ગુજરાતી એકાંકીસંપદા/રૂમનો ટી.બી. પેશન્ટ

Revision as of 13:16, 30 May 2022 by KhyatiJoshi (talk | contribs)
રૂમનો ટી.બી. પેશન્ટ
રમેશ શાહ
પાત્રો

પુરુષ
ઊંચો માણસ
સ્ત્રી

(મજાની રૂમ છે. જમણી બાજુ બહાર જવા માટે બારણું તથા ડાબી બાજુ રસોડાનું બારણું છે. સામેની દીવાલમાં બે બારી છે. ડાબી બાજુ ટેબલ તથા બે ખુરશીઓ છે. ટેબલ પર પુસ્તકો તથા લેખનસામગ્રી મૂકેલાં છે. મધ્યભાગમાં સોફો વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. જમણી બાજુ નાના સ્ટૂ્લ પર ફૂલદાની, નજીકના કબાટમાં શ્રીકૃષ્ણનો ફોટો, ફૂલ, ઘીનો દીવો, અગરબત્તી જણાય છે. કબાટના ઉપરના ભાગમાં ટ્રાન્ઝીસ્ટર, તેની બાજુમાં એક-બે રમકડાં, નજીકની દીવાલ પર સ્ત્રી-પુરુષનો કપલ ફોટો છે. બારી પાસે એક પોપટનું પાંજરું લટકે છે. નીચે છાબડીમાં થોડાં મરચાં પડ્યાં છે. લેન્ડસ્કેપ દર્શાવતું કૅલેન્ડર બારીમાંથી આવતા પવનથી ઊડ્યા કરે છે. એક પુરુષ સોફા પર પુસ્તક વાંચતો બેઠો છે. ઉંમર આશરે ૩૭ની આસપાસની છે. પુસ્તક બંધ કરી, પછાડીને મૂકે છે. છાબડીમાંથી મરચું લઈ, પોપટના પાંજરામાં નાખે છે વ્હિસલ લગાડી પોપટને ખુશ કરવા પ્રયત્ન કરે છે. એકદમ રેડિયા તરફ ધસી જઈ, તેને ચાલુ કરી બારી પાસે ઊભો રહે છે.)

રેડિયોધ્વનિઃ ધીમે ધીમે મનુષ્યે પ્રગતિ સાધી. જંગલમાંથી એ નગરમાં આવ્યો. ભવ્ય ઇમારતો, વિવિધ વાહનો, મનોરંજનનાં સાધનો, બગીચાઓ, રાજમાર્ગો, શિક્ષણ-સંસ્થાઓ, મનોહર દેવાલયો, ફૅશનેબલ વસ્ત્રો, ખેતી, ઉદ્યોગો એ માનવસંસ્કૃતિની ઉત્તમોત્તમ ફલશ્રુતિ છે. મનુષ્ય જંગલી મટી સામાજિક–Social બન્યો. હવે એ સુખચેનમાં રહેવા લાગ્યો. સૌથી વિશેષ સુખી…
પુરુષઃ ઓહ! (રેડિયો બંધ કરે છે. પોપટ વિચિત્ર અવાજ કરે છે. ફરી પુસ્તક વાંચવા પ્રયાસ કરે છે. તેને બંધ કરી પછાડે છે. બારી પાસે જઈ ઊભો રહે છે. લાંબા વાળ અને બન્ને ગાલ પર શ્રવણના કાવડ જેવા સાડા ત્રણ ઇંચિયા થોભિયાવાળો ઊંચો માણસ રસોડામાંથી પ્રવેશે છે. તેણે કેસરી ઝભ્ભો તથા ભૂખરો પેન્ટ પહેર્યો છે.

{{Ps |ઊંચો માણસઃ |(થોડી વાર બારી તરફ ઊભેલા માણસને જુએ છે.) ચાલ, રૂમ બહાર આવવું છે? પુરુષઃ પોપટ મરચાં ખાતો નથી. (વિરામ) મારે રૂમ બહાર જવું જોઈએ. ઊંચો માણસઃ તું શું બોલ્યો? પુરુષઃ (થોડી ક્ષણો મૂંગો રહે છે.) તું મને કંઈ પૂછે છે? ઊંચો માણસઃ હા. પુરુષઃ શું? ઊંચો માણસઃ તું શું બોલ્યો? પુરુષઃ મને કંઈ ખબર નથી. તું મને કંઈ પૂછીશ નહિ. (વિરામ) ઊંચો માણસઃ (બારણા તરફ જઈ, પાછા ફરી) આપણે બહાર જતા રહીએ. પુરુષઃ હા, આપણે બહાર જવું જોઈએ, અહીં બેસી રહીશું, તો કાગડા બની જઈશું. કદાચ ઘૂવડ પણ બની જઈએ. ઊંચો માણસઃ હું એટલે જ કહું છું કે આપણે અહીંથી વહેલી તકે ચાલ્યા જવું જોઈએ. રાત પડે, તે પહેલાં આપણે નીકળી જઈએ. (ડાબી બાજુ જાય છે.) પુરુષઃ પોપટ આજે મરચાં ખાતો નથી. કાલે એ મરી જશે. એનો લીલો રંગ ઊડી જશે. (વિરામ) આ રેડિયોથી તો તોબા! વગાડું છું ત્યારે ઘૂરર… ઘૂરર… અવાજ કર્યા કરે છે. ઊંચો માણસઃ ચાલ જલ્દી કર. પુરુષઃ મને તૈયાર તો થવા દે. ઊંચો માણસઃ રૂમ બહાર કોઈ નથી. તને કોઈ જોઈ શકવાનું નથી. (વિરામ) પુરુષઃ માથાના વાળ જરાક ઠીક કરી લઉં. ઊંચો માણસઃ (હસે છે) પવન સાથે એ લટોને રમવા દે. ભલે જલબિંદુઓનો એના પર છંટકાવ થાય. સૂર્યકિરણો ભલે ને એમાંથી પસાર થતાં! કમબખ્ત કાંસકાઓ! પુરુષઃ (વિમાસે છે) મારે નથી આવવું. (ખુરશીમાં બેસે છે.) ઊંચો માણસઃ કેમ બેસી ગયો? ચાલ… પુરુષઃ ના. ઊંચો માણસઃ પણ એકદમ શું થયું? હમણાં તો તું આવવા તૈયાર થયો હતો… પુરુષઃ તું રસોડામાં શું કરતો હતો? મને ભૂખ લાગી છે. મારી પત્ની… ઊંચો માણસઃ રોટલો, શાક, ત્રણ-ચાર કેળાં છે. લાવું? (રસોડામાં જાય છે. પુરુષ વળી એક મરચું પાંજરામાં નાખે છે. ડિશમાં ખાદ્યપદાર્થો લઈ ઊંચો માણસ પ્રવેશે છે) પુરુષઃ તને રસોડામાં વાર કેમ લાગી? તેં એને કિસ કરી ને? (ઉશ્કેરાટ) યૂ રાસ્કલ! (વિરામ) ચાલ્યો જા અહીંથી… ઊંચો માણસઃ જા, પોપટને એક મરચું ખવડાવ. લે શાક, જરા તીખું તીખું છે. તારી પત્નીના હોઠ ફિક્કા કેમ છે? પુરુષઃ એને ટી.બી. થયો છે. (વિરામ) એની ઉંમર ત્રીસ વર્ષની છે. સાત વર્ષ પહેલાં એના ગાલ સુંવાળા રાતા હતા. ત્યારે એનું હાસ્ય મને ખૂબ ગમતું. (વિરામ) એનું પ્રત્યેક અંગ સુડોળ (વિરામ) હવે ભાગ્યે જ એ છ મહિના જીવે! ચાલ, આપણે જતા રહીએ. (વિરામ) મારાથી તારી સાથે ભાગ્યે જ આવી શકાય! ઊંચો માણસઃ લે. કેળું ખા. (પુરુષ કેળાંની છાલ હટાવીને બે-ત્રણ બટકાં ઉતાવળે ભરે. ઊંચો માણસ પાણી લેવા રસોડા તરફ જાય) પુરુષઃ મારે પાણીની જરૂર નથી. મારી પત્નીને તું ડિસ્ટર્બ ન કર. ઊંચો માણસઃ તેં એની સાથે લગ્ન કર્યું છે? એને બહાર જવાનું મન નથી થતું? કદાચ ટી.બી… (સોફા પર બેસે છે) જો મારું શરીર હવે ક્ષીણ થવા માંડ્યું છે. મારી આંખોની આસપાસ કાળાં કૂંડાળાં રચાયાં છે. આ પાંસળીઓ કરંડિયાની સળીઓ જેમ અક્કડ બની ગઈ છે. હું કદાચ બહાર નહિ જઈ શકું… કદાચ… પુરુષઃ આઠ વર્ષ પહેલાં હું પરણ્યો. (ઊંચા માણસની નજર કપલ ફોટા પર પડે છે.) મારા પિતા પણ પરણ્યા હતા. મારા દાદાના દાદાઓ વિધિપૂર્વક પરણ્યા હતા. વંશવૃદ્ધિ ન કરીએ તો મનુષ્યજાતિનો ભયાનક અંત! ઊંચો માણસઃ તારે કેટલાં સંતાનો છે, બે, ત્રણ કે બાર? પુરુષઃ બરાબર યાદ નથી. સંતાનો થયાં કે નહિ, તેની મને ક્યાંથી ખબર હોય? મારી પત્ની બરાબર જાણે છે. એ તો ટી.બી. પેશન્ટ… થોડા દિવસની મહેમાન! સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… ઊંહ… ઊંચો માણસઃ જા, તારી પત્નીને એક ચુંબન કરી આવ. અથવા તું પોપટને મરચાં નીરે, ત્યાં સુધીમાં હું એક ચુંબન કરી આવું… એના હોઠ… પુરુષઃ એના હોઠ હવે કદીય ખીલવાના નથી. હસવા માટે નકામા. (થૂંક ગળવાનો પ્રયાસ કરે છે.) ઊભો રહે, તું મારી પત્નીને ચૂમીશ નહિ… ઊંચો માણસઃ બિચારી સ્ત્રી! (વિરામ) પુરુષઃ આપણે મોડા તો નહિ પડીએ ને? સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… મને જરા… પાણી… ઊંચો માણસઃ આપણે ખૂબ મોડા છીએ. કદાચ રૂમમાં દાખલ થયા, ત્યારથી જ, મોડા થયા છીએ. (વિરામ) હજુ પણ ઉતાવળ કરીએ, તો વહેલા પણ પડીએ. ચાલ… (ચપટી વગાડે છે.) પુરુષઃ છેલ્લી વાર મારી પત્નીનું મુખ જોઈ આવું. બુદ્ધે યશોધરાનું મુખ જોયું હતું. નળે દમયંતીનું… ઊંચો માણસઃ એટલે જ તેઓ કશું કરી શક્યા નથી. પત્નીઘેલા… ભીરુ. પુરુષઃ રામ સીતાને વનમાં લઈ ગયા હતા. હું એને બિચારીને… બિચારી થોડા દિવસ જ જીવવાની છે. (વિરામ) ભલે પેલા ડુંગરોમાં ઘૂમે… પેલા ઝરણાનો નિનાદ સાંભળે… પંખીઓના કલરવ સાથે થોડું ગાઈ લે. ઊંચો માણસઃ હું ક્યાં ના પાડું છું. તેં એની સાથે લગ્ન કર્યા છે. પુરુષઃ એ મારી પત્ની બની બેઠી છે. હું એનો પતિ. (વિરામ) હું એને ચાહતો નથી. (વિરામ) એ પણ મને ચાહતી ન હોય! એનું મુખ કરમાઈ ગયું છે. એના હોઠ સૂકાસૂકા… ઊંચો માણસઃ હવે ભલે એ મરી જાય… સ્ત્રીનો અવાજઃ (અંદરથી) પાણી આપો… જરા… ઊંચો માણસઃ રૂમમાં એનું શબ સડી જશે. પુરુષઃ (ખુરશી નજીક ઊભો રહી) એની દુર્ગંધથી મારું ગળું રૂંધાય છે. એની ફાટેલી આંખો મારા હૃદયમાં ડામની જેમ ચંપાય છે. એના ફૂલેલા હાથ, મારા ગળાને ભીંસ દે છે. ઓહ! (વિરામ) એને મૂકીને… ઓહ… એ મને છોડતી નથી… તું ચાલ્યો ન જઈશ… મારાથી બહાર જઈ શકાતું નથી. ઓહ! (બેસી પડે છે.) ઊંચો માણસઃ બહાર હમણાં તારાઓ ઊગશે. આકાશનાં એ પુષ્પો પૃથ્વી પર સુવાસિત પ્રકાશ ઢોળશે. (બારી પાસે જાય છે. આપણે એમાં નાહીશું. સમીરવસ્ત્રો આપણા શરીરને વીંટળાશે. પેલાં પુષ્પો મજાની વાત કહેવા તલસી રહ્યાં છે. ઘાસ નમી નમીને આમંત્રે છે… હું જાઉં છું. તારે આવવું છે? પુરુષઃ પેલા કૃષ્ણ જોયા? વંદન કર એમને. ઊંચો માણસઃ પેલા ગોપીઘેલા… (હસે છે.) હજારો વંદન (નજીક જઈ નમે છે.) સ્ત્રીઘેલા… (વિરામ) એમણે જે રસ્તો બતાવ્યો, એ જ આપણે ભૂલી ગયા. પુરુષઃ હરેકૃષ્ણ… હરિકૃષ્ણ… ઊંચો માણસઃ મુક્ત સહચાર… માખણચોર હૃદયનો ઉઠાવગીર! કોઈની પત્નીને ચાહતો હતો એ… એકાંતમાં રાસ ખેલતો હતો એ, સદા આનંદી, બેહદ રમતિયાળ… ઇન્દ્રનો કાનૂન એણે તોડ્યો હતો. આસક્ત હોવા છતાં પૂર્ણ પુરુષોત્તમ…! પુરુષઃ હરિકૃષ્ણ… હરેકૃષ્ણ… સ્ત્રીનો અવાજઃ (અંદરથી) બહાર કોઈ છે? પાણી… ઊંચો માણસઃ કૃષ્ણને મારા નમસ્કાર… પુરુષઃ આપણે કૃષ્ણને સાથે લઈ લઈએ. ઊંચો માણસઃ તું પોપટને મરચાં ખવડાવ. તારી પત્નીને દવાનો ડોઝ આપ. કૃષ્ણની આરતી ઉતાર. (એક પુસ્તક હાથમાં લઈ, એક પાન પર આંગળી મૂકી) બની શકે તો આ ફકરાને મોઢે કર. મને જવા દે. પુરુષઃ ભાઈ… ઊંચો માણસઃ ચૂપ, મને ભાઈ ન કહે. બની શકે તો ઊંચો માણસ કહે. મારા કરતાં ઊંચો માણસ ભલે મને નીચો માણસ કહે, દસ ફૂટનો માનવી મને ઠીંગણો કહી શકે છે. તારી પત્ની ભલે મને સશક્ત માણસ કહી બોલાવે. (વિરામ) પુરુષઃ મારું નામ તેં પૂછ્યું નહિ. ઊંચો માણસઃ હું તને ઓળખું એટલું બસ નથી? પુરુષઃ મારું નામ મેં નથી પાડ્યું. ઊંચો માણસઃ નામ વિના તું જીવી શકતો નથી? પુરુષઃ હું નરોત્તમ, મારા પિતા મણિલાલ, દાદા ચંદુલાલ. તેમના પિતા મનસુખભાઈ અમથાલાલ કીલાચંદ ખુશાલભાઈ ગાંડાભાઈ… ઊંચો માણસઃ બસ… બસ… બસ… એ બધાને યાદ કર્યે શો લાભ? તારે પુત્ર છે? (વિરામ) તારા પુત્રને પણ પુત્ર થશે. કદાચ ન પણ થાય. પુરોગામી કે અનુગામી પેઢીની રટણા એ મૂર્ખતા છે. (વિરામ. તારી પત્નીને જિવાડ.) પુરુષઃ ઓહ… મારી પત્ની… ઊંચો માણસઃ એને તું છૂટાછેડા આપી દે. કદાચ એનો ટી.બી. મટી પણ જાય. પુરુષઃ હં ત્રાસી ગયો છું એનાથી… (વિરામ) મને ખૂબ ગમે છે. એના કરતાં બીજી સ્ત્રીઓ વધારે ગમે છે. હવે કંટાળી ગયો છું, આ રૂમથી. આ દીવાલોમાં મારા શ્વાસોચ્છ્‌વાસો સડે છે. પેલા કૃષ્ણને મને ઊંધો લટકાવીને ચાબુકથી હજારો ફટકા મારીને, મારી ચામડીને બહેરી બનાવી દીધી છે. (વિરામ) મારી પત્નીના નખ મારી જાંઘમાંથી આરપાર નીકળી પલંગના તળિયાને સ્પર્શે છે. રોટલાની તીખી વાસથી હું ગૂંગળાઈને ઢગલો થઈ જઈશ હવે હું… હવે… (વિરામ. મુખ લૂછે છે.) ઊંચો માણસઃ તું કેળું ખા, પાણી હું લાવી આપું છું. તારાથી ચાલી શકાય તો હું જરા ટેકો આપું. (નજીક જાય છે.) પુરુષઃ મારાથી ચાલી શકાશે નહિ? તારા ટેકાની મારે જરૂર નથી. મારાથી ટેકા વગર ચાલી શકાશે? મારાથી ચાલી શકાતું નથી… ચાલી શકાતું નથી… સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… મોત પણ આવતું નથી… ઊંચો માણસઃ પેલાં વૃક્ષો ચાલતાં ચાલતાં આ તરફ આવી રહ્યાં છે. ઈસુને વધસ્તંભે જડી દીધા ન હોત, તો એ ચાલીને પેલા તારાઓ સાથે રમવા જાત. પવન અને નદીઓ તો જાણે હરીફાઈ કરી રહ્યાં છે. સૂર્ય એમ્પાયર! (વિરામ) તું એક ડગલું ચાલ. પુરુષઃ મારાથી જરાય ચાલી શકાશે નહિ. મારી પત્નીને હું ચૂમી શકીશ કે નહિ, એ હું જાણતો નથી. મારો પુત્ર મને ‘પપ્પા’ કહે છે, ત્યારે સારું સારું લાગે છે. ઊંચો માણસઃ તારા છોકરાને તો મેં જોયો નહિ. પુરુષઃ આ આરડામાં જંપીને બે ઘડી ક્યાં બેસે છે? નિશાળે જશે, પછી નિરાંત! (વિરામ) ઊંચો માણસઃ એને ટી.બી. થયો છે? પુરુષઃ કદાચ ના. એને થવાનો હોય એ હું જાણતો નથી. મારી પત્નીથી એ દૂર રહે છે. મારી પત્ની એના પુત્રને ખૂબ ચાહે છે. મારી પત્ની મને ચાહતી નહિ હોય… (વિરામ) એટલે જ હું એને ચાહતો નથી. કદાચ મારો પુત્ર પણ મને નહિ ચાહતો હોય. ઊંચો માણસઃ તારો પુત્ર પાછો ફરે તે પહેલાં આપણે નીકળી જવું જોઈએ. હવે મોડું કરીશું તો પછી કદાચ બહાર જઈ શકીશું નહિ. સૂર્ય આથમી જાય, કે ચંદ્ર હવાઈ જાય, એની મને પરવા નથી. પુરુષઃ તારાઓને વાળીઝૂડીને આકાશ સ્વચ્છ સ્વચ્છ કરી દેવાનું મન થાય છે. (વિરામ) ચંદ્રને લાત મારી, ગોલ કરવાનું મન રોકી શકાતું નથી. પેલી નદીઓના પ્રવાહમાં ચત્તો સૂઈ, દૂર સુધી તણાયા કરું. ઊંચા પહાડોને ઊંચકી ઊંચકી મારી પત્નીની આંખોમાં પૂરી દઉં. ઊંચો માણસઃ જો કૃષ્ણે તારા તરફ જોવાનું શરૂ કર્યું. પુરુષઃ એ તારા તરફ પણ જુએ છે. ઊંચો માણસઃ મને એની આંખોની દયા આવે છે. દયામય! પુરુષઃ કામણગારો છે એ… ઊંચો માણસઃ એની આંખો પર કપડું ઢાંકી દે. એ જુએ નહિ એ રીતે આપણે ચાલ્યા જઈએ. (પુરુષ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી કૃષ્ણની છબી પર ઢાંકે છે.) પુરુષઃ ચાલ, હવે જતા રહીએ. (રસોડા તરફ નજર નાખે છે.) ઊંચો માણસઃ હા, ચાલ જરૂર હોય તો મારો હાથ પકડ. પુરુષઃ ના, ના. હું સ્વસ્થ છું. હજારો માઈલ ચાલવાનું છે. (ધીમે ધીમે બારણા નજીક જાય છે.) સ્ત્રીનો અવાજઃ ઓહ, પાણી… કોઈ તો પાણી આપો. (રસોડામાંથી વાસણ ગબડવાનો અવાજ સંભળાય છે. બંને ઊભા રહી જાય છે.) ઊંચો માણસઃ ચાલ ને હવે, કોઈ વાસણ ગબડ્યું હશે! પુરુષઃ અરે, એ તો મારું ટિફિન પડ્યું લાગે છે. ઊભો રહે, એને હું બરાબર ગોઠવી દઉં. ઊંચો માણસઃ એ ભલે ને ગબડ્યું… પુરુષઃ ના, ના… ના… ના… ના… કાલે ઑફિસે લઈ જવાનું છે. બીજું ટિફિન હાલ ખરીદી શકવાના પૈસા જ ક્યાં છે મારી પાસે? હવે એ જૂનું થઈ ગયું છે. પેલો શર્મા એને ગાડીના પાટા પર મૂકવાનું કહે છે. આ મહિને એક પેન્ટ સિવડાવવો છે. (વિરામ) એક વર્ષ પહેલાં જાપાન ટેટેરોનનો પેન્ટ સિવડાવ્યો હતો, (ઊંચો માણસ બેસે છે.) ત્યારે પૈસા છૂટી પડ્યા. મારી પત્નીની સાડી ખરીદું તો પેન્ટ ચાર મહિના પછી… ફી, ચોપડીઓ, અથાણું… કદાચ સાડી પણ નહિ ખરીદી શકાય… મારી પત્ની… ઊંચો માણસઃ તારી પત્નીએ ટિફિનને ઊભું કર્યું હશે! પુરુષઃ ના, ના – એ બહુ આળસુ છે. એનો સ્વભાવ હું જાણું ને. વાસણ માંજ્યા પછી એને અભરાઈ પર ગોઠવતી નથી. ફરીથી ઉતારવાં જ ન પડે ને! મારી પત્ની મને ઘણી વાર ગમે છે. (વિરામ) મારો પુત્ર આળસુ નથી, એમ મને લાગ્યા કરે છે. એ હોત તો એણે ક્યારનુંય ઊભું કરી દીધું હોત! (વિરામ) મારા પગ ધ્રૂજે છે કેમ? ઊંચો માણસઃ તને ન્યૂમોનિયા થયો હોય! અથવા લકવાની અસર હોય! પુરુષઃ (બેસી જાય છે.) તું કોઈ ડૉક્ટરને બોલાવી લાવ. મારાથી ઊભા થઈ શકાશે નહિ. કદાચ જિંદગીભર મારાથી ઊભા થઈ શકાય નહિ. ઓહ… ઊંચો માણસઃ તારા ઘરની બાજુમાં જ દવાખાનું છે. તું બહાર આવે તો, તરત જ દવા થઈ શકે. તારી પત્ની પણ બચી જશે. પુરુષઃ એની આંખોની આસપાસ મૃત્યુએ ગોળ કૂંડાળાં રચ્યાં છે. એ કૂંડાળાં વિસ્તરીને છેક મારા પગ સુધી બેડી બનીને વીંટળાયાં છે. હવે હું એક ડગલું પણ ચાલી શકીશ નહિ. સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… તમે બહાર જશો નહિ. બહાર વરસાદનું તોફાન લાગે છે. ઊંચો માણસઃ આ વરસાદ મને જરાય ગમતો નથી. બહાર નીકળવા તૈયાર થઈએ, ને એ ઝીંકી પડે. મને વરસાદમાં ભીંજાવું ગમે છે. પુરુષઃ કદી હું વરસાદમાં બહાર નીકળું, તો મારી પત્ની હંમેશાં મને છત્રી આપે છે. મારી છાતીના રક્ષણ માટે સ્વૅટર ગૂંથ્યું છે… એના ઊનનો રંગ મજાનો છે. સ્કાયબ્લૂ… ઊંચો માણસઃ તારી પત્ની તને બોલાવતી લાગે છે. લે કેળું ખા… પુરુષઃ (કેળું લે છે. પોપટને એક મરચું નીરે છે. વીજળીનો ભયાનક કડાકો થાય છે.) હે પોપટ ! મારી પત્નીને હું ક્યારે ચાહી શકીશ? એને ટી.બી. થયો છે. એ મૃત્યુ પામે તો હું તેને ચાહી શકું. કદાચ ન પણ ચાહું… કદાચ અનહદ ચાહું… કદાચ કદીય ન ચાહું… કદાચ ચાહું… કદાચ… કદાચ… સ્ત્રીનો અવાજઃ (અંદરથી) મને જરા પાણી આપતા જાઓ… છેલ્લી ઘડીએ કોઈ દરકાર લેતું નથી… હે ભગવાન… પાણી… પુરુષઃ જા. તું અંદર જઈ પાણી આપી આવ. હું અંદર જઈશ તો એ મને બહાર નહિ નીકળવા દે. મારી પત્નીના હોઠ સુકાઈ ગયા છે. (પોપટના પિંજરા તરફ જાય છે.) ઊંચો માણસઃ તું પોપટને મરચાં ખવડાવ. હું તારી પત્નીને પાણી આપી આવું. (રસોડાના બારણા તરફ જાય છે.) પુરુષઃ ઊભો રહે. તું ન જા. પાણી હું જ આપી આવું. (ઊભો રહે છે.) હવે એનો અવાજ શમી ગયો છે. કદાચ એને પાણીની જરૂર ન પણ હોય. ઊંચો માણસઃ તો ચાલ હવે ચાલ્યા જઈએ. પુરુષઃ હા, ચાલ. (થોડું ચાલીને અટકે છે.) મને છેલ્લી વાર આ રૂમ જોઈ લેવા દે. (બારી નજીક જાય છે.) દરેક સંધ્યાએ અમે અહીં બેસતાં, ત્યારે રોજ એક માળી અહીંથી પસાર થતો. એ મારા તરફ જોઈ સ્મિત કરતી. હું સમજી જતો. એને પુષ્પો ખૂબ ગમે છે. (વિરામ) ઊંચો માણસઃ મને કરમાયેલાં પુષ્પો ખૂબ ગમે. ખીલેલાં પુષ્પોની તો દયા આવે. બિચારાં કરમાવાને ખીલ્યાં! (વિરામ) તારી પત્ની મને ખૂબ ગમે છે. પુરુષઃ રાત્રે હંમેશાં હું આ બારી બંધ રાખું છું. મારી પત્ની એને બંધ રાખવા ખાસ આગ્રહ કરે છે. ઉનાળાથી તો તોબા! ઊંચો માણસઃ તારી પત્નીને કોઈ હિલસ્ટેશને લઈ જા. એને હવાફેરની જરૂર છે. પુરુષઃ (ખુરશી પર બેસીને) હું વાંચવા બેસું, એ એને જરાય પસંદ નથી. પગ પછાડતી, ધબ્બ કરતી પલંગમાં પડતું નાખે છે. પડખાં ઘસવાનો અવાજ મેં વાંચતાં વાંચતાં ઘણી વાર સાંભળ્યો છે. (વિરામ) એના વાળના કલાપમાં ખોસેલાં પુષ્પો એણે ઘણી વાર મસળી નાખ્યાં છે… (વિરામ) સ્ત્રીનો અવાજઃ (અંદરથી) પાણી… અરે જરા તો દયા કરો. ઊભા થવાની શક્તિ જ ક્યાં રહી છે? મરવા પડી છું. પુરુષઃ છેવટે પુસ્તક મૂકીને, એની પાસે જાઉં છું. (વિરામ) એ ઊંઘવાનો ડોળ કરે છે. હું ગાલ પર સ્પર્શ કરું છું. એ ગંભીર મુખ કરી ઊંઘ્યા કરે છે. હું બાળકની જેમ કાલી ભાષા બોલું છું. એ હસીને પડખું ફેરવી જાય છે. (ઊંચો માણસ સોફા પર બેસી, આંખો બંધ કરે છે.) સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ ભગવાન… મને શા માટે રિબાવે છે. પાણી… જરાક પાણી… (ઊંચો માણસ ઊભો થઈ પોપટને એક મરચું નીરે છે.) પુરુષઃ (રસોડાના બારણા પાસે ઊભો રહે છે.) એ ઘણી વાર મને જમવા માટે બૂમ પાડે છે. હું અહીં છુપાઈને ઊભો રહું છું. એ જોર જોરથી બૂમા પાડ્યા કરે છે. હું હસ્યા કરું છું. (વિરામ) એ તવેથો લઈને બહાર ધસી આવે છે… ઊંચો માણસઃ તું મને ક્યારનો બોર કરે છે. તારે આવવું હોય તો હમણાં જ ચાલ. આપણે વહેલા જઈ શકવાના નથી. સ્ત્રીનો અવાજઃ (અંદરથી) હે ભગવાન…! પુરુષઃ (ફોટા નજીક ઊભો રહીને) એ ગુસ્સે થાય, ત્યારે હું વધારે જમું છું. એ મારી થાળીમાં રોટલી પછાડીને મૂકે છે. હું એને તાક્યા કરું છું. એ મારી સામે જોવાનું ટાળે છે. હું જોયા જ કરું છું. છેવટે એ મારી સામે જોઈ ‘મારી સામે શું જોયા કરો છો?’ એમ ખિજાઈને બોલે છે. હું હસ્યા કરું છું, જોયા કરું છું… રોટલી ખાધા કરું છું… સ્ત્રીનો કૃશ અવાજઃ (અંદરથી) તમે બહેરા તો નથી થઈ ગયા ને? મને નિરાંતે મરવા દો. થોડું પાણી આપો. પુરુષઃ ચાલ, આપણે ચાલવા માંડીએ. (પોપટને બે મરચાં નાખે છે.) હવે એકેય મરચું રહ્યું નથી. ઊંચો માણસઃ પોપટને મરચાં ભાવતાં નથી. કદાચ એને પાણીની જરૂર હોય! પુરુષઃ તું અંદર જઈને પાણી લઈ આવ. (ઊંચો માણસ રસોડામાં જાય છે. પુરુષ પાંજરામાંથી એક પછી એક મરચાં બહાર કાઢે છે. ઊંચો માણસ પ્યાલામાં પાણી લઈ આવે છે.) સ્ત્રીનો અવાજઃ (અંદરથી) મને પાણીનો એક ઘૂંટડો તો આપો. ભગવાન તમને કદીય માફ નહિ કરે… (ઊંચો માણસ હસે છે. પુરુષ ગંભીર બની જાય છે.) પુરુષઃ અંદરથી મારી પત્ની બૂમો પાડે છે? એને કોઈ વસ્તુની જરૂર લાગે છે. આપણે પણ કેવા બહેરા છીએ! ઊંચો માણસઃ લે, તું પોપટને પાણી પિવડાવ. (પ્યાલો આપે છે.) પુરુષઃ તેં મારી પત્નીને જોઈ? એની તબિયત હવે કેમ છે? એણે તારી પાસે કંઈ માંગ્યું? (ઉશ્કેરાટ) ઊંચો માણસઃ (શાન્તિથી) કદાચ રૂમનું પ્રવેશદ્વાર હું ભૂલી જઈશ. તારી પત્ની રાત્રે હંમેશાં રૂમનું બારણું બંધ કરતી. કોઈ બહારથી સાંકળ બંધ કરી દે તો? પુરુષઃ તારી વાત સાચી છે. એક વાર મારા પુત્રે બહારથી સાંકળ વાસી દીધી હતી. અમે બંને અંદર… એને સાંકળ ખોલતાં ન આવડે. બહાર ઊભો ઊભો રડ્યા કરે… (વિરામ) ઊંચો માણસઃ હવે વરસાદ બંધ રહ્યો હોય, એમ લાગે છે. (વિરામ) કદાચ થોડી વાર પછી વરસાદ પડે પણ ખરો. (બારી બહાર જોઈ, ખુરશીમાં બેસે છે.) પુરુષઃ (ઊંચા માણસ સામે ધસી જઈને તેનો હાથ પકડી ઊભો કરવાનો પ્રયાસ કરે છે.) ચાલ, ચાલ… જલદી ચાલ્યા જઈએ. એક ક્ષણ પણ હું થોભી શકું તેમ નથી, એને હું કદી ચાહી શકવાનો નથી. એ વાસનાની પૂતળી છે. એને વાસનાનો ટી.બી. છે. એ ભલે મરે. (વિરામ. ઊંચો માણસ ઊભો થાય છે. પુરુષ એને બારણા તરફ ખેંચે છે.) ચાલ જલદી કર. ઊંચો માણસઃ હું તો તને ક્યારનો કહું છું. ચંદ્ર કદાચ વાદળમાંથી ડોકિયું કરે પણ ખરો. વરસાદમાં તારાઓ ઓગળીને ઝરમર ઝરમર ટપક્યા પણ કરે… પવનમાં આપણાં વસ્ત્રો ઊડીને ક્ષિતિજને ઢાંકી પણ દે. પુરુષઃ બારણું કઈ તરફ છે? (બંને વારાફરતી બારણા તરફ જુએ છે.) ઊંચો માણસઃ આ તરફ… (બારણા તરફ બંને ધીમે ધીમે જાય છે.) સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… ઊંહ… હે ભગવાન… ઊંચો માણસઃ જલદી જલદી ચાલ. આપણે ધીમે ધીમે ચાલીશું તો પછી કદીય જઈ શકીશું નહિ. પુરુષઃ (રૂમમાં નજર ફેરવે છે.) હું તો તને વર્ષોથી કહું છું, પણ તું ક્યાં સાંભળે છે? મારી પત્ની હવે મરી પણ ગઈ હોય! એને પાણીની પણ જરૂર હોય! ઊંચો માણસઃ પેલા પોપટને પાંજરામાંથી બહાર કાઢી ઉડાડી મૂક… પુરુષઃ હવે એનાથી ઊડી શકાય નહિ. એની પાંખો ક્ષીણ થઈ ગઈ છે. એ ભલે પાંજરામાં પડ્યો રહે, બહાર એને બિલાડી જરૂર મારી નાખે…! ઊંચો માણસઃ તારી પત્નીના હોઠ તદ્દન સુકાયેલા છે. પુરુષઃ પોપટ ભલે પાંજરામાં મરી જાય. ઊંચો માણસઃ ચાલ, એની દુર્ગંધથી મારું માથું ફાટફાટ થાય છે. એક ક્ષણનો પણ વિલંબ પ્રાણઘાતક નીવડશે. સ્ત્રીનો અવાજઃ (રસાડાના બારણા પાસેથી સંભળાય છે.) ઓહ… ઊંહ… પુરુષઃ ચાલ, અહીંથી ખૂબ દૂર ભાગી જઈએ. આ રૂમથી કરોડો કિલોમીટર દૂર… દૂર… સ્ત્રીઃ (બારણાના સહારે ઊભી રહે છે) ઓહ… તમે બહાર ન જાઓ… મારા સમ… તમે બહાર જાઓ તો… (હાંફે છે.) ઓહ… તમે ન જશો… ઓહ… મને જરા પાણી… ઓહ… (બારણામાં ફસડાઈ પડે છે. પુરુષ થોડી ક્ષણો તાકી રહે છે. ઊંચા માણસ તરફ જુએ છે. ઊંચો માણસ પુરુષનો હાથ ખેંચે છે. પુરુષ ઊભો રહે છે. ઊંચો માણસ હાથ તરછોડી ચાલ્યો જાય છે. પુરુષ લથડતી ચાલે ખુરશી નજીક આવે છે.) પુરુષઃ ઓહ… (ખુરશીમાં બેસી જઈ, કપાળ પર હથેલી પછાડે છે. પોપટ ચિત્કાર કરે છે. પડદો પડે છે.) (પ્રસિદ્ધ એકાંકીઓ)