લીલુડી ધરતી - ૧/મૃત્યુનું જીવન

Revision as of 04:46, 29 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૃત્યુનું જીવન

હેતાળ માતાના વહાલસોયા ખોળામાં અણસમજુ બાળક પોતાની સલામતીની અખૂટ શ્રદ્ધા સાથે ઊંઘતું હોય એમ ગરવા ગિરનારની ગોદમાં લપાઈને ગુંદાસર ગામ પડ્યું હતું. માતાની છત્રછાયા તળે બાળક નિશ્ચિંત બની રહે, એમ આ નાનકડું ગામડું પણ ગિરનારની છાયામાં સ્વાભાવિક નિશ્ચિંતપણું અનુભવતું હતું. સૂરજદાદા જ્યારે ડુંગરની પેલી બાજુએ હોય ત્યારે આ બાજુએ દસવીસ ગામો ઉપર ગિરનારનો છાંયડો પથરાતો અને આ ગામો ઉપર ડુંગરની ત્રીજી ટૂંકે બિરાજતાં અંબામાતાની અમી નજર છે એવી વ્યાપક માન્યતા હતી.

આવી કાવ્યમય માન્યતાને, અંધશ્રદ્ધા ગણીને છેક ઊવેખવા જેવી પણ નહોતી. કાળે ઉનાળે પણ જે નદીનાં મીઠાં મધ પાણી સુકાતાં નહોતાં, જેનો પ્રવાહ ક્ષીણકાય થવા છતાં સાવ કપાઈ જતો નહોતો, એ ઓઝતને કાંઠે વસેલા આ ગામનાં જીવનવહેણ પણ ઓઝતનાં વહેણ જોડે વણાઈ ગયાં હતાં. ભરચોમાસે બે કાંઠે થઈને ઘૂઘવતી ઓઝત અનોખી નવોઢા જેવી મદમસ્ત હોય, શિયાળે એની ચાલ પ્રગલ્ભા જેવી શાંત હોય, ચૈતર−વૈશાખે એનું વાર્ધક્યવિગલિત વહેણ સાવ ક્ષીણ થઈને એક તરફને કાંઠે નાનકડા ખળખળિયાની જેમ વહેતું હોય; પણ આ વત્સલ નદી પોતાને કાંઠે વસતા પરિવારનું તો યથાશક્તિ પોષણ કરતી જ રહે. ​ગુંદાસર ગામ ઓઝતનો આવો જ એક પરિવાર હતો. નદીને કાંઠેકાંઠે પથરાયેલાં એનાં ખેતર-વાડી બારેય મહિના લીલાં કુંજાર જેવાં લહેરાતાં. ગામના તેમ જ વાડીપડાના બધા જ કૂવાઓની સરવાણીઓ ઓઝતમાંથી આવતી હતી. સાચાં તળ ધરાવનાર આ કૂવાઓનાં પાણી ચોમાસામાં આપમેળે જ ચચ્ચાર હાથ ઊંચાં ચડી જતાં; કાળ-દુકાળે પાણી ઊંડાં જાય અને બબ્બે વરતનાં સાંધણ પણ ટૂંકાં પડતાં લાગે ત્યારે કૂવામાં હાથ જેટલું ખોદકામ કરતાં જ સાચાં તળમાંથી હોબ્બેશ પાતાળ−ફુવારા ફૂટતા, ને સુકાતાં વાડીપડાં વળી પાછાં લીલાંછમ બનીને લહેરાઈ ઊઠતાં.

જેવી મીઠાશ ઓઝતનાં પાણીમાં હતી એવી જ મીઠાશ અહીંનાં માણસોમાં હતી. ધરતીમાં રસકસ હતો તેથી એનાં છોરુઓનાં મન પણ માયામમતાથી હર્યાંભર્યાં રહેતાં. અલબત્ત, ક્વચિત્ ક્યાંક ક્યાંક કૂડકપટ દેખાતું, પણ એકંદરે અહીંનો માનવસમુદાય સદાચારી, પાપભીરુ અને ધર્મપરાયણ હતો. વળી, રેલગાડીની રેલ હજી સુધી ગુંદાસરના પાદર સુધી પહોંચી શકી નહોતી એ હકીકત ગામના વેપારવણજના વિકાસમાં મોટી અગવડરૂપ હોવા છતાં ગુંદાસરની અસલિયાત જાળવી રાખવામાં એક આડકતરી સગવડસમી પણ બની રહેલી.

આ ગામ કોઈ ઈજનેરના નકશાની નીપજ નહોતી; એ તો વૃક્ષની જેમ, કશા જ આયોજન વિના, સ્વૈરપણે વસ્યું હતું અને વિકસ્યું હતું. આજથી ત્રણસો વર્ષ પહેલાં ગુંદાસરને ટોડલે પહેલવહેલું તોરણ આહીરોએ બાંધેલું કે ગરાસિયાઓએ એ બાબતમાં એ બન્ને કોમોના બારોટો વચ્ચેનો ઝઘડો હજી સુધી પત્યો નથી. પણ વર્તમાન સ્થિતિ જોતાં એમ કહી શકાય કે ખેડૂતોએ જ આ હાંડા જેવું ગામ વસાવ્યું છે અને વિકસાવ્યું છે.

ગાડામારગે અહીં આવનારને ગુંદાસરનું પહેલવહેલું દર્શન તો દૂરથી દેખાતા સ્મશાનનાં કાળાંભઠ્ઠ છાપરાંનું જ થતું. ગામ આખાનાં ​ગારમાટીનાં ખોરડાં ઉપર શવા કુંભારે ગામને જ નિભાડે પકવેલાં દેશી નળિયાં પથરાયાં હતાં, એમાં આ સ્મશાનનાં કોરુગેટેડ પતરાં બહુ કઢંગા લાગતાં હતાં. પણ એની પાછળ નાનો સરખો ઇતિહાસ હતો. દાયકાઓથી અહીં ઓઝતને કાંઠે એક ખુલ્લા ઓટલા ઉપર મૃતદેહોની અંત્યેષ્ટી ક્રિયા થતી. એવામાં મુંબઈના એક વેપારી અહીં સતીમાના થાનક સમક્ષ કશીક બાધાઆખડી છોડવા આવેલા અને એ દરમિમાન, ભરચોમાસે, અકસ્માત એમનાં પત્નીનું અવસાન થયેલું. એ દિવસોમાં ગુંદાસર ઉપર બારે ય મેઘ ખાંગા થયા હતા; આઠ આઠ દિવસથી વરસાદની હેલી હતી. પેલાં શેઠાણીના શબને ત્રણ દિવસ સુધી અગ્નિદાહ દઈ શકાયો નહિ, એથી શેઠને બેવડો આઘાત લાગ્યો. એમણે ગામની આ અગવડ ટાળવા તથા મૃત પત્નીનું સ્મરણ જાળવવા માટે છેક મુંબઈથી સાધનસરંજામ મંગાવીને સ્મશાનના ખુલ્લા ઓટલા ઉપર આ છાપરી બંધાવેલી. મડદાંની દેહ પ્રગટે ને એમાં અધઅધ ખાંડી લાકડાં ઓરાય ત્યારે એની અગનજ્વાળા કોઈ કોઈ વાર તો ઊંચી છાપરીને આંબી જતી. વરસોથી આવા અગનતાપ ઝીલી ઝીલીને હવે તો આ છાપરી પણ જીર્ણશીર્ણ થવા આવી હતી, પણ એનો જીર્ણોદ્ધાર કરાવે એવો સુખી ગૃહસ્થ ગુંદાસરને હજી સાંપડ્યો નહોતો.

જીર્ણોદ્ધાર માગતું આવું જ એક બીજું સ્થાપત્ય હતું ભૂતેશ્વરના શિવાલયનું. નદીને ઓવારે ઊભેલા શિવાલયની જોડે જમીન પણ સંકળાયેલી હતી તેથી લોકો એને ‘ભૂતેશ્વરની વાડી’ તરીકે ઓળખતા. આ સ્થાનક તથા વાડીની જમીન ઉપર આજે ઈશ્વરગિરિ નામના એક અતીત વારસાહક ભોગવતા હતા. તેઓ સઘળા શિવનિર્માલ્ય ચોખાસોપારી ઉપર અબાધિત અધિકાર ધરાવતા હતા, પણ દાયકાઓથી લૂણો ખાઈ ખાઈને જર્જરિત થઈ ગયેલા દેવાલયમાં જીર્ણોદ્ધાર માટે તો ભેળાનાથ તો કોઈ ભાવિક ભગતની ​રાહ જોઈ રહ્યા હતા. વાડીમાં ત્રણચાર એકઢાળિયા ઓરડા હતા, એ બાવા-સાધુઓ માટેની ધરમશાળા તરીકે વપરાતા; અને ગુંદાસર ગામને સદ્‌ભાગ્યે અહીં દર પૂનમ અને અમાસની રાતે ભજન જામે ત્યારે મારગી બાવાઓની બેચાર ‘મૂર્તિઓ’ તો હાજર થઈ જ જતી.

શિવાલયને ચાતરીને જરા આગળ વધીએ એટલે હનુમાનની દેરી આવે. દેરીની બાજુમાં ગામના રક્ષક ખેતરપાળનું થાનક, અને ખેતરપાળની જોડે શૂરોપૂરો દેખાય. શૂરાપૂરાની પડખે થોડા સિન્દૂરરંગ્યા પાળિયા ઊભા છે; વચ્ચે મેલડીનું સ્થાન છે. અહીંથી ગામની શરૂઆત થઈ ગઈ એમ ગણી શકાય, કેમકે એ પાળિયાઓની નજીકમાં જ ‘દેરાણીજેઠાણીની વાવ’નો પિયાવો છે. સવારને પહોરે અહીં વીસ વીસ ગરેડીઓ ઉપર પાણીનાં બેડાં ઘમ્મઘમ્મ સિંચાતાં હોય.

પિયાવે ઊભા ઊભા સામે ગામના જીર્ણ કિલ્લાનો કોઠો દેખાય છે. આ કોઠાની બાજુમાં જ ગામઝાંપો છે. ત્યાં ધોળે દિવસે પણ કાસમ પસાયતો ખાટલો ઢાળીને ઊંઘતો પડ્યો હોય. આ ઓતરાદે ઝાંપેથી દખણાદા ઝાંપા સુધી પહોંચીએ એટલે ગુંદાસર નામનો મુખ્ય રાજમાર્ગ વળોટી ગયો એમ કહી શકાય. આરંભમાં ગોપાલક આહીરોનાં ખોરડાં આવે, પછી વાણિયાવેપારીઓની પાકા પથ્થરની બાંધેલી ત્રણચાર મેડીઓ દેખાય, પછી ખેડૂતોનાં ગારમાટી લીંપેલાં ખોરડાં અને એ પછી ગરાસિયાઓના દરબારગઢની પછવાડે કડિયા–કુંભાર, ઘાંચી–મોચી વસવાયાંઓ વગેરેની વસાહત આવે. નાનકડા ગામના નાનકડા અર્થતંત્રમાં આવશ્યક ગણાય એ અઢારે ય વરણનાં એકબે ઘર તો અહીં મળે જ. દખણાદા ઝાંપાની બહાર ઢેડવાડો, એનાથી જરા દૂર ચમારકુંડ અને છેક છેડે કબ્રસ્તાન સુધી પહોંચો એટલે આખું યે ગુંદાસર ગામ પગતળેથી નીકળી ગયું એમ કહી શકાય. ​આમ ઉગમણે મસાણખડી ને આથમણે કબ્રસ્તાન, એમ મૃત્યુનાં બે પ્રતીકોની વચ્ચે ગુંદાસરનું જીવન પાંગરતું હતું. એ જીવનમાં ઝાકમઝાળ કે ઝલક જેવું બહુ નહોતું. બલકે, એકવિધતા અને શુષ્કતા ઠાંસોઠાંસ ભરી હતી. કવિતાને બદલે કાળી મજૂરીની એ જિંદગી હતી. ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓ તો જાતતોડ પરિશ્રમ કરીને પેટિયું રળતાં, પણ પારકી મહેનત પર માલેતુજાર બનનારા વેપારીઓએ પણ અહીં પેટગુજારા માટે પરસેવો પાડવો પડતો.

આ શ્રમજીવનની યાંત્રિક જેવી ઘટમાળમાં જન્મ અને મૃત્યુ સિવાય ધ્યાન ખેંચે એવી ઘટનાઓ બહુ ઓછી બનતી. વરસ ઉપર વ૨સ અને દાયકા ઉપર દાયકા વીતતા જતા અને જિંદગીની એવી ને એવી રફતાર ચાલ્યા કરતી. આ રૂઢ થઈ ગયેલી રફતારમાં માત્ર વારપરબે એકાદ દિવસ થોડું વૈવિધ્ય આવી જતું — એકરંગી જીવનપટમાં આનંદઓચ્છવનાં થોડાં છાંટણાં છંટાઈ જતાં, અને ફરી એની એ જ ઘટમાળ ચાલવા માંડતી...

આજે આવું એક નાનકડું પરબ હતું, ભીમઅગિયારસનો દિવસ હતો. આ તહેવાર મુખ્યત્વે ખેડૂતો અને વસવાયાં શ્રમજીવીઓનો હોવાથી આખું ગુંદાસર એની ઉજવણીમાં સામિલ થયું હતું. ખેડૂતો તો આમે ય હવે ખેતરમાં નવી વાવણી માટેના વરસાદની રાહ જોતા નવરા બેઠા હતા, પણ વાડીપડામાં ય આજે કોઈએ કોશ જોડ્યા નહોતા. કારીગર વર્ગે આજે દુકાન ઉઘાડી નહોતી; મૂલીમજૂર કોઈ દાડી કરવા ગયા નહોતા. ગામ આખાએ આજે ભીમઅગિયારસનો અગતો પાડ્યો હતો તેથી જ ગિધા લુહાણાની હાટડીમાં આજે હકડેઠઠ્ઠ ઘરાકી જામી હતી. વારપરબે જ ઘીનો સ્વાદ ચાખી શકનાર લોકો આજે પાશેર-દોઢ પાશેર ઘી જોખાવી જતા હતા. મોટેરાંઓને અગિયારસનો ઉપવાસ હતો છતાં બારે ય મહિના જુવાર-બાજરા પર જ ગુજારો કરનારા ​ગરીબ માણસો આજે બાળકો માટે મીઠું ધાન રાંધવા માટે પાલી - બે પાલી ઘઉંનું ખર્ચ કરી શકતાં હતાં. કાંટાની કડીઓ ચડાવીને ઓછું જોખવામાં ઉસ્તાદ ગણાતા ગિધાના ગલ્લામાં આજે હોબ્બેશ વકરો થઈ રહ્યો હતો.

પણ ગિધાની હાટડીમાં રોકડે વેપાર કરતાં વધારે વળતરવાળો ને વધારે કરકસરવાળો ધંધો તો બીજો હતો. આજે ઘેર ઘેરથી ટાબરિયાં છોકરાં ખોઈમાં દાણાં ભરીભરીને આવતાં હતાં, અને બદલામાં ગિધાકાકાની હાટડીમાંથી ખાંડના ગોળી-પાંચીકા ખરીદી જતાં હતાં. કોઈની ખોઈમાં ઘઉં, કોઈની ખોઈમાં જુવાર, કોઈની ખોઈમાં મગફળી. ગિધા માટે આ સાટાપાટાના ધંધામાં બાર હજારના લાખની પાણ પડે એમ હતી. બાળકો આડે ખોબે પાંચીકા જેવો બાજરો આપે કે પારેવાંની આંખ જેવા જુવારના દાણાનો ઢગલો કરે એના બદલામાં આ લુચ્ચો લુવાણો કસીકસીને ધૂળ–રાખ જેવી પિપરમેટના બેચાર ગોળા ગણી દેતો હતો; કોઈને એ જાપાનીઝ રબરનું ફૂંકણું આપતો હતો, તો કોઈના હાથમાં રંગીન કાગળનું ફેરકણું કે પાવો મૂકતો હતો.

પણ બાળકોને કે એમના વાલીઓને આવી છેતરપિંડીનો રંજ નહોતો, કેમકે, આજે સપરમા પરબનો દિવસ હતો.

ગિધા લુહાણાની હાટડી જેવી જ ગિરદી અત્યારે રઘા ગોરની હૉટલમાં જામી હતી.

આ રઘા ગોરના તેમ જ તેમની હૉટેલના બન્નેના ઇતિહાસ રંગીન હતા. આજે તો રઘો ગોર આધેડ અવસ્થાએ પહોંચી ગયો છે, પણ એની જુવાની જેમણે જોયેલી એ ઘરડેરાઓ કહે છે કે, આ બ્રાહ્મણ જુવાને ગામ આખાને તોબાહ પોકરાવેલી. રઘાને નાનપણથી જ ગુંદાસરના ગામધણીના ફટાયાઓ જોડે ભાઈબંધી. એ નિશાળે ભણવા જવાને બદલે, વોંકળાની નેળમાં દફતરપાટી સંતાડીને ગરાસિયાના છોકરાઓ જોડે સીમમાં ગોફણને ઘાએ ​હોલાં-પારેવાં પાડતાં શીખી ગયેલો, અને આ નિશાનબાજીમાં એણે પ્રગતિ પણ ઝડપભેર કરી નાખેલી. એની ગોફણમાંનો કાંકરો પક્ષીઓને વીંધવાને બદલે ક્વચિત જુવાન પાણિયારીનાં બેડાં ઉપર પણ જઈ પડતો, અને બદલામાં એ જોરૂકા હાથની બેચાર અડબોથ પણ ખાઈ બેસતો. નિશાનબાજ રઘો ધીમે ધીમે ગરાસિયા ભાઈબંધોની મદદથી હોલાં-પારેવાંમાંથી પ્રગતિ કરીને સસલાં ગૂડતો થઈ ગયેલો; અને આ કામમાં એ હોશિયાર તો એવો કે પોતે કરેલા શિકારના અવશેષોને પણ એ ગામલોકોની નજરે ચડવા દેતો નહિ... સીમમાં ને સીમમાં આ તોફાની ટોળી પોતાનાં શિકારને શેકીને આરોગી જતી. અને એમાં જ એક વાર રઘાની કમબખ્તી બેઠેલી. ગામના અગ્રણી વિપ્રો ઉપરગામડે ચોરાસી જમવા ગયેલા. પાછા વળતાં એમણે ગુંદાસરની સીમમાં એક નેળ તળે, ભરઉનાળે તાપણું જોયું અને તપાસ કરી તો રઘો અને એના ભાઈબંધો તાજા જ વધેરેલા સસલાની જ્યાફત ઉડાવતા હતા ! સ્ત્રી વર્ગમાં ‘રોયા રઘલા’નું બિરુદ પામેલો અને ગામ આખામાં ‘ભારાડી રઘલા’ તરીકે જાણીતા થયેલો આ બ્રહ્મપુત્ર તે દિવસથી નાત બહાર બન્યો. નાતમાંથી એ નીકળી ગયો એટલું જ નહિ, ગામ આખામાં એ લગભગ બહિષ્કૃત બની ગયો. પણ આવા બહિષ્કારથી નાસીપાસ થાય તો એ રઘો શાનો ? એણે જાણે કે ગામ ઉપર વેર વાળવા જ એક સુથારણને ભોળવી અને એને આફ્રિકા ભગાડી ગયો. પૂરાં વીસ વર્ષ સુધી એ આફ્રિકાનાં જંગલોમાં વસ્યો. વાતો આવતી કે રઘો હીરામાણેકની ખાણમાં કામ કરે છે, ઊડતા વાવડ સંભળાતા કે રઘો સીદી ગુલામના વેપારમાં દલાલુ કરે છે. બે દાયકા સુધી રઘાએ ત્યાં શું કર્યું, પેલી સુથારણનું શું થયું, એ બધી જ વાતો આજ સુધી ગોપિત જ રહેવા પામી છે. પણ જુવાની વીતી ગયા પછી જતી જિંદગીએ એને ગુંદાસરની સીમ સાંભરી અને એ પાછો આવ્યો, અને પાછા આવીને એણે ગામના ચોકમાં જ ‘અંબાભવાની’ ​હૉટેલનું પાટિયું મારી દીધેલું.

રઘાએ હોટેલનો નોરો પણ બરોબર જોઈ કારવીને નક્કી કર્યો હતો. પાણીશેરડાને મારગે બરાબર નાકું વાળીને ‘અંબા–ભવાની’ જાણે કે આડી પડી હતી. એકેએક પાણિયારીએ અહીંથી પસાર થવું જ પડે. કદાચ એમને નજરમાં રાખીને જ હોટેલમાં જે થાળીવાજું દાખલ કરેલું એમાં પહેલવહેલી રેકર્ડ ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર’ની વસાવી હતી. ઊગતા સૂરજનાં કિરણોમાં ઈંઢોણી પર ઝગમગતાં બેડાંની હેલ મૂકીને ગામની જુવાન વહુદીકરીઓ ‘અંબા–ભવાની’ના ઊંબરા પાસેથી પસાર થાય ત્યારે આ ‘ભારી બેડાં’નું ગાયન સાંભળીને ગૃહિણીઓ નીચું જોઈ જતી, જવાન વહુવારુઓ મનમાં મલકાઈ જતી. તો કોઈ નવીસવી પરણીને આવેલી કે પરણ્યા વિના રહી ગયેલી નટખટ યુવતીઓ આંખ પણ ઉલાળતી હતી. પરિણામે, રઘાની હોટેલમાં બમણી ઘરાકી જામતી.

આજે ઉત્સવનો દિવસ હોવાથી અંબા–ભવાનીમાં ઊભવાની પણ જગ્યા નહોતી.

અધઝાઝેરો ઊંબરો રોકીને ગોઠવાયેલા તખ્તે–તાઉસ જેવા થડા ઉપર, અહોનિશ એકમાત્ર પંચિયાભર જ રહેતા રઘા ગોરની પરસૂદીના પિંડા જેવી અદોદરી કાયા ખડકાઈને પડી હતી. આફ્રિકાથી આવ્યા બાદ રઘો એવો તો એદી ને બેઠાડુ થઈ ગયો હતો કે દિવસ આખો થડે બેઠે બેઠે બોકડાની જેમ તેજ તમાકુવાળાં પાન ચાવ્યે રાખતો ને થડાની માંડણીવાળા ખૂણામાં જ દર પાંચ પાંચ મિનિટે કોગળાભર પિચકારી ઉપર પિચકારી માર્યા કરતો. ‘અંબાભવાની’નો આરંભ થયો ત્યારે એ માંડણીવાળી ભીંત ઉપર ‘દુકાનમાં કોઈએ ગંદકી કરવી નહી’ની સુચનાવાળી એક તખતી ટાંગવામાં આવેલી; પણ હવે રઘાના જ સ્વમુખેથી વહેતી પાનની હજારો પિચકારીઓના પ્રવાહીએ એ આખી ભીંતને એવી તો લાલભડક રંગે રંગી નાખી હતી કે પેલી તખતીમાંનું લખાણ જ ઊકલી ​શકતું નહોતું.

આજે મોટી અગિયારસનો અગતો હોવાથી હોટેલ હકડેઠઠ્ઠ ભરાઈ ગઈ હતી. કડિયા-કારીગરો નવા જ રંગાવેલા ફેંટા બાંધીને આવ્યા હતા. કોઈ કોઈ ઘરાકોએ તો ભડકિયા રંગના જાપાનીઝ તાફેટાનાં જાકિટ ચડાવ્યાં હતાં. ખેડૂતોએ નવાં પાણકોરાંનાં કડકડતાં કેડિયાં પહેર્યાં હતાં.

‘ઝટ જાઓ ચંદનહાર લાવો'ની રેકર્ડ ઉપર સંગીતરસિક ઘરાકો ડોલી રહ્યા હતા, ત્યાં ચકચકતા બૂટને ચડ...ચમ...ચડ...ચમ બોલાવતો એક અલ્લડ જુવાન હોટેલમાં પ્રવેશ્યો. ઉંમરમાં તો એ હજી લબરમૂછિયો લાગતો હતો પણ એણે માથા પર જે લહેરિયાની બાંધણીનો સાફો બાંધ્યો હતો એના છોગાની ગરાસદારી છટાએ એક પ્રકારનો અદૃષ્ટ રુઆબ છાંટ્યો. એ રુઆબ આ હોટેલમાં જાણે કે રાબેતા મુજબનો હોય એમ સહુ ઘરકો એ છોગા પ્રત્યે આદર દાખવી રહ્યા, ગામ આખામાં કોઈને ય દાદ ન દેનાર રઘાએ પણ આ આગંતુકને આવકાર આપવો પડ્યો :

‘આવો, શાદૂળભા ! આવો.’

આ આવકાર પામવાનો તો પોતાને આજીવન અધિકાર હોય એમ આગંતુકે એની નોંધ પણ ન લીધી, વળતો ઉત્તર પણ ન વાળ્યો અને હોટેલમાં કોઈકને શોધતા હોય એમ આમથી તેમ નજર ફેરવવા લાગ્યો.

‘ક્યાં મૂઓ માંડણિયો ?’ શાદૂળે રઘાને પૂછ્યું.

‘હજી આવ્યો લાગતો નથી.’

‘ક્યાં ગુડાણો છે ?’

‘હાદા ઠુમરનો પરબત માંદો છે એટલે કદાચ એને ઘેરે—’

‘પરબતિયો તો રોજનો માંદો છે; આજ પાંચ વરસથી પિલાય છે.’

‘પણ આજે મંદવાડ વધ્યો હોય એવું લાગે છે.’ રઘાએ ​સમજાવ્યું. ‘કાલ રાતે જુનેગઢથી મોટા દાગતરને બોલાવ્યા હતા. રોગ ઘેરાઈ ગયો લાગે છે.’

શાદૂળને આવા મંદવાડ, દાક્તર ને મૃત્યુ સુદ્ધાંમાં કશો રસ નહોતો. એ તો પોતાના જિગરજાન ભાઈબંધ માંડણને જ ઝંખતો હતો. અને માંડણ તો અહીં છે નહિ એમ સમજાતાં એણે જુદી જ દિશામાં વિચારવા માંડ્યું. એકાએક એણે રઘા ગોરને પૂછ્યું :

‘કોણે મેલી છે આ રિકાટ ?’

‘તમને ચંદનહારવાળી નથી ગમતી ?’

‘મને શું ગમે છે એ તમે નથી જાણતા મારા’જ ?’ શાદૂળે પૂછ્યું.

એક ક્ષણની પણ રાહ જોયા વિના રઘો પોતાના તખત ઉપરથી હેઠો ઊતર્યો. ફોનોગ્રાફની ચાલુ રેકર્ડ પરથી ફટ કરતુંકને સાઉન્ડબૉક્સ ઉપાડી લીધું, અને એક નવી રેકર્ડ ગોઠવી દીધી. ફરી એની ઉપર સાઉન્ડ બૉક્સ મૂક્યું.

ભૂંગળામાંથી આખી શેરીને ભરી દેતું ગાયન સંભળાઈ રહ્યું :

‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી...’

શાદૂળે હાથી છાપનું પાકીટ કાઢીને એમાંથી ધોળી બીડી સળગાવી અને છટાથી ધુમાડા કાઢી રહ્યો...

કાળા દોરાવાળી ખાખી બીડીઓ ચૂસી રહેલા બાકીના ઘરાકો શાદૂળ તરફ સૂચક નજરે તાકી રહ્યા અને ગાયનમાંથી વારંવાર સંભળાતા ‘સંતુ રંગીલી’ શબ્દોનાં કાનસુરિયાં ચલાવી રહ્યા. ‘સંતુ,’ ‘સંતી,’ ‘સંતડી,’ વગેરે, એક જ વ્યક્તિના વિવિધ નામકરણોની ગુસપુસ ચાલી રહી.

ગુંદાસરમાં સંતુ નામધારિણી એક નહિ પણ ત્રણ ત્રણ યુવતીઓ હતી. એમાંની એક સંતુ, ખીમા તરગાળાની દીકરી, છડેલ દાળ જેવી ગોરી ગોરી હતી, તેથી એને લોકો ‘ધોળી સંતુ’ કહીને ઓળખતા. બીજી સંતુ એક સરાણિયાની છોકરી હતી; એ કાળી ​કળી અબનૂસ લાકડા જેવી હોવાથી ‘સંતુ જાંબુડી’ કહેવાતી. અને ત્રીજી સંતુ, જેને હાદા ઠુમરના દીકરા જોડે પરણાવેલી, પણ જેનું હજી આણું થયું નહોતું–અને જે ફટાયા શાદૂળની આંખમાં વસી ગયેલી, એ બહુ ગોરી નહિ તેમ બહુ કાળી નહિ એવા ઘઉંલા વાને હોવાથી એને ઓળખવા માટે કોઈ રંગસુચક શબ્દ બંધબેસતો નહોતો આવતો. પણ રઘો ગોર શહેરમાં જઈને ‘સંતુ રંગીલી’વાળી રેકર્ડ લઈ આવ્યો અને હોટેલમાં એ તાવડી વાગતી થઈ ત્યારથી અહીંના ગ્રાહકવર્ગે એ ત્રીજી સંતુને ‘સંતુ રંગીલી’ નામ આપી દીધેલું અને ત્યારથી એ સંતુ તથા આ રેકોર્ડ બંને શાદૂળભા માટે પ્રિયપાત્રો બની રહેલાં.

રસ્તા ઉપર શકરાની જેમ નજર નાખીને શાદુળભા બપોર સુધી બેઠા રહ્યા, સંતુનાં દર્શન થયાં નહિ એટલે એમની વિહ્‌વળતા વધી, અને એની બધી ખીજ માંડણ ઉપર ઊતરી.

‘ક્યાં ગુડાણો માંડણિયો ?’

‘આજે ઈ નવરો નંઈ હોય દરબાર !’ રઘો કહેતો હતો, ‘હાદા ઠુમરનો પરબત મરણપથારીએ પડ્યો છે, એટલે આંટાફેરામાં રોકાણો હશે.’

‘પણ પરબતિયો માંદો એમાં માંડણિયો શું કામ હેરાન થાય છે ?’

‘છૂટકો થોડો છે ? ત્રીજી પેઢીએ જ પિતરાઈ થાય; જરા ય આઘું સગપણ નંઈ. પરબતની દેઈ છૂટશે તયેં માંડણિયાને પાકુ એકવી દિ’નું લાગશે—'

‘શું ? શું લાગશે ?’

‘સૂતક; બીજું શું લાગે ?’

‘પણ બે ય પિતરાઈ વચ્ચે વળી ક્યાં હેતપ્રીત ફાટી જાય છે ? બે ય ખોરડાં વચાળે બોલ્યાવે’વાર તો છે નંઈ !’

‘જીવતા જીવને ગમે એટલાં વેરઝેર હોય પણ માણસ મરે ​તયેં તો વેર ભૂલવાં જ પડે ને ? જીવતરને નંઈ તો મયણાંનો મોભો સાચવવો જોઈએ ને ?

શાદૂળ વધારે વિહ્‌વળ બન્યો.

બપોર થતાં આકાશમાં ઓચિતાં વાદળાં ચડી આવ્યાં અને બધું ઘનઘોર બનવા લાગ્યું.

રઘાએ આકાશ તરફ નજર નાખીને ટકોર કરી : ‘આ તો ઈગિયારસે ઘેરાણો ! નવા ફેંટા−પાઘડીને ભીંજવી જાય તો નવાઈ નંઈ—’

‘ફેંટા ય ભીંજવી જાય ને ખેતર પણ ભીંજવી જાય.’ એક ખેડૂતે સમજાવ્યું. ‘આભના ને ગાભના કાંઈ ભરહા નંઈ, ભાઈ !’

‘સાચું કીધું. મન મેલીને વરસે તો આજ ને આજ વાવણાં થઈ જાય.’

‘તી ભીમ-ઈગિયારસનાં વાવણાંની કાંઈ નવી નવાઈ છે ?’ એક ખેડૂતે કહ્યું : ‘સાંભરણ્યમાં તો ઘણી ય વાર ઈગિયારસે ઓરણી કરી આવ્યો છું.’

શાદુળને આવી હવામાનની હકીકતમાં રસ નહોતો. એ તો બેધ્યાન બનીને રસ્તા પર જ ટાંપી રહ્યો હતો. કણબીશેરીમાં સોંસરવી પહોંચતી એની નજરમાં ક્યાંય સંતુ કળાતી નહોતી. હારબંધ ઊભેલાં એકઢાળિયાં ખોરડાંઓનાં અજવાળિયાંમાંથી ધુમાડા બહાર નીકળતા હતા. રાંધણિયે રાંધણિયે પરબનાં પકવાનો રંધાતાં હતાં : કોઈ ચૂલે લાપસીનાં આંધણ ચડ્યાં હતાં, કોઈ ચૂલે મગસમો લોટ ઘીમાં શેકાતો હતો. જેનાં ગજાંસંપત ઓછાં હતાં એ નબળે ખોરડે ગળ્યાં થેપલાં બનાવીને પરબ મનાવાનું હતું. આખા કણબીપામાં માત્ર એક જ ખોરડે અજવાળિયું આજે અવાવરું લાગતું હતું. એ અજવાશિયા તળેનાં ચૂલામાં આજે ભીમઅગિયારસને તહેવારે પણ શીતળા સાતમ જેવી સ્થિતિ લાગતી હતી. એ ખોરડું હતું હાદા કુમરનું. આડે દિવસે ઉજમાળી લાગતી એ રૂપાળી ખડકી ​આજે જાણે કે ઓજપાઈ ગઈ હતી.

પોતાની વિહ્‌વળતા ઓછી કરવા શાદૂળે છઠી વાર એની એ જ રેકોર્ડ મુકાવી.

ભૂંગળામાંથી કર્કશ અવાજ રેલાઈ રહ્યો :

‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી.’

અને તુરત ઠુમરની ખડકીમાંથી આ રેકોર્ડના અવાજને દાબી દેતી, કરુણ પ્રાણપોક સંભળાઈ :

‘મારો પરબત......રે......’

સાંભળીને રઘા ગોરે મોઢામાં એકઠા થયેલા પાનના થૂંકનો કોગળો થડા પછવાડે ઢોળી નાખ્યો ને જીભને છૂટી કરીને ઉદ્‌ગાર કાઢ્યો :

‘શિવ ! શિવ ! શિવ ! હાદા પટેલનો કંધોતર હાલી નીકળ્યો !’

શાદૂળને આ સમાચારમાં રસ નહોતો, પણ કેટલાક ખેડૂતો તો પ્રાણપોક સાંભળતાં જ ઠુમરની ખડકી તરફ ઊપડ્યા.

ઓસરીની અંદરના ઓરડામાં પાંચ હાથ પૂરો પરબત સાથરે સૂતો હતો. શબની બાજુમાં ઘીનો દીવો બળતો હતો. પડખે બેઠેલો પરબતનો નાનો ભાઈ ગોબર ચોધાર આંસુએ રડતો હતો. હાદા પટેલ કાળજું કઠણ કરીને નાના પુત્રને હૈયારી આપતા હતા.

પિતાનું હૃદય અત્યારે બેવડો શોક અનુભવતું હતું. એક નહિ પણ બબ્બે પુત્રોનો વિયોગ એમને સાલતો હતો. પરબતથી મોટો ને કુટુંબનો કંધોતર દીકરો દેવશી આજથી દસ વર્ષ પહેલાં બાવો થઈને ચાલ્યો ગયેલો ત્યારે હાદા પટેલને કાળજે પહેલવહેલો ઘા લાગેલો. એ પછી એમણે પરબતને પલોટ્યો ને ખેડના કામકાજની કાંધ નાખી. લોંઠકો દીકરો માંડ કરીને કામકાજે દૂતિયો થયો. બાપને હાથલાકડી જેવો થઈ રહ્યો, ત્યાં જ ઘાસણીના રોગમાં સપડાયો ને બાર મહિના લગી પિલાઈ પિલાઈને આજે દેહ છોડી ગયો.

હાદા પટેલને કાળજે બેવડો ઘા લાગ્યો, પણ સાગરપેટા પિતાએ ​એનો રંજ આંખ વાટે ઊભરાવા ન દીધો. કાઠી છાતીએ એમણે ગોબરને છાનો રાખ્યો ને હૈયાફાટ રોકકળ કરી રહેલ સ્ત્રીઓને પણ આશ્વાસન આપ્યું.

હોટેલ સુધી સંભળાયેલી પ્રાણપોકે આખા ગુંદાસરમાં સમાચાર ફેલાવી દીધા કે હાદા ઠુમરનો પરબત પાછો થયો...

થોડી વારમાં તો ઠુમરની ખડકી આખી નાતીલાઓથી ઊભરાઈ ગઈ.

ગામમાં ઉત્સવની ખુશાલી આપમેળે જ ઓસરી ગઈ. પરબતના કાચા મરણની અદબ જાળવવા રઘા ગોરે ફોનોગ્રાફ વગાડવાની મનાઈ ફરમાવી દીધી. રખેને કોઈ ઘરાક ભૂલથી ય આ ભૂંગળવાજું વગાડી બેસે એવી દહેશતથી ગોરે વાજામાંથી સાઉન્ડ બૉક્સ કાઢી લીધું.

જોતજોતામાં તો આકાશ કાળુંધાબડ થઈ ગયું, બફારો પણ વધવા માંડ્યો. ક્યાંય નહોતાં ત્યાંથી મોટાં મોટાં હાથી જેવડાં વાદળાં ધસી આવ્યાં. સવાર સુધી સુરેખ દેખાતી ગિરનારની ટોચ ધૂંધળી થઈ ગઈ. અંબામાતાના મંદિરનું ધોળું શિખર એક મોટા મસ વાદળામાં ઢંકાઈ ગયું.

ઠુમરની ખડકીમાં એકઠા થયેલા ડાઘુઓની એક નજર ઓસરીમાં પડેલા મૃતદેહ ઉપર હતી, બીજી નજર માથે ઘેરાતાં વાદળાં તરફ વળતી હતી.

પરબતની નનામી વીંટાતી હતી અને હાદા પટેલ વારે વારે ઊંચે જોઈને વિચારતા : આ તો અષાઢ મહિના જેવું ધાબડ થઈ ગયું. આજે જ તૂટી પડશે કે શું ? ભલુ પૂછવું...આ તો આકાશના મામલા નખતર-બખતર ફરી ગયાં હોય તો બારે ય મેઘ ખાંગા થઈ જાતાં વાર ન લાગે...

નનામી બંધાઈ ગઈ.

આકાશ વધારે અંધાર્યું. ​ ગામ આખાનાં રાંધણિયાંમાંથી જે સામટી ધૂમ્રસેર ઊંચે ચડી રહી હતી એમાં એક નોખી જાતની ધૂમ્રસેર ઉમેરાઈ ગઈ. પરબત માટે સ્મશાને આગ લઈ જવા માટે ખડકીને એક ખૂણે અડાયાં છાણાંમાં ખડનો પૂળો મૂકેલો એમાં ઠંડો ગિરનારી વાયરો ફૂંકાતાં ભડભડ ભડકો થઈ ગયો અને ધુમાડાના ગોટેગોટા ખડકીની વંડી વળોટીને ઊંચા ચડવા લાગ્યા.

સિંહની તાતી આંખો જેવા અંગારા દોણીમાં ભરાયા ત્યાં તો આકાશમાં એવી જ તાતી આંખ ઝબકી ઊઠી. ગિરનાર પર અંબાજીના શિખર ઉપર વીજળીનો શિરોટો ચમક્યો અને સહુની આંખો એ તરફ ફરી.

અને સહુ ડાઘુઓ એકબીજા ભણી મૂંગી આંખે ગોષ્ટિ કરી રહ્યા :

‘અરે ! આ તો વીજળી !’

‘ઈશાની વીજળી !’

‘આ તો અનરાધાર વરસાદનાં એંધાણ.’

‘અબઘડીએ જ તૂટી પડ્યો જાણે.’

પવનની દિશા એકાએક બદલાઈ ગઈ. ટાઢોહિમ વાયરો કુંકાવા લાગ્યો.

અને ફરી, પહેલી વાર કરતાં ય વધારે મોટો વીજ-શિરોટો આભમાં ચમક્યો.

અને બીજી જ ક્ષણે, કાન ફાડી નાખે એવા કડાકા સંભળાયા...

ગાજતી ગોરંભ ઉપરથી એક વૃદ્ધે કહ્યું : ‘અરે ! આ તો ભગવાન ગેડીદડે રમવા નીકળ્યા ! અબઘડીએ સહુને ભીંજવી નાખશે.’

‘ઈશાની કોઈ દિ’ અબાર ન જાય. આજે ઓઝત બે કાંઠે થઈ ગઈ જાણો !’

‘તો તો આજે જ વાવણાં કરવાં પડે.’

‘હા, કરવાં જ પડે. આજે ખેતર લીલાંછમ થઈ જાય. ને ​બિયારણ ઘરમાં જ પડ્યું રહે એ શું કામનું ?”

‘ઈ તો અવસર ચૂક્યા મેહુલા જેવું. કારતક મહિને કણબી ડાહ્યો થાય એ શું કામનો ?’

વીજળીના શિરોટા જેવો જ વિચાર હાદા પટેલના ચિત્તમાં પણ ઝબકી ગયો : અબઘડીએ જ વાવણાં કરવાં પડશે. આ તો ઈશાની વીજળી ઝબકી ગઈ. આજના ગિરનારી મેઘનો લાભ ન લેવાય તો આખું ય વરસ નકામું જાય. આજે એ મન મેલીને વરસી જાશે ને પછી મહિનોમાસ કોરો ધાકોર જશે...ઈશાની વીજળી અંગેની વિખ્યાત વાયકા પણ હાદા પટેલને યાદ આવી ગઈ : એક દુકાળ વરસમાં એક ખેડૂત વખાનો માર્યો પરગામના વેપારીને ત્યાં કઢારે કઢાવવા ગયેલો. સાથે પોતાનો પુત્ર હતો. પણ માઠું વરસ હોવાથી બજારમાં અનાજના ભાવ આસમાને પહોંચેલા. પણ ખેડૂતે તો એ ખરીદ કર્યા વિના છૂટકો જ નહોતો. વેપારીએ માગ્યા એ ભાવ ખેડૂતે કબૂલ કરવા પડ્યા. માલ જોખાયો. પૈસા ચૂકવવાના બાકી હતા ત્યાં તો ઈશાન ખૂણામાં વીજળી ઝબકી. પુત્રે પિતાને સાનમાં સમજાવ્યું : ‘બાપા, ઈશાની !’ પિતા સમજી ગયા. હવે આવું મોઘુંદાટ અનાજ લેવાની જરૂર નથી. ખરીદીમાંથી છટકી જવા ખેડૂતે બહાનું બતાવ્યું કે કેડે રૂપિયાની વાંસળી બાંધવી જ ભૂલી ગયો છું. અને બાપદીકરો હજી તે પોતાને ગામને પાદર પહોંચ્યા એ પહેલાં તો વરસાદમાં માથાબોળ નાહી રહ્યા. ત્યારથી આ કહેવત પ્રચલિત થઈ ગઈ : બાપા ઈશાની ને વાંસળી વિસારી...

હાજર રહેલા ઘરડેરાઓએ આ કહેતીનું પુનરુચ્ચારણ કર્યું અને સાથે એ યાદ પણ આપ્યું કે અમારી સાંભરણમાં તો ઘણી ય વારે ભીમઅગિયારસનાં વાવણાં થયાં છે.

પણ તો પછી સાથરે સુવડાવેલા આ મડદાનું શું ? એની અંત્યેષ્ટિક્રિયાનું શું ?

‘એને ઢાંકી રાખો !’ એકી અવાજે સુચન થયું. ​‘એને ઢાંકી રાખવું ? સગા દીકરાના શબને ઢાંકી રાખવું ?’ હાદા પટેલના મનમાં ગડમથલ થઈ.

‘હા, છૂટકો જ નહિ, મડદું વાટ જોશે, મેધરાજ નહિ.’

પિતાએ મનને મનાવ્યા વિના છૂટકો જ નહોતો.

સર્વાનુમતે નિર્ણય લેવાયો.

પરબતના શબ ઉપર પછેડી ઓઢાડાઈ ગઈ.

ડેલીએ ડેલીએ ગાડાં જૂત્યાં. હાદા પટેલે પણ કચવાતા મને ગાડામાં બિયારણ ભર્યું, ધોંસરા ઉપર પરબતને સ્થાને પહેલી જ વાર ગોબરને બેસાડ્યો.

ગાડાનાં પૈડાં ઉપર કંકુ છંટાયું. મગનું શુકનવંતુ ધાન્ય વેરાયું અને સામટાં ગાડાં એકીસાથે ગુંદાસરના પાદરમાંથી બહાર નીકળ્યાં ત્યાં તો સચરાચરને જીવનની સોગાદ આપનારો ગિરનારી મેઘ મૂશળધારે તૂટી પડ્યો.

*