રંગ છે, બારોટ/7. કાઠીકુળ
ગરુડની મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્યપની રાણીયું. બેય વચ્ચે વાદ થયો : સૂરજના ઘોડા કેવા? સપતાસ કે કાળચરા (શ્વેત કે કાળા)?
નાગની મા કહે કે કાળા, ને ગરુડની મા કહે કે ધોળા. બેમાંથી જે હારે તે જીતેલીને ઘેરે દાસી બને એવો કરાર થયો. નાગની માતાએ પોતાના નવેય દીકરાને મોકલ્યા તે સૂરજના ઘોડાને પેટાળે વીંટળાઈ ગયા. સૂરજના ઘોડા કાળા દેખાણા. ગરુડની મા હારી, એટલે નાગની માને ઘેરે દાસીપણું કરે. ઘણે દીએ ગરુડ ગાગરડીમાંથી સેવાઈને બહાર નીકળ્યા. જોવે તો માને માથે ટાલ! હેં મા? શા કારણે આ ટાલ! મા પાસેથી આખી વાત જાણી નક્કી કર્યું. “નવે ય નાગને ન આરોગી જાઉં તો હું ગરુડ નહીં.” માંડ્યો પકડવા ને ગળવા. આઠ ગળ્યા ને એક નાગ ભાગ્યો. મેરુ પર્વતની તળેટીમાં નાગ તમરનો નેસ. ત્યાં પાડો થઈને ખાડુ ભેગો ચરવા મંડ્યો નાગલિયું ભેંસ્યું. ત્યાં ગરુડનો તાપ ન ઝીલી શક્યો. આળોટીને ચારણ થયો. નાગ તમરે ભેંસું ચારવા રાખ્યો, પોતાની દીકરી દીધી. પૂછ્યું : “એલા તારું નામ?” કહે કે “નાગ પિંગલ.” નાગપાંચમ આવી એટલે બાઈ ચાલી પૂજવા. હસીને પુરુષ કહે કે “તારા તો ઘરમાં જ દેવસ્તાનું છે. જોજે બીતી નૈ હો?” એમ કહીને પુરુષે અજાજૂડ નાગનું રૂપ લીધું. બાઈથી રાડ પડાઈ ગઈ, “વોય! નાગ!” ખોરડા માથે ગરુડ બેઠેલો, તેણે સાંભળ્યું. નાગ રૂપ ધારીને ઝડપ્યો, નહોરમાં ઉપાડ્યો, ને દરિયા-કાંઠે મગરમચ્છ બેઠેલ તેને માથે બેસીને એનો ભક્ષ કરવા બેઠો. મગર બૂડ્યો, તો એનેય ચાંચમાં લઈને ઉપાડ્યો. મેરુ પર્વતની દખણાદી કોરે સુવરણ જેવી ભોમ, જાંબુડાનું ઝાડવું, ચોરાશી જોજન ડાળ લાંબી, અશવ પરમાણે (ઘોડા જેવડાં) ફૂલ, ગજ પરમાણે ફળ, તેના રસમાંથી જાંબુવતી નદી જમનાજી નીસરી તે જાંબુડાનો રસ આ પછમ ધરામાં આવ્યો. તેથી આ જાંબુદીપ કહેવાણો. ગરુડ આ જાંબુડાની ડાળ માથે બેઠો. ડાળ ફેંસાણી, એને પણ નોરમાં લઈને ઊડ્યો, તે મેરુનું સાતમું ટૂંક હળવટ એને માથે જઈ બેઠો. ટૂંક ફેંસાણું, એનેય નોરમાં લીધું. ગરુડને એંકાર આવ્યો કે આ મેરુ જેવાય ખરેડવા મંડ્યા! હવે મારો ભાર ધરતી ન ઝીલે! હવે તો આકાશમાં જ પહોંચું. આકાશમાં સૂરજનો રથ ચાલ્યો જાય, એમાંથી ગરુડને અરુણે ભાળ્યો. “ક્યાં જાછ એલા ગરુડ? એલા આગળ ક્યાંઈ બેસ એવું નથી. આવ મારા ઠૂંઠા ઉપર બેસ.” “અરે તો તો તને સાતમે પાતાળ ખોસી દઈશ!” ગરુડ તો ઊડ્યો. એના નોરમાં પડ્યાં પડ્યાં નાગે નવ ખંડ જોયા. બહુ સ્તુતિ કરી : હે ગરુડજી, તારા નામની કિતાબ કરું, જો મને મૂકી દે તો હું શાસ્તર બનાવું. ગરુડે મગરમચ્છનાં હાડકાં, ડાળ, હળવટ અને મેરુનું ટૂંક લઈને દરિયામાં પડતું મૂક્યું. એને માથે લંકાનો ગઢ થયો. અને પછી આ નાગે આખી પૃથ્વી દીઠી તે પરથી નાગપિંગલ રચ્યું, ને એના દીકરા હમીરે હમીરપિંગલ રચ્યું. આમ ચારણ નાગમાંથી ઉત્પન્ન થયો. એના વંશવારસે કાઠીકુળની ઉત્પત્તિ વર્ણવી : સૂરજનો કરણ : કરણનો વરકેત : વરકેતનો રજકેત : રજકેતનો ધીરકેત : ધીરકેતનો બ્રહ્મકેત : બ્રહ્મકેતનો વીજકેત : વીજકેતનો કાણદેવ : કાણદેવનો દેગ : દેગનો દેગમ : દેગમનો આણો : આણાનો માણો : માણાનો એભલ પહેલો : એભલનો રવિચળ. માણો પંજાબમાંથી કાશીએ આવ્યા :
દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,
એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.
[માણાએ કાશી જીતી લઈને દાન (દાત)માં અર્પણ કરી, એ વાત વિખ્યાત છે. પછી કાઠી ગોકુળ આવ્યા.] કાશીમાં સોરંભનો ઘાટ બંધાવ્યો. ગોકળમાં ધનેસર તુંવર રાજ કરે તેને હરાવ્યો :
ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.
તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.)