ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/મોરલીના મૂંગા સૂર

Revision as of 11:27, 19 June 2021 by MeghaBhavsar (talk | contribs)

મોરલીના મૂંગા સૂર


ઉલતો મેળો હતો – આભનો ને ધરતીનો પણ. ભાદરવાની વાદળીઓ રંગમાં તરબોળ હતી તો રંગબેરંગી યુવતીઓ ને યુવાનોની લીલા પણ છાકમછોળ હતી – ઘેર જવાની આખરી વેળા હતી ને?

જોકે ધરતી-આભની ગતિમાં ઘણો ભેદ હતો. આભમાં એક જ દિશાની ગતિ હતી. મેળાની ગતિ છિન્નભિન્ન હતી.

પણ મેળાના એક ખૂણામાં ભરાઈને ક્યારનાંય વાતો કરી રહેલાં પેલાં યુવાન-યુવતીની ગતિ તો ધરતી સાથે જડાઈ ગયેલી લાગતી હતી (જવાની દિશા સામસામે હતી તેથી).

યુવતીની આંખો આંસુભરી હતી. લાકડીનો ટેકો લઈને ઊભેલા યુવાનની આખીય આકૃતિ વિષાદમાં તરબોળ હતી.

યુવતી કહ્યે જતી હતી: ‘સાસુને બિલાડીની બીક ઓછી, પણ મારી વધારે. રોટલાનું ઓસાણું ને કઢીનું પાટડું, એ વગર કશીય ચીજ કોઠેલામાં ન રહેવા દે. ઘીની વાઢી કોક દબલીમાં મેલી હોય તોય વાઢી ઢાંકેલી કાછલી ઉપર નિશાની ને દબલીના પડ ઉપરેય એંધાણી. તોય પાછાં કોઠીઓ આડે એવાં ઢૂંકી રે કે આટલી ખણસ (દાઝ) તો બિલાડીનેય ઉંદર ઉપર નથી હોતી! ને બિલાડીથી કે ઉંદરથી જો દબલી ઉપરનું એંધાણ આઘુંપાછું થઈ ગયું તો જુઓ પછી આખાય ગામમાં મારી ફજેતી…

‘પૈણ્યોય પીટ્યો તાકતો ને તાકતો – હું તો જાણે હરાયું ઢોર. ખેતરોમાં જો ચાર લેવા એકલી ગઈ તો મારું આવી બન્યું. દસેકની મારી નણંદ છે એ પૂંછડે વળગેલી હોય જ કે કોકની સાથે હસતાં જોયાં કે જરીક જો ઊભાં રહ્યાં તો રજનું ગજ કરીને એના ભાઈને ભરવવાની. અડધું તો એનો ભાઈ પૂછી પૂછીને લાંબું કરે. ને પીટ્યો પછી મારા ઉપર એવો તૂટી પડે કે…’ ને એવી તો એ સુરખીભરી આંખો દ્રવી પડી – માર ખાતાં માળા જ જાણે તૂટી પડી!

યુવાને એને સાંત્વન આપ્યું: ‘આમ તો તું બા’દુર છે ને આવી ઢીલી?… તારાં માબાપ ભલે આબરૂ સામે જોઈને કશો રસ્તો ન કાઢે, બાકી મને તો…’ એ જ ક્ષણે એનો અવાજ ઢીલો પડી ગયો. બબડ્યો: ‘જો પૈણ્યો ન હોત તો – એક તો હાળો આ બે બૈરાંવાળો રાજનો મને કાયદો નડે છે. નકર નાતને તો હું ઘણોય પોંચી વળત!’

‘કાંઈ નઈ!’ આવું બબડી યુવતીએ પગ ઉપાડ્યો. ‘મારાં માબાપને કે’જે કે હું મળી’તી.

‘ઊભી રે.’ યુવાન એની આડે ફર્યો. કહ્યું: ‘તારે એકલીને દુઃખ છે એમ નથી. મારેય એવું કરમમાં બૈરું મળ્યું છે કે હેંડતાં કજિયો કરે છે. તારી સાથે આ આટલી વાર વાત કરી છે પણ ગામનું જો કોઈ જોઈ ગયું ને ઘેર જઈને વાત કરી તો તારી શી અજાણી છે એ કુવેચ? વાસણોનું ને ઢોરોનું તો આવી જ બન્યું. ને ગાળોના તો એવા પાપડ પિટાવાના!’

‘મારું તો વળી કોણ જાણે આજ–’ ને યુવતીએ પગ ઉપાડ્યો.

પાંચેક ડગ ભર્યાં હશે ને વળી યુવાન રસ્તા આડે જઈ ઊભો: ‘એમ કર: આજથી એવી ડાહી થઈ જા કે – નણંદ જાણે સગી બુન. સાસુનોય પડતો બોલ ઝીલી લે, ને વરનેય એમ થાય કે તારી આંખે એનાં જ એક અજવાળાં છે. પિયરમાં મહિને બે મહિને આવે છે એય સમૂળગું બંધ કરી દેવું. આમેય માબાપ તારું દુઃખ કાને તો ધરતાં નથી ત્યારે શું કામ આવવું? સમાચાર મોકલે તોય કે’વાનું કે ‘કામમાં છું.’ એટલે સાસુનેય થશે કે વહુનો જીવ ઘરમાં બરોબર ચોંટી ગયો છે. મારુંયે તારે નામ ન લેવું. ક્યાંક મળીએ તોય આડું જોઈને હેંડ્યાં જવું. સમજી’ને?

‘પછી?’ યુવતીએ સવાલ કર્યો.

‘આમ વિશ્વાસ બેસી જશે એટલે પછી એક દા’ડો આપણે બેય આવજો ને જાગતાં રાખજો.’

રાજી રાજી થઈ ઊઠેલી મુગ્ધાનું મોં છેલ્લા શબ્દો સાંભળીને એવું તો પડી ગયું: ‘ઊંહું! બધું મેલાય પણ મલકની માયા આપણાથી નઈ મેલાય.’

‘માર ખાઈ ખાઈને મરી જઈશ… જોને આ ધણી તો બે ગાઉ ઉપર પડ્યો છે ને ફાળભરી આંખે જો જો કેવું કરે છે!’

‘જુએ નહિ તો! ગામનું કોઈ જોઈ જાય ને ચાડી કરે તો ચામડીય રે’ કે ડિલ ઉપર. તારું તો એ નામ સાંભળે કે ભડકો થઈ જાય છે.’

‘તો પછી – સારું એમ કર – મેં કહ્યું એટલું કર. એક છ મહિના.’,

જુવાન પોતાની વાતમાં એવો તો મક્કમ હતો કે, યુવતીએ ’શું કરીશ?’ આવો સવાલ પૂછ્યો ત્યારેય સીધો જ એણે જવાબ આપ્યો: જે કરીશ એ ઠીક કરીશ. પણ એવું કરીશ કે તારે નંઈ દેશ છોડવો પડે કે નંઈ પડે આ વાટે જવુંય. છેલ્લો શબ્દ બોલતાં એવો એ હસી રહ્યો કે યુવતીને પણ ખાતરી થઈ: ‘આ વખતે તો એ મને લઈ જ જવાનો.’

એટલું જ નહિ, યુવાને તો છ માસ ઉપર આવી રહેલો આંબળીનો મેળો પણ નક્કી કરી નાંખ્યો….

ને વિદાય લેતી યુવતીએ તૂટી રહેલી આશામાં દોરો પરોવનાર તરફ એવી તો નજર નાખી કે મચ્છવેધ પછી દ્રૌપદીએ અર્જુન ઉપર આવી જ નજર નાખી હશે.

ચાલ પણ એની એટલી બધી ઉલ્લાસભરી હતી કે ક્યારે જાણે ઘેર પહોંચે અને ક્યારે આ નવી જાતની ભવાઈ શરૂ કરી દે.

પણ મેળાના નાકા આગળ ઊભી રહી પાછળ રહેલા લોકોની રાહ જોતાં સંગાથ ઉપર નજર પડતાં એ એકદમ થંભી ગઈ. હાક પાડીને કહ્યું પણ ખરું: ’જરા ઊભા રેજો, આવી આમ.’

ને સાડલાના પાલવે બાંધ્યા પૈસા છોડતી ઉતાવળી મેળામાં પાછી ફરી.

મોખરાની જ દુકાનેથી નણંદ માટે મોતીની એક માળા લીધી તો સાસુ માટે પણ શું લેવું એની સૂઝ ન પડતાં અત્તરવાળી છીંકણી છેવટ ખરીદી લીધી, ચાર આનાની.

પતિ માટેય લેવું હતું. શું લેવું એ સૂઝ્યુંય ખરું.

અરે પૈસા નો’તા તોપણ એણે પૂછી જોયું: ‘શું કિંમત આ પિત્તળની વાંસળીની, વોરાજી?’

વોરાજી ભડક્યા. ચકળવકળ નેણ ને બાઈમાણસ મોરલીના ભાવ પૂછતી હતી! કહ્યું: ‘મોરલી જોઈએ એમ? સવા રૂપિયો.’

યુવતીને આ મોરલી લેવાની વાત એટલી બધી ગમી ગઈ હતી કે, સાચેસાચ એને લેવી હોય એ રીતે મૂલવવા લાગી: ‘કાંઈ ઓછું?’

‘લાવ ચાલ રૂપિયો. ઉલતો મેળો છે. છોડ પૈસા.’

ઊભા રોં, હું લઈ આવું જો મળે તો’, ને નાકા આગળ ઊભેલી ટોળીમાં જઈ પૂછવા લાગી: કોઈની પાસે એક રૂપિયો છે વધેલો? ઘેર જઈને આપી દઈશ.’

– એક જણ પાસે નીકળ્યો પણ ખરો. આપતાં આપતાં સવાલ કર્યો: શું રહી ગયું છે એવું ભાભી?’

’છે એક વશ. લાવું એટલે જોજો.’ કહેતી યુવતી રૂપિયો લઈને રવાના થઈ ગઈ…

ને ઘડીકમાં પાછી ફરેલી આ યુવતીના હાથમાં વાંસળી જોઈ ત્યારે તો ગામની એ આખી યુવાન ટોળી એવી તો વિચિત્ર નજરે એકબીજા સામે તો વળી પેલી વાંસળી સામે જોવા લાગી!

ને તેમાંય જ્યારે ખબર પડી કે, એણે એ એના ધણી સારુ જ લીધી છે ત્યારે તો એક-બે બહેનપણીઓએ તો કહ્યું પણ ખરું: ‘લીધી તો છે પણ કોક દન આ વાંસળીનો માર તને જ ન પડે, તો યાદ રાખજે!’

‘પડશે તો વેઠી લઈશું.’ યુવતીએ લહેરથી જવાબ આપ્યો. મનમાં તો આમ પણ હતું: ‘વેઠવાનું તો આખું છ મહિના છે ને!’

ને અંધારું પડ્યું ઘેર ગયા પછી પેલા ત્રણેય જણને પોતપોતાને ગમતી વસ્તુઓ મળી ત્યારે તો—

સાસુ તો વળી અનાયાસે જ લવી પડ્યાં: ઓહો… કઈ પા આજે દન ઊગ્યો તે સાસુ સારુ છીંકણી લાવી ભા!’

પાડોશમાંથી પાડોશણે સૂર પુરાવ્યો: ‘હવેય નંઈ ઊગે ઉગમણો; સાસરે આવ્યે ત્રણ ત્રણ વરસ થયાં તોય!’

અલ્લડ એવો વર પણ ચોપાડમાંના ખાટલા ઉપર બેઠો બેઠો દીવાના પ્રકાશમાં બહેન મારફતે મોકલાવેલી વાંસળી જોતો વિચારમાં પડી ગયો હતો: ‘હાળી કાં તો છેતરતી તો નથી?’

સારું થયું કે વહુ વાંસળી લાવી હતી. બાકી કંઈ ખાવાનું લાવી હોત તો નક્કી હતું: પતિ એ પડીકું કૂતરાને જ નાખી દેત!’

ને એટલે જ એણે બીજા દિવસે ઇધરઉધર પૂછી જોયું: પેલી કાલે મેળામાં એના ‘ભાઈઓ’ સાથે હતી કે તમારા ભેગી ફરતી’તી?

પણ સહુ કોઈ જાણતું હતું આ ભાઈ હજી ઊભે પાણીએ છે ને રજા કહીશું તો ગજ કરશે, એટલે એક-બે જણે જોયું હતું. એમણે પણ ન કહ્યું કે, એના પિયરના ફલાણા જોડે વાતો કરતી જોઈ હતી.

વળી રૂપિયો પણ ગામાવાળા પાસેથી ઊછીનો લીધેલો નીકળ્યો એટલે પૈસાનો હિસાબ પણ બરાબર મળી ગયો..

છતાંય પતિ, જેવો આ વાંસળીને વગાડવા માટે હાથમાં લેતો કે, લાગલો જ દેવતાથી ચેતતો હોય એ રીતે ચેતી જતો: ‘હાળી ક્યાંક બનાવતી ન હોય!’

પણ બનાવવાની ક્યાં વાત! ઊલટાની એ તો એવી લાગતી જાણે

બાની સામેય ચૂં સુધ્ધાં નો’તી કરતી. જ્યારે પહેલાં તો એવા એવા જવાબ આપતી: ‘ચાર હાથ કરું કે શું? હવે તો પાંખો કરું તો પાણી ઝટ ઝટ ભરાઈ જાય! ઘરમાં બેઠાં બેઠાં તમારે તો જ્યાં-ત્યાં જીભ હલાવવી છે પણ જીભને ઝપાટે કામ ઓછું થાય છે? કરે છે એ જાણે છે.’

‘અરે ધણીને પણ કોઈ કોઈ વાર તો એવું પરખાવતી! ભગવાને જીભ આલી છે તે બોલશુંય ખરા! મારે કોણ મરી ગયું છે તે ન હસું?… ન કેમ બોલું? એની સાથે શું મારે વેર છે?… કાંઈ લુચ્ચો નથી બાપડો. એના કરતાં એમ કો’ કે તમને જ કમળો થયો છે.’

અને જો પતિ હાથ ઉપાડતો તો એ તું — તુંકારો પણ કરી બેસતી ને કોઈ વાર તો દર્દની મારી ગાળો પણ ભાંડતી: ‘મારા પીટ્યા કસાઈ, આટલું બધું જોર છે તો જાને કોક બળિયા સાથે બાથ ભીડને, અહીં ઘરના બૈરા આગળ શું જોર દેખાડે છે?’

પણ હવે તો એ વહેમ લાવતા પતિને પણ આંખો નચાવતાં આમ જ કહેતી: ‘આ રે’લ્લો તો ઓછો (કમ) હશે તે એની ઉપર હું મોહી પડીશ… લુચ્ચો હશે તો એ લુચ્ચાનેય જાણવા મળશે કે ધરતી ઉપર બધાં કાંઈ એકસરખાં નથી.’

છતાંય પતિને એનો વિશ્વાસ નો’તો પડતો. એટલે જ તો નાની બહેનને એ દમ પણ ભરાવતો હતો: ‘બોલ સાચું?’ પેલાં તો તું એની (ભાભીની) ન હોય એવી વાતો લાવતી’તી ને હવે કેમ કશું કે’તી નથી?’

છોરી બિચારી લાચાર અવાજે કહેતી: ‘આપણી માના સમ ભાઈ! જોઉં તો કહું ને? હવે તો મને છણકા નથી કરતાં… માની ને તમારી ય વાતો મેંઠી મેંઠી કરે છે…’

એ વાત સાચી હતી.

પહેલાં તો ભાભી આ નાની નણંદથી છણકા સિવાય વાત જ નો’તી કરતી. બલ્કે આંખના કાંટા જેવી લાગતી હતી. કારણ, લડાઈનું અડધું મૂળ તો આ નણંદ જ હતી ને!

પણ નણંદનિય ઝાઝો વાંક ન હતો. પતિ-સાસુથી અપમાનતિ થયેલી ભાભી અનાયાસે આ નણંદ ઉપર પોતાની રીસ ઠાલવ્યા કરતી. પાણીની માણ ચઢાવતાં માથા ઉપર પછડતી મૂકતી… તો ઘાસનો ભારો પણ એવો કચકચાવીને બાંધતી કે દેખાય ત્યારે પૂળેટો ને ભાર જોયો હોય તો દોઢ મણનો!

પણ હવે તો એ ખાટલામાં સવારે ઊઠે ત્યારથી જ નણંદ સાથે એવી રીતે વાત કરતી કે – નણંદને જ નહિ – સાસુના હૈયે પણ વહુ તરફ વહાલ ઊઠતું.

પાણિયારે પણ હળવેક રહીને નણંદના માથા ઉપર માણ ચઢાવતી ને ઊઢેણું જો સાંકડું હોય તો મૂકેલી માણ ઉતારીને એ પોતે સરસ ઊઢણું વાળી આપતી.

ચાર વખતે પણ વાટ આવતાં અવારનવાર પૂછ્યા કરતી: ‘ભાર તો નથી લાગ્યો બુન? ખાવો છે થાક? ઉતારું ભારો?….’

પણ નણંદને માથે હવે પૂળેટો એટલો બધો હળવો રહેતો ને એમાં વળી ભાભી અવારનવાર પૂછીને જાણે આટલો ભારેય ફૂલ સરખો કરી આપતી હતી..

સાસુને જ નહિ, ચારેક મહિનાના ગાળા પછી તો પતિને પણ લાગવા માંડ્યું: ‘ના ના. ઘડાઈને હવે ઠેકાણે આવી છે.’

એક વાર એણે એ પણ જોયું હતું કે, મા વગેરે પેલા જુવાનની વાત કરતાં હતાં પણ એ સાંભળવાય પત્ની ઘરમાં નો’તી રોકાઈ ને નણંદને લઈને ખેતરે ચાલતી થઈ હતી..

ને આ બધા પુરાવા કરતાં રાતના પૂરાવા તો વળી એવા હતા કે—

પહેલાં તો પત્ની દળવામાં તથા ઠોબરઠીકરમાં (વાસણકૂસણમાં) એવી ગૂંથાઈ રહેતી કે ઘરમાં સાસુનો કે ગુંજારમાં પતિનો કોઈનોય ખાટલો નો’તી પાથરતી. પોતાનો ખાટલો પણ પેલા બધા ખાટલા ભેગા થઈ ગયા હોય તે પછી છેલ્લા કામ તરીકે નાહી આવીને છેવટમાં પાથરી લેતી. પતિ તો ભલું હોય તો ઊંઘી ગયો હોય ને ખબરેય ન પડે કે ક્યારે બાજુમાં ખાટલો ઢળાયો.

પણ હવે તો પતિ તથા નણંદ વગેરે જમતાં હોય ને પોતે જ ઘંટીએથી ઊઠતાંકને ચારેય ખાટલા પાથરી દેતી. બે મોવડમાં ને બે ગુંજારમાં.

જમવાનું તથા વાસણકૂસણ વગેરે પણ એવી ઝડપથી પતાવી દેતી કે કોઈ દિવસ તો સાસુ મોવડમાં પડોશીઓ સાથે વાતો કરતાં બેઠાં હોય તો પોતે જ ગુંજારમાં જઈને—

પહેલાં તો – જો મારઝૂડ થઈ હોય તો પતિ સાથે અઠવાડિયાના જ સીધા અબોલા. ગાળો ભાંડી હોય તો બે-ત્રણ દનના, ને દાંતિયાં કર્યાં હોય તો – બલ્કે પતિનાં દાંતિયાં તો રોજનાં હતાં, તો પત્નીને રિસામણાં સદાનાં હતાં – એક પણ દિવસ એ પતિના ખાટલે નો’તી ગઈ.

પણ હવે તો – કોઈ કોઈ વાર તો સીધી જ એ પતિના ખાટલે પોઢી જતી’તી.

ને પત્નીની આ બધી રીતભાત જોઈને પતિના દિલમાં એવો તો વિશ્વાસ જામતો ગયો કે—

એક રાતે પત્નીને એણે સવાલ કર્યો: સાચું કે – જૂઠું બોલે તો તને તારાં માબાપના સમ—

પત્ની વચ્ચે બોલી: ‘પિયરમાં ક્યાં જઉં તે હવે?’

‘તો તને—’ પતિને પોતાના સમ દેવા હતા પણ હજી એનામાં એટલો વિશ્વાસ નો’તો પ્રગટ્યો. કહ્યું: ‘તું કે’ એના સમ દઉં?’

‘સમ શું કામ દેવા છે પણ?’

પણ પતિને તો હવે પહેલા પ્રશ્ન કરતાંય આ બીજો પ્રશ્ન મહત્ત્વનો થઈ પડ્યો. કહ્યું: ‘એ વાત પછી. પે’લાં આ કે’ કોના સમ – કોણ તને વધારે વા’લું?’

પત્ની પણ હવે મન મૂકીને ‘નાટક’ કરતી હતી. અરે નાટક કરતી હતી એ વાત જ ભૂલી ગઈ હતી. બોલી: ‘બાપ કરતાં મા વા’લી, મા કરતાં સાસુ વાલા ને સાસુ કરતાંય ધણી વા’લો.’

બિચારો પતિ! એને તો હજી ક્યાંક શંકા ઊઠતી હતીઃ ‘હાળી કાં તો બનાવે છે!’

હાસ્તો ભિખારીની સ્થિતિમાંથી રાજાપદે – અરે આ પળે તો પોતે જાણે પત્નીના હૃદયસિંહાસન પર બિરાજતો હોય એવું એને લાગતું હતું – કેવી રીતે માની શકે!

અને એણે – એનેય ખબર નથી, પત્નીને પોતે ચેતવતો હતો કે, પછી વિનંતી કરતો હતો – કહ્યું: ‘જોજે બનાવતી હાં?’ ને લાગલો પછી સવાલ કર્યો: ‘તો કે’ હેંડ, ક્યાંથી તને આ વાંસળી સૂઝી?’

પત્ની વિચારમાં પડી ગઈ. ‘ક્યાંથી એમ?’ આવું બબડી પાંચેક માસ ઉપરના ભૂતકાળમાં ડૂબકી મારી. એ વખતની પોતાની જાતમાં પ્રવેશ કરીને (નાકા પાસે વોરાની હાટડી હતી. હાટડીએ પોતે ગઈ હતી ને… પતિ માટે શું લેવું તે વિચારતી હતી ત્યાં જ લાકડીને ટેકે ઊભેલી પેલી મૂર્તિના હાથમાંની વાંસળી એના ધ્યાનમાં આવી.) કહેવા લાગી. ‘ક્યાંથી તે મેળામાં એક જણ પાસે આવી જ વાંસળી જોઈ હતી.’

‘જોઈ તો હશે સ્તો. આપણા ગામમાં બે-ત્રણ જણ પાસે છે. પણ આવું કરવાનું મન કેમ થયું?’

પત્ની કેવી રીતે કહી શકે કે પેલાએ એને વિશ્વાસ બેસાડવાનું કહ્યું હતું ને એમાંથી પછી પોતાને આ બધું ઊકલ્યું હતું? બોલીઃ ‘રામ જાણે પણ મનને એમ થયું કે ઘણા દન લડ્યાં. હવે બધાંને રીઝવી લેવાં!’

‘તો તો, હવે મારે તને રીઝવવી જોઈએ.’ રીઝેલી જ છું હું તો.’

‘ના. તે જેમ મને વાસળીથી રીઝ્યો એમ મારેય તને—’ ને ટૂંકમાં જ પતાવ્યું, ઠીક છે. દેખ મઝા, કેવું હું લાવું છું એ?’

અલબત્ત પત્નીએ બે-ત્રણ વાર પૂછ્યું હતું: ‘શું લાવશો?’ પણ એય જાણે પૂછવા ખાતર પૂછતી હતી.

કોણ જાણે કેમ પતિની આ પ્રસન્નતા ને પ્રેમ, ખુશ કરવાને બદલે ઊલટાનાં પત્નીને અકળાવતાં હતાં…

ઓછું હોય તેમ પતિ જ્યારે ભાડું ભરીને શહેરમાં ગયો ને પોતાની મા ન જાણે એમ એક કબજો લાવ્યો ત્યારે તો—

વહેલું વહેલું વાળુ પતાવી, મોવડ તરફનું બારણું વાસી પત્નીએ એ પહેરી જોયો.

ને ભરત ભરેલી એ સારસ જોડી પાસપાસેની ટેકરીઓ ઉપર ઊભી હોય ને ગેલમાં આવી એકબીજાથી ચાંચો લડાવતી હોય એવું આ ચિત્ર જોયું ત્યારે તો—

પત્નીથી પણ પૂછ્યા વગર ન રહેવાયું: ‘તમને તમારી માના સમ, જો જૂઠું બોલો તો, ક્યાંથી આ આવો–’

પતિ વચ્ચે બોલ્યો: ‘તો તો હું જૂઠું જ બોલીશ – ડોશી હવે મરવા જોગ થયાં છે.’

પત્ની સમજી ગઈ. છતાંય એનાથી એમ તો ન જ કહી શકાયું: મારા સમ’ બલકે લાડ કરતાં બોલી: ‘તમારી વહુના સમ. જો સાચું ન કહો તો.’ (પતિ માટે આટલુંય ઘણું હતું.)

ને પતિએ પછી માંડીને વાત કરી. કેવી રીતે એ ગામના બીજા ગાડાવાળાઓથી છૂટો પડીને બજારમાં ગયો ને દુકાનમાં જઈને શું લેવું ન લેવું એ વિચારમાં ગૂંચવાવા લાગ્યો. ને છેવટ પછી વાણિયાએ ગમ ભાળ્યો. કે’છે: ‘બૈરાંને જો રીઝવવું હોય તો કિંમતી તો પડશે પણ લઈ જા આ ભરેલો કબજો. હમણાં જ તારા જેવો કોક રસિયો જીવ આમાંનો એક લઈ ગયો ને એક આ રહ્યો છે.’

બિચારી યુવતી? એને શી ખબર કે—

એ તો જ્યારે આંબળીના મેળામાં ગઈ ને ‘પે’લાને સાથે જવાની ના પાડી ત્યારે જ ખબર પડી કે—

ફરી જતું માથું પકડી રાખતાં પેલાએ જાણે ચીસ નાખી: ‘ગાંડી ન થા. તારા સારું લૂગડાંય એવાં એવાં લાવ્યો છું કે—’

યુવતીને વહેમ પડ્યો: પેલો કબજો લઈ જનાર આ જ રસિયો જીવ હશે. પણ એ પૂછવાની એનામાં હવે હિંમત જ નો’તી રહી. બોલી તે પણ આંસુ સારતાં: ‘મારાથી હવે એ ઘર નંઈ છોડાય! કોટી ઉપાયેય એ આદમીનો પતિનો) મારાથી વિશ્વાસભંગ નઈ થાય… મારું જો તું ભલું ઇચ્છતો હોય તો મને તું લલચાવતો નંઈ.’ ને પીઠ ફેરવી.

કાળઝાળ યુવાન આડો ફર્યો: ‘તને ખબર છે? તારા સારુ તો ગઈ કાલે સાસરીમાં જઈને મેં કાઢી મૂકેલી વહુને હાથછેડોય ફાડી આલ્યો. ને હવે તું—’

મૌનની ચીસ હોય એમ યુવતીનું મોં પહોળું થઈ ગયું. આંસુભરી આંખો પણ સહરાના રણ સરખી બની હતી…

પરંતુ કળ વળ્યા પછીય ક્ષમા યાચતી સૂરતે, અધમૂઆ સરખા આ યુવાન સામે નજર માંડી એકની એક વાત લવી રહી: ‘મીં કર્યું એમ તુંય કર. વહુની આગળ ગળી જા ને લઈ આવ પાતીં તાં’ કહ્યું એમ કર્યું મીં તો… એમાંથી આવું થઈને ઊભું રહ્યું. હું શું કરું!’ ને સ્વપ્નમાંથી જાગતી હોય તેમ ચાલતી થઈ. ખરી રહેલાં આંસુઓને પાલવમાં સંતાડતી ને લવારો કરતી: ‘જા, ને લઈ આવ. મીં કર્યું એમ તુંય કર – હજાર દુઃખનું એક જ ઓસડ!’