ટેલિફોન
હસમુખ બારાડી
(ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ)
મંજુઃ
|
હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ.
|
(મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.)
સંજીવઃ
|
યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન.
|
(રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.)
મંજુઃ
|
યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને.
|
(ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.)
સંજીવઃ
|
(થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને?
|
મંજુઃ
|
ફોન તો તમે મને આપ્યો હતો.
|
સંજીવઃ
|
એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે.
|
મંજુઃ
|
મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને…
|
મંજુઃ
|
અડધું તો તમે સાંભળ્યું.
|
મંજુઃ
|
પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી!
|
મંજુઃ
|
અને પછી બધું ગંદું ગંદું–
|
સંજીવઃ
|
ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે –
|
મંજુઃ
|
પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું!
|
સંજીવઃ
|
ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ.
|
સંજીવઃ
|
નંબર એણે બરાબર કહ્યો હતો.
|
સંજીવઃ
|
કોને ખબર? હશે, ચાલો આપણે હવે –
|
(બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.)
|
હલ્લો – તમે છો કોણ, મિસ્ટર… શું? – કંઈ લાજશરમ છે? આ સંસ્કારી મધ્યમવર્ગનું કુટુમ્બ છે – શું? તમે અત્યારે સામે હોત, તો મેં તમારું ગળું જ દાબી દીધું હોત – ના, એને હું ફોન નહીં આપું – અને ફરીથી ફોન કર્યો છે, તો – (ફોન મૂકે છે.)
|
મંજુઃ
|
એવું જ ગંદું બોલતો હતો?
|
સંજીવઃ
|
હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–?
|
મંજુઃ
|
એ ફોન ક્યાંથી કરતો હશે?
|
સંજીવઃ
|
પબ્લિક ટેલિફોન નથી લાગતો.
|
મંજુઃ
|
રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં?
|
(બંને ડિરેક્ટરી જુએ છે.)
સંજીવઃ
|
આવો માણસ પોતાનું સાચું નામ ન આપે.
|
મંજુઃ
|
ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ?
|
(ફરી ઘંટડી)
|
વાગવા દો. આપણે નથી ઉપાડવો.
|
સંજીવઃ
|
પણ એ જ માણસ ન હોય તો?
|
મંજુઃ
|
તમને કોઈનો ફોન આવવાનો હતો?
|
સંજીવઃ
|
ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી–
|
(સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.)
સંજીવઃ
|
કહેઃ પોલીસને નહીં કહેશો.
|
મંજુઃ
|
એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે?
|
સંજીવઃ
|
… પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે.
|
સંજીવઃ
|
અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું.
|
મંજુઃ
|
રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ?
|
સંજીવઃ
|
હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું?
|
મંજુઃ
|
પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? …
|
(ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ
|
તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ…
|
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
|
મને એમ, કે તું એની સાથે વાત કરીશ.
|
મંજુઃ
|
આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે–
|
સંજીવઃ
|
હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો?
|
(મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ
|
તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ…
|
મંજુઃ
|
મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ–
|
(ઘંટડી)
સંજીવઃ
|
આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો.
|
સંજીવઃ
|
આટલા જલ્દી સાત આંકડા ન લાગે.
|
મંજુઃ
|
તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ–
|
(પછાડીને મૂકે છે.)
સંજીવઃ
|
ઊકળી ઊઠ્યું ને તારું લોહી?
|
મંજુઃ
|
મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.)
|
સંજીવઃ
|
તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.)
|
મંજુઃ
|
ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન –
|
(સંજીવ બીજો નંબર જોડે)
સંજીવઃ
|
હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ –
|
મંજુઃ
|
ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ?
|
સંજીવઃ
|
મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો!
|
મંજુઃ
|
તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી.
|
સંજીવઃ
|
તું સ્વસ્થ રહે. આપણે–
|
મંજુઃ
|
આપણે આ ફોન જ કાઢી નાંખીએ.
|
સંજીવઃ
|
પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ–
|
મંજુઃ
|
એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે?
|
સંજીવઃ
|
લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે –
|
મંજુઃ
|
પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો–
|
(ત્યાં જ ઘંટડી.)
|
એ આપણી વાત સાંભળતો જ હોવો જોઈએ.
|
સંજીવઃ
|
સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી.
|
મંજુઃ
|
તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને?
|
સંજીવઃ
|
પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું?
|
મંજુઃ
|
ના, કામનો હશે, તો ફરી કરશે.
|
સંજીવઃ
|
વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ–
|
(સામેથી ફોન કપાય છે.)
સંજીવઃ
|
એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા–
|
મંજુઃ
|
પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો?
|
સંજીવઃ
|
ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા.
|
મંજુઃ
|
પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી.
|
સંજીવઃ
|
હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી.
|
મંજુઃ
|
કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે!
|
સંજીવઃ
|
મંજુ, આ તને શું થઈ ગયું છે?
|
મંજુઃ
|
અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી –
|
(ઘંટડી)
સંજીવઃ
|
મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે?
|
સંજીવઃ
|
ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને?
|
(મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.)
મંજુઃ
|
આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું?
|
સંજીવઃ
|
તો શું કરી શકીએ આપણે?
|
મંજુઃ
|
મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે?
|
સંજીવઃ
|
પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો?
|
મંજુઃ
|
આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે?
|
સંજીવઃ
|
તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે?
|
મંજુઃ
|
તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે.
|
મંજુઃ
|
હું એને મળું? બોલાવું?
|
સંજીવઃ
|
તને એનામાં રસ પડવા માંડ્યો?
|
મંજુઃ
|
ના, તમે મને શું સમજો છો?
|
સંજીવઃ
|
પણ તો શા માટે તારે એવાને મળવું છે?
|
મંજુઃ
|
કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી–
|
સંજીવઃ
|
ધાર, કે એ તને – (અટકે.)
|
મંજુઃ
|
હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે.
|
સંજીવઃ
|
કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું?
|
મંજુઃ
|
વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ?
|
સંજીવઃ
|
જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ.
|
મંજુઃ
|
ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો?
|
સંજીવઃ
|
એનો અવાજ તો હું ઓળખું ને?
|
મંજુઃ
|
પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય?
|
સંજીવઃ
|
મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર.
|
મંજુઃ
|
મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે?
|
સંજીવઃ
|
કયો ‘ચોથો ભાઈ’, મંજુ?
|
મંજુઃ
|
શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર!
|
સંજીવઃ
|
કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…!
|
મંજુઃ
|
કદાચ, કદાચ આ રણધીર–
|
{{Ps
સંજીવઃ ચૂપ મરીશ હવે?
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
રેડિયોની જેમ વન-વે ફોન ન હોઈ શકે? આપણે સૂચના આપવી હોય તે આપી દેવાય. આવું કંઈ સાંભળવાનું તો નહીં!
મંજુઃ પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને?
સંજીવઃ કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય–
મંજુઃ ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે!
સંજીવઃ હા!
મંજુઃ એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો –
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ મંજુ, તું એને મળે તો?
મંજુઃ મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને –
સંજીવઃ હા, ધાર, કે એ તને–?
મંજુઃ તો પછી?
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી–
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને–
સંજીવઃ મંજુ, તું સ્વસ્થ રહે.
મંજુઃ હું સ્વસ્થ જ છું.
સંજીવઃ (ડાયલ કરી) હલ્લો, ડિવિઝનલ ઇજનેર સાહેબ? હું સંજીવ માણેક – ૩૩૭૩૮૩૯ પેલા અનઆઇડેન્ટિફાઇડ કૉલર વિશે – શું? એ કોઈ એક ફોનનો ઉપયોગ નથી કરતો? – એટલે? ત્રણ વખત તમારી સૂચના પ્રમાણે – પણ ત્રણેય વખત જુદો જુદો એનો નંબર હતો? – પણ એની વચ્ચે વધુ વખત નહોતો ગયો – શું? – અમે હજી ચાલુ રાખીએ? – સાહેબ, આજે ચાર દિવસ થયા – સારું, સાહેબ. (રિસીવર મૂકે છે) મંજુ, તું ચિંતા ન કર. મેં વ્યવસ્થા કરી દીધી છે. એ હવે ફોન નહીં કરે.
મંજુઃ એટલે એને પોલીસે પકડી લીધો?
સંજીવઃ એમને નામઠામ વિના કેવી રીતે ખબર પડે?
મંજુઃ ટેલિફોનવાળાએ નામઠામ ન આપ્યાં?
સંજીવઃ એણે કહ્યું: કોઈ એક જ ફોનનો એ ઉપયોગ નથી થતો, એટલે મુશ્કેલી પડે છે.
મંજુઃ તો ‘વ્યવસ્થા કરી છે.’ એટલે શું? તમે એને મળ્યા? એની સાથે વાત કરી? એને માર્યો?
સંજીવઃ ના.
મંજુઃ તો શું પ્રાર્થના કરી? માનસિક તરંગો મોકલ્યા? તમે મારું આ રીતે રક્ષણ કરવાના છો? આના કરતાં તો પેલા–પેલા કરાટેવાળા જોડે મેં લગ્ન કર્યા હોત, તો આજે–
સંજીવઃ એ કરાટેવાળો આનો અવાજ સાંભળીને, એના અવાજ દ્વારા ફોનમાંથી એને ખેંચી કાઢત કેમ?
(ઘંટડી - ત્રણવખત)
સંજીવઃ (છાપામાંથી વાંચતો હોય તેમ) કહે છે, કે અમુકતમુક પંથના અને વિચારસરણીના માણસો આ શહેરમાં ઊતરી આવ્યા છે. ચોરી, લૂંટફાટ અને બૉમ્બ ફેંકવાના કિસ્સા ખૂબ વધી ગયા છે.
મંજુઃ ગઈ કાલે આપણા બાજુવાળાના છોકરાને કોઈ ઉપાડી ગયું.
સંજીવઃ મારી બે પાર્ટીના ચેક આજે બૅન્કમાંથી પાછા આવ્યા.
(ઘંટડી – ત્રણ વખત)
સંજીવઃ હું તને કહું આ કોણ ફોન કરે છે?
મંજુઃ ખબર છે તમને?
સંજીવઃ તારો પેલો મિત્ર હતો ને …
મંજુઃ એની તમને ખબર હતી? તો પછી–
સંજીવઃ આટલા દિવસ મેં કેમ ન કહ્યું, એમ? પણ તેં ય મને એની પહેલેથી ક્યાં વાત કરી હતી?
મંજુઃ પણ મેં પરણ્યા પછી છેતરપિંડી નથી કરી.
સંજીવઃ તું એને સાવ ભૂલી ગઈ હતી?
મંજુઃ કેવા વિલન જેવા ડાયલૉગ બોલો છો!
સંજીવઃ વિલન કોણ – હું કે એ?
મંજુઃ તમે – તમે – લાખ વાર તમે! એ તમારી પેલી સગલી જેવો નહોતો.
સંજીવઃ કઈ સગલી?
મંજુઃ જેની લિપસ્ટિક લાગેલી સિગરેટ ચૂસવી તમને બહુ ગમે છે એ!
સંજીવઃ (બૂમ પાડી) મંજુ! અને તું હજી પેલી જૂની પર્સ કેમ નથી ફેંકી દેતી, એ કહું તને?
મંજુઃ (ચીસ પાડી) સંજીવ!
(સામાન્ય ઘંટડી)
સંજીવઃ (આવેગમાં ફોન ઉપાડી) હલ્લો – હા, સંજીવ – મારી તબિયતનું તારે શું કામ છે? એ નથી. નથી, કહ્યું ને તને – અને ધારો કે હોય. ને ન આપું તો શું કરી લઈશ? – જુઓ મિસ્ટર, તમારાથીય વધુ ગંદી વાતો અને ગાળાગાળી મને આવડે છે – પણ શું કામ, શું કામ તમે આ બધું કરો છો? – હું એને ફોન નહીં આપું નહીં આપું – નહીં આપું.
(એનાથી રિસીવર મુકાતું નથી, મંજુ એને મુકાવે છે.)
મંજુઃ પણ તો તમે ફોન ઉપાડો છો શા માટે?
સંજીવઃ ન ઉપાડવાથી એને અટકાવી શકાશે? કાનમાં આવીને જે આવું તેવું બોલે, એ બીજું શું નહીં કરે? એના અવાજનું માધ્યમ મારી મુઠ્ઠીમાં હોય, તોય મારાથી એને આટલી આંગળી નથી અડકાડી શકાતી… આ હિંસા કહેવાય, મંજુ, હિંસા!
(ઘંટડી. મંજુ ઉપાડે.)
મંજુઃ ઓહ… સંજીવ તો ગયા… હજી હમણાં જ – તમે ફોન મૂક્યો કે તુરત જ … (માઉથ પર હાથ) એને તમારી જોડે વાત કરવી છે – (માઉથમાં) પણ એ નથી, પ્લીઝ રણધીરભાઈ. પણ એમણે મને ફોન ન આપ્યો, એમાં હું શું કરું? – ફરીથી આપશે કે નહીં, એનીય મને ક્યાંથી ખબર પડે? – હું રજા લઈ લઉં? … તમે જ એની સાથે વાત કરી લેજો –
(ઝડપથી મૂકી દે છે.)
સંજીવઃ (હજી મૂકતી હોય છે ત્યાં જ) મંજુ, ફેંક, ફેંક એને જલ્દી.
મંજુઃ શું થયું?
સંજીવઃ (સ્વસ્થ થતાં) મને થયું; તારા હાથમાં આ રિસીવર નહીં પણ કંઈક બીજું છે.
મંજુઃ તમે કેમ આમ, આટલા બધા, અસ્વસ્થ થઈ જાઓ છો?
સંજીવઃ પણ મંજુ, મને આ ફોનનો આકાર ફરીથી બદલાતો લાગે છે – જો… જાણે રણધીર માથે હાથ મૂકીને સૂતો છે…
મંજુઃ સંજીવ, તમે સ્વસ્થ રહો.
સંજીવઃ હા… પણ મંજુ, આપણે એક કામ તો કરીએ જ. થોડું કરિયાણું અને ખાવાપીવાની વસ્તુઓનો બેત્રણ મહિનાનો સ્ટોક ભરી દઈએ…
મંજુઃ બૅન્કમાંથી થોડા પૈસા ઉપાડી લઈએ.
સંજીવઃ ને મારી સિગરેટ… પંદરેક દિવસનાં છાપાં અગાઉથી મંગાવી રાખીએ… ને મને એમ થાય છે, કે એ બીજાં બધાંનેય ફોન કરતો હશે? … બીજાં બધાંનેય આવા ફોન આવે છે, કે આપણને એકલાને જ?
મંજુઃ બધાને એવી તકલીફ હોય, તો તો સરઘસો, હડતાલો, સ્ટે ઑર્ડરો, તપાસ પંચો શરૂ થાય! … પણ બધાંને એવું પુછાય? … બીજાં આપણા વિશે શું ધારે? પેલાં રમાબેન, શાંતાબેન, સુધીરભાઈ…
સંજીવઃ આપણા ઘરમાં કંઈ હથિયાર જેવું નથી?
મંજુઃ થોડા પથ્થરો ભેગા કરી રાખીએ?
સંજીવઃ પછી એને આ બારણા પાસે ઢગલો કરી, એના પર કંઈ ઢાંકી દઈએ – તારી સાડી, કે કંઈ ઓછાડ જેવું… ઢગલો છે એની કોઈને ખબર ન પડે એ રીતે!
મંજુઃ (એની સામે જોઈ – ફ્લેટ અવાજે) સંજીવ, તારા આ કાન તો જો – મોટા ને મોટા થવા માંડ્યા છે… સૂપડા જેવડા… એને… એને હલાવીશ નહીં બહુ…! અરે, એમાંથી ફોન પડી જશે, સંજીવ!
(ઘંટડી – ત્રણ વખત)
મંજુઃ સંજીવ, પણ આપણા વિશે એને બધી ક્યાંથી ખબર હોય? મને લાગે છે, તમે બધું તમારા મનમાંથી ઉપજાવી કાઢેલું કહો છો!
સંજીવઃ નવાઈ તો મનેય થાય છે. પણ એણે મને કહ્યું: મેં હજી ત્રણ વરસનો ટૅક્સ ભર્યો નથી. ને સ્ક્રેપમાં કાઢી, ઉધારેલો માલ મેં મફતલાલને વેચી દીધો છે એનીય એને ખબર હતી, બોલ!
મંજુઃ મનેય એ કહેઃ આજે તમે ફોલ વગરની સાડી પહેરી છે… અને પછી મને કહે–
(ઘંટડી – ત્રણ વખત. પત્ની ફોન ઉપાડ્યા વિના, જાણે ફોન પર વાત કરે. હવે પછી કોઈ પણ વસ્તુ કે ફર્નિચરનો ભાગ ઉપાડી અથવા એને અડકીને ફોન પર વાત કર્યાનું બતાવી શકાય.)
હં – બોલો : હા, મંજુ – મજામાં – એક કલાકમાં તબિયતને શું થઈ જવાનું છે? સંજીવેય મજામાં છે. શું? હજી કપડાં જ બદલતી હતી એટલે ચણિયો જુદા રંગનો છે – પણ તમને આ બધી ક્યાંથી ખબર પડી જાય છે? – કહો ને, હવે – જુઓ, ફરી પાછું? – એવું બોલશો, તો ફોન મૂકી દઈશ – શું? (જાણે રિસીવર મૂકી દે છે. જાઓ! હું તો આ ચાલી અંદર! (જાય)
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) રણધીરભાઈ, પ્લીઝ, હવે તો અમને શાંતિથી રહેવા દો. અમારો ફોન એટલો બધો એન્ગેજ આવે છે કે મારો ધંધો રખડી પડ્યો છે. મહેરબાની કરો – છેવટે, એક વિનંતી છે: દર કલાકે નહીં, દર ત્રણ કલાકે ફોન કરો. અને બને તો રાતના નહીં કરશો પ્લીઝ … (બહાર)
(સંજીવ બે હાથ જોડીને ફોનને નમે છે. ઘંટડી વાગે છે, ત્રણ વખત. મંજુ રિસીવર ઉપાડ્યા વિના જ વાત કરે છે.)
મંજુઃ આજ કેમ મોડું કર્યું? રાહ નહીં, પણ – મોડું નથી થયું, બોલો? ટેવ કહેવી હોય તો તો કહેવાય, પણ બહુ સારી ટેવ નથી ને! શું? – એટલે એમ, કે ટેવ ન પાડું તોય તમે ફોન કર્યા વિના રહેવાના છો? ના હોં, ગંદું સાંભળવાની ટેવ પડી નથી અને પાડવીય નથી; ને તો તો હું તરત જ ફોન મૂકી દઈશ – શું? એવું બોલવાથી તમને ફાયદો શો થાય છે? – ફરી પાછું! જાઓ, મૂકી દઉં છું!
(કહે છે લાડથી પણ રિસીવર મૂકી જ દે છે.)
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જુઓ સાહેબ, રિયાલિસ્ટિક વાત કરજો, તમારે શું જોઈએ છે? કેટલા ઢીંગલા ગણી આપું, તો ફોનનો તમે કેડો છોડશો? – શું? કેશ, કારખાનું, મકાન, કંઈ પૂરું નહીં પડે? તો? શરમ આવવી જોઈએ તમને, મિસ્ટર! આબરૂદાર સદ્ગૃહસ્થ તમને વિનંતી કરે એનો અર્થ એ નહીં કે – શું? તમારો મેં આ ટોટો નથી પીસી નાખ્યો એટલું જ બાકી રહ્યું છે, સમજ્યા? મંજુ શું કામ આડી આવે એમાં? (મંજુ તરફ ફરે છે…) … મંજુ, તું એમાં આડી આવે?
મંજુઃ શેમાં?
સંજીવઃ હું આ રણધીરનો ટોટો પીસી નાંખું તેમાં?
મંજુઃ પણ એ તમને મળે ત્યારે ને!
સંજીવઃ ધાર કે મળે – તો?
મંજુઃ તમે ટોટો પીસો એના પહેલાં, આ ફોન જ હું એને માથે ન મારું?
સંજીવઃ (ફોનને ઉદ્દેશી) જોયું? તું એમ માને છે કે મંજુને તું ગમે છે? … એક તો અમે તને દર ત્રણ કલાકે ફોન કરવાની છૂટ આપી; અને ઉપરથી – બદમાશ!
(ઘંટડી, ત્રણ વખત)
મંજુઃ કહે છે, કે આ શહેરના એકેએક કુટુંબમાં અનિષ્ટ ઘર ઘાલીને બેઠું છે. કોઈ પણ બહાને એ ઘૂસી જાય છે, અને પછી જાત જાતના આકારો લે છે, અનેક પ્રકારના પડકારો, લલકારો કરે છે.
સંજીવઃ કોઈ એને કાઢવાની હિંમત કરી શકતું નથી.
મંજુઃ કોઈને એના વિના ચાલતું નથી.
સંજીવઃ કહે છે કે, ક્યારેક એનો આકાર જૂની થઈ ગયેલી પર્સ જેવો હોય છે –
મંજુઃ અને ક્યારેક સિગરેટ કેસ પર મૂકેલી લિપસ્ટિક જેવો!
સંજીવઃ હવે તો એની અહીં કોઈ વાતેય નથી કરતું.
મંજુઃ અમે એને અમારી સંસ્કૃતિમાં સમાવી લીધું છે.
(ઘંટડી – ત્રણ વખત)
યસ, મંજુ સ્પિકિંગ – એ ભલે… ઓ.કે. – ના, કંઈ વાંધો નથી. ચોક્કસ, ચોક્કસ! (જાણે રિસીવર મૂકે છે.)
સંજીવઃ (થોડી વાર એની સામે જોઈ રહી) તું હવે કોઈ વિરોધ નથી કરતી. દલીલેય નથી કરતી?
મંજુઃ એટલે?
સંજીવઃ તું એની બધી વાતમાં હાએ હા જ કરતી હતી!
(ફોન બતાવે છે.)
મંજુઃ હં, હં! પણ એ રણધીરનો ફોન નહોતો!
સંજીવઃ તો ઠીક, મને એમ કે– (અટકે.)
(ઘટંડી વાગે. મંજુ રિસીવર ઉપાડે – ઘરમાં ક્યાંય પણ ફરતાં ફરતાં)
મંજુઃ કોણ? – હા બોલો – ખાસ – કંઈ નહીં, માથું ઓળતી હતી.
સંજીવઃ (જાણે જુદા ફોન પર) હલ્લો. ડિટેક્ટિવ એજન્સી? – હું સંજીવ માણેક બોલું છું.
મંજુઃ (જાણે ફોન પર) ના એવો તો કોઈ ઘોંઘાટ નથી. સંજીવ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે.
સંજીવઃ (જુદો ફોન) વાત એમ છે, કે અમારા પર કોઈનો ફોન આવે છે, પણ એ શોધી શકાતો નથી. તમે એમાં કંઈ મદદ કરી શકો?
મંજુઃ (જાણે ફોન પર) ના, રણધીર, કામ તો એટલું જ રહે છે – ના રે, હજી રસોયણ આવતી નથી. પણ રામોં આજથી આવવા માંડ્યો છે.
સંજીવઃ (જુદો ફોન) શું? – સમજ્યો: એને અમુક રંગનાં કપડાં પહેરાવી બોલાવીએ – પણ પછી – પછી તો તમે એને –
મંજુઃ ના રે – હમણાં રાતરાણી વાવી છે – એટલે અંધારું તો મઘમઘતું થઈ જાય છે. – સારું આવજો.
સંજીવઃ ઓ.કે. – ઈટ વીલ બી ડન, સર.
(જાણે બન્ને ફોન મૂકે. બન્ને એકબીજાંને જુએ.)
મંજુ, એવું નક્કી કર્યું છે, કે તું એને અમુક રંગનાં કપડાં પહેરીને ક્યાંક આવવાનું કહે – અને તું એને મળે એટલે એને પકડી લઈએ.
મંજુઃ … સંજીવ, હું એને મળી!
સંજીવઃ હેં? મળી? – હં – પછી? – એ કેવો છે? – કોણ છે? … બોલ ને, શું થયું?
મંજુઃ શું થાય?
સંજીવઃ હં – હં … પહેલી વખત મળી?
મંજુઃ હા, આ ઘરમાં પહેલી વખત મળી!
સંજીવઃ એટલે? બહાર ઘણી વખત મળી હતી? … એકલી?
મંજુઃ મેં તમને કહ્યું તો હતું. પેલી વખત ગઈ ત્યારે જ કહ્યું હતું!
સંજીવઃ હં – હં!
મંજુઃ તું મને કેમ પૂછતો નથી. એ મને શું કહે છે? … શું કરે છે? … કહું?
સંજીવઃ તું મને એટલો કાયર ગણે છે? … મંજુ, તને મારા માટે લાગણી રહી છે?
મંજુઃ આવું શું બોલતો હોઈશ?
સંજીવઃ પણ આ બધું…
મંજુઃ તો શું થાય, કહે? … અને છે ને, ક્યારેક તો એ ખૂબ ડાહ્યો હોય છે. ખૂબ સારી રીતે વર્તે –
સંજીવઃ પણ ક્યારેક?
મંજુઃ હા, ક્યારેક ક્યારેક જ હવે તો. પહેલાં એ થોડી બળજબરી કરતો – પણ હવે મને શું નથી ગમતું એની એને ખબર પડી ગઈ છે! હવે એ મને ક્યારેય નારાજ નથી કરતો… અને ક્યારેક તો વળી તારી જેમ –
સંજીવઃ મારી જેમ? … શું?
મંજુઃ સાવ તારી જેમ નહીં, પણ તોય એટલું બધું હવે ખરાબેય નહીં.
સંજીવઃ હં – હં … હું હવે અહીં રહું?
મંજુઃ અહીં?
સંજીવઃ આ ઘરમાં?
મંજુઃ હાસ્તો; કેમ આવું પૂછે છે?
સંજીવઃ એ હવે અહીં રહેશે ને?
મંજુઃ રણધીરે હજી કંઈ કહ્યું નથી.
સંજીવઃ પણ કહે, તો રહેવા દેજે… આપણી પેલી આરામખુરશી અને સ્ટૂલ એને અહીં મૂકી આપજે – ફોન પાસે.
(ઘંટડી વાગે છે.)
(આધુનિક ગુજરાતી એકાંકીઓ)