કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૭. અહાલેક

Revision as of 09:06, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. અહાલેક|}} <poem> પ્રભો ! તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મ્હેં અહાલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭. અહાલેક


પ્રભો ! તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મ્હેં અહાલેક:
જગતના ચોકની વચ્ચે જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

નથી લીધી પ્રભો ! દીક્ષા, નથી ઓઢી કફની:
નમી તુજ પાય છું ત્હેવો જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

કમંડલ માહરું ખાલી ભર્યું તુજ અક્ષય પાત્ર :
દીઠી ભંડારમાં ભિક્ષા, જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

ઘટા ઘેરી પડી નભની, ન મુજ નયનો ભેદે :
શ્રવણ તે ભેદશે ત્હારાં ? જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

વિરાજે છે તું દિલદરિયાવ, અયિ અદ્ ભુત યજમાન !
અણુ શું તો અમીકણ દે, જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

ઘડાવી પાવડી જગનાથ ! પ્રવૃત્તિ કેરી :
ચ્હડી તે પર જીવન ધપતા જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

નહીં કાંઈ મળે ત્હોયે મળ્યું દર્શનનું દાન :
મળી સળગી મીટે મીટ, ને જગાવ્યો મ્હેં અહાલેક. - પ્રભો !

ઊંડી ઝોળી રહી અધૂરી, જરી તલ ભીંજાયું :
જડ્યું જીવનું જીવન મ્હારું, જગાવ્યો મ્હેં અહાલેક :

જગતના ચોકની વચ્ચે જગાવ્યો મ્હેં અહાલેક :
પ્રભો ! તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મ્હેં અહાલેક.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૧૧૨)