ગુજરાતી એકાંકીસંપદા/હું પશલો છું

Revision as of 12:00, 8 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું પશલો છું
ઇન્દુ પુવાર
પાત્રો

પશલો – વણકર યુવાન
ભગલો – સુથાર યુવાન
રાજકુમારી
રાજા
રાણી
સેનાપતિ
દાસી
દૃશ્ય ૧

સ્થળઃ જંગલ

(ભગલો લાકડામાંથી ઘોડા જેવું કશુંક બનાવી રહ્યો છે. પશલો લાકડાં લાવી ભગલાને આપતો હોય છે – બંને જણા કશી પણ સામગ્રી વિના માઇમથી બધું કરતા હોય છે.)

ભગલોઃ પશા, જોયું? આ ઘોડો કેવો બન્યો?
પશલોઃ સરસ બન્યો છે ભગા.
ભગલોઃ કપૂરચંદ શેઠના દીકરી માટે, ઊડતો ઘોડો બનાવવાનો છે.
પશલોઃ હેં? ઊડતો ઘોડો? ના હોય ભગા?
ભગલોઃ અરે, તું જો તો ખરો.
પશલોઃ (કશોક અવાજ સંભળાતાં) ભગા, ભગા સાંભળ છમ છમ છમ… કોઈક આવતું લાગે છે.
ભગલોઃ હા, હા, પશા, શું કરીશું?
પશલોઃ ચાલ સંતાઈ જઈએ.

(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.)

ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં?
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે.
ચંપાઃ તે હેં કુંવરીબા? આપણા મહેલમાં પ્રભુનું સરસ મજાનું મંદિર હોવા છતાં અહીં જંગલના આ મંદિરે શું કામ પૂજા કરવા આવો છો?
રાજકુમારીઃ ચંપા, માતાજી કહેતાં હતાં કે આ મંદિરે પૂજા કરવાથી મનની ઇચ્છાઓ ફળતી હોય છે.
ચંપાઃ તો તો અમારાં કુંવરીબાને સરસ મજાના રાજકુમાર મળશે, નહીં?
રાજકુમારીઃ હમણાં હમણાંની તું બહુ ચિબાવલી થઈ ગઈ છે હોં કે ચંપા!
ચંપાઃ લો, આ આવી ગયું મંદિર. હે પ્રભુ! અમારાં કુંવરીબાની જે કંઈ માનતા હોય એ ફળજો.
રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં.

(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.)

રાજકુમારીઃ ચંપા, આજે મારા હૈયાને થાય છે કે હું પ્રભુની આગળ નૃત્ય કરી એમને રીઝવું.
ચંપાઃ ઓહો, તો તો સનામાં સુગંધ ભળી કહેવાય. કુંવરીબા, તમારા નૃત્યથી પ્રભુ જરૂર પ્રસન્ન થઈ જવાના.
રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ.
ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે?
રાજકુમારીઃ બહુ લુચ્ચાઈ કર્યા વગર ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગા.
ચંપાઃ પરન્તુ કુંવરીબા, મારો કાન તો છોડો, ભૈસાબ. જુઓ કુંવરીબા, આજ તો તમારે જાતે ગીત ગાઈ નૃત્ય કરવું જોઈએ.
રાજકુમારીઃ હા, હા, ચંપા. તું કહે છે એમ જ કરું. હું જાતે ગાઈશ અને નૃત્ય કરીશ.

(રાજકુમારી ગાય, નૃત્ય કરે. આ દરમિયાન પશલો એકદમ પાગલ જેવો થઈ જાય, એકાદ વખત ત્યાં દોડી જવાનો પ્રયત્ન કરે, ભગલો પકડી રાખે. રાજકુમારી નૃત્ય કરી પ્રભુના ધ્યાનમાં લીન થઈ જાય.)

ચંપાઃ વાહ વાહ કુંવરીબા, આજ તો પ્રભુ જરૂર રીઝ્યા હશે.
રાજકુમારીઃ પ્રભુ રીઝ્યા હશે કે નહીં એની મને ખબર નથી ચંપા, પરન્તુ આજ મારો આનંદ સમાતો નથી. અને બીજી એક વાત કહું ચંપા? આજ છે ને તે મારું ડાબું અંગ ફરકે છે.
ચંપાઃ ત્યારે આજ ગમે તે લાભ થવાનો કુંવરીબા!
રાજકુમારીઃ લાભ થશે કે નહીં એની તો ખબર નથી પણ માતાજી ચિંતા જરૂર કરતાં હશે, ચાલ જલદી પહોંચી જઈએ.
ચંપાઃ હા કુંવરીબા, માતાજી તો અટારીએ જ ઊભાં હશે. મોડાં પડીશું તો માતાજી મને વઢશે, ચાલો.

(બંને જણાં જાય. ધીમે ધીમે પશલો, ભગલો બહાર આવે. પશલાની નજર રાજકુમારી જે દિશામાં ગઈ છે ત્યાં ચોંટી ગઈ હોય. ભગો થોડીક વાર આ જોઈ રહે, એકાદ વખત એને ‘પશલો’ કહી બોલાવે પણ પશલાનું ધ્યાન ન હોય.)

ભગલોઃ પશલા, એ પશલા? એ ય બબૂચક, એ બાજુ શું જોઈ રહ્યો છે? (પશલાને ઝંઝોળે) ઓ બાઘા, કઉં છું સાંભળે છે કે નહીં?
પશલોઃ હેં એં એં? હા હા.
ભગલોઃ શું હેં ને હા કરે છે. કઉં છું તારું ધ્યાન ક્યાં છે?
પશલોઃ ભગા, આ કોણ હતું?
ભગલોઃ કોણ તે રાજકુંવરી અને તેની સખી.
પશલોઃ રાજકુંવરી? વાહ શું રૂપ આલ્યું છે ભગવાને ભગલા. રાજકુંવરીનું રૂપ જોઈ મને કશુંક થઈ ગયું છે ભગલા.
ભગલોઃ ના, ના, કશુંક થઈ ગયું હોય તો બેઠો બેઠો માખો માર. હેંડ હવે, પેલાં લાકડાં લાય જલદીથી.

(પશલો એમ ને એમ ઊભો રહે.)

એય, કઉં છું, સાંભળે છે કે નહીં?
પશલોઃ આજ મારું મન કામમાં લાગે એવું લાગતું નથી.
ભગલોઃ પણ કંઈ કારણ?
પશલોઃ ભગા, રાજકુંવરીને જોઈ છે ત્યારથી બસ મારું મન એની પાછળ પાછળ ભમ્યા કરે છે.
ભગલોઃ પાછળ ભમે કે આગળ ભમે, તને કશો ફાયદો થવાનો નથી, સમજ્યો.
પશલોઃ એટલે તો થાય છે કે શું કરું?
ભગલોઃ શું કરું તે કામ કર કામ. લાકડાં લાવ, ચાલ.
પશલોઃ (થોડીક વાર મંદિર સામે જોયા પછી) ભગા, તું મારું એક કામ કરીશ?
ભગલોઃ કયું કામ?
પશલોઃ હું અહીં – મંદિર આગળ – ચિતા તૈયાર કરું છું, તું ચિતાને અગ્નિ મૂકીશ?
ભગલોઃ શું કામ? તારે બળી મરવાની જરૂર શી છે? કયું આકાશ તૂટી પડ્યું છે?
પશલોઃ જો ભગા, હું રાજકુંવરી વગર જીવી શકું એમ નથી, અને રાજકુંવરી મને મળવાની નથી એટલે જો એનું નામ લેતો લેતો બળી મરું તો કદાચ આવતા જન્મે…
ભગલોઃ ગાંડો થયો કે શું પશલા?
પશલોઃ મને ખબર છે ભગા, હું રહ્યો વણકર. સપનામાં પણ રાજકુંવરીનો વિચાર કરું તો ય નકામું છે, પણ રાજકુંવરી વગર હું જીવી શકું એમ નથી એટલે મને મરવા દે ભગા, મને મરવા દે.
ભગલોઃ (મંદિર સામું જોતાં) પશા, મરવા કરતાં બીજો કોઈ રસ્તો વિચારીએ. કદાચ તારા પ્રેમને કારણે તને રાજકુંવરી મળી જાય.
પશલોઃ ખરેખર ભગા, તું મને રાજકુંવરી મેળવી આપીશ? તો હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ. જલદી રસ્તો બતાવ ભગા.
ભગલોઃ જો સાંભળ પશા, રાજકુંવરી ભગવાન વિષ્ણુની ભગત છે. હવે જો તું વિષ્ણુ ભગવાન બનીને એની પાસે જાય તો?
પશલોઃ પણ હું એની પાસે જઈશ કઈ રીતે? આ તો અર્થ વગરની વાત થઈ.
ભગલોઃ ભઈ પશા, જરાક સાંભળ તો ખરો. જો હું તને લાકડાનું ઊડતું ગરુડ બનાવી આપીશ. જે તને રાજકુંવરીના મહેલ સુધી લઈ જશે. રોજ રાતે તારે વિષ્ણુનું રૂપ ધારણ કરી રાજકુંવરી પાસે પહોંચી જવાનું, બરાબર?

પશલોઃ અરે વાહ, ભગા તારી બુદ્ધિ… ભગા, જલદીથી તું ગરુડ બનાવી આપ.

ભગલોઃ (ઝડપથી ગરુડ બનાવતો હોય એ રીતે) જો પશા, આ ગરુડની ચાંચ, આ ગરુડની પાંખ, આ ગરુડના પગ, આ જમણી પાંખમાં ઊડવાની કળ, ડાબી પાંખમાં નીચે ઊતરવાની કળ. પછી પશાને હું પીતાંબર પહેરાવીશ… આમ માથે મુગટ પહેરાવીશ, એક હાથમાં ચક્ર આપીશ, બીજામાં પદ્મ, ત્રીજામાં ગદા અને ચોથામાં શંખ આપીશ. પછી ગરુડ પર બેસાડી પદ્માસન વળાવી, આમ ચપટીમાં તને ઉડાડીશ રાજકુમારી પાસે… વાહ પશા, તું ખરેખર ભગવાન વિષ્ણુ જ લાગીશ ખરેખર…

(પશલો વિષ્ણુની જેમ ઊભો હોય પદ્માસન વાળી ત્યાં દૃશ્ય પૂરું થાય.)

દૃશ્ય ૨
સ્થળઃ રાજમહેલ

(રાજકુમારી મહેલની અટારીએ ઊભી ઊભી પોતાના વાળ ગૂંથી રહી હોય, લગભગ ધ્યાનમગ્ન જેવી સ્થિતિ હોય ત્યાં અચાનક ‘બાલે’ ‘બાલે’ એવો અવાજ આવે. રાજકુમારી આજુબાજુ જુએ ત્યાં પશલાનો અવાજ આવે; આ બાજુ બોલે, હું તમને પોકારું છું – રાજકુમારી પશલાને જુએ અને એકદમ આશ્ચર્યમાં પડી જાય.)

રાજકુમારીઃ આ પીતાંબર, આ મુગટ, આ શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ છટા, આ તેજ…
પશલોઃ આશ્ચર્યમાં પડીશ નહીં બાલે, હું ભગવાન વિષ્ણુ, તારી ઉપર પ્રસન્ન થઈ, તને દર્શન દેવા આવ્યો છું.
રાજકુમારીઃ પ્રભુ! આપ પોતે જગન્નાથ? આપે મને દર્શન દીધાં? પ્રભુ, પ્રભુ મારું જીવ્યું સાર્થક થયું પુરુષોત્તમ.
પશલોઃ બાલે! હું જગત માટે પુરુષોત્તમ છું. પરન્તુ તારા માટે તો કેવળ પશો છું કેવળ પશો.
રાજકુમારીઃ પ્રભુ, પ્રભુ, મારો જન્મ સફળ થઈ ગયો.
પશલોઃ જો સાંભળ બાલે, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તેં જંગલમાં જઈ, મારી મૂર્તિ આગળ નૃત્ય કર્યું ત્યારથી હું તારી ઉપર રીઝ્યો છું અને તેથી હું તારી સાથે ગાંધર્વ લગ્ન કરવા ઇચ્છું છું.
રાજકુમારીઃ આ શું હું સાંભળું છું પ્રભુ? હું સ્વપ્નમાં તો નથી ને?
પશલોઃ ના બાલે ના. તું જે સાંભળે છે એ સત્ય છે.
રાજકુમારીઃ પરન્તુ જગન્નાથ, આપ ત્રિભુવનના નાથ. હું એક સામાન્ય સ્ત્રી. આપનું અને મારું લગ્ન? પ્રભુ અને માનવીનું મિલન?
પશલોઃ આવું કશું જ વિચાર્યા વગર મારી માગણી સ્વીકારી લે બાલે. મને પ્રસન્ન કરવાનો આ એકમાત્ર ઉપાય છે.
રાજકુમારીઃ જેવી પ્રભુની ઇચ્છા! પ્રભુ હું યુગોથી આપની જ છું. આપ આ દાસીનો સ્વીકાર કરો પ્રભુ.

(એમ કહી ચરણોમાં ઢળી પડે, પશો એને ઊભી કરી)

પશલોઃ તારું સ્થાન ત્યાં નહીં બાલે, અહીં મારા હૃદયમાં છે. તું મારી દાસી નહીં, હૃદયની સ્વામિની છે.

(એમ કહી પદ્મ સૂંઘી રાજકુમારીને આપે પછી–)

ચાલ બાલે, આપણે મુક્ત વિહાર કરીએ ચાલ.
દૃશ્ય ૩
સ્થળઃ રાજમહેલ

(રાજા વિચારમગ્ન અવસ્થામાં સિંહાસને બેઠા છે. રાજાએ એક આંગળી કપાળે ટેકવેલી છે. આ એમની ટેવ છે. રાણીના હાથમાં પંખો છે. થોડી થોડી વારે એ પોતાના તરફ પંખો નાખી લે છે. રાણી અહીંથી તહીં આંટા મારે છે.)

રાણીઃ મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો? (એક આંટો માર્યા પછી પંખાથી પવન નાખ્યા પછી) મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો?
રાજાઃ (અચાનક ઝબકીને) શું કહ્યું? રાજા? ક્યાં છે રાજા?
રાણીઃ શું ક્યાં છે રાજા કહ્યા કરો છો. અરે, હું તમને કહું મહારાજ.
રાજાઃ (સ્વસ્થતાપૂર્વક) હા, હા, મને કહો છો રાણી. હું જરાક રાજકાજના વિચારમાં ડૂબેલો હતો ને એટલે!
રાણીઃ મારું કપાળ ડૂબેલા હતા!
રાજાઃ શું થયું તમારા કપાળને? લાવ, જરા જોઉં તો.
રાણીઃ મારા કપાળને કશું થયું નથી. હું કહું છું આપનું ગુપ્તચર ખાતું ઊંઘે છે મહારાજ.
રાજાઃ શું કામ ઊંઘે? હેં મારું ગુપ્તચર ખાતું ઊંઘે છે? ક્યાં છે સેનાપતિ?
રાણીઃ અરે, આપણા બેની વાતમાં સેનાપતિ ક્યાંથી આવ્યા? પહેલાં મારી વાત તો સાંભળો. કહું છું આ આપણી કમળકુંવરી ખરી ને?
રાણીઃ (રડમસ અવાજે) મારી ફૂલ જેવી નાજુક કમળકુંવરી મહારાજ, બદલાયેલી કેમ લાગે છે? આખો દિવસ એકલી એકલી અટારીએ બેસી રહે છે, ખાતી નથી, પીતી નથી, બોલતી નથી, ચાલતી નથી. બસ, આખો દિવસ આકાશમાં જોયા કરે છે, એની તપાસ કરી છે તમે?
રાજાઃ સેનાપતિ? સેનાપતિ!
સેનાપતિઃ (પ્રવેશ કરી) મહારાજની જય હો, હુકમ મહારાજા.
રાજાઃ સેનાપતિ, રાજકુમારી કેમ બદલાઈ ગઈ છે એની તપાસ કરી છે તમે? તમારું ગુપ્તચર ખાતું ઊંઘતું લાગે છે સેનાપતિ.
સેનાપતિઃ અરે, ઊંઘતું હોય અને આપ કહેતા હો તો હમણાં જગાડી દઈએ મહારાજા આમ – (ચપટી વગાડે, રાજા સેનાપતિનો હાથ પકડી લે.)
રાણીઃ શું તમે ય સેનાપતિ, મહારાજની હામાં હા પુરાવો છો.
રાજાઃ સેનાપતિ, કુંવરી કેમ બોલતી નથી.
સેનાપતિઃ કેમ બોલતી નથી?
રાજાઃ કેમ ખાતી નથી?
સેનાપતિઃ કેમ ખાતી નથી?
રાજાઃ કેમ પીતી નથી?
સેનાપતિઃ કેમ પીતી નથી?
રાજાઃ ઉપાય. સેનાપતિ ઉપાય.
રાણીઃ (રાજાએ ટેકવેલી આંગળી તરફ દૃષ્ટિ કરી) આમ આંગળી કપાળે ટેકવવાથી રસ્તો કે ઉપાય નહીં સૂઝે મહારાજ. અરે કોઈ છે કે, ચંપાને મોકલો.
રાજાઃ ચંપાનું શું કામ છે અહીં રાણી?
સેનાપતિઃ સાચી વાત છે, ચંપાનું શું કામ છે અહીં? બા, હું ચપટીમાં બધો ભેદ ઉકેલી નાખીશ. (એમ કહી ચપટી વગાડી ગોળ ગોળ ફરે)
રાણીઃ મહારાજ, કહું છું ચંપાને બોલાવો.
રાજાઃ સેનાપતિ, કહું છું ચંપાને બોલાવો, તમે સ્વયમ્ જઈ બોલાવી લાવો.
સેનાપતિઃ હમણાં બોલાવી લાવ્યો મહારાજ.

(સેનાપતિ થોડીક વારમાં જઈ પાછો આવે. સાથે ચંપા પણ હોય.)

ચંપાઃ હુકમ મહારાણીબા, આપે મને યાદ કરી?
રાણીઃ કોણ ચંપા મારી દીકરી? આવ, આવ ચંપા, તું તો હમણાંની મારી પાસે આવતી જ નથી.
ચંપાઃ ના, ના, મહારાણીબા, એવું નથી પણ…
રાજાઃ રાજકુંવરી હમણાં હમણાંની બદલાયેલી કેમ લાગે છે ચંપા?
સેનાપતિઃ જલદી બોલ, રાજકુંવરીબા બદલાયેલાં કેમ લાગે છે?
રાણીઃ મહારાજ, મહારાજ, તમારા આવા સવાલોથી ચંપા દીકરી ગભરાઈ જશે. હં, ચંપા દીકરી, કમળકુંવરીને કંઈ થયું છે?
ચંપાઃ ના રે ના, મહારાણીબા, કુંવરીબા તો લીલાલહેર કરે છે.
રાજાઃ (ચમકી) લીલાલહેર? કોની સાથે?
ચંપાઃ એટલે કે મહારાજ, મજા કરે છે મજા.
રાણીઃ પણ દીકરી, મને તારા ચહેરા પરથી કશોક ભેદ લાગે છે.
ચંપાઃ ના રે ભૈસાબ, એવો કશો ભેદ છે જ નહીં. મહારાણીબા.
રાજાઃ સાચેસાચું બોલ નહીંતર તને ફાંસીની સજા કરવામાં આવશે ચંપા.
સેનાપતિઃ હા, સાચું બોલ, નહીંતર તને ફાંસીની સજા થશે.
ચંપાઃ પણ મને કશી જ ખબર નથી મહારાજા…
રાજાઃ સેનાપતિ ફાંસી…
સેનાપતિઃ સૈનિકો… ફાંસી…
ચંપાઃ મહારાણીબા, મહારાણીબા, આપ અભયદાન આપો તો મારે એક વાત કહેવી છે.
રાણીઃ હા, હા બેટા! જા મારા તરફથી અભયદાન છે.
રાજાઃ મારા તરફથી પણ.
સેનાપતિઃ અભયદાન છે.
ચંપાઃ હું સાચું કહું તો તને મને કશું કરશો નહીં ને?
રાણીઃ કહ્યું ને ચંપા, તું તો મારી દીકરી બરાબર છે.
ચંપાઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાણીબા, કુંવરીબાને મળવા રાત્રે…
રાજાઃ શું કહ્યું? રાજકુંવરીને મળવા કોઈ આવે છે? સેનાપતિ, સેનાપતિ, તમારું ગુપ્તચર ખાતું ઊંઘે છે.
રાણીઃ પહેલાં બધી વાત સાંભળો મહારાજ.
ચંપાઃ મહારાજા! પરન્તુ આપને એમાં ગુસ્સે થવાની કે દુઃખી થવાની જરૂર નથી. આપને ખબર છે કુંવરીબાને મળવા કોણ આવે છે?
રાણી-રાજાઃ ના.
ચંપાઃ છે ને મહારાણીબા, છે ને કુંવરીબાને મળવા સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવે છે.
રાજા-રાણી-સેનાપતિઃ શું કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન?
ચંપાઃ હાસ્તો વળી! અહા, શું પ્રભુનું રૂપ છે, શું પ્રભુની વાણી છે, શું પ્રભુનું તેજ છે, શું પ્રભુની છટા છે.
રાજા-રાણી-સેનાપતિઃ (ચંપાને દંડવત્ પ્રણામ કરતાં) ચંપા, ચંપા, તું અમારાથી મહાન છે. તું અમને જલદીથી પ્રભુનાં દર્શન કરાવ.
ચંપાઃ (ત્રણેને ઊભાં કરી) મહારાજ, રાત્રે ભગવાન પધારશે ત્યારે હું કુંવરીબાને પૂછી જરૂર આપને દર્શન કરવા લઈ જઈશ, હવે હું જાઉં મહારાણીબા.
રાણીઃ હા, હા, દીકરા તું જા. (ચંપા જાય છે) વાહ, મારા પ્રભુ, મારા નાથ, આપ મારી પુત્રી પર કૃપા કરી, મારી ઇકોતેર પેઢી તારી.
રાજાઃ (ઉત્સાહમાં નાચતાં) સેનાપતિ, સેનાપતિ, નગરમાં ઢંઢેરો પીટાવી આ વાત જાહેર કરો, ઉત્સવ ઊજવવાની તૈયારી કરો.
રાણીઃ શી ઉતાવળ છે મહારાજ, પહેલાં પ્રભુનાં દર્શન કરી પાવન થઈએ પછી ઉત્સવ. બોલો મહારાજ પહેલાં દર્શન પછી ઉત્સવ!
રાજાઃ સેનાપતિ, બોલો પહેલાં દર્શન પછી ઉત્સવ!
સેનાપતિઃ મહારાજા, પહેલાં દર્શન પછી ઉત્સવ!

(ત્રણે જણાં ગોળ ગોળ ઉપર પ્રમાણે બોલે ને સ્ટેજ પર અંધારું થાય.)

દૃશ્ય ૪
સ્થળઃ રાજમહેલ

(ચંપા, ફૂલના ગજરા બનાવતી હોય, રાજકુમારી અહીંથી તહીં ફરતી હોય.)

ચંપાઃ કુંવરીબા, ઓ મારાં કુંવરીબા…
રાજકુમારીઃ શું છે અલી ચંપા?
ચંપાઃ કેમ, આમ એકલાં એકલાં, કયા વિચારમાં અહીંથી તહીં ફર્યાં કરો છો?
રાજકુમારીઃ શું કરું ચંપા, એકેએક પળ, મારું મન પ્રભુમાં જ ઘૂમ્યા કરે છે.
ચંપાઃ એવું જ હોય કુંવરીબા. ચાલો હું આપને તૈયાર કરી દઉં, વળી પાછા પ્રભુને પધારવાનો સમય થશે.

(ચંપા રાજકુમારીના માથે વેણી બાંધે, હાથે ગજરા બાંધે ને બંને વાતો કરે.)

રાજકુમારીઃ ચંપા, હમણાં હમણાંનો મારી અને પ્રભુની વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે.
ચંપાઃ હાય હાય બા, પ્રભુ સાથે તે ઝઘડો કરાતો હશે? તમે ય ખરાં છો હોં.
રાજકુમારીઃ પહેલાં તું મારી વાત સાંભળ તો ખરી ચંપા. પ્રભુ કહે છે કે તું મારી ભક્તિ ના કર, પૂજા ના કર. તું મને તારો પ્રેમ આપ, સ્નેહ આપ.
ચંપાઃ એમાં પ્રભુએ ખોટું શું કહ્યું કુંવરીબા?
રાજકુમારીઃ અલી ચંપા, તું એટલો તો વિચાર કર, એ પ્રભુ હું સામાન્ય માનવી, પછી? હું એમની ભક્તિ ના કરું તો શું કરું? પ્રભુને વળી પ્રેમ થતો હશે? એમની તો પૂજા થાય પૂજા.
ચંપાઃ આવી બધી વાતોમાં મને કશી ખબર ના પડે. જુઓ કુંવરીબા, પેલા પૂજાના થાળમાં બધો પૂજાપો છે. હવે હું જાઉં?
રાજકુમારીઃ ઉતાવળ છે તારે?
ચંપાઃ અરે, આજ તો અમારાં કુંવરીબાને જોઈને પ્રભુ એકદમ મોહિત થઈ જવાના.
રાજકુમારીઃ જા ને બહુ ચીડવ્યા વગર.
ચંપાઃ મેં તો જવાનું કહ્યું’તું જ. હું જાઉં છું.

(ચંપા જાય, રાજકુમારી પ્રભુના આસન તરફ જોઈ ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત બબડતાં બબડતાં લીન બની જાય ત્યાં ‘હું આવી ગયો છું સખી’ એવો પશલાનો અવાજ સંભળાય.)

રાજકુમારીઃ આવી ગયા પ્રભુ?
પશલોઃ હા સખી, કહો, કોનું ધ્યાન ધરતાં હતાં?
રાજકુમારીઃ કોનું તે વળી આપનું પ્રભુ! આજ તો આપે ખૂબ વાર લગાડી.
પશલોઃ હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે.
રાજકુમારીઃ ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું…
પશલોઃ સખી, પૂજા શું કામ? મારી પૂજા કરનારનો ક્યાં તોટો છે આ જગતમાં? સખી, હું તમારી પૂજાનો ભૂખ્યો નથી, હું તમારા પ્રેમનો ભૂખ્યો છું.
રાજકુમારીઃ આપની વાત સાચી પ્રભુ, પરન્તુ મારા પ્રભુની પૂજા કરવી એ મારી પવિત્ર ફરજ છે.
પશલોઃ ચાલો સખી, પ્રેમની વાતો કરવામાં પવિત્ર ફરજ સમાયેલી છે.
રાજકુમારીઃ ના પ્રભુ, પહેલાં પૂજા. આજ તો હું ખૂબ આનંદમાં છું પ્રભુ, એટલે તે દિવસે જંગલના મંદિરમાં આપની મૂર્તિ આગળ જે મેં નૃત્ય કરેલું એ જ નૃત્ય હું આજે આપની સમક્ષ કરવા માગું છું.
પશલોઃ સખી, હું એમ ને એમ પણ તમારી ઉપર પ્રસન્ન છું. પછી પૂજા, નૃત્ય શું કામ? એના કરતાં ચાલો આપણે પ્રેમમાં ડૂબી, પૂજા-ભક્તિ બધું ભૂલી જઈએ.
રાજકુમારીઃ ના પ્રભુ, આજે હું આપની વાત માનવાની જ નથી. અહીં બિરાજો, પદ્માસન પ્રભુ, હાથમાં પદ્મ ધારણ કરો.

(રાજકુમારી પશલાની પૂજા કરે, પછી ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગાઈ નૃત્ય પૂરું થવાના સમયે રાજારાણીનો પ્રવેશ થાય – ચંપા સાથે)

રાજા-રાણીઃ ક્યાં છો પ્રભુ? ક્યાં છો દીનાનાથ, ત્રિભુવનના ધણી.

(બંને જણાં પગમાં લાંબાં થઈ જાય.)

પશલોઃ (એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં) ઊઠો મહારાજા, આ આપને નથી શોભતું.
રાજાઃ આપે મને મહારાજા કીધો? ના, ના દીનાનાથ, હું મહારાજા પ્રજાનો છું, આપનો કેવળ દાસ છું દાસ.
રાણીઃ અને હું મારા પ્રભુની જનમ-જનમની દાસી.
પશલોઃ ના, ના, રાણીબા, હું તો આપના પુત્ર સમાન છું. આપ મને ખોટું ગૌરવ ના આપો.
રાણીઃ ખોટું ખોટું ગૌરવ અમને આપી, ગગને ના ચઢાવો પ્રભુ. અમે તો તણખલાને તુલ્ય છીએ.
સેનાપતિઃ (શ્લોક ગાતાં) શાન્તાકારમ ભુજગ શયનમ્…

(એમ કહી આખો શ્લોક પૂરો કરે, પશલો ચકળ-વકળ આંખોથી જોયા કરે, એના ચહેરા પર નરી વેદના હોય ત્યાં–)

રાજાઃ સેનાપતિ ધૂન, રાણી ધૂન (કહી ધૂન ગાય)
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ,
પ્રભુ નારાયણ, પ્રભુ નારાયણ.

(બધાં ધૂન ગાતાં હોય. પશલો અકળાતો હોય ત્યાં દૃશ્ય પૂરું થાય.)

દૃશ્ય ૫
સ્થળઃ જંગલ

(જંગલમાં ભગલો બેઠો બેઠો પોતાનું કામ કરતો હોય છે.)

ભગલોઃ કેટલા બધા દિવસ થયા? પશો મળ્યો નથી. શું કરતો હશે? મારો બેટો એ ફાવી ગયો અને મારા નસીબમાં તો આ લાકડાં છોલવાનું રહ્યું! ખેર, મિત્ર સુખી થયો એટલું ઘણું. પણ એને મને મળવાનું મન નહીં થતું હોય? કે પછી ક્યાંક પકડાઈ તો નહીં ગયો હોય? શી ખબર પડે? આવો મૂરખ જ કહેવાય ને!

(થોડી વાર કામમાં ચિત્ત લગાડે એટલામાં પશલો આવે.)

પશલોઃ ભગા, ભગા, શું કરે છે દોસ્ત?
ભગલોઃ કોણ પશો? આવ, આવ પશા, તું કેટલો બધો યાદ આવતો હતો એ ખબર છે?
પશલોઃ અરે, ત્યાં મહેલમાં મને પણ તું પળેપળ યાદ આવતો હતો.
ભગલોઃ ભઈ, તને મહેલ મળ્યો પછી મિત્રને શેનો યાદ કરવાનો હતો?
પશલોઃ ના, ના ભગા, એવું બોલીશ નહીં. મને આ મહેલ પણ તારા લીધે જ મળ્યો છે ને!
ભગલોઃ ઠીક છે, ઠીક છે, પહેલાં એ તો કહે, તું મજામાં તો ખરો ને?
પશલોઃ હોય, મજામાં છું.
ભગલોઃ અરે, તું તો નસીબદાર કહેવાય પશા. રાજકુંવરી જેવી રાજકુંવરી મળી પછી તારે બીજું શું જોઈએ?
પશલોઃ ખૂબ નસીબદાર છું ભગા. એટલો બધો નસીબદાર કે…
ભગલોઃ કેમ આમ કરડાકીમાં બોલે છે પશા? તારે કંઈ દુઃખ છે કે પછી કુંવરીને બધી ખબર પડી ગઈ છે?
પશલોઃ ખબર પડી ગઈ હોત કે હું માણસ છું ને આ તો મારો વેશ છે તો તો સારું જ થાત ને ભગા!
ભગલોઃ તું આજે અવળું કેમ બોલે છે પશા? મને લાગે છે કે તારે જરૂર કંઈક દુઃખ છે. મને નહીં કહે ભૂંડા?
પશલોઃ ભગા, રાજકુંવરી મળશે એ મોહમાં, હું ભગવાન તો બન્યો. પણ રાજકુંવરી તો મને હજી ભગવાન માનીને જ બધી રીતે વર્તે છે.
ભગલોઃ મને કંઈ સમજાયું નહીં પશા.
પશલોઃ ભગા, ભગા, રાજકુંવરી મને ભગવાન માની મારી પૂજા કરે છે, મારી ભક્તિ કરે છે. હું જીવતો જાગતો માણસ એના માટે આ મંદિરની મૂર્તિ છું મૂર્તિ.
ભગલોઃ પણ એમાં તને વાંધો શું છે પશા? ભલા તારે મમ્‌મમ્‌થી કામ છે કે ટપ્‌ટપ્‌થી…
પશલોઃ મારે રાજકુંવરીનો પ્રેમ જઈએ છે ભગા પ્રેમ, એની ભક્તિ નહીં. ભગા… ભગા, હવે તો રાજા, રાણી, સેનાપતિ, અરે આખું નગર મને ભગવાન માનતું થઈ ગયું છે. આ બધાને કઈ રીતે સમજાવું કે હું ભગવાન નહીં માણસ છું માણસ.
ભગલોઃ હેં આખું નગર તને ભગવાન માને છે?
પશલોઃ એટલું જ નહીં ભગા, સાંજ-સવાર મારી આરતી થાય છે, મારી ધૂન થાય છે અને મારે પૂતળાની જેમ બેસી રહેવું પડે છે – આમ.

(પશો પદ્માસન વાળી ઊભો રહે. આ જોઈ ભગલો ચમકે.)

ભગલોઃ એ જ મૂર્તિ, એ જ મૂર્તિ, મેં કાલે સપનામાં જોઈ હતી એ જ મૂર્તિ, મારા પ્રભુ પુરુષોત્તમની … તું… તું… તમે… પ્રભુ.
પશલોઃ ભગા, ભગા, કઈ મૂર્તિ? શું કહે છે તું?
ભગલોઃ પ્રભુ, મને મને અંધારામાં રાખ્યો? મને માયામાં ડૂબેલો રાખ્યો? મને છેતર્યો?
પશલોઃ ભગા, તું કોને કહે છે આ બધું? હું પશલો છું, તારો દોસ્ત.
ભગલોઃ પ્રભુ! પ્રભુ! અત્યાર સુધી મારાથી દગો કર્યો? મારો વાંકગુનો હોય તો માફ કરશો મારા પુરુષોત્તમ.
પશલોઃ ભગા, હું પુરુષોત્તમ નહીં, તારો દોસ્ત પશો છું પશો.
ભગલોઃ ના પ્રભુ. હવે હું છેતરાવાનો નથી, તમે તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુ છો.
પશલોઃ ભગા, ભગા, તું? તુંય આવું માનીશ? ના, ના ભગા, હું તારો દોસ્ત પશો છું. મારે ભગવાન નથી થવું ભગા, મારે પશલો જ રહેવું છે. હું પશો પશો પશો છું.

(એમ કહી પશલો રડી પડે. ધીમે ધીમે શેષશાયી વિષ્ણુની જેમ થઈ જાય એ જોઈ.)

ભગલોઃ એ જ પ્રભુ, તમે જ સાચા પ્રભુ છો મારા નાથ!

(દૃશ્ય પૂરું થાય)

દૃશ્ય ૬
સ્થળઃ રાજમહેલ

(પશલો બેસે છે એ આસન ખાલી છે. રાજા, રાણી, સેનાપતિ, દાસી, રાજકુમારી બધાં બેઠાં બેઠાં ધૂન ‘શ્રીમન્ નારાયણ’ની ગાતાં હોય છે.)

રાજાઃ કમળકુંવરી, બેટા જો તો ખરી પ્રભુ પધાર્યા કે નહીં?
રાજકુમારીઃ હા પિતાજી, ત્યાં સુધી આપ ધૂન કરો.
રાજાઃ હા, હા. ધૂન બોલો ધૂન – શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ.

(ધૂન ચાલે એટલામાં પશલો આવે, આ બધું જોઈ પાછો વળવા જાય, રાજકુમારી હાથ પકડી પાછા લાવે.)

રાજકુમારીઃ પિતાજી, પિતાજી, પ્રભુ પધાર્યા.

(રાજા ઊભા થઈ ફૂલ લઈ પ્રભુને વધાવે, સેનાપતિ પંખો નાખે, રાણી એમને આસન સુધી દોરી જાય.)

રાજાઃ બેટા કમળકુંવરી, આરતીની તૈયારી કરો.
રાજકુમારીઃ પિતાજી આરતી તૈયાર છે, પ્રગટાવું એટલી વાર.

(ત્યાં ભગલો, ‘ક્યાં છે પ્રભુ મારા પૂર્ણ પુરુષોત્તમ’ કહેતો પ્રવેશ કરી, પશલાને નમવા જાય, પશલો એના પગ ખસેડી લે, ત્યાં આરતી શરૂ થાય.)

બધાઃ જય કમળાસ્વામી પ્રભુ
જય કમળાસ્વામી
સત્યનારાયણ સ્વામી, પ્રભુ બહુવન નામી
જય કમળાસ્વામી.

(આરતી બોલાતી હોય, ત્યારે પશલો બરાડા પાડતો હોય, ના, ના, હું પશલો છું, હું પશલો છું, હું પશલો છું; ત્યાં ધીમે ધીમે પ્રકાશમાંથી અંધકાર થતો જાય ને દૃશ્ય પૂરું થાય.)
(હું પશલો છું)