ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/લીલ

Revision as of 09:40, 21 June 2021 by MeghaBhavsar (talk | contribs)

લીલ


સવારથી આમ ખુરશીમાં બેઠી છું. મારાં ભાભી અને બા આવીને બે-ત્રણ વાર કહી ગયાં કે આ અવસ્થામાં આમ ને આમ બેઠાં રહેવું સારું નહીં. હું તમારા ઘરમાં ચાલતી ધમાલ જોયા કરું છું. બધાં વાતો કરે છે કે તમે પણ આટલામાં ક્યાંક હશો. બધી વિધિ જોતા હશો. મારા તરફ કોઈનું ધ્યાન નથી. હા, તમારી કાકાનો દીકરો રસિક વીસ-પચીસ મિનિટે હું બેઠી છું કે નહીં તે જોઈ લે છે. તમે હોત તો બધાંનું ધ્યાન ચુકાવીને મારી પાસે આવ્યા હોત. ગુસ્સો આવે એવી કશીક મશ્કરી કરીને ચાલતા થયા હોત. રસિક આંખોથી પૂછી લેત, ‘જઈ આવ્યો?’ તમે આંખોથી જ ‘હા’ કહીને મારી સામે કશોક ઇશારો કર્યો હોત.

આજે તમારાં લીલ પરણાવવાનાં છે. તમારા ભાઈ-ભાભી વરનાં મા-બાપ બનીને વિધિમાં બેસવાનાં છે. તમારાં લગન આજે વાછરડી સાથે કરી દેશે. તમે કોઈ કુટુંબીના પંડ્યમાં આવીને કહેશો કે તમને લીલ પૂગ્યાં કે નહીં, તમારી બીજી કોઈ આસના-વાસના હશે તો તે પણ બોલશો. તેને પૂરી કરવાના કોલ દેવાશે. પછી તમારું પિંડદાન દેવાશે. તમારો મોક્ષ થશે. એક દિવસમાં તમારો ઘરસંસાર પૂરો થશે.

તમારી બા ઓસરીમાં આવીને થાંભલી સાથે બાંધેલી વાછરડી પાસે બેસી જાય છે. એમના મોઢા પર નૂર નથી. તેમણે વાછરડીના ડિલે હાથ ફેરવ્યો તો તે ભડકીને બીજી બાજુ જઈને ઊભી રહી.

પછી ચામડી જોરથી ધ્રુજાવી શરીર પર થયેલો સ્પર્શ ખંખેરી નાખ્યો.

તમને મેં વાત નથી કરી. તમારા દાદીમા મોતિયાનું ઑપરેશન કરાવવા દેશમાંથી અહીં અમદાવાદ આવેલાં ત્યારે એક વાર રોંઢે હું ઓસરીમાં બેઠી બેઠી એમની વાતો સાંભળતી હતી. એમનું ધ્યાન નહોતું. અચાનક તમારાં બાએ મારા તરફ નજર કરી તમારાં દાદીમાને પૂછ્યું, ‘બા, સામે ઓસરીમાં છોડી બેઠી ઈ ભાળી?’

મારાં દાદીમાએ નેજવું કરીને મારી દિશામાં જોયું. મારા આકાર સિવાય કંઈ નજરે નહીં પડ્યું હોય છતાંય હોંકારો ભણ્યો ‘હંઅ’ –

‘કેમ?’ મને ધ્યાને આવે છે?’

‘આપડા કાળુના વેહવાળની વાત ચલાવી હોય તો કેમ રે?’ દાદીમાએ વહાલથી મારી દિશામાં ફરી જોયું. આંખમાંથી પાણી નિતારી કહ્યું, ‘તમારા સાસરાને વાત કરી જોઈ.’ તમારી બાએ પણ મારી સામે હેતથી જોયું. હું અચાનક ઊઠીને અંદર જતી રહી.

મારા ઘરમાં થોડા દિવસ ઝીણી ઝીણી આવી વાત ચાલેલી ખરી, પછી તમારી બીમારીનું સાંભળીને એવી રોળાઈ ગઈ કે ફરીથી કોઈએ સમ ખાવા ખાતરેય ઉચ્ચારી નહોતી.

અગિયારમા ધોરણમાં પહેલા દિવસે ટાઇમટેબલ નક્કી નહોતું થયું, એટલે ભણાવવાને બદલે પહેલા બે પિરિયડ બેસાડીને પછી બધાંને છોડી મૂકવાં એવું નક્કી થયેલું. પહેલા પિરિયડમાં સાહેબે કોઈને ગીત આવડતાં હોય તો ગાવાનું કહેલું. તમે તરત ઊભા થઈને દુહા શરૂ કરી દીધેલા. સૌ પહેલાં હું હસી પડેલી. પછી બધા છોકરા, ‘એ કાઠિયાવાડી – એ આતા!’ કહીને ધમાલ કરવા મંડેલા. તમારું મોઢું પડી ગયેલું, ગાવાનું બંધ કરી ચૂપચાપ જગા પર બેસી ગયેલા. થોડી વારે બધો ઘોંઘાટ બંધ થયો એટલે તમે મોં પર ગભરાટ સાથે મારી સામે જોયું. મને ફરીથી હસવું આવ્યું જોરથી. પછી તો દરરોજ ક્લાસમાં તમને જોતી ને હસવું રોકાતું નહીં. પાછળથી તમે નજરની કાતર મારતા થયેલા. ત્યારે વાળ સેટ કરાવવાની ફૅશન હતી ને તમે આપા જેવાં જટિયાં રાખતા.

વળી તેલ પણ ભરપૂર નાખતા. કપાળ પર તેલ ઊતરતું એટલે આખો દિવસ ચમક્યા કરતું. તાજાં જ લગ્ન થયાં હોય તેમ તમે લાલ બૂટ પહેરતા. ગોમતીપુરની શેરીઓમાં ઊછરેલા છોકરાઓ તમારાં દરહણ આપા જેવા લાગતાં. બધાં તમારી મશ્કરી કરતાં ને હું હસતી.

એક વાર રિસેસમાં હું બેંચ પર માથું ઢાળીને બેઠેલી. તમે અચાનક આવ્યા. ઘડીક એમ જ બેઠા રહ્યા, પછી અણધાર્યું પૂછ્યું, ‘કેમ આજકાલ બૌવ દાંત આવે છે?’ હું આ સવાલથી થોડી ડઘાઈ ગઈ. મેં કહ્યું, ‘બધાં તમારા દાંત કાઢે છે!’

પણ, આ બૌવ સારું નઈ, શરૂઆત તમે કરેલી ને! આ તે તમે છોકરી છો એટલે. બાકી અમરેલીમાં મેં કાઠી બોર્ડિંગના છોકરાઓને પટ્ટે ને પટ્ટે મારેલા છે.’ મને ગુસ્સો આવ્યો, ‘એમ તો મારો ભાઈ પણ ચાર રસ્તાનો દાદો છે, એવું અભિમાન ન રાખવું!’

‘તમારો ભાઈ દાદો હશે તો એને પણ જોઈ લેવાશે એટલે મેં કહ્યું, ‘જા – જા હવે.’

સાંજે છૂટી હું બસમાંથી ઊતરી ત્યારે એમ જ પાછળ જોયું તો તમે આવતા હતા. મને ગભરામણ થઈ, તમે ઠેઠ પીછો કરતા આવશો એ ખ્યાલ નહીં. સોસાયટીના ઝાંપે આવીને પાછળ જોયું. તમે પગલે-પગલું દબાવતા આવતા હતા. મેં મોઢું બગાડી તમાર સામે ડોળા કાઢ્યા. તમને કોઈ અસર જ નહીં! હું ઝટપટ ઘરનો ઝાંપો ખોલી અંદરના રૂમમાં જતી રહી. ફરીવાર ઝાંપો ખૂલવાને અવાજ અંદર સુધી આવ્યો. મને થયું નીતા કહેતી હતી કે તમારા કાઠિયાવાડીઓ તો નૉનસેન્સ હોય છે. એ સાચું હશે. નહીંતર આને ઘેર આવવાની કંઈ જરૂર ખરી? અવાજ સાંભળી મારા બાપુજી બહાર આવ્યા. ‘કોનું કામ છે ભાઈ?’ તમે મૂંઝાઈને ઘડીક ઊભા રહ્યા. પછી અચાનક જ પૂછ્યું, ‘ચક્કરગઢવાળા લાલજીભાઈ અહીંયાં ક્યાંય રેય છે?’ મારા બાપુજીએ કહ્યું, ‘આ સોસાયટીમાં કોઈ ચક્કરગઢનું રહેતું નથી, બાજુની ઇન્દ્રપ્રસ્થમાં જય જણા જાણ્યમાં છે ખરા. તમે ચાલતા થયેલા.

*

પછી ક્લાસમાં તમે કાતર નજરે ન જોતા. હું પણ હસવું ભૂલી ગઈ. એક વાર રિસેસમાં ફરીથી બેંચ પર માથું ઢાળીને બેઠેલી. તમે આવ્યા. હું સીધી થઈને બેસી ગઈ. પછી કેમિસ્ટ્રીની ચોપડી ખોલી રસાયણનાં સૂત્રો જોવા મંડી. તમે ગળું ખોંખારીને પૂછ્યું, ‘તમારી સામેવાળું મકાન ખાલી છે?’ મેં કહ્યું, ‘હજી વિકસતો આવતો એરિયા છે. રસ્તે ખાડાખડિયા પણ બહુ છે એટલે ખાસ કોઈ એ બાજુ નથી પડતું. અમારી સોસાયટી આખી ખાલી છે! કેમ પૂછવું?’

‘ઈ તો ખાલી અમથું.’ મને તમારી કાઠિયાવાડી બોલીથી રમૂજ થઈ. હસવું આવતાં આવતાં રહી ગયું. તમારી સામે જોયું તો તમે હસતા હતા.

*


અઠવાડિયા પછી પબ્લિક કૅરિયરમાંથી તમારો સામાન ઊતરવા મંડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે સામેના મકાન વિશે તમે કેમ પૂછેલું. તમે તમારું અમરાઈવાડીવાળું મકાન વેચાવી, ‘કાઠિયાવાડી પટેલો તો બાપુનગરમાં વધારે એટલે આપણેય એ બાજુ મકાન રાખો’ એવી હઠ પકડી અને એ પણ અમારી સોસાયટીમાં, અમારી સામેનું મકાન લેવડાવ્યું. તમારા બાપુજી અને તમારા ભાઈને આવી હઠ પસંદ નહોતી. પણ તમે ધાર્યું કરાવીને જંપ્યા. તમારી બાનું મોઢું આ વાત કરતી વખતે એવું મલકાય એવું મલકાય! પછી કારણ જણાવતાં હોય એમ બોલેલાં, ‘અટાણ સુધી દેસમાં મોહાળે રે’તો’તો, આ વરહે આંયાં આવ્યોને એટલે બોવ લાડક્યો છે ઈ અમારે!’ અમારા ઘરમાં બધાંયે જાણ્યું કે સામે આપણા જ કોઈ કાઠિયાવાડી પટેલ રહેવા આવ્યા છે, ત્યારે બધાં રાજી થયેલાં. તરત બેય ઘર વચ્ચે આવરો-જાવરો ચાલુ થઈ ગયેલો.

તમારું કામ એવું ચોંપવાળું કે મહિનામાં મારા સગા ભાઈને મૂકી મારાં બા-બાપુજી તમને કામ સોંપતાં થઈ ગયેલાં. ખીલી ખોડવાની હોય કે સોમનાથ મેલની ટિકિટ લેવા જવાનું હોય, બધાંને તમે પહેલા યાદ આવો. એક વાર હું અંદર હતી ને મારા બાપુજીએ મારી બાને કહેલું, ‘જાણી લેજ્યો ને આ સામેવાળા કાળુનું સગપણ ક્યાંય કર્યું છે કે બાકી છે? છોકરો બોલ્યચાલ્યો મેંડ્યમર્યાદાવાળો છે. વાત ચલાવવા જેવી ખરી.’

*

તમારાં ભાભીએ તમારા લગ્નમાં પહેરવા અગાઉથી લઈ રાખેલું એ શેલું પહેરી લીલમાં બેઠાં છે. શેલું લેવા હું સાથે ગયેલી. ભાભી એમના અંગ પર એક પછી એક શેલાં લગાવીને પૂછતાં હતાં, ‘આ કેવું લાગે છે? આ મૅચ થાય છે?’ હું તો શરમથી કોકડું વળી જતી. તમારાં ભાભીને શું ખબરેય હોય! એ પૂછતાં હતાં, ‘કેમ આજ આવું કરો છો?’ આ બપોરનો તાપ, શરીર જાણે પાણકોરાનું થાપડું હોય તેમ ગરમી થાય છે. હોમનો ધુમાડો બૂંગણમાં અટવાતો, ઘૂમરાતો આંખમાં આવે છે. સામે રસિક અદબ વાળી, હોઠ ભીડીને ઊભો છે. તે દિવસે આપણને ટૉકિઝમાંથી બહાર નીકળતાં જોઈ ગયેલો. ધ્યાનથી મારી સામું જોતો હતો.

‘આ કોણ છે, કાળુ?’ તેણે સીધું પૂછેલું. ‘મારી ફ્રેન્ડ છે.’ તમારા જવાબથી મને દાઝ ચડેલી. હમણાં આખી વાત કહેશે, નોનસેન્સ. મેં કેટલી ના પાડેલી કે એક વાર ઘેરથી બરાબર નિરાંત લઈ, સારું બહાનું કાઢી નદીપાર પિક્સર જોવા જઈશું, પણ તું તો એવો મંડેલો ‘ના, આજે બુધવાર છે, યુનિફૉર્મમાં છુટ્ટી છે. આજે તારા વાળેય કોરા છે. આડે દિવસે તું બાપુનગરનો સિવિલ ડ્રેસ ચણિયો ને ટૉપ ચડાવીને આવીશ.’ તું ‘અંબર’માં પિક્ચર જોવા લઈ ગયેલો. પાછો તારા હાથમાંથી હાથ ખેંચું તો ખિજાતો હતો અને આ વળી કોણ મળ્યું હશે? એ ગયો પછી હું ગુસ્સે થઈ કોણ હતો એ?’ મારી તરફ કેમ એવી રીતે જોતો હતો?’

તમે હસીને કહ્યું, ‘એ તો મારો કઝિન હતો.’ ‘મારી તરફ એ એમ જોતો હતો?’ તમે ગુસ્સે થઈ ગયા, ‘એના વિશે એવું ન બોલીશ. મારો ભાઈ છે. મારી તરફવાળી મોટી ના જોઈ હોય તો!’ ષગિયારમાં ધોરણનું વાંચવા હું મારાં ફઈને ઘેર વાડજ ગયેલી. મેં તને સરનામું અને બસનંબર આપેલાં. તું આવશે એવી ખાતરી હતી. પણ આવ્યો નહીં. એ પરીક્ષાનું એટલું બધું મહત્ત્વ નહોતું, છતાંય આવ્યો નહીં એટલે ગમતું નહોતું. બહુ ધૂંધવાઈ. જેમતેમ કરી પંદર દિવસ કાઢ્યા. પરીક્ષાના આગલા દિવસે ઘેર આવી ત્યારે નક્કી કરેલું કે તને ‘બેસ્ટ લક’ કહેવા ન આવવું. ઘેર આવી પછી બે કલાક સુધી તું દેખાયો જ નહીં. એટલે પરાણે તારા ઘેર આવી. તારાં બાને પૂછ્યું, ‘કાળુ ક્યાં ગયો! કાલે તો પરીક્ષા છે. કેવુંક વાંચ્યું છે એણે?’ તારી બા રડવા બેઠાં. હું ગભરાઈ ગઈ. તારાં ભાભીએ વાત કરી કે દસેક દિવસ પહેલાં

ત ને છાતીમાં દુખાવો થતાં દવાખાને લઈ ગયેલા. ત્યાં તારા વાલ્વમાં ખામી છે એવું કહેતાં તાત્કાલિક મુંબઈ લઈ જવો પડ્યો. કદાચ ‘વાલ્વ બદલવો પડશે. ભારે ઑપરેશન છે. હું ઘેર પાછી આવી. વિચાર્યું, અત્યારે તું કોઈ અજાણી હૉસ્પિટલના અજાણ્યા બિછાનામાં કણસતો પડ્યો હશે. મને રડવું આવ્યું. ઘરમાં બધાં પૂછવા લાગ્યાંઃ ‘કેમ રો’છો!’ મેં ભરાયેલા ગળે માંડમાંડ મારી ભાભીને પૂછ્યું, ‘કાળુને કંઈ થઈ તો નહીં જાય ને?’ કારણ જાણ્યા પછી કોઈનેય ભારે રડવું ગમ્યું નહીં. બધાં ભારે મોઢાં કરીને બેઠાં. પરીક્ષા દરમિયાન પણ રોજ ઘેર આવું ને રડવું આવી જતું. હું રડી શકું એટલી મોકળાશ પણ ન મળતી. ચાર-પાંચ દિવસ બધાંએ સહન કર્યું. એક દિવસ ભાભી કડવાશથી બોલ્યાં, ‘તમારાં ક્યાં રૂપિયો-નાળિયેર ખાપી દીધેલાં તે રોવા બેઠાં છો?’

*

વિધિ અટકાવી બધાં ફરાળ કરવા ગયાં છે. બાએ અને ભાભીએ આગ્રહ કરી પરાણે થોડું ખવરાવ્યું. તમારા ઘરમાં આજે બધાંને એકટાણું છે. લોકો એક ઉપવાસ પણ નથી કરવા દેતા. તમે મુંબઈથી આવ્યા પછી અભ્યાસ છોડી દીધેલો. ડૉક્ટરે ભારે કામ કરવાની ના પાડેલી. અગિયારમા ધોરણમાં સારા ટકા આવ્યા ત્યાં શેષ વહેંચવા તમારે ત્યાં આવી તે વખતે તમે મને કેવી રીતે જોઈ રહેલા? ચાર રસ્તે ઊભી હલકા ચેનચાળા કરતા ગુંડા જેવી તમારી આંખો જોઈ હું ડરી ગયેલી. તમારી આંખો ઊંડી ઊતા ગયેલી, શરીર પણ પાછું પડી ગયેલું. હું ઘેર આવી ફરીથી રડેલી. તમે એ રીતે ક્યારેય મારી સામે જોયું નહોતું. તમારી તબિયત ધીમે ધીમે સુધારા પર આવવા માંડેલી. સારું થઈ ગયું છે એમ માનીને, હવે ઓપરેશનની જરૂર ખરી કે કેમ? એવી ચર્ચા પણ તમારા ઘરમાં ચાલેલી. અભ્યાસ છોડ્યા પછી થોડો સમય તમે ઘેર બેઠા ને પછી હીરા બજારમાં જવાનું શરૂ કરેલું. લે-વેચ ૫ર તમારો હાથ તરત બેસી ગયો. તમારા પહેલા સોદાના નફામાંથી મેં ના પાડી તોય પરાણે ચોપડા અને નવનીતની ગાઈડો લઈ આપેલી.

*

વાછરડીને પરાણે ખેંચી લાવ્યા છે. આટલા બધા માણસોને જોઈ એ ગભરાઈ ગઈ લાગે છે. ઘડીવાર એનો પગ સ્થિર નથી રહેતો. ભાંભરડાં નાખે છે. માંડમાંડ કરીને મા’રાજે એના ચારેય પગ ધોવડાવ્યા. પૂંછડા ઉપરેય થોડું પાણી રેડાવ્યું. કપાળે ચાંદલો કરવું ગયા ને એણે માથું ઉલાળ્યું.

*

એક દિવસ સ્કૂલેથી છૂટીને તમને મળવામાં ઘેર આવવાનું મોડું થઈ ગયેલું. ઘેર કોઈએ ઠપકો ન આપ્યો. વાસણ માંજતી વખતે ભાભીએ મારા સંબંધની વાત ચાલતી હોવાની વાત મલકાતે મોં કરી. ‘મારો અભ્યાસ બગડશે’થી માંડી અનેક સાચીખોટી દલીલો કરીને હમણાં સંબંધ નથી કરવો એવું જણાવ્યું. બધાં મક્કમ હતાં, ‘હમણાં ક્યાં લગન કરવાં છે? અભ્યાસ તો સાસરે જઈનેય થશે’ એમ કહી કેટલી છોકરી પોતાને સાસરે જઈને ગ્રૅજ્યુએટ થઈ એના દાખલા દેવાયા. પછી તો એ જતા-આવતા થયેલા. ક્યારેક એમની સાથે બહાર પણ જવું પડે. તમે સો વાતેય નહોતા માનતા. એક વાર નિરાંત લઈને તમને સમજાવવા આવી ત્યારે તમે પેલી લોફર જેવી નજરોથી જોવા લાગેલા, એટલે વાત જલદી પૂરી કરી હું જતી રહેલી.

સંબંધ કરતી વખતે લગ્ન બે વરસ પછી કરશું એવા કોલ બંને પક્ષેથી અપાયેલા, પણ મારાં ઘરડાં સાસુ બીમાર છે, દીકરાના દીકરાને પરણેલો જોઈને જવા માગે છે એવી માગણીથી લગ્ન વહેલાં લેવાનું કહેણ આવ્યું. ફરી મારી કોઈ દલીલ ચાલી નહીં. એ દિવસોમાં તમારી તબિયત ફરી ખરાબ થયેલી. મારાં લગ્નની કંકોતરી આપવા પગ નહોતા ઊપડતા. લગ્ન હવે નજીકમાં છે એની ખબર ઘેર બાયું પાપડ વણવા આવી ને વણતાં વણતાં ગીતો ગાવા મંડી ત્યારે તમને પડી. હું પાણિયારે બેસી વાસણ માંજતી હતી, તમારાં ભાભીએ કહ્યું, ‘કાળુભાઈ આ ઘડીએ જ બોલાવે છે!’ મને બીક લાગી, શું હશે! મેં જવાબ આપ્યો, ‘કહો કે હમણાં વાસણ માંજીને આવું છું.’ ‘લાવો, ઠામણાં હું ઊટકી નાખું છું. તમતમારે જાવ!’ કહીને એ તો બેસી ગયાં.

એક કંકોતરી ઉપર જલદીથી તમારું નામ લખીને હું તમારા ઘેર આવી. તમારા સિવાય કોઈ નહોતું. હું કંકોતરી આપીને બારીએ ટેકો દઈ ઊભી રહી. ‘બેસ.’ તમે કહ્યું, તમારું ડિલ કંતાઈ ગયેલું. સહેજ ઊંડી ઊતરી ગયેલી આંખોમાંથી તમારી પેલી નજર મારા પર મંડાઈ. તમે સહેજ ઊંચા થઈ મારો હાથ પકડીને ખેંચી, ‘મારી પાસે બેસ.’ હું બેઠી.

એક હાથે તમે કંકોતરી ઉઘાડી. વાંચી. હસ્યા. પછી મારો હાથ તમારા હાથમાં લીધો. ધીમેથી માથા પર, પછી વાળમાં, બધે હાથ ફેરવી, વાળમાં મુઠ્ઠી વાળીને તમારી પાસે ખેંચી ને પહેલવેલું ચુંબન કર્યું. પછી… મને ડર એટલો હતો કે આમાં ક્યાંક તમારા નળા હૃદયને નુકસાન ન પહોંચે, બીજો કોઈ ડર ન હતો. મારા માથા નીચે કંકોતરીનો જાડો કાગળ સખત ઘસાતો હતો. તમારો શ્વાસ, દમ ચડ્યો હોય એમ ચાલતો હતો. એટલે મને હલનચલન કરતાં બીક લાગતી હતી. ચાર-પાંચ દિવસની ચોળાતી પીઠીની પીળાશ લાદી પર ઘસાતી રહી.

ઘેર જવા નીકળી ને સામે જ રસિક આવ્યો. તે દિવસ જેવું હસીને પૂછ્યું, ‘શું કરે છે કાળુ?’ મારી સામે જુએ એ પહેલાં હું અર્ધું દોડતી મારા ઝાંપામાં આવી ગઈ. બેય આણાં સાથે રાખેલાં, એમને સર્વિસ બહારગામ હતી એટલે તરત પિયર આવવાનો સવાલ નહોતો. મારાં ભાઈ-ભાભી મળવા આવ્યાં ત્યારે ભાભીને મેં તમારી તબિયત વિશે પૂછેલું. તમારું ઑપરેશન સુખરૂપ પતી ગયું છે એટલું જાણ્યું હતું.

મારાં ઘરડાં સાસુ અમારાં લગ્ન જોઈને પછી મરવા માગતાં હતાં. તેમને ઘેર લીલી વાડી જોઈને પછી જ મરવાના કોડ જાગ ભગવાને એમની પ્રાર્થના અગાઉથી જ સાંભળી હશે. મારા મિસ્ટરે પણ ખુશ થઈને કહેલું, ‘આપણે તો પહેલી નાઈટે જ ધડાકો કર્યો!’

રિવાજ પ્રમાણે પહેલી સુવાવડ પિયર કરવાની હતી. તેડી જવાનું મુરત જોવા અને બીજી વાતો નક્કી કરવા સારુ મારા બાપુજીને બોલાવેલા. નક્કી કરેલા દિવસ પછી ત્રણેક દિવસ વીતી ગયા છતાં એ ન આવ્યા. મારા સાસરિયામાં બધાં ખિજાયાં. થોડું વાંકુ પણ બોલ્યાં. મને ખોટું લાગ્યું. તમે સાંભરી આવ્યા. ઠેઠ ચોથે દિવસે બાપુજી આવ્યા. મારા બંધ તો એમને જોતાં જ છૂટી પડ્યા, બાપુજી, તમે કેમ મોડા આવ્યા?’ એ ગંભીર અવાજે બોલ્યા, ‘આમ તો ટેમસર આવી જાત બેન, પણ આપણી સામેવાળાનો કાળુ આગલી રાતે જ–’

<cenetr>*</cenetr>

લગ્નવિધિ પતી ગઈ છે. તમારા કુટુંબનાં ટોળે વળી ઊભાં છે. બ્રાહ્મણો શ્લોક બોલે છે. બીજા બધા બાલદી ભરીને પાણી લાવ્યા છે. બાલદી ભરી ભરીને બધા પર પાણી રેડાય છે. બ્રાહ્મણો તમારા આત્માને આહ્વાન આપે છે; તમને લીલ પહોંચ્યાં કે નહીં એમ કહી જાવ – એવા હાકોટા પાડે છે. બધાં એકબીજાં સામું જુએ છે. કોઈ જરાક અમથું થથરે છે તો બધાં ચોંકી જાય છે, નક્કી એના શરીરમાં તમારો આત્મા આવ્યો. પણ, ના એ તો ઠંડીથી સહેજ ધ્રુજારી આવી ગઈ. તમને લીલ પહોંચ્યા? નથી પહોંચ્યાં? ન પહોંચ્યાં હોય તોપણ તમે કોઈના ડિલમાં આવીને કહી જશો. સારું એવું પાણી રેડ્યું છતાં તમારા કોઈ અણસાર ન વરતાયા. ફરીથી જોરથી પાણી રેડ્યું અને જોરથી શ્લોકો બોલાયા. હાકોટા-પડકારા વધ્યા. બધાં મૂંઝાઈ ગયાં. થોડો ગણગણાટ થયો. શું કરવું? હવે શું કરવું?

છેવટે એવું નક્કી થયું કે તમને લીલ પહોંચી જ ગયાં હશે. પણ તમારી બા નથી માનતાં. ‘તો તો કોઈના પંડ્યમાં આવીને બોલે ને?’ કોઈને ચર્ચા કરવાનું ઠીક ન લાગ્યું. એક પછી એક કરીને બધાએ શરીર કોરાં કર્યાં પછી બે-ચારનાં ટોળાંમાં વાતો કરતાં કરતાં પોતપોતાને ઘેર ઊપડ્યાં. તમારાં લીલ પરણાવાઈ ગયાં.

હું ઊભી થઈને અંદરના રૂમમાં જઈ આડી પડું છું. પેટમાં ફરકાટ થાય છે ને હું આંખો બંધ કરી દઉં છું!