ચૂંદડી ભાગ 1/3.જી રે ઈંટ પડે
પરણતાં વર-વધૂનાં હૈયામાં હજુયે ત્રીજું એક ગીત સંભળાવીને આ સંસારનાં નિરનિરાળાં શોભા-તત્ત્વોની યાદ દેવરાવે છે. આ માનવી જીવનના શણગારમાં એના મનને વિહાર કરાવે છે. એ શણગારો સંસારી છે, બલકે ઘરબારી છે. એ બધી રસ-સામગ્રી ભવિષ્યની ગૃહનારીને પોતાના નવા થનારા ઘર પ્રતિ ખેંચાણો કરે છે :
જી રે ઈંટ પડે ને ઘર નીપજે
નીપજે નીપજે રે રૂડો મેડીનો મ્હેલ, વધાવો મેં સુણ્યો.
જી રે મેડીનું માંડણ ઓરડો,
ઓરડાનું રે માંડણ રૂડી પરસાળ, વધાવો મેં સુણ્યો.
જી રે પરસાળનું માંડણ પારણું,
પારણાનું રે માંડણ રૂડો પુત્ર, વધાવો મેં સુણ્યો.
જી રે મેડીનું માંડણ ઢોલિયો,
ઢોલિયાનું રે માંડણ રૂડો કંથ, વધાવો મેં સુણ્યો.
જી રે પુરુષનું માંડણ પાઘડી
પાઘડીનું રે માંડણ રૂડું ફૂલ, વધાવો મેં સુણ્યો.
જી રે અસ્ત્રીનું માંડણ રૂડી કાંચળી,
કાંચળીનું રે માંડણ રૂડો હાર વધાવો મેં સુણ્યો.
હું તો વારી રે…ભાઈની વાડીને
વાડીમાં નીપજે રૂડો કંકુનો છોડ, વધાવો મેં સુણ્યો.
જી રે કંકુ ઘોળે ને રસ નીપજે
ચાંદલો કરશે મારી બાળુડી બહેન, વધાવો મેં સુણ્યો.