કરું. મારા સમ છે, ઊઠો ને!’ સિંહે ગરીબડું મોં કરીને હસમુખીને કહ્યું ‘તું મારી સાથે પરણીશ?’ હસમુખી બોલી : ‘એથી જો તમને સારું થતું હોય તો હું જરૂર પરણીશ’. અહાહા! આટલું હસમુખી બોલે ત્યાં ચોમેર વાજાં વાગવા લાગ્યાં, વાડી લીલીછમ બની ગઈ, પંખી ગીત ગાવા લાગ્યાં; અને સિંહ! હસમુખી જુએ તો સિંહ ન મળે. એને બદલે એક સોદાગર ઊભેલો. સોદાગર બોલ્યો, ‘આ મહેલ મારો છે. એક જાદુગરે આવીને મને સિંહ બનાવી દીધેલો. મારા માણસોના ફક્ત હાથ જ રહેવા દીધેલા. મને એણે કહેલું કે કોઈ ગુણિયલ કન્યા આવીને તને પરણવાની હા પાડશે, ત્યારે જ તું પાછો માનવી થઈ જઈશ’. ઘરમાં જઈને જુએ ત્યાં તો હાથ ન મળે. બધા નોકરચાકર કામ કરતા હતા. પછી સોદાગર હસમુખીને લઈને સસરાને ઘેર ગયો. એની વાત સાંભળીને પિતાએ બેઉનાં લગ્ન કર્યાં.