ચૂંદડી ભાગ 2/59.સાસરગામનું દર્શન

Revision as of 09:23, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|59|}} <center>[જાન ઊઘલતી વેળા ગવાય છે.]</center> <poem> ગોરાં…વહુ તે ભાઈને વી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


59
[જાન ઊઘલતી વેળા ગવાય છે.]

ગોરાં…વહુ તે ભાઈને વીનવે,
તારા ગામની સીમડી દેખાડ, રાયજાદા રે!
લાલ છેડો લટકાં કરે.

તમે આઘેરાં તે ઓઢો ગોરી ઓઢણાં,
મારાં છોગલિયાંને છાંયે ચાલી આવ, રાયજાદી રે!
— લાલ.

ઓલ્યે કેરડે તે ઝાઝાં કેરડાં,
ઓલ્યે લવિંગડે તે ઝાઝાં લવિંગ, રાયજાદી રે!
— લાલ.

તારા ગામની બજાર દેખાડ, રાયજાદા રે
તારા ગામની શેરિયું દેખાડ, રાયજાદા રે!
— લાલ.

આવી નદી ને નિર્મળી નીરખો નેહથી,
પરવત પિયરથી જાય, સાયર-સાસરવાસ, મારાં ગોરી રે!
— લાલ.

આવી વાડીઓ તે રાયની રળિયામણી,
જુઓ આંબાડાળે વળગી નાગરવેલ, મારાં ગોરી રે!
— લાલ.
ચંપો મોગરો ને કેવડો સોહામણો,
ગુંજે માલતી ને ફૂલે મકરંદ, મારાં ગોરી રે!
— લાલ.

આવ્યું સરોવર તે આપણું સોનારિયું,
જુઓ કમળે કમળે ભમરા પામ્યા મોહ, મારાં ગોરી રે!
— લાલ.

આવ્યો દરવાજો ને જુઓ ઘોઘા શે’રનો,
એની દોઢીઓની સાથે શોભા હોય, મારાં ગોરી રે!
— લાલ.

આવ્યા હાટકેશ્વર દર્શન કરીએ હેતનાં;
જુઓ ઉમા–મહેશ્વરની મળી જોડ મારાં ગોરી રે!
લાલ છેડો લટકાં કરે.