અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /ભણકારા

Revision as of 07:50, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;

ઊંચાંનીચાં સ્તનધડકશાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઈ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિમૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હૅનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિંગળે અંતરે શીય, સેહ્ની!