ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ

Revision as of 12:07, 2 June 2022 by KhyatiJoshi (talk | contribs)
ડીમ લાઇટ
રઘુવીર ચૌધરી
પાત્રો

રામુ
લખમણ
મગન
સાહેબ
પ્રધાન
મણિવહુ

(રામુના હાથમાં વીજળીના વાયરના ગૂંચળાં છે અને લખમણ વાયર જોડવાનાં હથિયાર લઈને આવી રહ્યો છે.)

રામુઃ અલ્યા લખા, પેલો દિયોર મગો જાય. બોલાય ઈનં આટલું હાંધી આલતો જાય.
લખમણઃ ઈનં અક્કરમીનં હું કરવા બોલાવવો છે? મનં ચ્યાં નહી આવળતું?
રામુઃ તનં શ્યું ધૂળ આવડે? અનં આવળતું વોય તો કાલ છોડજે તું. મારે જોડાવવું છ ઈની પાંહે, હમજ્યો? બોલાય હેંડ; આનં દિવાહળી મેલીએ તો બીજું કાંમ હુઝે.
લખમણઃ (બહાર જોઈ ઊંચા અવાજે) મગનભાઈ, ઓ મગાભાઈ; આ રામભાઈ તમનં બોલાવં!
મગનઃ (દૂરથી) એ કામ છે મારે તો.
રામુઃ (ધીમેથી) આ જો ને દિયોર કાંમવાળી!
લખમણઃ પણ આટલો વાયર તો જોડી આલતા જાવ!
મગનઃ (પ્રવેશતાં) ત્રણ રૂપિયા થશે!
રામુઃ કાલ અતારે તો દિયોર ટકાનોય નતો નં અવં તૈણ રૂપિયા લેતો થૈ જ્યો! તારા ડોહાઈ તો ઈના જનમારામાંય તૈણ રૂપિયા નતા ભાળ્યા!
મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી?
રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં!
મગનઃ (રામુના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) ના એટલું હપાડામાં. બૈરા હારે આપણે બગાડતા નથી. હમજ્યા? તે તમે રાંમભાઈ ખેતરનું કામ છોડીને આ સાંજના વખતે આ શું આદર્યું?
લખમણઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) કાલ મીં તમને નોતું કહ્યું ક પેલા જગુની વઉ તેડવાની છ, તે આ ઈનું ઊજણું પૂંખવાનું છ? રાંમભાઈના ઘેર ઈનો ઉતારો છે.
મગનઃ (બીડી સળગાવતાં) એમ વાત છે ત્યારે રામભાઈને ઘેર આજે તો છત્રીવાજાં વાગતાં વાગતાં આવવાનાં.
લખમણઃ (બીડી માટે હાથ લંબાવતાં) લાવાં એક બીડી મુંય હળગાવું. તમે આ ગૂંચળું ઉકેલી આલાં. દરવાજા પર હોનો ગળો લટકાવવો છ?

(મગનની બીડીથી લખમણ બીડી સળગાવે છે.)

મગનઃ (ગૂંચળાનો છેડો શોધતાં) ગોળો લાવ્યા છો?
રામુઃ તો દિયોર ઈમનમ અજવાળું થશે? જા લ્યા લખા, તારા ઘેરથી પેલી માંચી લઈ આંય, ઈના પર ચઢીનં મગો વાયર જોડી આલે!
લખમણઃ મારી માંચીનો એક પગ ભાજી જ્યો છ.
રામુઃ કશો વાંધો નઈ, તારો એક પગ ઈનં જોડી આલીશું!
લખમણઃ મારો પગ તો ટૂંકો પડશે. મગનભાઈનો ચાલશે.
મગનઃ તો તો હું અહીંથી જાઉં.
રામુઃ અરે બેશ ઈમ ગભરાય છં શું? તારું પાટલૂન બગડતું વોય તો જા પેલો બાયણા પાહણથી નાવાનો પથરો લઈ આય. લખા તું અજી માંચી લેવા નહીં જ્યો? જા મગલાના ઘેરથી લઈ આય.

(લખમણ અનિચ્છાએ જતો હોય એમ જાય છે.)

મગનઃ તે રામભાઈ, તમે બીડી કેમ પીતા નથી?

(પથ્થર લાવવા મથે છે.)

રામુઃ બાયડીએ દિયોર પરતિગન્યા લેવરાની, મીં કયું તારે છીંકણી ના તાંણવી, નં મારે બીડી ના પીવી, થોડા દાડા તો ભઈ શી વીતી છ! એક દાડો થ્યું ક મઉડા પર ચડીનં ઊંધે માંથે પડું!
મગનઃ (પથ્થર લાવવાનું જતું કરીને) પણ પ્રધાનભાભી તો છીંકણી તાણે છે!
રામુઃ બૈરાંની જાત, ઈમનું ગજું હું? છેંકણી ના તાંણં તો વાતો શને થાંય! તારેય દિયોર બૈરાંનો અવતાર લેવો જોઈતો’તો! એટલો પથરોય ના ઊપડ્યો? (પથ્થર લાવીને વચ્ચે મૂકે છે.) બેશ અવં, અનં ઉતાવળ કર, મારે અજી બળધિયા પાવા જવું છ.
મગનઃ (પથ્થર પર બેસતાં) તમે રામભઈ! બળદ જેવા ક્યાં સુધી રેશો?
રામુઃ મું બળદ જેવો છું? તો તમે દિયોર ગાંમાત પાડો બનીને ચ્યાં માલતા નહીં? આખો દાડો ગામમાં જ રોછો નં! હેંડાં અવેં, જલદી જોડવા માંડાં!
મગનઃ આનો છેડો જડતો નહીં, તમે આ ગૂંચળું છોડેલું?
રામુઃ ના, તારી ભાભી અમણાં કાંક ગડમથલ કરતી’તી!
મગનઃ બસ તો છેડો નંઈ જડે!
રામુઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં) ના શું જડે? છેડો વોય તો પછં જડે ચેમ નઈ? કંઈ આખો વાયર ગોળ તો નઈ વોય નં?
મગનઃ મને તો એ ગોળ હોય એવું લાગે છે!
રામુઃ ચેમ નાં લાગે? તું તો અનુભવી ખરો નં! લે આ ર્‌યો છેડો!
મગનઃ એ તો નીચેનો છેડો છે!
રામુઃ અરે નેચેનો નં ઉપરનો, તારે છેડા આરી કાંમ છ ક ઉપરનીચે આરીં? ઊઠ અવં, પથરાનંય તારો ભાર લાજ્યો અશે.
મગનઃ કોના ઘરમાંથી કનેકશન લેવું છે?
રામુઃ જોઈતા ડોહાના; આ ઈમની પછીત નજીક પડ છ તો ઈમાં ફાંડું પાડીએ.
મગનઃ એમને પૂછ્યું?
રામુઃ એ મારા છેતરમાં થઈનં પાંણી લઈ જાંય છં તાંણ મનં પૂછવા રેતા નહીં, મું શું કરવા પૂછું? પૂછીએ તાણં ઈમનં ના પાડવાનું મન થાય નં? આ કઈ દઈશું ઈમના છાકરાની વઉનં. કાઢી નઈ નાંખે છેડો – તમે શું કો છાં ઈનં?

(હાથથી પ્લગ સૂચવે છે.)

મગનઃ પ્લગ. (લખમણ ત્રણેક ફૂટ ઊંચું ટેબલ લઈને આવે છે.) લખા, તમે બે જણા આ વાયર લાંબા કરતા થાઓ. હું જરા આવું.
રામુઃ પછં ના આવતો; આટલું જોડી આલીનં જા.
મગનઃ મારે કામ છે રામભાઈ!
રામુઃ કાલ કરજે. હવાર ચ્યાં નહીં પડવાની?
મગનઃ તમને ખબર તો છે કે કરશનકાકાના કૂવા પર મોટર મંજૂર થઈ છે ને મારે વાયર નાંખી આલવાના છે.
રામુઃ તે નાંખજેનં ભઈ! મું ચ્યાં ના પાડવા આવવાનો છું? લે આ વાયર માપીનં કાપી આલતો જા.
મગનઃ હું આવીને કાપી આપું. જરા પ્રધાનભાભીને કહીને ચા મુકાવો.

(જવા લાગે છે.)

રામુઃ અતારે ચા-બા ના મળે. તારે આવ્વું વોય તો આવજે નઈ તો પડજે કરસનડોહાના ખાડિયામાં. જોનં દિયોર મોટા કંટરાટી થૈ જ્યા છં તે!
મગનઃ (ગુસ્સે થતાં) જીભ સંભાળીને બોલજો, હાં રામભાઈ, નઈ તો મારા જેવો કોઈ ભૂંડો નથી.

(લખમણ શાંત કરવા મથે છે.)

રામુઃ એ તો આખું ગાંમ કે છ ક તારા જેવો દિયોર કોઈ ભૂંડો નહીં. પણ આપણી આગળ તારી ટૈણપૈણ નઈ ચાલે. હમજ્યો?
મગનઃ (સામે જતાં) નઈ તો શું કરી નાખવાનો હતો?
રામુઃ કરીનં જ બતાવું. જા લ્યા લખા, મારી લાકડી લઈ આય. દિયોરના આથપગ જ ભાજી નાંખું. પડ્યું રે હુવાવડીની જેમ દહ દાડા ખાટલામાં. મોટા કંટરાટી ના જોયા વોય તો!
મગનઃ જો રામલા, આપણી આગળ તારી બુહાગીરી નઈ ચાલે. કોક દિવસ ભારે પડી જશે.
રામુઃ (કૂદીને મગનના હાથનું કાંડું પકડે છે.) બોલ, ફરીથી બોલ જો વારું! (જોરથી મગનની હથેલી દબાવે છે. મગન “ઓહ” બોલી બેસે છે.) બોલ, ફરી બોલ!
મગનઃ ઓહ મરી ગ્યો! મારો હાથ મૂકી દે તો બોલાય.
રામુઃ તો પાંચ ઊઠબેસ કર. (જોરથી હથેલી દબાવતાં) બેસ. (મગન બેસે છે) ઊભો થા.

(મગન ઊભો થાય છે.)

લખમણઃ રેવા દાં રાંમભાઈ, આ એક ઊઠબેશ પાંચના તોલે છ.
મગનઃ લખાની વાત સાચી છે રામભાઈ; આ તમારી ગાય છું, મૂકી દો ભૈશાબ, હવે તમારી સામે કદી નહીં બોલું.
રામુઃ બોલ વાયર કાપી આલં છં ક નઈ?
મગનઃ તમે કેશો એ બધું કરીશ. આ જરા કરશનકાકાના ખેતરમાં નજર કરી આવું. લખમણ થોડુંઘણું ગોઠવે ત્યાં સુધીમાં હું આવી જાઉં છું.
લખમણઃ જવા દો રાંમભઈ, એ પાછા નઈ આવં તોય હું વાંધો છ? મનં ચ્યાં નહીં આવળતું? (મગન હાથ પંપાળતો ઢીલા મોંએ જાય છે, દબાયેલા ગુસ્સાથી.)
રામુઃ તને બધું આવડ છ લ્યા લખા?
લખમણઃ જેટલું કર્યું છ એટલું અવડ છ.
રામુઃ તો લે આ વાયર દાંતથી કાપી આલ.
લખમણઃ ભૂલી જ્યા તે દાડો ગડદો મેલીનં મારો એક દાંત તો ભાજી નાંશ્યો છ! હારું થ્યું. એક દાંત જ્યો પણ મું એ દાડાથી લેણમાં આઈ જ્યો!
રામુઃ લેણ નં બેણ, બધું હમજ્યા મારા ભૈ. અઈં તો જેનં આવળ્યું એ ફાયા. પેલા પાટલીઓ બદલનારા વગર મફતના લેર નહીં કરતા? અનં દિયોર છાપાંમાં ફોટા આવં એ તો વધારામાં.
લખમણઃ તમે રાંમભઈ, પેલો પરધાંનભાભીનો ફોટો પડાએલો એ ચ્યાં મૂચ્યો છ?
રામુઃ મઢાઈનં ઓયડામાં ભરાયો છે.
લખમણઃ મું જરા જોઈ આવું.
રામુઃ ફોટા જોયા વના તારી ભાભીનં જ જોજેનં. લાય તારી પાહેણ ચપ્પું વોય તો.
લખમણઃ આ વાયર કાપવા તો પક્કડ જોવે.
રામુઃ પક્કડ નં બક્કડ, હાથથી જ તોડી નાખું. (વાયર તોડવા બેઉ હાથે પકડીને ખેંચે છે.) અલ્યા આ તો તૂટતો જ નથી. લે પકડ, આપણ બે ખેંચીએ. (બંને જણા ખેંચે છે.) ખેંચ જોરથી, હં, હજી!
લખમણઃ મારી અથેલીમાં પેહી જ્યો!
રામુઃ તો લોઈ ચેમ ના આયું?
લખમણઃ લોઈ બાર આવવાને બદલે માંય પેહી જ્યું! રેવા દો, નઈ તૂટે!
રામુઃ (બેઉ હાથે જોરથી ખેંચતાં) દિયોર લાંબો થ્યો પણ તૂટ્યો નઈ, મેડીન ઈન્ડિયા લાગ છ! જા, મારા ઘરમાંથી ચપ્પુ ક છરી લઈ આય. અનં કશું ના જડે તો ધારિયું ક કુવાડી લઈ આય. આંનં આજ કાપ્યા વના મેલવો નહીં.

(લખમણ અંદર જાય છે. રામુ લંબાવેલા વાયરનો છેડો પકડીને ટેબલ પર ચડે છે. ત્યાં એની પત્ની પ્રધાન હાથમાં ટોકર લઈને આવે છે.)

પ્રધાનઃ આ ઘરમાં ધારિયું ચ્યાં અતું તે તમીં લખાભૈનં લેવા મોકલ્યા?
રામુઃ (ટેબલ પર ઊભા ઊભા) દારિયું નઈ તો તારી જીભ તો અતીનં? એ વધારે ધારદાર છે!
પ્રધાનઃ અવં વાંકું બોલ્યા વના માંચી પરથી નેચા ઊતરાં, નઈ તો પડશાં તો આથપગ રંગઈ જશં.
રામુઃ તો તું તારો હાલ્લો ફાડીનં પાટો બાંધજે.
પ્રધાનઃ ફાડવા માટે લાઈ લાઇનં પેટી ભરી આલી નઈ વોય?
રામુઃ તારાં પિયરિયાં હાળાં હાવ પાજી; ચમડી ટૂટે પણ દમડી ના છૂટે. વરહે દાડે બે હાલ્લાય નહીં લાઈ આલતાં!
પ્રધાનઃ તમે તમારી બુંનોનં ચેટલા બંધાવાં છાં?
રામુઃ મું તો એકીનં પાંચ પાંચ પેરાવું પણ તારો જીવ બળે.
પ્રધાનઃ (ટોકર માથે મૂકતાં) પાંચના પછી પેરાવજો નં! મારે જીવ બાળે છ મારી બલારાત! લ્યાં અવં નેચા ઊતરાં, ગોળો નઈ મેલાય તો આપણા અંધારામાં ભટકાઈ પડવાનાં નહીં.
રામુઃ આપણ ભટકઈ પડીએ ઈનો તો વાંધો નઈ, પણ આજ ઊજણાના દાડે કોઈ પારકું અથડાઈ પડે ઈની ચન્ત્યા છ.
પ્રધાનઃ અવં ઊધું બોલ્યા વના આ ધતંગ મેલાં, મું લાજી મરું છું.
રામુઃ (ટેબલ પર અધ્ધરપગે બેસીને ગાવા લાગે છે.)
“ગોરભાંન વચમાંથી કાઢાં રે મું તો લાજી મરું છું.”
પ્રધાનઃ અવં ચાળાં મેલાં. (મણિવહુ પસાર થાય છે.) આ પેલી મણિવઉ પાંણી ભરવા હેંડી, નં મારે તો અજી રેત લઈ આઈનં પાંણી ભરવા જવું છ. (બહાર ભણી જોતાં) અલી મણિવઉ, ઊભી રે, મારે ચકલીઓ બાજુ જ આવવું છ.

(મણિવઉ ખાલી બેડા સાથે પ્રવેશે છે. રામુ સામે નજર કરીને પછી એની લાજ કાઢે છે.)

રામુઃ (ટેબલ પરથી ઊતરતાં) તારી મણિવઉને કઈ દે ક મારી લાજ ન કાઢે! ડોશી કીં છં ઈનો ધણી નં મું બે એક જ દા’ડે જલમ્યાતા.
મણિઃ એ તો એય ઈમ કેતાતા, પણ મારી હાહુઈ કયું છ ક મારે તમારી લાજ કાઢવી.
રામુઃ તારી હાહુનું ચાલે તો તનં છેંકણીની દાભડીમાં પૂરીનં છેડે બાંધી રાખે. તારે લાજ કાઢવાની જરૂર નહીં.
મણિઃ મનં જરૂર લાગ છ.
રામુઃ ચેમ મીં તારું મુઢું ભાળ્યું જ નઈ વોય?
મણિઃ ઈમ તો મારા હાહરાઈય ભાળ્યું અશે, એથી શ્યું થ્યું?
રામુઃ કશું નઈ. મુઢું હારું વોય તો હઉનં જોવાનું મન થાય. જે દાડો મું આંનું મુઢું ના જોઉં, એ દાડો બરોબર કાંમ નાં થાય.
પ્રધાનઃ બળ્યું લાજાં અવં તો લાજાં. મારું આણું કર્યય ચાર વરહ થ્યાં!
રામુઃ ચાર વરહ થ્યાં? જાજા અવં.
પ્રધાનઃ બે વરહ તો આ મણિવઉના આંણાનં થ્યાં! હેંડ લી, એ તો બે કલાક લફારો કૂટશીં.
રામુઃ ઈનં કે ક ઘૂમટો કાઢી નાંખે.
મણિઃ ઈમ ન કઢાય.
રામુઃ તો આંમની આય, મું જ મેંલાઈ દઉ… (રામુ મણિવઉની પાસે જાય છે, મણિ પ્રધાનની પાછળ જાય છે. શરમાય છે. પ્રધાનને) અવં તો તું જ ઈનં હમજાય.
પ્રધાનઃ મારે હમજાવ છ મારી બલારાત. તમે ઈમ બાયલાની જેમ હું ઊભા અશાં?
રામુઃ એ તો કોક દાડો થઈ પડશે. ભલં નં આજ હાત આથનો ઘૂમટો તાંણતી! ઓળી-ધૂળેટી તો આવશે નં?
મણિઃ મું ગલાલ છાંટીશ તો હવાપાંનશેર ખજૂર લાઇ આલવું પડશે! (રામુની પાસે થઈને જવા જાય છે ત્યાં રામુ ત્વરાથી એના માથેથી પાલવ ખસેડી દે છે) બશ ધરઈ જ્યા?
રામુઃ ઈમ તો અમે ધરાએલા જ છીએ. પરધાંન જેવી વઉ વોય ઈનં અજંપો શો?
પ્રધાનઃ (જતાં જતાં પાછી વળીને) મેર મારા પીટ્યા, શરમાતો નહીં નાંમ દેતાં! હેંડલી મણિ, આપણ ઈમની જેમ નવરાં નહીં. પાણી પછં ચ્યારં ભરાહે?
મણિઃ કેતાં જવ નં, પાંણી તો રાંમભાઈ ભરી દેહં.
રામુઃ મારી પાંહેણ પાંણી ભરાવનારે અજી જલમ લીધો નહીં, હમજ્યાં વઉવારુ?
મણિઃ કોક દાડો જોઈશું! (પ્રધાનની પાછળ મલકાતી મલકાતી જાય છે.)
રામુઃ (કામમાં જીવ પરોવતાં ઊંચા અવાજે) અલ્યા લખા, દિયોર ચ્યાં મરી જ્યો?
લખમણઃ (હાથમાં અડધી કાપેલી કેરી ને ચપ્પુ લઈને આવે છે.) આ ચપ્પુ શોધતો તો ત્યાં કેરીઓ મળી. અજી તો આ તીજી જ ખઉં છું.
રામુઃ અલ્યા કાચી કેરીઓ તનં ખાટી નહીં લાગતી?
લખમણઃ કેરીઓનો હવાદ તો મું ચ્યાંય ભૂલી જ્યોતો. તમારી વાતોમાં એથી વધારે હવાદ પડતો’તો! લ્યો આ એક છાંડિયું તમેય ખવ.
રામુઃ ના તું ખા, તનં તારા દાંતની પડી નહીં.
લખમણઃ અવં લ્યાં લ્યાં.

(આગ્રહપૂર્વક એક ટુકડો આપવા જાય છે, રામુ લેતો નથી.)

કેરી ખાવાથી મારા તો દાંત કાયમ મજબૂત થાય છં. અવં કો તો વાયર કાપી આલું.
રામુઃ તો પછ આ ચાપ્પુ હું કરવા લાયો? લેં હેંડ, જલદી કર. આંણાવાળાય આઈ પોંચવા થ્યા! પેલો દિયર મગલો તો રફુચકર થૈ જ્યો!
લખમણઃ એ તો વાયર જોડી આલવાના તૈણ રૂપિયા ફી લે છ!
રામુઃ એક વાર જોડી આલે તો પછં મું ઈનં બધુંય આલું!
લખમણઃ બધું તો નંઈ લે પણ પૈશા જરૂર લેવાનો. તમે જોજો તો ખરા રાંમભાઈ, મગલો બે વરહમાં પૈશાંવાળો નાં થઈ જાય તો, કીજે કીધું નતું, લાંચોમાં ઈની ચોથા ભાગની દલાલી વોય છ!
રામુઃ મોટા સાએબો હુધી તો કશું પોંકતું નઈ વોય. આંના જેવા વચમાં ચરી જતા અશં. લાય એટલું છાંડિયું. દિયોર મૂઢામાં પાંણી વળ્યું!
લખમણઃ (કેરી આપતાં) લ્યાં, મું આ પલગમાં વાયર ઘાલું.
રામુઃ બરાબર ફિટ કરજે, કોઈનં શોટ ન લાગે. (મણિવહુને આવતી જોઈને) અને આ વાયર બધા એક બાજુ મેલ. કોઈના પગમાં આવશે તો ગોથું ખઈ જશે.
મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં.
લખમણઃ ઈ તો પેલા કરશનકાકાના ખેતરમાં વીજળીના થાંભલા નંખાંય છં એટલં બેતૈણ કલાક તો લેણ બંધ રેવાની!
મણિઃ આ જોનં આ લુંડિયાના હાળા, આંતરે દાડે લેણ બંધ રાશીનં બેહી જાંય છં!
લખમણઃ બેહી નહીં જતા, થાંભલાં પર ચડં છં!
રામુઃ (મણિને) તે આપણા શેતરમાં મશીન ચાલુ અશે, જવ બે બેડાં ભરી આવાં!
મણિઃ પરધાંનભાભી આવં ઈની વાટ જોઉં છું.

(મોરિયો ટેબલ પર મૂકે છે. રામભાઈ પથરા પર બેસીને ગજવામાંથી સોપારી કાઢીને ખાય છે.)

લખમણઃ (મણિ રામુની સામે જોઈ રહી છે એનો ખ્યાલ આવતાં) ચેમ મણિભાભી, રાંમભાઈની લાજ કાઢવાનું મેલી દીધું?
મણિઃ ઈમણે મેલાઈ દીધું!
લખમણઃ તે મારી ય લાજ કાઢતાં વો તો પછં મું મેલાઈ ના દઉં?
રામુઃ આ જો નં દિયોર વેંત જેવડા છં તોય પાછા પડે છે!
મણિઃ એ તો એટલા બીજા ભૂયમાં છં. તમનં ચ્યાં ખબર છે? વાયર જોડતાં શીખ્યા તારના –
લખમણઃ ના હાં રાંમભઈ, મારો દાંત પડી જ્યો તારથી મું લેણમાં રયો છું. તદ્દન સીધો માંણહ.
પ્રધાનઃ (માથે ભરેલું ટોકર લઈને પ્રવેશતાં) કુણ સીધું માંણહ?
લખમણઃ બીજું કુંણ? આ તમારા રાંમભઈ! પરભવમાં ચેટલાં પુણ કર્યાં વોય તાણં રાંમભઈ જેવો ધણી મળે!
મણિઃ હાચી વાત!
પ્રધાનઃ મું તો કઉં છું ક બીજે ગમે ત્યાં છોડી નાંખજો પણ આ ગાંમમાં ના નાંખતા!
રામુઃ તમનં શ્યાં દખ પડ્યાં?

{{Ps પ્રધાનઃ દખ નઈ તો હખ છ? મારા પિયરમાં તો આંગણા આગળ ચકલી! રામુઃ નકાંમો કાદેવ થાય. પ્રધાનઃ પણ ઘરમાં લાઈટ લેવામાં તો કાદવ નોતો થતો નં? રામુઃ બહું રૂપિયનું ખરચ પડ છ એટલાનું તો દિયર ચાર ગુણ વિલાતી ખાતર આવં. ઈમાંથી પાકે ચેટલું? બે ઘડીના અજવાળા માટે બહં રૂપિયા? મરશે; તો ય દિવાળી પર મીટર મેલાઈશું. પ્રધાનઃ મેલાયું તમે મીટર! હોનાની બંગડીઓ ચ્યારના કરાઈ આલાં છાં? રામુઃ તારી આખી દેય હોના જેવી છ પછં બંગડીઓનો મોહ શો? (પ્રધાન શરમાતી અંદર જાય છે.) લખમણઃ ખરી વાત ભૈ ખરી વાત! ગાનારે ગાયું જ છ નં!

“બેડાનં ઝાઝું અજવાળ ના.
જોનારો તો જોશે’લી કંચનની કાયાનં
પિત્તળમાં મોહ તું લગાડ ના!”
ખરું ક નઈ મણિભાભી?

મણિઃ એ તો ખરું પણ લખાભૈ, ઊણ તમારે તોયેણ બાંધવાનું છ ક નઈ? લખમણઃ તે મું ના પાડતો વોઈશ? (કામ છોડીને ઊભો થઈ જાય છે.) મારી હાહુ હાળી માનતી નહીં. ઈનં ઈની છોડી પાંહેણ કાંમ કરાવવું છ! મીં તો ઊજણાની આશાઅં ઘેર મીટરે મેલાઈ દીધું’તું. પ્રધાનઃ (બેડું લઈને પ્રવેશતાં) હેંડ લી મણિ, ઈમનં બે જણાંનં તો આજ લેર થઈ જઈ છે. બેડું ભરી આઈનં મારે તો અજી કહારનું આધણ મેલવું છ? મણિઃ (જતાં જતાં) કેતાં જવ રામભઈ મેલી દેહં. (બંને જાય છે.) રામુઃ લખા આ જો નં દિયોર ફાટ્યાં છં તે! ઝાંઝર ઝમકાવતા શેરીમાં ચેવાં ચાલં છં! લખમણઃ અજી તો તૈણ આંણા જ આઈ છ નં! કાંમધંધે વળ્યાં નં પાંચહાત છોકરાં થ્યાં પછં લેણમાં આઈ જવાનાં! રામુઃ હં, એય ખરૂં! (કંઈક ઉદાસ થઈને) હાચું કઉ લખા? (ટેબલ પર બેસતાં) જવાંન માંણહનં ઢીલું જોઈ નં મારો તે જીવ બળી જાય છ! મારો ડોહો વાત કરતા ક પેલાંના જમાંનામાં માંણહ પચાહાઈઠ વરહ હુધી તો પાડા જેવાં રેતાં! આ દૈણાં દળવાનાં જ્યાં, પાંણીની ચકલીઓ મુકાંણી, વીજળી આઈ, મોટરો આઈ, અલ્યા દિયોર ટેકટરે આયાં પણ આપણી વેળા નાં વળી! ઊલટાનાં દવા ખાતાં થ્યાં! મનં ઘણીવાર વચાર આવ છ નં કાળજું કંપ છે! આપણું હું થવા બેઠું છ! લખમણઃ તમે તો જમ જેવા છાં! રામુઃ અલ્યા એ તો ભગવાંન એવું હાડ ઘડ્યું, માંયથી તો મુંય પોચો છું. આ બધી માયકાંગલી પરજા જોઈનં મનં થાય છ ક હાળું આપણું બી તો બગડી નહીં જ્યું ન? આ મસીનોઈ આરાંમ આલ્યો કે વ્યસનો વધાર્યાં? અનં દિયોર બીજી બાજુ લાંચરુશવત; ચ્યાંથી ઊંચા આવવાના’તા? મગનઃ (ઝડપથી પ્રવેશતાં) અલ્યા આ બધું શેરીમાંથી લઈ લો. વીજળી ખાતાનો સાહેબ આવે છે. (લખમણ વાયર વાળવા જાય છે.) રામુઃ રવા દે લખા! સાએબ આવશે તો જશે! શેયરી ચ્યાં હાંકડી છ? મગનઃ પછી પાછા કે’શો કે કીધું નોતું! દંડ કરશે! રામુઃ દંડ હનો? જોઈતાકાકાના ઘરમાંથી વાયર ખેંચીએ છીએ અનં ઈમણે મીટર મેલાએલું છ. આપણ ચ્યાં સીધા થાંભલા પરથી બાળવાના છીએ? મગનઃ દીવો લઈનં કૂવામાં પડવું હોય તો તમારી મરજી! (ઝડપથી પાછો જાય છે.) લખમણઃ રેવા દો રાંમભાઈ! આ વીજળી ખાતાના અમલદારો બઉ કડક વોય છં! રામુઃ આપણનં ઈમની ગરજ વોય પછી એ કડક જ થાંય નં? લખમણઃ એય ખરું, (પાછળ જોતાં) આ પેલો સાએબ તો સીધો અંઈ જ આવ છ! રામુઃ મગલાઈં ઈનં ફોન કરીનં જ બાલાયો અશે! પછં ચેમ ના આવે? જ્યાં ઈમનું કાંમ ચાલતું અશે ત્યાં તો દિયોર ડોચિયુંય નઈ કરવાના. સાહેબઃ (મગન સાથે પ્રવેશતાં) આ કોનું મકાન છે? મગનઃ એમને જ પૂછો ને! રામુઃ એ રાંમ રાંમ સાએબ! આવો પધારો! ધન ઘડી ધન દાડો, અમારી શેયરી પાવન કરી! લખા, પાંણી – (લખો જાય છે.) સાહેબઃ મારી પાસે વખત નથી, બોલ, આ કોનું મકાન છે? રામુઃ મું કાંય નાંનું છોકરું નહીં ક મનં ટુંકારાથી બોલાવાં છાં! સાહેબઃ (નકલી હાસ્યથી) એ ખરું! અક્કલમાં છોકરું રહ્યા લાગો છો, બાકી દેખાવમાં તો બળદ જેવા થયા છો! રામુઃ મારો બળદ તમારાથી દૂબળો છ સાએબ! સાહેબઃ (ગુસ્સે થતાં) મોં સાંભળીને બોલ! સીધો જવાબ આપ. આ કોનું મકાન છે? રામુઃ અમારું. સાહેબઃ અને આ? રામુઃ એય અમારું. સાહેબઃ એમ! તો આ આખું ગામ તારા ડોસાએ બંધાવ્યું હશે! રામુઃ ના – ઈમના ડોહાના ડોહાના ડોહાના ડોહાઈ, તમારા માંનવામાં થોડી જ ભૂલ રઈ જઈ! સાહેબઃ મગન, આ તો કોઈ છૂપો રુસ્તમ લાગે છે! મારે એને સીધો કરવો પડશે! આ પછીત કોની? મગનઃ જોઈતા છગનની! (લખો પાણી લઈને સાહેબ પાસે જાય છે.) રામુઃ મગલા, દિયોર ઘૈડાનં તો માંનથી બોલાય! લખો, સાએબ એ પછીત જોઈતાભાઈ છગનભાઈની છ! સાહેબઃ અને આ ખડકી? રામુઃ એ મારી! રાંમભાઈની. સાહેબઃ બાપનું નામ? રામુઃ એ તો ગુજરી જ્યાં છં! આખું ગાંમ મનં રાંમભઈથી ઓળખ છ! બાપનું નામ લખવાની જરૂર નહીં. મગનઃ લખાવી દે ને! (પાસે જતાં) બાપનું નામ કંઈક બીજું લખાઈ ગયું તો? રામુઃ (ઊછળીને મગનને એક તમાચો લગાવી દે છે, ગળેથી પહેરણ પકડે છે. લખમણ વચ્ચે પડે છે.) નેંનળિયા, બાપ સુધી જ્યો? આડકાં ભાજી નાંશીશ. ગાંમમાં એક તો અવળા ધંધા ચલાવવા છં નં મારી આગઈ વટ કરવો છ? દિયોર, મારો બાપ તો ભાયગશાળી અતો તે તમારા જેવાંની વચમાંથી વેલો જ્યો! સાહેબઃ મગન, આણે જેલના સળિયા હજી જોયા લાગતા નથી! લખમણઃ તમારા જેટલો અનુભવ ઈમનં ચ્યાંથી વોય સાહેબ? સાહેબઃ ચાલ મગન, આ લોકો સાથે જીભાજોડી કરવા જેવી નથી. પચ્ચીસ પચ્ચાસનો દંડ ભરવો પડશે ત્યારે સીધો થશે. (જવા લાગે છે.) રામુઃ દંડ કઈ બાબતનો સાએબ? સાહેબઃ તમે અમારા ગ્રાહક નથી, તમારી સાથે હું વાત નહિ કરું. રામુઃ પણ નાગરિક તો ખરો ક નઈ? સાહેબઃ તમારા જેવા બધાને હું ક્યાં જવાબ આપતો ફરું? રામુઃ તો પછં ઘરમાં જ બેહી રો નં! કુણ ચોખા મેલવા આયું’તું તે આંય પધાર્યા. મગનઃ રામલા, જરા ભાનમાં આવ, તારા ભલા માટે કહું છું. આ તો બહુ મોટા સાહેબ છે! રામુઃ દેશમં દિયોર કોઈ નાંનું રયું જ ચ્યાં છ! સાહેબઃ ગામનો આ પહેલા નંબરનો ગુંડો લાગે છે! રામુઃ મું ગુંડો, નં તમે બે જણા જાટલીમેન! સાહેબઃ આનં તો એક વાર મામાને ઘેર મોકલવા જ પડશે! લખમણઃ ચેમ સાહેબ આજ બઉ ફૂંગર્યા છાં? ચેમ મું બોલતો નહીં એટલે રાંમભઈનાં એકલા માંનાં છાં? જવ, જે કાલ કરતા વો એ આજ કરજો, અવં તમીં નાંમ તો લશી લીધાં, જે કરવું વોય એ કરી નાંખજો! જવ નઈ તો રાંમભઈ ગુસ્સે થ્યા તો પછં મારા જાલ્યા નઈ રં. સાહેબઃ એ ગુસ્સે થાય એની હું રાહ જોઈ રહ્યો છું. રામુઃ તો બેહાં! જા લખા, ઘરમાંથી ખાટલો લઈ આય. સાએબ બેઠા બેઠા રાહ જુવં! મગલા, તું આ અધૂરું છ એટલે પૂરું કરી આલ. મગનઃ હું એવું ગેરકાયદે જોડાણ કરી આપતો નથી. રામુઃ અલ્યા તું કરં છં ઈનાથી આ ચ્યાં જુદું કાંમ છ? સાએબ, તમનં તો આ વાયર જોડતાં નઈ આવળતું વોય! સાહેબઃ મને શું આવડે છે એ તમે એક બે દિવસમાં જોશો! રામુઃ અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! મગનઃ (બહાર તરફ દોડતાં) ના લ્યા, જોજો અડતા, નઈ તો મરી જશો. સાહેબઃ (રામુના ખભે હાથ મૂકતાં) તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે! રામુઃ (સ્મિતથી) મું તો સાએબ, પૈડાંની જ નઈ, ખુદ આપનીય અવા કાઢી નાંખું, પણ તમે મારે આંગણે ઊભા છાં એટલે મેમાંન કેવાવ હમજ્યા? સાહેબઃ મેમાન! આ રીતે મહેમાનનું સ્વાગત થાય? રામુઃ મું કોઈનં લાંચ નહીં આલતો! સાહેબઃ લાંચ માગી કોણે? તમે જાહેરમાં મારા પર આક્ષેપ કરો છો! રામુઃ મું ખાંનગીમાં કશું નહીં કરતો, અનં જે કરું છું ઈની મનં ખબેર વોય છ! જવ અવં જવું વોય તો. અનં ચા પીવી વોય તો બેહાં બોલ્યા વના. દૂધ આવે પછં મેલાવું છું. સાહેબઃ પીજો બેઠા બેઠા. ચાલ મગન, આ વાયર પુરાવા તરીકે સાથે લઈ લે! રામુઃ રેવા દે. એ તોં મું ઉછીનો લાયેલો છું, કાલ પાછા આલવા પડશીં. સાહેબઃ એનું સાંભળ્યા વિના તું વાયર લઈને આવ, હું જીપમાં બેસું છું. રામુઃ આવજો પધારજો સાએબ! (સાહેબ બોલ્યા વિના જાય છે. મગન વાયર સામે જોઈને રામુ સામે જુએ છે. પછી લખમણને એક બાજુ લઈ જઈને પચ્ચીસ રૂપિયા પહોંચાડવા કહે છે. જાય છે.) લખમણઃ રાંમભઈ, મગન કેતોતો ક પચી રૂપિયામાં પતી જશે, નઈ તો પચી દુ પચા દંડ થશે. રામુઃ મારો દંડ નઈ થાય, મું ચ્યાં ઈમનો ઘરાક છું. તે એ મારી પાંહણથી વશૂલ કરી શકવાના અતા? લખમણઃ પણ જોઈતાકાકાનો દંડ થશે તો? રામુઃ તો ભરશં, ઈમણએ ચ્યાં આડા મારગં ઓછું ભેગું કર્યું છ? (પ્રધાન અને મણિ સાથે બેડાં ઉપાડીને આવે છે.) પ્રધાનઃ આ પેલાં છોકરાં કેતાંતાં ક તમે સાએબ આરીં લડ્યા? રામુઃ ઓવે. (વાયર લંબાવે છે.) પ્રધાનઃ તમનં નવરા પડ્યે આ હું હુઝ્યું? રામુઃ એ તો જે હઝ્યું એ ખરું, તમે અવં બેડાનો ભાર ઉપાડ્યા વના પાંણિયારા બાજુ વળી જવ. અનં મણિભાભીનં ઈના ઘેર જવા દાં. ઈની હાહુ બેઠી બેઠી મણ મણની જોખતી અશે! મણિઃ જોખ્યા જોખ્યા અવં! એક શબદ તો કાઢે? રામુઃ જોયું લખા, બીજા આંણે આઈ છ પણ બીક છ કોઈની? મારા જેવો મળ્યો વોય તો પાંશરાં દોર કરી નાંખે! પ્રધાનઃ જોયું મણિ? તું અમણાં ઈમને વખાંણતીતી! મણિઃ એ તો પેલા માનવીએ કયું છ ન કં વખાંણેલી સીચડી દાંતં વળગે! લખમણઃ અવં તમારા દાંતં નઈ વળજીએ ભૈશાબ, તમારાં બેડાં ઉતારાં, મનં ઈમનો ભાર લાગ છ! પ્રધાનઃ જા લી મણિ પછં આવજે. આંમના આહીં નઈ પોંકાય. (મણિ જાય છે.) લખમણઃ હું કરવું છ પછં રાંમભઈ? લાવાં દહેક રૂપિયા વોય તો આલી આઉં. સાહેબ માંની જશે! રામુઃ દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે! લખમણઃ પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી? રામુઃ તારી વાત હાચી છ પણ જો મીં તો અનમાંનજીના ઓટલે આથમાં પાંણી લીધું છે કે કદી જૂઠું નઈ બોલું. લખમણઃ પણ આંમાં ચ્યાં જૂઠું બોલવાનું છે? રામુઃ પણ બોલવાનું નઈ તો કરવાનું તો ખરું નં? તું નહીં હમજતો? પ્રધાનઃ (હાથમાં પાંચની નોટ લઈને પ્રવેશે છે.) લ્યો લખાભઈ, આ પાંચ રૂપિયા મું આલું છું. જવ સાએબનં આલી આવાં. દંડ ના કરે! રામુઃ લાય મનં આલ! (પ્રધાનની પાસેથી પાંચની નોટ લઈ લે છે.) આંની તો બીડીઓ લાવવી પડશં. રાતીં ઊજણા વખતં બધાંનં પાવા થશં! પ્રધાનઃ પણ પેલો તમારો હગલો પછં દંડ કરશે તો? જવ લખાભૈ ઈનં આલી આવાં નં ઈનું કાળું કરાં! રામુઃ કોઈનું મૂઢું આપણાથી કાળું નાં થાય ગાંડી! તું તારે ઘરનું કામ કર. ડોશીય શેતરમાંથી આવવા થ્યાં. પછં ઠપકો દેહં. જા લ્યા લખા, જોઈતાકાકાના ઘરમાં જઈનં આ વાયર ખેંચી લે અને પલગ ઠોકી બેહાડ. (લખમણ જાય છે.) પ્રધાનઃ તમનં લડ્યા વના ચેન નહીં પડતું? રામુઃ તારી વાત હાચી છ. અમણાંથી તારી હારે લડ્યો નહીં એટલે સાએબ હારે લડ્યો! પણ લડાં નઈ તો બીજું કરાં શું! દિયોર કોઈના બિવડાવ્યા બિવાય ચેમ? લખમણઃ (અંદરથી) એ રાંમભઈ, વાયરનો છેડો આવવા દો. રામુઃ લે જરા આ માંચી પર ચડીનં લખાનં વાયરનો છેડો આલ! પ્રધાનઃ ઓ તમારીની! મનં માંચી પર ચડાવશાં? રામુઃ ચેમ તું ચ્યાંય ચડી જ નહીં? પ્રધાનઃ ઈમ તો ઝાડ ઉપરય ચડી છું પણ આંય રસ્તામાં? લખમણઃ (અંદરથી) રાંમભઈ! હું કરાં છાં બે જણાં? વાયર આલાં નં. રામુઃ આલું લ્યા આલું. જરા જરા હા ખા. (પ્રધાનને) લે આ માંચી પકડ, દિયોર અલ છ! (રામુ માંચી પર ચડીને વાયર આપે છે. પ્રધાન માંચી હલાવે છે.) એ અલાયે નઈ, અંઈથી પડીશ તો તારા ઉપર જ પડીશ. પ્રધાનઃ એ તો મનં ઈની ખબર છે. કેવાની જરૂર નહીં. જુવાં પેલો આયો. રામુઃ કુણ છ? પ્રધાનઃ પેલો તૈણ પૈશાંનો મગલો. રામુઃ આવવા દે. દિયોરનાં પાંહળાં ઢીલાં કરું! પ્રધાનઃ જોજો બોલતા. એ તો લુંડિયાંનો હાળો જાત વગરનો છ. રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં? લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં? રામુઃ આ તારી ભાભી ઊતરવા દેતી નતી! લખમણઃ મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો! રામુઃ (ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં? મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું! રામુઃ આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે! (પ્રધાન અંદર જાય છે.) લખમણઃ (વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ? મગનઃ હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું! લખમણઃ ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ. મગનઃ હું પાડી આવું છું. લખમણઃ પછં દંડ ચેટલો થ્યો મગનભઈ? મગનઃ એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા! લખમણઃ ચેટલામાં પત્યું? મગનઃ ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય? રામુઃ માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં! મગનઃ એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે? રામુઃ મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં. (મગન જાય છે.) લખમણઃ તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ? રામુઃ અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો? લખમણઃ તમે ગનાંનની વાત કરી? રામુઃ ના, વેવારની. મગનઃ (પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ? લખમણઃ ના. મગનઃ (અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે! લખમણઃ આવી લાઈટ? મગનઃ ડીમ લાઈટ થઈ! રામુઃ અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ? મગનઃ ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની! રામુઃ માણહનાં મૂઢાંય નઈ દેખાંય? લખમણઃ એકલો ગોળો દેખાશે! રામુઃ દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ! મગનઃ (બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે! રામુઃ રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ! (પડદો) (એકાંકી – સંચય ૨)

હુકમ, માલિક ચિનુ મોદી પાત્રો અધિકાર જીન

દૃશ્ય ૧

(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) જીનઃ હુકમ, માલિક. અધિકારઃ મારા બૂટની દોરી છોડ. (જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. (પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? (જીન ચૂપ રહે છે.) અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. જીનઃ જેવો હુકમ, માલિક. (જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે… જીનઃ જેવો હુકમ, માલિક. (જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… (જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… (જીન ચાલવા માંડે છે.) અધિકારઃ (રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા… જીનઃ જેવો હુકમ, માલિક… (જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે) અધિકારઃ અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું… (જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ) અધિકારઃ બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ… (જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.) અધિકારઃ હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.) અધિકારઃ (પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે? (જીન ચૂપ રહે છે.) અધિકારઃ તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા… (જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે) અધિકારઃ (જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા… (થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં) અધિકારઃ ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું… (કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.) જીનઃ હુકમ, માલિક… અધિકારઃ આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્) અધિકારઃ તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન… જીનઃ જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.) અધિકારઃ (હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્) અધિકારઃ એક રકાબી… (જીન શૂન્યવત્) અધિકારઃ (છેડાઈને) ચા પી… મારો હુકમ છે. (જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.) અધિકારઃ હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ. જીનઃ જેવો હુકમ, માલિક… (જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.) અધિકારઃ થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.) અધિકારઃ કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્) અધિકારઃ નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.) અધિકારઃ (ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) અધિકારઃ (મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) અધિકારઃ (વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્) અધિકારઃ લે, આ કપ લઈ જા. (જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને) જીનઃ જેવો હુકમ, માલિક. (જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે) અધિકારઃ આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી? (જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા… (જીન તરત પાછો ફરી, રકાબી લઈ) જીનઃ જેવો હુકમ, માલિક… (જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) અધિકારઃ હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. (અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) જીનઃ હુકમ, માલિક. અધિકારઃ નૃત્યુ… નૃત્ય કર… (જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) અધિકારઃ આ શું ઠેકડા મારે છે? (જીન નાચ્યા કરે છે.) અધિકારઃ અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. (જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) અધિકારઃ હવે સાથે કાંઈ ગાઈશ? (જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) અધિકારઃ કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. (જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.)

દૃશ્ય ૨

(લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) અધિકારઃ (બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.)

(થોડી વાર પડેલાં બૂટને જોઈ રહે છે – પછી સહેજ કંટાળો આવતાં – એક બૂટને ઊંચકીને) કાલની રમત… ગઈકાલની એની એ રમત… આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાનાં તો શોધવાં જ પડશે ને… (પકડેલા બૂટને એક ભીંત તરફ લઈ જતાં) ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવું… મિસ વૉલ, આ મિસ્ટર શૂ. ચાઇનાના છે. અને મિસ્ટર શૂ, આ મિસ વૉલ, મારાં વરસોનાં ફ્રૅન્ડ છે… ફ્રૅન્ડ? આઈ હેઈટ… ઑલ ઑફ ધેમ… ઍન્ડ આઈ હેઈટ યૂ ટૂ, મિસ્ટર શૂ, (Friend: I hate these walls, Mr. Shoe. I hate all of them, and I have you too, Mr, Shoe) (એમ કહીને પકડેલા બૂટને દીવાલ પર જોરથી ફંગોળે છે – સહેજ વાર રોકાઈ) બૂટ ફેંક્યાથી દીવાલ હટતી નથી – મિસ્ટર અધિકાર.

(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) જીનઃ હુકમ, માલિક– અધિકારઃ (ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? (જીન શૂન્યવત્) અધિકારઃ તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. (જીન શૂન્યવત્)

અને તને મારી દયા પણ આવતી નથી? કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત, પણ તું?

(જીન શૂન્યવત્)

સાલ્લા, હું બકતો નથી, બોલું છું. સંભળાય છે તને? હું બોલું છું, બોલું…

(જીન શૂન્યવત્)

મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી… કશું જ સમજાતું નથી… ઊફ્.

(જીન શૂન્યવત્)

તો હવે મારો હુકમ સાંભળ.

(જીન શૂન્યવત્)

મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર…

(જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) જીનઃ કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. (જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? (જીન શૂન્યવત્)

પણ, ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં… ઊફ્… દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે? પણ, તું મારાં સુખદુઃખમાં કેમ સામેલ થતો નથી? મારાં સુખ, મારાં દુઃખની વાત હું તને કહું છું ત્યારે, અત્યારે ઊભો છે એમ પથ્થરવત્ ઊભો રહે છે – નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે…

(જીન પાસે જઈ)

તને ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ – વરસોથી. તને એનો કંટાળો નથી આવતો?

(લગભગ રડમસ થઈને)

તને કહું છું – આ બધું હું તને કહું છું – તને – તને સંભળાય છે?

(થોડી વાર પછી ગુસ્સે થઈ)

સાલ્લા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને…

(ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં)

મારા ગળામાં શોષ પડે છે – પાણી લાવ.

જીનઃ જેવો હુકમ, માલિક. (જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.) અધિકારઃ પ્યાલો અંદર મૂકી આવ. (અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.) અધિકારઃ તું કેમ પાછો આવ્યો? જા. (જીન જવા માંડે છે એટલે)

ઊભો રહે.

(જીન ઊભો રહી જાય છે.)

આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.
(થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?

(જીન શૂન્યવત્)

સાલ્લા, મારી સાથે વાત કર – મારો હુકમ છે.

જીનઃ (યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં… અધિકારઃ સ્ટૉપ ઈટ. (જીન બોલતો બંધ થઈ જાય છે એટલે)

તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો… તો હું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ – એની સાથે વાત કરીશ – સાલ્લું, વીસ વીસ વરસથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી – એ તે કેમ ચાલે?

(દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ) અધિકારઃ બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો… (આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.)

આવ, બેટા, આવ. અંદર આવ. તને ચોકલેટ આપું…

(છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.)

દૃશ્ય ૩

(પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.) અધિકારઃ (થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો. (કોઈ આવતું નથી.)

ઓ હું મરી ચાલ્યો રે… મારા ગળામાં શોષ પડે છે. (ખાંસતાં ખાંસતાં) આ ખાંસી… (સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે – ઢળી પડે છે – થોડી વાર મૌન) જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો? હા…શ? (સહેજ વાર આંખો મીંચી રાખે છે.) પણ, મારો દવાનો સમય થયો છે…દ…વા…

(કોઈ આવતું નથી.)

ત્રણ તાળી પાડું? (જમણો હાથ ઊંચકવા અધિકાર પ્રયત્ન કરે છે – હાથ ઊંચકાતો નથી. હાથ પડી જાય છે.) અરેરે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ ઝલાઈ ગયું છે… પણ… ના… નહીં. પા…ણી… (ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.) ના, ના. આ ત્રીજી તાળી પાડીશ તો પે…લો હાજર થશે. હુકમ માગશે… નહીં, મારે એનાથી છૂટવું છે – કોઈ રીતે ય છૂટવું છે. (થોડી વાર અટકીને) પણ, આમ ને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પડ્યો છે ને… દવા વગર… પાણી વગર… પણ કાંઈ નહીં… આ જીન મારે ન જોઈએ – આ કોણ મને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે? કો…ણ? કો…ણ છે એ? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? નથી મારે તાળી પાડવી… ત્રીજી તાળી નથી જ પાડવી… પણ, ઓહ…

(અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.) જીનઃ હુકમ, માલિક. (અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) (પાંચ અદ્યતન એકાંકી)