રંગ છે, બારોટ/4. ચાર સાર

Revision as of 09:16, 12 May 2022 by KhyatiJoshi (talk | contribs)
4. ચાર સાર


રાજાને અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા!

જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં,
મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા!

જેની જોડે જીવ બાંધ્યો હોય તેને ન તરછોડીએ. અરે આવો અણબનાવ જે દિ’ હંસાની ને સાયરની વચ્ચે થયો હતો, તે દિ’ —

હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે,
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે.

સાયર સુકાણાં, હંસલાં ચારા વિનાનાં થઈ રહ્યાં, ને કોઈક નવાં નવાણ નિહાળવા ઊડું ઊડું થયાં. ત્યારે સાયર દુભાઈને બોલ્યું કે —

હંસલા! પ્રીતિ કાગની, કષટ પડ્યે ઊડી જાય;
સાચી પ્રીત શેવાળની, જળ સૂકે કરમાય.

હે હંસા! મને સરોવરને કષ્ટ પડ્યે ઊડી જાય તે તો કાગડાનાં કામ. સાચી પ્રીતિ શેવાળની, કે મારાં જળ સૂકે એટલે પોતે પણ કરમાઈ જાય. ત્યારે ડાહ્યા માણસોએ કહ્યું કે એ હંસા!

હંસા! સાયર માનવીએ, કરીએં હાથાંજોડ્ય;
જેથી રૂડાં લાગીએં, તેથી તાણી મ ત્રોડ!

હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.