કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૯.કુહાડી

Revision as of 10:21, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કુહાડી|}} <poem> કલ્પ્યું તો હતું કે કૂવામાં કુહાડી પાડશું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯.કુહાડી

કલ્પ્યું તો હતું કે
કૂવામાં કુહાડી પાડશું એટલે
ત્રણ ત્રણ કુહાડી બતાડી
કોઈ પૂછશે કે આ સોનાની, આ
ચાંદીની, ને આ લોઢાની – કઈ
કુહાડી તારી ?
ખોટું તો હું બોલવાનો જ નહોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે ભૈ, આ ગયા
ધરતીકંપમાં પડી ગયાં છે
કૈંક મકાનો,
તે તારે પણ ઘર હતું કે નહીં ?
ખોટું તો હું બોલવાનો જ ન્હોતો
તોય કોઈએ મને પૂછ્યું નહીં,
ગાછ્યું નહીં કે લે, આ ભરી
ભીડમાં દબાઈ ગયા,
ચળાઈ ગયા કેટલાય શ્વાસ
તે એમાં તારો મૂકેલો કોઈ
નિઃશ્વાસ હતો કે નહીં ?
(દેશવટો, ૧૯૭૮, પૃ. ૨૯)