ગુજરાતી એકાંકીસંપદા/ઇન્ડિયા લૉજ

Revision as of 07:31, 3 June 2022 by MeghaBhavsar (talk | contribs)
ઇન્ડિયા લૉજ
પ્રવીણ પંડ્યા
પાત્રો

મોહનબાપા
નાનાભાઈ
સરસ્વતી (સરુ)
આર્ય
સાહિલ
જૉય
ચેતના
ભીખુકાકા

(મંચ પર કાટખૂણે લૉજની બહારના હૉલનો સેટ ગોઠવ્યો છે. જેમાં સોફા અને રિસેપ્શન કાઉન્ટર જેવી જગ્યા છે. એક તરફની ખુલ્લી જગ્યા ફળિયા માટે છે, જ્યાં જરૂર પડ્યે તુલસીક્યારો મૂકી ફળિયું બનાવી શકાય અને જરૂર ન હોય ત્યારે એ સ્થળ લૉજના હૉલનો ભાગ બની શકે. પ્રકાશ થાય છે. આર્ય સોફા પર બેસીને સિગરેટ પી રહ્યો છે અને જૉય પ્રવેશે છે.)

આર્ય: કેમ જૉય? તું તો આખી બપોર સૂવાનો હતો ને?
જૉય: આર્ય, આ ઇન્ડિયા લૉજમાં અને ખડ્ડુસ સરુબહેનના રાજમાં કોઈ બપોરે ઊંઘી શકે ખરું? ચકલાં અને કબૂતર ક્યાં ઊંઘવા દે છે?
આર્ય: ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.
જૉય: પણ એમણે તો રંગનારાઓને કડક સૂચના આપી, માળા છે એટલી જગ્યા છોડી દેજો. એક પણ માળો હટ્યો કે ઈંડું ફૂટ્યું તો મજૂરીના પૈસા નહીં દઉં.

(સરસ્વતી અને ભીખુ, સાહિલ નામના મુસ્લિમ યુવાન સાથે પ્રવેશે છે. આ યુવાનની વેશભૂષા બાકીનાથી થોડી અલગ છે.)

સરુ: ભીખુભાઈ, આ સાહિલ ને આર્યની બાજુવાળો પલંગ આપો.
આર્ય: તમે મને તો પૂછો, સરુબહેન.
સરુ: શું પૂછું?
આર્ય: કે મને એની સાથે ફાવશે કે નહીં?
સરુ: માણસને માણસ સાથે ન ફાવે તે કેવી વાત કહેવાય!
આર્ય: એ રૂમમાં જૉય તો છે જ, ગિટાર વગાડીને મારું માથું પકવે છે. હવે આ બિરાદર આવ્યા, મારી શાંતિનું શું?
સરુ: બીજાની સંગીત જેવી પ્રવૃત્તિથી જો તમારી શાંતિનો ભંગ થતો હોય તો એને શાંતિ ન કહેવાય. ભીખુભાઈ આ નવા છોકરાને ઇન્ડિયા લૉજના નિયમો સમજાવી દેજો.

(સરસ્વતી જાય છે.)

ભીખુ: (સાહિલને) જુઓ ભાઈ, લૉજિંગ-બોર્ડિંગ ચાર્જની તો તમને ખબર હશે?
સાહિલ: માલૂમ છે.
ભીખુ: પણ એ આપવાના હોય છે.
સાહિલ: અહીં સવલત કેવી છે?
ભીખુ: કૉમન.
સાહિલ: ખાવા-પીવાનું?
ભીખુ: મોટે ભાગે તો મળશે જ.
આર્ય: ક્યારેક ઉપવાસ, એકટાણાં પણ થાય.
સાહિલ: હું મુસલમાન છું.
ભીખુ: તો એવું થાય ત્યારે રોજા માની લેજો!
સાહિલ: પણ લૉજમાં એવું કેવી રીતે થાય?
ભીખુ: મોદીનું બિલ લાંબું થઈ ગયું હોય ત્યારે ક્યારેક એ અનાજ-કરિયાણું આપવાની ના પણ પાડે.
જૉય: હવે એ ન પૂછતા કે મોદીનું બિલ કેમ લાંબું થાય છે.
ભીખુ: એનું કારણ અહીંનાં રહીશો છે.
જૉય: ભીખુકાકા, શરમાવ છો શું કામ? કહી દો ને કે જૉય અને આર્ય ત્રણ વર્ષથી રહે છે પણ હજુ સુધી ત્રણ મહિનાનાય પૈસા નથી આપ્યા અને આવા તો ઘણાય છે.
સાહિલ: પેલાં બહેન બહુ કડક લાગે છે.
જૉય: સરુબહેન! નાળિયેર છે નાળિયેર!
ભીખુ: જૉયભાઈ, એને શું કામ વટલાવો છો?
જૉય: ઇન્ડિયા લૉજમાં રહેવાની ટ્રેનિંગ આપું છું.
ભીખુ: આપો ત્યારે (ભીખુ જાય છે.)
આર્ય: જો ભાઈ, આપણે હળીમળીને ભક્તિ ચલાવવાની છે.
સાહિલ: એટલે?
જૉય: શરૂશરૂમાં તું રહેવા-જમવાના પૈસા નહીં આપે ને એટલે સરુબહેન ખખડાવશે.
આર્ય: બહાર કાઢી મૂકશે.
જૉય: ભીખુકાકાને રાત્રે પણ તારા માટે બારણું નહીં ખોલવાનો હુકમ આપશે.
સાહિલ: પછી ભીખુકાકા બારણું ખોલશે?
આર્ય: સરુબહેનના હુકમનો ભંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, ખુદ સરુબહેન.
જૉય: રાતે તને બહાર કાઢી મૂક્યા પછી એમને ઊંઘ નહીં આવે, અમે બધા ઊંઘી ગયા છીએ એની ખાતરી કર્યા પછી એ પોતે જ બારણું ખોલી તને અંદર લેશે, જમાડશે, વઢશે, પૈસા આપવા તાકીદ કરશે.
સાહિલ: ઘણી નેકદિલ ઔરત છે, આર્યભાઈ. અહીં નમાજ તો પઢી શકાશે ને?
આર્ય: લૉજના ઍન્ટ્રન્સમાં એક બોર્ડ છે એ તેં નથી વાંચ્યું? એમાં લખ્યું છે, ‘આ મનોરંજન સ્થળમાં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતા.’ પણ એક વાતનું ધ્યાન રાખજે.
સાહિલ: શેનું?
જૉય: ચકલાંનું!

(પ્રકાશ લૉજના સેટ પરથી લુપ્ત થાય છે, ફળિયાના સેટ પર પ્રકાશ, સરુ ચણ નાખી રહી છે, પંખી ચણી રહ્યાં છે. ધ્વનિ તથા પ્લાસ્ટિક-કપડાનાં પંખી મૂકી દૃશ્ય સર્જી શકાય.)

ભીખુ: (જરા મોટા સ્વરે) સરુબહેન, હવે તો…
સરુ: શીઅઅશ… શાંતિ રાખો, ધીમે બોલો, પંખી ડરી જશે.
ભીખુ: તમારા માટે આ પંખી જ સર્વસ્વ છે?
સરુ: હા, શાંતિથી વધીને કાંઈ જ નથી, શાંતિ વિનાનું તો સ્વર્ગ પણ વ્યર્થ છે, આ પંખીના કલરવમાં મુક્ત-નિર્ભય શાંતિ છે.
ભીખુ: પણ ઇન્ડિયા લૉજની હાલત તો જુઓ!
સરુ: કેમ? ઇન્ડિયા લૉજને શું થયું છે?
ભીખુ: ઇન્ડિયા લૉજની આખી ઇમારત જર્જરિત થઈ ગઈ છે, લૉજની ઈંટેઈંટ અને તમારું રોમે-રોમ દેવામાં ડૂબ્યું છે. એમાં વર્ષોથી પાછો નાનાભાઈ સાથે કોર્ટમાં કજિયો ચાલે છે, એમણે જુદા થયા પછી પણ ભાઈનું નહીં દુશ્મનનું જ કામ કર્યું છે.
સરુ: બાજુમાં રહેતો સગો ભાઈ જ આપણો દુશ્મન હોય એથી રૂડું શું?
ભીખુ: વાતને હસવામાં હળવાશથી ટાળો નહીં, મોહનબાપાએ એમને અડધો ભાગ આપીને ભારે ભૂલ કરી છે!
સરુ: ભૂલ બાપુજીએ નથી કરી, એમને સમજવામાં આપણે કરી છે.
ભીખુ: મને મજિયારો વહેંચાયો એ દિવસ બરાબર યાદ છે.

(પ્રકાશ લુપ્ત થઈ લૉજના સેટ પર. હોહાનો ધ્વનિ, સુટમાં નાનાભાઈ આંટા મારી રહ્યા છે. મોહનબાપા શાંતિથી બેઠા છે. એક વકીલ અને ભીખુ પણ ત્યાં છે.)

મોહનબાપા: નાનાલાલ, મારા ભાઈ, ફરી વિચાર કર.
નાનાભાઈ: મેં વિચાર કરી લીધો છે, મોટાભાઈ. વી ડોન્ટ વૉન્ટ ટૂ લીવ વિથ યૂ!
મોહનબાપા: જુદા થયા પછી પણ તું અમારાથી જુદો થઈ શકીશ? નાનાલાલ, મારા ભાઈ, એવું હોય તો આ ઇન્ડિયા લૉજનો વહીવટ તારા હાથમાં મૂકી દઉં! તું ચલાવ આનો વહીવટ. પણ જુદા થવાનું માંડી વાળ, અરે દુનિયા આખીને ઈર્ષા થાય એટલી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા છે આપણી પાસે, અને ભાગ તો સમૃદ્ધિના પડશે, લાગણીના થોડા પડવાના છે?
નાનાભાઈ: આપણી વચ્ચે લાગણી છે એવા ભ્રમમાં હું અને મારાં સંતાનો નથી રહેવા માગતાં. તમે રોજ રોજના ઝઘડા નથી જોતા? તમારા દીકરાઓ મારી ઔલાદને ધિક્કારે છે, એમને હીન ગણે છે, એમની હાંસી ઉડાવે છે, એમને મારે છે અને તમે લાગણીની વાત કરો છો? સુક્કી નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં જેવી છે આ લાગણી!
મોહનબાપા: આ નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં ફરી પાણીનો પ્રવાહ બની શકે છે.
નાનાભાઈ: એ નદીનાં તળ મરી ગયાં છે, પ્રવાહની દિશા પલટાઈ ગઈ છે.
ભીખુ: આ બોલતાં તમને શરમેય નથી આવતી?
નાનાભાઈ: ભાગ માગવામાં કે હક માગવામાં શેની શરમ?
ભીખુ: કયા ભાગ ને હકની વાત કરો છો નાનાભાઈ? અને તમે ક્યાં અમારા સગા ભાઈ હતા કે…
મોહનબાપા: ચૂપ થઈ જા, ભીખુ…
નાનાભાઈ: જે તમારામાં અને તમારાં સંતાનોમાં ધરબાયેલું છે તે ભીખુની જીભ પર આવી ગયું. અમે ક્યાં તમારા સગા ભાઈ હતા, ઓરમાન છીએ ઓરમાન, અને તમે આખા કુટુંબમાં ફક્ત અમને જ ઓરમાન ગણ્યા, બાકી બધાને દૂધમાં સાકરની જેમ ભેળવ્યા પણ અમને? અમને કાંકરા ગણી હંમેશા દૂર રાખ્યા.
ભીખુ: તમે કાંકરા જ હતા, એટલે જ તો ભાગ માગીને જુદા થવાની વાત કરો છો.
નાનાભાઈ: આ ભાગ મફતમાં કે ખેરાતમાં નથી માગતા, આ ઇન્ડિયા લૉજમાં અમે અમારો ખૂન-પસીનો વહાવ્યો છે, અમારે અમારી રીતે જીવવું છે, મુક્ત થવું છે. કાયમ માટેના ટંટાફિસાદનો અંત આણવો છે.
ભીખુ: ટંટાફિસાદનો અંત તો યુદ્ધના મેદાનમાં જ આવે.
નાનાભાઈ: અમે એ માટેય તૈયાર છીએ!
મોહનબાપા: પણ હું તૈયાર નથી. કુરુક્ષેત્ર ફરી શા માટે કરવું? એમાં શું પામ્યા હતા? બન્ને પક્ષે માત્ર ખુવારી જ થઈ હતી, ને જે આપણે બેય જણાએ ખૂનપસીનો વહાવી ઊભું કર્યું છે એને એકમેકનાં લોહીથી શું કામ ખરડાવા દેવું, નાનાભાઈ, હું તને ભાગ આપી જુદો કરવા રાજી છું.
ભીખુ: પણ અમે રાજી નથી મોહનબાપા, તમારા કે મારા દીકરાને આ ફેંસલો મંજૂર નહીં હોય.
મોહનબાપા: મંજૂર તો મનેય નથી ભીખુ, પણ શું કરીશું? મારે લોહી વહેતું નથી જોવું અને કોઈને પરાણે ભેગા ન રાખી શકાય, નાનાલાલ. મજિયારો વહેંચવા હું તૈયાર છું, પણ મજિયારો તો પૈસાટકાનો વહેંચાશે, મજિયારાં હૈયાં, મજિયારી લાગણી, મજિયારાં સ્મરણ અને મજિયારાં સુખ-દુઃખ કેવી રીતે વહેંચીશું?
ભીખુ: બાપુજી, આપણા છોકરાઓ આ નહીં સ્વીકારે!
મોહનબાપા: મને કે કમને, આ સહુએ સ્વીકારવાનું છે, ન્યાય માટે, શાંતિ માટે. વકીલસાહેબ લાવો, હું સહી કરવા તૈયાર છું.

(મોહનબાપા સહી કરી કાગળો નાનાભાઈના હાથમાં આપે છે.) ભાઈ નાનાલાલ, જુદા થવાથી તમને શાંતિ વળવાની હોય તો એમ, પ્રેમભાવ રાખજો. મારી શુભેચ્છા તમારી સાથે છે. ભીખુ ચાલ ભાઈ, પંખીને ચણ નાખવાનો સમય થઈ ગયો. (મોહનબાપા બહારની તરફ જાય છે. નાનાભાઈના ચહેરા પર વિજયની ખુમારી છે. બહારથી બંદૂકના ત્રણ ધડાકા સંભળાય છે. વૃક્ષ પરથી ડરીને ઊડી જતાં પંખીનો ધ્વનિ. પ્રકાશ લુપ્ત થાય છે, ફળિયામાં સરસ્વતી અને ભીખુ ઊભાં છે.)

સરુ: એક દીકરાને હાથે જ બાપની હત્યા થઈ.
ભીખુ: હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.
સરુ: કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
ભીખુ: સરુબહેન, આ બધું કોના માટે?
સરુ: ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.
ભીખુ: પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી.

(પ્રકાશ લુપ્ત થાય છે. લૉજના સેટ પર પ્રકાશ. મંચની વચ્ચે બે મૂંઢા અને ટેબલ પર આર્ય અને સાહિલ ચેસ રમે છે. જૉય જોઈ રહ્યો છે.)

આર્ય: મને એક વિચાર આવે છે.
જૉય: શું વિચાર આવે છે?
આર્ય: આ સરુબહેને લગ્ન કેમ નહીં કર્યાં હોય?
જૉય: (ખડખડાટ હસતાં) આ ખડ્ડુસ હિટલર બાઈ સાથે કોણ પરણે?
સાહિલ: એવું નથી યાર, અત્યારે પણ કેટલાં રૂપાળાં લાગે છે? યુવાનીમાં તો ખરેખર સુંદર લાગતાં હશે, પણ વાત સાચી છે, એ કુંવારાં કેમ રહ્યાં હશે?
જૉય: વેરી સિમ્પલ, ચકલાંને કારણે!
સાહિલ: ચકલાં?
જૉય: તો શું, એમને માણસ કરતાંય ચકલાં વહાલાં છે? એમના માટે દાણા તો ઘણાંય લોકોએ નાખ્યાં હશે, પણ સરુબહેને એ દાણાય ચકલાંને નાખી દીધા હશે!

(ચેતના નામની સુંદર યુવતી બૅગ સાથે પ્રવેશે છે.)

ચેતના: એક્સક્યૂઝ મી!
જૉય: યસ.
ચેતના: ઇન્ડિયા લૉજ આ જ કે?
આર્ય: બહાર બોર્ડ ન જોયું?
ચેતના: એ તો રબ થઈ ગયેલું છે ને.
જૉય: એ જ તો નિશાની છે ઇન્ડિયા લૉજની. એક ભૂંસાયેલું પાટિયું, ક્યારેય બંધ ન થઈ શકે એવો ખખડધજ મેનગેટ, ગેટની બહાર ઉકરડો, ત્યાં ઊભેલું ગાયનું ધણ.
ચેતના: અહીં અંદરની વ્યવસ્થા કેવી છે? એટલે કે રહેવા-જમવાની?
આર્ય: અફલાતૂન.
જૉય: અને હવે તો એમાંય ચાર ચાંદ લાગી જશે.
ચેતના: રેન્ટ વગેરે…
જૉય: તમારું નામ?
ચેતના: ચેતના વસાવા.
જૉય: મારું નામ જૉય, જૉય ડિકોસ્ટ્રા.
આર્ય: હું આર્ય જોશી છું.
સાહિલ: સાહિલ પઠાણ.
ચેતના: હું પૂછતી હતી કે રેન્ટ…
જૉય: ચેતના, મને મિત્ર જ ગણજો, ખાનગીમાં એક વાત કહું, અહીં જો તમને આવડે ને તો મફત પણ રહી શકાય છે.
ચેતના: મારે એવી જરૂર નહીં પડે.
આર્ય: કેમ? કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીનાં દીકરી છો કે પછી એન.આર.આઈ.?
ચેતના: ના, પણ મને ખાતરી છે કે મને નોકરી મળે જશે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ છે.
આર્ય: તો શું થયું, હું કેમિકલ એન્જિનિયર છું, આ જૉય ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં ફર્સ્ટ ક્લાસ છે, સાહિલ ઑટો-મોબાઇલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ચેતના: ઇટ મીન્સ અહીં બધા લિટ્રેટ લોકો રહે છે.
આર્ય: અને બેકાર પણ.
સાહિલ: બધા સ્ટ્રગલર્સ અહીં એકઠા થયા છે.
જૉય: બધા સ્ટ્રગલર્સ આમથી રહી શકે એવી એક જ જગ્યા…
આર્ય: ઇન્ડિયા લૉજની, આજે જ પધારો.
સાહિલ: કશું ચૂકવવાની ચિંતા ન કરશો, ઇન્ડિયા લોજ.
જૉય: તમને ક્યારેય એવું નહીં પુછાય કે તમે ઇન્ડિયા લૉજને શું આપો છો?
આર્ય: કંઈ આપ્યા વિના ઘણું બધું પામી શકાય એવું વિશ્વનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ, ઇન્ડિયા લૉજ, ડિંગ ડોંગ!
ચેતના: જાહેરાત ગમી!
જૉય: જાહેરાતમાં સત્ય નથી હોતું, પણ આમાં છે. બાય ધ વે તમને સફેદ કપડાંનો શૉખ છે?
ચેતના: હા, મને સફેદ કપડાં ગમે છે, કેમ?
આર્ય: ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અહીં ડાઘ પડી જાય છે.
જૉય: અને અમે એ ડાઘને પછી ડિઝાઇન ગણવા લાગીએ છીએ, એમાં પરાણે બીજા ડાઘ ઉમેરીને નવી ભાત બનાવી લઈએ છીએ, ઇટ ઈઝ જસ્ટ અ વે ઑફ લીવિંગ!
ચેતના: પણ એ ડાઘ શેનાથી પડે છે?
આર્ય: એ પૂછો કે શેનાથી નથી પડતા?
જૉય: ખાસ તો ચકલાં અ કબૂતરથી સંભાળવા જેવું છે! ઇન્ડિયા લૉજની એ ખતરનાક બાબત છે.
ચેતના: પંખી ખતરનાક કેવી રીતે હોઈ શકે? એમાંય ચકલાં, અને કબૂતર! એ તો શાંતિનાં દૂત કહેવાય!
આર્ય: (ભાર દઈને) અહીં શાંતિનાય ડાઘ પડે છે!
જૉય: તમને સફેદ કપડાંનો શૉખ છે ને?
ચેતના: શ્યૉર.
જૉય: ક્રમશઃ એ પીળાં થઈ જશે.
ચેતના: એ કેવી રીતે?
સાહિલ: ચકલાં-કબૂતરની ચરકથી.
ચેતના: માઇ ગૉડ!
આર્ય: અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે.
ભીખુ: (પ્રવેશ) તો તમે આવી ગયાં? આ બધાંનો પરિચય…
ચેતના: કરી લીધો. સારા માણસો છે.
જૉય: ચેતના, તમે ક્યાંનાં?
ચેતના: હું પંચમહાલની છું. અમે ભીલ છીએ.
ભીખુ: ચાલો તમારો રૂમ બતાવી દઉં.
ચેતના: બાય, બાય.

(જાય છે.)

જૉય: બાય બાય, બાય, બાય. કેટલું સરસ નામ છે, ચેતના વસાવા.
આર્ય: ભાઈ જૉયશંકર!
જૉય: મારા નામ સાથે શંકર શું કામ લગાડે છે?
આર્ય: આ ભીલકન્યાને જોઈને તું શંકર જેવો થયો છું ને એટલે!
જૉય: તને એવું કાંઈ નથી થતું?
આર્ય: મારી સગાઈ ત્રણ વરસથી થઈ ગઈ છે. નોકરી મળે એટલે લગ્ન. પણ તું આ ભીલકન્યા જોઈ ખરેખર શંકર થયો છું, જૉયશંકર.

(જૉય મારવા દોડે છે. આર્ય અને જૉય દોડાદોડી કરે છે, સરુબહેન આવે છે.)

સરુ: કેમ દોડાદોડી કરો છો?
જૉય: એમ જ, મારે જરા શરીર ઘટાડવું છે ને એટલે!
સરુ: એમ! તો રસોઇયાને કહી દઉં કે આજથી તારા માટે એક જ વખતનું જમવાનું બનાવે.
જૉય: એવું ન કરશો બહેન, મને ભૂખ્યા રહેવાથી ચક્કર આવે છે.
સરુ: કામ મળ્યું?
સાહિલ: લાયક કામ ક્યાં મળે છે?
સરુ: કામ ક્યારેય નાલાયક નથી હોતું. આપણે કામને લાયક બનવાનું હોય છે. તમે લોકો આમ ક્યાં સુધી ફર્યા કરશો? અને હું પણ ક્યાં સુધી તમને રાખી શકીશ? જે કામ મળે તે કરો. મહેનત-મજૂરી કરો, પરસેવો પાડો, તમને ત્રણે-ત્રણ જણને કહું છું. આ મહિનામાં કામ શોધી લેજો, નહિતર અહીંથી ચાલ્યા જજો.
આર્ય: તમે જાણો છો સરુબહેન, આ સડેલી સિસ્ટમમાં…
સરુ: સડેલી સિસ્ટમ! ક્યાં નથી કહો ને? તો શું કરશો તમે? હાથ પર હાથ રાખીને બેઠા રહેશો તો તમે પણ સડી જશો, હતાશ થવાથી કામ નથી ચાલવાનું! અઘરા દાખલા ગણતાં શીખો, જ્યાં પ્રયત્ન કરીને કીડી કણ મેળવી લે છે અને હાથી મણ, અરે પંખી પણ પોતાનાં દાણા-પાણી શોધી કાઢે છે, જ્યારે તમે તો માણસ છો માણસ!

(સરુ જાય છે. ત્રણે જણ ઊભા છે. પ્રકાશ લુપ્ત થાય છે. પ્રકાશ ફળિયા પર, ખુરશી પર. આર્ય સ્થિર બેઠો છે. જૉય એની પાસે ઊભો છે.)

જૉય: આર્ય, શું થયું એ તો બોલ, યાર, આમ આટલો સ્થિર ન બેસ, ક્યાંક ચકલાં તારા પર માળો બાંધવાનું શરૂ કરી દેશે.
ચેતના: (હાથમાં સાડી સાથે પ્રવેશે છે.) તો તમે અહીં છો?
જૉય: તમે શોધતાં હતાં?
ચેતના: ઍક્ચ્યુલી એવું છે કે મારે સાડી ડ્રાય ક્લીનિંગમાં આપવાની છે.
જૉય: કેમ? હું ધોબી જેવો લાગું છું?
ચેતના: સૉરી. મારો કહેવાનો મતલબ…
જૉય: મતલબ ગમે તે હોય તમે વાત કરો ને.
ચેતના: ઍક્ચ્યુલી આજે એવું થયું કે આ સફેદ સાડી પલંગ પર હતી.
જૉય: પલંગનાં પણ નસીબ છે ને!
ચેતના: યૂ નો કે દરેકે દરેક રૂમમાં ચકલીના માળા છે!
જૉય: સમજી ગયો, એટલે કે ચકલાંઓએ આ મહાન સાડીને અપવિત્ર કરી. બદતમીઝ ચકલાં.
ચેતના: ચકલાંને બદતમીઝ ન કહો, સરુબહેન સાંભળી જશે તો…
જૉય: તમારી અને મારી વાતમાં સરુબહેનને શું કામ લાવો છો, તો આ સાડીને ડ્રાય ક્લીનિંગ કરાવવાની એમ જ ને.
ચેતના: હા, ડે આફ્ટર ટુમૉરો મારે એક ઇન્ટર્વ્યૂ છે અને આ સફેદ સાડી મારે એ દિવસે પહેરવાની છે.
જૉય: આ વખતે જરૂર તમને નોકરી મળી જશે.
ચેતના: તો તો તમારા મોઢામાં ઘી-સાકર.
જૉય: એ તો તમને જોતાં જ આવી જાય છે.
ચેતના: એમ!

(બન્ને એકબીજાંને જોતાં ઊભાં છે. કબૂતરના ઘૂટરઘૂનો ધ્વનિ. સાહિલ દોડતો આવે છે. જૉય અને આર્યના નામની બૂમો પાડતો. હાથમાં એક પાર્સલ પણ છે.)

સાહિલ: જૉય, આર્ય. (આર્ય સ્થિર બેઠો છે.)
જૉય: શું વાત છે?
સાહિલ: એક ખુશખબર છે દોસ્ત, મારા નિકાહ તય થયા છે, આજે અમ્મીનો ગામથી કાગળ આવ્યો છે, અને જો આ પાર્સલ.
જૉય: પાર્સલમાં તારી થનારી બેગમ મોકલી છે?
સાહિલ: ના, બેગમે પાર્સલ મોકલ્યું છે, એ હમણાં એની ફુફી સાથે હજ કરવા ગયેલી, ત્યાંથી મારા માટે મક્કાની ઘડિયાળ મોકલાવી છે.
જૉય: એટલે તું આ મક્કાની ઘડિયાળ આપણા રૂમમાં લગાડીશ.
ચેતના: શું ફરક પડે છે, ઘડિયાળ મક્કાની, વેટિકનની કે કાશીની હોય, ટાઇમ તો ઇન્ડિયાનો જ બતાવશે ને.
સાહિલ: આર્ય ચૂપચાપ કેમ બેઠો છે? એય તે સાંભળ્યું નહીં, મારા નિકાહ તય થયા છે, જો તારે પણ આવવું પડશે હોં, આર્ય. જૉય, તું જ પૂછ કે શું થયું છે?
જૉય: આર્ય શું વાત છે? ક્યારનો ગુમસૂમ કેમ છે?
આર્ય: બપોરે ગામથી બાનો ફોન હતો.
જૉય: એમની તબિયત તો સારી છે ને!
આર્ય: હા.
ચેતના: આર્યભાઈ, શું વાત છે?
આર્ય: બાએ ફોન પર કહ્યું, મારી સગાઈ સામેવાળાએ તોડી નાખી છે. ક્યાં સુધી રાહ જુએ? ત્રણ વર્ષથી સગાઈ થઈ હતી, નોકરીની વાટ જોવામાં ને જોવામાં ઠીક થયું. ચાલ્યા કરે. સાહિલ,
જૉય: અરે યાર, લગ્નપ્રસંગે ગાવા-વગાડવાનો અને નાચવાનો રિવાજ દરેક ધર્મમાં હોય જ છે.
આર્ય: અને શોકના પ્રસંગે રડવાનો. કેવી ગજબની સમાનતા નહીં!

(સરુ અને ભીખુનો પ્રવેશ)

સરુ: તો બધા અહીં ભેગા થયા છો?
જૉય: હા સરુબહેન, બે સમાચાર છે, એક આનંદના અને એક દુઃખના. આ સાહિલ ના નિકાહ તય થયા છે.
સરુ: સરસ.
ચેતના: અને આર્યની સગાઈ તૂટી છે.

{{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ? {{ps |સાહિલ:| આર્ય કહે તે. {{ps |સરુ: | સાહિલ ફીસ્ટ તારા પર છોડી છે, બોલ શું ખાઈશ? {{ps |આર્ય: | સેવૈયા અને બિરયાની. {{ps |સાહિલ:| (આર્યને) થૅન્ક યૂ, દોસ્ત. {{ps |આર્ય: | પણ એ વેજ હોવાં જોઈએ. {{ps |સરુ: | જાવ રસોઇયાને કહો, અને એને જે જરૂર હોય તે લાવી આપજો. જાવ છોકરાઓ મજા કરો. (સરુ અને ભીખુ રહે છે, અને બાકી બધાં જાય છે.) {{ps |ભીખુ: | આજે કોર્ટમાં શું થયું? {{ps |સરુ: | મુદત પડી. {{ps |ભીખુ: | નાનાકાકા પોતાનો ભાગ લઈ જુદા થયા, પણ હવે એમની નજર ઇન્ડિયા લૉજ પર છે. એ ઇન્ડિયા લૉજ છીનવવા માગે છે. {{ps |સરુ: | એમની પાસે છે એ સાચવે તોય ઘણું છે. {{ps |ભીખુ: | ભ્રમમાં ન રહેશો સહુબહેન. એ પીઠ પાછળ ઘા કરશે. {{ps |સરુ: | પીઠ પાછળ ઘા ખાઈને મરવાની પરંપરા તો નાનાકાકાને ત્યાં છે, આપણે ત્યાં તો સામી છાતીના ઘા ઝીલીને વીરગતિ પામી અમર થવાની પ્રણાલી છે. {{ps |ભીખુ: | આ કેસ આપણે હારી તો નહીં જઈએ ને? {{ps |સરુ: | ભીખુભાઈ, સત્યની ક્યારેક પીછેહઠ જરૂર થાય છે, પણ એનો પરાજય નથી થતો. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી કે મરવાની નથી. (દૃઢ નિર્ધારભર્યા સરુબહેનના ચહેરા સાથે પ્રકાશ લુપ્ત થાય છે અને પ્રકાશ લૉજના સેટ પર આર્ય બેઠો છે, બહારથી ચેતના અને જૉય આવે છે. ચેતના અંદર જાય છે, જૉય આર્ય પાસે બેસે છે.) {{ps |આર્ય: | શું જૉયશંકર! {{ps |જૉય: | પ્લીઝ, મજાક નહીં કર યાર, મૂડ ખરાબ છે. {{ps |આર્ય: | કેમ, ચેતનાને નોકરી ના મળી? {{ps |જૉય: | થાય છે કે આખી સિસ્ટમને તોડીફોડીને ફેંકી દઉં. આ છોકરી, પંચમહાલના જંગલમાંથી આવી છે, ફર્સ્ટ ક્લાસ છે, તેને પણ નોકરી ન મળી! {{ps |આર્ય: | સંસ્થાવાળાના ભાઈ-ભાણેજ માટે રિઝર્વ સીટ હશે! {{ps |જૉય: | હા, ઇન્ટર્વ્યૂ કમિટીમાં બેઠેલો એક જણ એવું બોલ્યો કે તમને તો એસ.ટી.ના રિઝર્વ કોટામાં મળી જશે! {{ps |સાહિલ:| (ગુસ્સામાં અંદરથી આવે છે.) હવે તો હદ થાય છે યાર, આ ચકલાંઓને હું મારી નાખીશ. {{ps |જૉય: | શું થયું સાહિલ? {{ps |સાહિલ:| (ઘડિયાળના કટકા સાથે આવે છે.) સાલાઓએ મક્કાની પવિત્ર ઘડિયાળ પર માળો બાંધેલો, તોય હું ચૂપ રહ્યો. સવારે ચકલાંઓ લડ્યાં અને ઘડિયાળ જમીન પર ધડામ દઈને પાડી, ટુકડેટુકડા કરી નાખ્યા. જુઓ, મારા માટે એ ઘડિયાળ મારો પ્રેમ પણ હતો અને એતબાર પણ. {{ps |ચેતના: | વૉટ હૅપન્ડ, ગાય્સ! માઇ ગૉડ, તમારી પવિત્ર ઘડિયાળ. {{ps |જૉય: | ચકલાંઓએ તોડી કાઢી. {{ps |આર્ય: | ત્રાસ છે ઇન્ડિયા લૉજમાં ચકલાંઓનો. {{ps |જૉય: | પેલી ખડ્ડુસ પાછી કહે છે કે પંખીનો શાંતિભર્યો કલરવ ઇન્ડિયા લૉજનો પ્રાણ છે. {{ps |આર્ય: | શકોરું પ્રાણ છે! {{ps |ચેતના: | આ ચકલાં અને કબૂતરોનું કંઈક કરવું જોઈએ. {{ps |જૉય: | કાયમની ઝંઝટ કાઢવી જ પડશે. {{ps |સાહિલ:| બધા રૂમમાંથી માળા હટાવી દેવા જોઈએ. {{ps |આર્ય: | પણ સરુબહેન. {{ps |જૉય: | એ કોર્ટમાં ગયાં છે. {{ps |સાહિલ:| તો આજે આપણે ફેંસલો કરી દઈએ. {{ps |ચેતના: | યસ. {{ps |સાહિલ:| જાવ, એક તગારામાં બધા માળા કાઢીને લઈ આવો. (બધા જાય છે.) આટલો વખત સહન કર્યું, સાલાં સફેદ કપડાં એમની ચરકથી પીળાં થઈ ગયાં અને આજે પાછી ઘડિયાળ (હાથમાં બાકસ રમાડે છે. જૉય, ચેતના અને આર્ય તગારામાં માળા લઈ આવે છે.) આર્ય કિચનમાંથી ઘાસલેટ લઈ આવ. {{ps |જૉય: | માળા તો એમ ને એમ બળે. {{ps |સાહિલ:| પણ ઘાસલેટથી સાવ બળીને ભસ્મ થઈ જાય. જા આર્ય, ઘાસલેટ લઈ આવ. (આર્ય જાય છે.) {{ps |ચેતના: | વૉટ આર યૂ ગોઇંગ ટુ ડૂ? {{ps |સાહિલ:| ભડકો! {{ps |આર્ય: | (ઘાસલેટનો ડબ્બો તગારામાં રેડતાં) સવાર બપોર સાંજ ચીં ચીં ને ઘૂટરઘૂ કરીને ઊંઘ હરામ કરી નાખી છે. {{ps |સાહિલ:| (દીવાસળી મૂકતાં) આજે ફેંસલો થઈ જશે! (ચારે તરફથી પંખીના ભયંકર કલરવ. તગારામાં માળા ભડભડ બળે છે, એના પ્રકાશમાં ચારે જણાં ઊભાં છે, સરુ અને ભીખુ આવે છે.) {{ps |સરુ: | આ આ, તમે શું કર્યું? {{ps |સાહિલ:| દરેકે દરેક રૂમમાંથી પંખીના માળા કાઢીને બાળી નાખ્યા. {{ps |સરુ: | તમે માળા બાળ્યા! મણમાંથી કણ ખાતાં હતાં એ ચકલાંના અને કબૂતરના માળા બાળ્યા! ( સાહિલને થપ્પડ મારે છે.) આટલા માટે મેં તને અહીં રાખ્યો હતો? (જૉયને મારે છે.) તારી દરેકે દરેક બદમાશી મેં હસવામાં કાઢી એનો બદલો તેં મને આ આપ્યો? (આર્યને મારે છે.) અને તું આર્ય! મૂંગાં પંખેરુંના માળા બાળતાં તારો જીવ કેમ ચાલ્યો? (ચેતનાને પકડે છે.) અને તું ચેતના, પંચમહાલના વનમાં ઊછરેલી વનકન્યા ભૂલી ગઈ કે માળામાં ચકલાંનાં બચ્ચાંય હોય. તમને રોષ શેનો છે? નોકરી નથી એનો? અંધકારમય ભવિષ્ય છે એનો? પેટમાં ભૂખ છે એનો? તમારાં સપનાંને ભાંગીને ભુક્કો કરી નાખે એવી આ સિસ્ટમનો? તો એની સામે લડો ને! એમાં વીરતા છે. ભૂલી ગયાં તમે વીરતા અને ક્રૂરતાનો ભેદ! {{ps |ભીખુ: | સરુબહેન! {{ps |સરુ: | તમને યાદ છે ભીખુભાઈ, યાદ છે તમને, મેં તમને શું કહ્યું હતું. બહારની કોઈ તાકાતથી હું ડરવાની નથી, હારવાની નથી, મરવાની નથી, પણ આ લોકોએ મને જીવતેજીવ મારી નાખી. (પ્રકાશ લૉજના સેટ પરથી દૂર થાય છે. ફળિયાના સેટ પર પ્રકાશ. એક આરામખુરશી ત્યાં પડી છે. સરુબહેન ચણ નાખી રહ્યાં છે. કરુણ સંગીત, પંખી નથી આવતાં, ભીખુકાકા પાછળ આવીને ઊભા છે.) {{ps |ભીખુ: | ક્યાં સુધી આમ ચણ નાખ્યાં કરશો? {{ps |સરુ: | પંખી પાછાં ન આવે ત્યાં સુધી, અને એ પણ કેટલાં જિદ્દી છે. જુઓ, ત્યાં દૂર દૂર ઊડી રહ્યાં છે, જાણે એમણે પાછાં ન આવવાનો નિર્ધાર ન કર્યો હોય! ઇન્ડિયા લૉજની દિશામાં ફરકતાં પણ નથી, જોતાં પણ નથી, એમના ન હોવાથી કેટલી અશાંતિ છે, કેટલો ઉકળાટ છે! સન્નાટો જાણે મનને દઝાડે છે. {{ps |ભીખુ: | કોર્ટમાં મુદત છે, જવું નથી? {{ps |સરુ: | કેવી રીતે જાઉં ભીખુભાઈ? શું મોઢું લઈને જાઉં? આજ સુધી હું ન્યાય માટે કોર્ટમાં નાનાભાઈ સામે લડતી હતી, થાક નહોતો લાગતો. મનમાં નિરાશા ફરકતીય નહોતી, પણ આજે જાણે પચાસ-સાઠ વર્ષનો થાક એકસામટો મારા પગની પિંડીઓમાં ભરાઈ આવ્યો છે. મનમાં ઝળહળતા સૂર્યને જાણે ગ્રહણ લાગ્યું છે. ન્યાય માટે લડતી હતી પણ આજે જાણે જાત સામે જ અપરાધી બનીને ઊભી છું. {{ps |ભીખુ: | જો તમે આમ હિંમત હારી જશો તો આ ઇન્ડિયા લૉજનું શું થશે? અને તમને આમ હારેલાં જોઈ નાનાભાઈનું ઝનૂન બમણું થઈ જશે. તમે આ ઇન્ડિયા લૉજને મોહનબાપાની જેમ જ ચલાવવાની જવાબદારી માથે લીધી છે. તમારો આત્મવિશ્વાસ આમ તૂટી જશે તો… {{ps |સરુ: | ભીખુભાઈ, આત્મવિશ્વાસ તૂટે તો ફરી જોડી શકાય, પણ શ્રદ્ધા તૂટે તો? એ પાછી નથી જોડી શકાતી, ઇન્ડિયા લૉજની સીડી કે પ્રવેશમાંનો લાઇટનો ગોળો ઊડી ગયો હોય તો બદલી શકાય, પણ મનમાં જ અંધારું થયું હોય તો શું કરવું? ભીખુભાઈ, મેં વકીલ સાથે વાત કરી છે. તમે કોર્ટમાં જાવ. {{ps |ભીખુ: | સારું! પણ તમે… {{ps |સરુ: | હું અહીં જ બેઠી છું, થાક લાગ્યો છે ને, આરામ કરીશ. (ભીખુકાકા જાય છે, સરુ ફરી ચણ નાખે છે. જૉય, સાહિલ, આર્ય અને ચેતના આવે છે. પાછળ ઊભાં રહે છે. સરુ એમની સામે એમ જુએ જાણે જોતી જ ન હોય. ‘હે રામ’ ઉચ્ચાર સાથે આરામખુરશીમાં બેસે છે, સ્થિર થાય છે.) {{ps |આર્ય: | સરુબહેન, સરુબહેન, અમને વઢો, મારો, કાઢી મૂકો અહીંથી. {{ps |જૉય: | પણ અમારી સાથે વાત કરો. {{ps |સાહિલ:| બચપનમાં અમ્મી એકાદ-બે કલાક મારી સાથે ન બોલે ને તોપણ મારું દિલ તૂટી જતું, અને તમે તો, તમે તો જ્યારથી અમારા હાથે પંખીના માળા બળ્યા છે ત્યારથી ચૂપ છો. તમારી ચુપકીદી મારાથી સહન નથી થતી. સરુબહેન, હું તમારો ગુનેગાર છું જ. તમે મને ઇન્ડિયા લૉજના સાયામાં રાખ્યો, મને રોટી આપી, આ બધાની સાથે મળીને જીવવાની તહેઝીબ શીખવી. એક નવો સબક શીખવવા કોશિશ કરી, જે મને બહેતર ઇન્સાન બનાવે, ગલતી મારાથી જ થઈ છે. ભલે ને એ ઘડિયાળ મક્કાના પવિત્ર આરસ પથ્થરની હતી, ભલે ને એની સાથે મારા વતન, પ્યાર અને મજહબની યાદો જોડાઈ હતી, પણ એના તૂટવાના બદલામાં પંખીના માળા બાળવા એ તો હેવાનિયત જ કહેવાય. પથ્થર તૂટવાની અવેજીમાં પંખી મારવાનાં! મને માફ કરો સરુબહેન, મારી સાથે વાત કરો, મારી અમ્મી રૂઠી હોય એમ ન રૂઠો. {{ps |આર્ય: | મારી હતાશા જ મારા ગુસ્સામાં પરિણમી હતી. સરુબહેન, હું તો એ જ સંસ્કૃતિમાં જન્મ્યો છું જ્યાં દરેક ઘરમાં ફળિયું હોય છે. ફળિયામાં પંખીને પાણી પીવા માટેની ઠીબ બંધાતી હોય છે. ચારેતરફ ચણ નખાતી હોય છે. સવાર પડતાં જ ફળિયામાં પંખી દાણા ચણવા આવે અને એમના પગનાં એવાં નિશાન ફળિયાની ભીની માટીમાં પડે જાણે આકાશના તારા! દરેકે દરેક ગામમાં બીજું કાંઈ હોય કે ન હોય પણ ચબૂતરા હોય. માણસો ત્યાં જઈને ચણ નાખે અને એ જ પુણ્ય ગણાય. હું બેકારીના દુઃખ સામે કાચો પડ્યો, સડેલી સિસ્ટમ સામે ચાણક્યની જેમ લડી ન શક્યો અને એનો ગુસ્સો ઉતાર્યો પંખી પર, માળા બાળ્યા. સરુબહેન, હું માત્ર તમારો કે ઇન્ડિયા લૉજનો જ નહીં, પણ આ સંસ્કૃતિનોય અપરાધી છું. {{ps |જૉય: | પ્લીઝ, સરુબહેન, હું કન્ફેસ કરું છું કે મેં તમને ક્યારેય સીરિયસલી લીધાં જ નથી. હું મૉડર્ન છું એવું માનતો હતો. મારે મન તમારા આચાર-વિચાર હસવાની બાબત હતા અને હું બહુ ફ્રૅન્કલી કહું ને તો મને એમ હતું કે હું બધાથી કાંઈક અલગ છું. હું માનતો હતો કે આઈ એમ સમથિંગ, પણ જાણ્યે-અજાણ્યે મેં પણ એ જ કર્યું જે આ બધાંએ કર્યું. ચકલાં માટે છૂપી રીતે હસવામાં પણ મેં માળા બાળવાના ઇમોશનને ક્રિયેટ તો કર્યું જ છે. {{ps |ચેતના: | મને ખબર છે સરુબહેન, તમને સહુથી વધારે ગુસ્સો તો મારા પર જ આવ્યો હશે. અને ચોક્કસ આવવો જ જોઈએ. કારણ કે તમે મને આર્ય, સાહિલ અને જૉય કરતાં જુદી ગણી છે. સદાય મને મહત્ત્વ આપ્યું છે, પંચમહાલના જંગલમાંથી આવી છું ને એટલે. મને યાદ છે સરુબહેન, તમે મારાં રહેવા–જમવાની અને સગવડની એટલી બધી ચિંતા કરી છે કે આ ત્રણેયને ઈર્ષા થાય, અને આર્ય તો એ બાબતથી ખૂબ ચિડાતો. ક્યારેક વ્યંગ પણ કરતો કે આ ઇન્ડિયા લૉજમાં સરુબહેન સહુથી વધુ મહત્ત્વ ચેતના વસાવાને જ આપે છે. મારી અનેક પેઢીઓની પીડાને તમે જાણે વગર કહ્યે જાણતાં હતાં. પણ હું તમારી ભાવના ન પામી શકી. તમારે મન જે સર્વસ્વ હતું તે બાળવામાં હું પણ ભાગીદાર બની, મને માફ કરો સરુબહેન, કશુંક તો બોલો, બોલો સરુબહેન. (એ ખુરશીમાં સરુને ઢંઢોળે છે અને સરુનું માથું બાજુ પર ઢળી પડે છે. કરુણ સંગીત. હાથમાં કાગળો સાથે ભીખુકાકા પ્રવેશે છે.) {{ps |ચેતના: | જુઓ ને ભીખુકાકા, સરુબહેન બોલતાં જ નથી. {{ps |આર્ય: | તમે બોલાવો ને, કદાચ બોલશે. {{ps |જૉય: | એ તમારી વાત નહીં ટાળે. {{ps |સાહિલ:| તમે તો એમને બચપણથી જાણો છો. {{ps |ભીખુ: | હવે એ તમામ ઓળખાણ-પિછાણ છોડીને ચાલ્યાં ગયાં છે છોકરાવ! અને રહી પણ કેવી રીતે શકતે, જેમ પેલાં પંખી ગયાં એમ સરુબહેન પણ ગયાં. મને તો કોર્ટમાં વકીલે આ કાગળ આપ્યા ત્યારે જ આશંકા થયેલી. ધ્રાસકો પડેલો. {{ps |આર્ય: | શેના છે આ કાગળ? {{ps |ભીખુ: | વિલ છે સરુબહેનનું. પંખીના માળા બળ્યા એ બીજા દિવસે જ એમણે આ વિલ કરાવડાવ્યું હતું અને વકીલને કહ્યું હતું કે આ વિલ ભીખુકાકાને આપજો. એમણે આ ઇન્ડિયા લૉજ તમારા ચારેયના નામે કરી છે. {{ps |સાહિલ:| અમારા નામે? {{ps |ચેતના: | શું અમે એ માટે લાયક છીએ? {{ps |આર્ય: | શું એમને અમારા પર ભરોસો હતો? {{ps |જૉય: | એમણે અમને રિસ્પૉન્સિબલ માન્યાં? {{ps |ભીખુ: | હા, અને અંતિમ પૅરૅગ્રાફમાં લખ્યું છે, જે આ પ્રમાણે છે: (વિલ વાંચે છે.) મને ખબર છે કે ઇન્ડિયા લૉજના ઢાંચામાં અને એનાં નીતિ-નિયમોમાં અનેક પ્રકારનાં પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એ પ્રકૃતિ અને માનવસમાજનો પ્રાણ છે, જે બદલાતું નથી તે જડ છે. આ ઇન્ડિયા લૉજના વારસદારો, આર્ય જોશી,સાહિલ પઠાણ, જૉય ડિકોસ્ટ્રા, ચેતના વસાવા આ લૉજના માળખામાં આમૂલ પરિવર્તન કરવા-કરાવવા માટે મુક્ત છે. પણ બે કલમો બદલતાં પહેલાં એમણે આત્મમંથન કરવું, કલમ નંબર એક, લૉજના મુખ્ય ખંડમાં રહેલું પાટિયું જૂનું થાય તો બદલવું પણ એમાંનું લખાણ શબ્દશઃ યથાવત્ રાખવું જે આ પ્રમાણે છે: આ મનોરંજન સ્થળમાં ધર્મ કે જાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. કલમ નંબર બે, કોઈ પણ સ્થળેથી પંખીના માળા હટાવવા કે તોડવા કે બાળવા નહીં. આજથી આ બે કલમનો જે ભંગ કરશે તે ઇન્ડિયા લૉજનો રહીશ કે વાલીવારસ ગણાશે નહીં. (વાચન પૂર્ણ કરી ચારેય તરફ કાગળો લંબાવી.) લ્યો, સંભાળો વારસો. {{ps |સાહિલ:| અને નાનાકાકા સાથેના કોર્ટ કેસનું શું? {{ps |આર્ય: | હવે એ આપણે લડવાનો છે. {{ps |સાહિલ:| સરુબહેન હંમેશાં કહેતાં, સત્યની પીછેહઠ થઈ શકે છે, પરાજય નહીં. {{ps |ચેતના: | માળા બળાયા તે પીછેહઠ છે, પરાજય નહીં. (ચારેતરફથી પંખીનો કલરવ થાય છે. બધાં સરુબહેનની આરામખુરશી પાસે ઊભાં છે, પડદો પડે છે.) (ઇન્ડિયા લૉજ)