લીલુડી ધરતી - ૧/રોટલાની ઘડનારી

Revision as of 06:20, 30 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રોટલાની ઘડનારી

‘રઘાભાઈ ! ભારી થઈ ગઈ આ તો !’

‘કો’કનાં કર્યાં કો’કને ભોગવવા જેવું થ્યું આ તો !’

‘બિચારા તખુભા બાપુનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું !’

‘ને સમજુબાને ય કાંઈ ઓછો સંતાપ કે’વાય ? પેટનો જણ્યો આમ ઓચિંતો પકડાઈ ગ્યો. !’

‘ઠકરાણાનાં નસીબ મોળાં, બીજું શું ? નીકર, નહિ વાંક, નહિ ગનો, જે શાદૂળભાને શું કામે લઈ જાય ?’

‘ગનો તો જીવલે ખવાહે કર્યો ને ઝાલી ગ્યા શાદૂળભાને ! જુવો તો ખરા ! ભગવાનને ઘેરે ય ન્યા જેવું કાંઈ છે ?’

અંબાભવાનીના કાયમી પેટ્રનો રઘા સમક્ષ દિલસોજી દાખવતા હતા. દીકરો તખુભાનો પકડાયો હતો, પણ ખરખરો રઘાને મોઢે કરાતો હતો.

બોલનારાઓ ઘણા તો કટાક્ષમાં બોલતા હતા, કેટલીક વાણી તો નરી દાઢમાંથી જ ઉચ્ચારાતી હતી. એ આખી ય ઘટનામાં રઘા ઉપર એક કાતિલ વ્યંગ રહેલો હતો, પણ એ સામે કશી રાવફરિયાદ કરવાની રઘાની હેસિયત નહોતી. એણે તો આ અણધાર્યો મામલો હવે મૂંગા મૂંગા જ ખમી ખાવાનો હતો.

જીવો ખવાસ તાજનો સાક્ષી બન્યા પછી જેરામ મિસ્ત્રી બહુ ચગ્યો હતો. અખબારોના વાચન પરથી એણે કરેલાં કેટલાંક અનુમાન સાચાં પડ્યાં હતાં તેથી એ નજૂમીની અદાથી આ આખીય ઘટનામાં ​રસ લઈ રહ્યો હતો. કેટલાક માણસોને તો એ ખાસ સમજાવીપટાવીને રઘા સમક્ષ ‘ખરખરો’ કરવા મોકલતો હતો.

‘રઘાભાઈ ! આ જીવલો તો જાલિમ નીકળ્યો !’

‘ખવાહભાઈ કીધા એટલે હાંઉં. જેનું ખાય એનું જ ખોદે.’

સાંભળીને રઘો મૂંગો મૂંગો ડોકું હલાવતો. એની સ્થિતિ એવી તો વિષમ હતી કે આમાં હકાર કે નકાર કશું ય ભણી શકાય એમ નહોતું.

ગિરિજાપ્રસાદના દત્તકવિધિને દિવસે જ શાદૂળભાની ધરપકડ થવાથી રઘાને મન ઉત્સવનો અરધો આનંદ ઓસરી ગયો હતો; અને બાકીનો અરધો આનંદ વિક્ષુણ્ણ થઈ ગયો હતો બીજા એક કારણે. રઘાને આંગણે ગામ આખું જમ્યું, પણ એમાં માંડણની હાજરી નહોતી.

આમે ય હમણાં માંડણ અંબાભવાનીના ઉંબરે બહુ આવતો નહોતો. પોતાનો એક હાથ કપાઈ ગયા પછી અને જીવતીના અણધાર્યા મૃત્યુ પછી એને જે માનસિક ચોટ લાગી હતી એના પ્રત્યાઘાતમાં એ જુવાન જિંદગીનો બધો જ રસ ગુમાવી બેઠો હતો. કલાકો સુધી એ ઘરમાં ભૂખ્યો ને તરસ્યો પૂરાઈ રહેતો. કોઈ વાર ભૂતેશ્વરની જગ્યામાં જઈને ઈશ્વરગિરિ જોડે ગાંજો ફૂંકતો બેસી રહેતો; એની શૂન્ય આંખો જોઈને ઘણાને તો ડર લાગતો.

દત્તકવિધિને આગલે દિવસે રઘો માંડણને ઘેર ગયો તે પાડોશમાંથી નથુ સોનીની વહુ અજવાળી કાકીએ કહ્યું કે એ તો ગઈ કાલનો ઘરનાં બારણાં ‘ઉઘાડાં ફટાસ’ મેલીને ક્યાંક હાલ્યો છે, તે અમે કમાડને સાંકળ ચડાવી છે. આ સાંભળીને રઘાએ ભૂતેશ્વરની જગ્યામાં તપાસ કરી તો મહંતે જણાવ્યું કે હમણાં બે દિવસથી માંડણ ગાંજો પીવા આવ્યો જ નથી. રઘાએ ભૂતના પીપળા સમા માંડણના સઘળા અડ્ડાઓમાં તપાસ કરી જોયેલી, પણ ક્યાંયથી પત્તો લાગેલો નહિ. ​ આખર, દત્તકવિધિ ને જમણવાર બધું પતી ગયા પછી માંડણ હજી એનો પાટો બાંધેલો ઠુંઠો હાથ ઝોળીમાં ઝુલાવતો ઝુલાવતો બજારમાં નીકળ્યો ત્યારે રઘાએ પૂછ્યું :

‘એલા ક્યાં ગુડાણો’તો ? ગોતી ગોતીને થાકી ગ્યો હું તો !’

‘રાણપર ગ્યો’તો, દુદા ભગતની વાડીએ.’

‘દુદા ભગતની વાડીએ ? કાંઈ ડાબલો દાટ્યો’તો તી લેવા ગયો’તો ?’

‘હાલતો હાલતો ઈ દિશાએ નીકળી ગ્યો. વાડીમાં ભજન હાલતાં’તાં; પરદેશથી કોઈ બવ ગિનાની મા’રાજ આવ્યા છે. કથા વારતા કરે છે. ઈ સાંભળતાં ધરવ જ નો થાય ! હું તો તૈણ દિ’ લગી પડ્યો રિયો !’

રઘો માંડણનો આ ખુલાસો સાંભળી જ રહ્યો. આ જુવાનજોધ માણસ આવડી ઉંમરમાં જ ગંજેરીભંગેરી થઈ જવા માંગે છે કે શું ? ઘરબાર, ખેતરવાડી, બધું ય રેઢું મૂકીને લંગોટિયાઓની જમાતમાં જઈને બેસે એનો અર્થ શો ?

પણ રઘાને કોણ સમજાવે કે માંડણના આ વિચિત્ર લાગતા વર્તન પાછળ એના ચિત્તમાં એક ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો ? આરંભમાં એ સંઘર્ષ હતો : ‘મેં ગાબરનો ઘા આડેથી શું કામે ઝીલ્યો ?’... પછી સંઘર્ષ આવ્યો : ‘મેં વેરસી ઉપર એની જ છરી શા માટે હુલાવી ન દીધી ? મને અપંગ બનાવી મૂકનાર માણસને જીવતો શા માટે જવા દીધો ?’....

એ પછી માંડણના ચિત્તમાં વળી નવો સંઘર્ષ જામેલો : ‘સંતુને મેં શા માટે ઘરમાં ન બેસાડી ?... નાનપણથી જ એની જોડે લગન કેમ ન કર્યાં : ગોબર જોડે એનો વિવાહ જ શા માટે થવા દીધો ? એ બધું થતાં તો થઈ ગયું. પણ પછી હું શાદૂળભાના હાથમાં શા માટે રમી ગયો ? સંતુ ઉપર પહેલો દાવો મારો હતો કે શાદૂળભાનો ? શા માટે હું એ ગરાસિયાનો ભેરુ બન્યો ! શા માટે હુંએ ​હરામખોરના હાથમાં રમી ગયો ?”

આવા આવા વિચારો આવતા ત્યારે માંડણ બહુ અસ્વસ્થ બની જતો. પોતાની ભૂતકાળની ભૂલો બદલ પશ્ચાત્તાપ પણ અનુભવતો. અને વિચારતો : હજી ય શું મોડું થયું છે ? હજી ય સંતુડીને હાથે મારા રોટલા ન ઘડાવાય ? હજી ય એને મારા ઘરમાં ન બેસાડાય ?... પણ તુરત એનું વિચારવહેણ બદલતું. હવે એ શું જોઈને મારા રોટલા આવે ? હું સાજોસારો હતો તે દિ’ ય એણે કોઈ વાર સામું ન જોયું, એ હવે આ ઠૂંઠા અપંગ આદમીનું ઘર માંડે ખરી ? પણ હું અપંગ શા કારણે થયો : કોને કાજે થયો ? ગોબરને કાજે જ તો !... અને ગોબર યાદ આવતાં માંડણની શૂન્ય આંખોમાં પણ એના મૂળ સ્વભાવ મુજબ ભયંકર ખુન્નસ તરી આવતું, અને એ વૈરભાવના સાંત્વન કાજે એ ફરી ગાંજાની ચલમમાંથી લાંબી લાંબી સટ ખેંચવા મંડી પડતો.

માંડણને આ ગાંજો ફૂંકવાની લત કોણે લગાડી દીધી એ તો રઘાને મન પણ એક કોયડો જ હતો. કઈ ભજનમંડળીમાં એ બેસી આવ્યો હશે એ તો માંડણ પોતે જ જાણે. પણ સમય જતાં આ ઠૂંઠો માણસ કોઈ પારકા માણસ પાસે ચલમ ભરાવતો, એની ઉપર અંગારા ગોઠવાવતો અને દિવસ આખો ધૂમાડા કાઢ્યા કરતો ! માંડણના આ દીદાર જતે દિવસે ગુંદાસરમાં સાવ સામાન્ય થઈ પડ્યા.

એના જીવનની મોટામાં મોટી કરુણતા તો એ હતી કે ગોબર અને હાદા પટેલ એને જેમ જેમ મદદરૂપ થવા જતા હતા તેમ તેમ માંડણ એમનાથી દૂર ને દૂર ભાગતો હતો. હાદા પટેલે અરજણ નામના એક ઊભડ ખેડુને બહારગામથી બોલાવીને માંડણને સાથી તરીકે આપ્યો, પણ માંડણ એને ચલમમાં ગાંજો ભરવા સિવાયનું બીજું કોઈ કામ નહોતો ચીંધતો. ખેતરવાડી ને ઢોરઢાંખરને તો એણે સાવ વિસારે જ પાડી દીધાં...

અને એવામાં એક વિચિત્ર ઘટના બની ગઈ. ઠુમરની ખડકીમાં ​ ઓળીપો ચાલતો હતો ત્યારે દરબારની ડેલીએ લાદ લેવા ગયેલી સંતુને પાછા આવતાં જે વિલંબ થયેલો એ બાબત એને ઊજમ જોડે થોડી વડછડ થઈ ગયેલી. ‘સમજુબા હાર્યે સુખદુ:ખની વાતું કરવા રોકાણી’તી. મેં તો ઘણી ય ઉતાવળ કરી પણ ઠકરાણાંએ મને પરાણે બેસાડી રાખી.’ એ મતલબનો સંતુનો ખુલાસો માનવા ઊજમ તૈયાર નહોતી. પરિણામે, દેરાણીજેઠાણી વચ્ચે જિંદગીમાં પહેલી વાર જરા ઉગ્ર બોલાચાલી થઈ ગયેલી. આ દરમિયાન ઊજમે સ્વાભાવિક રીતે જ શાદૂળભાના નામનો ઉલ્લેખ કરેલો અને એ નામોલેખ્ખ સાંભળતાં જ સંતુ એવી તો છેડાઈ પડેલી કે બન્ને વચ્ચે મોટે અવાજે ચડભડ થઈ ગયેલી. નિયમ મુજબ પછવાડેના પડોશમાંથી છાસનો કળશ ભરવા આવી પહોંચેલી ઝમકુએ આ આખી ય વડછડ સાંભળી અને એણે એનો અથેતિ અહેવાલ, વાતવાતમાં નથુ સોનીની વહુ અજવાળી કાકીને કહી સંભળાવેલો.

પછી તો આખી ય ઘટના વિસારે પડેલી. પણ એક દહાડો અજવાળીએ ફળિયામાં પાપડ સૂકવતાં સૂકવતાં, સામે ખાટલો ઢાળીને ગાંજો ફૂંકી રહેલા માંડણને મોઢે આ આખી યે ઘટનાનો અહેવાલ રજૂ કરી દીધો. ઝમકુ મારફત પોતાને કાને આવેલી એ કથનીનો સાર આ હતો: ‘દરબારની ડેલીએ શાદૂળભાએ સારી વાર સુધી સંતુડીને રોકી રાખી !’

બીજી બધી ય રીતે નિઃસ્પૃહ થઈ ગયેલો માંડણ આ અહેવાલ રસપૂર્વક સાંભળી રહ્યો.

‘હાય રે હાય ! એવા ઓળીપામાં મેલીએ નહિ લાલબાઈ ! ઓળીપો કર્યા વિના ઘર શું ભૂંડું લાગતું’તું ? સંતુડી સૂંડલો લઈને દરબારની ડેલીએ ગઈ, ને શાદૂળિયે એને સારી વાર રોકી રાખી ! હાય રે માડી ! એવા ઓળીપા વિના શું ભૂંડાં લાગતાં’તાં ?’

અજવાળી કાકીએ પોતે નજરે જોયેલી નહિ પણ કર્ણોપકર્ણ આવેલી વાતમાં ખુટતી વિગતો ગાંઠની ઉમેરીને એવી તો તાદૃશ્ય ​શૈલીએ રજૂ કરી કે સાંભળીને માંડણિયાની આંખો ચાર થઈ ગઈ.

એની શૂન્ય આંખોમાં ખુન્નસ ઊભરાઈ આવ્યું. ગોબર પ્રત્યે નહિ... સંતુ પ્રત્યે નહિ, પણ શાદૂળિયા પ્રત્યે એને રોમરોમ ઈર્ષાગ્નિ પ્રજળી રહ્યો. મનમાં થયું કે શાદૂળિયાને ઝાટકે મારું ! પણ એ તો ક્યારનો એજન્સીની જેલમાં જઈ બેઠો હતો એ હકીકત યાદ આવતાં માંડણને પોતાની જાત પ્રત્યે જ નફરત છૂટી. અરેરે, હું સાવ નપાણિયો છું કે સંતુને રીઝવી ન શક્યો ને ઓલ્યા બે દોકડાના દરબારનો ચડાવ્યો. ચડાઉ ધનેડાની જેમ વાદે ચડ્યો !

અને પછી નિર્વેદ દશામાં એ પોતાની જાત ઉપર જ ઘૃણા વરસાવી રહ્યો; ફટ રે ભૂંડા, તારામાં જ મીઠાની તાણ્ય રહી ગઈ છે ! નીકર સંતુ જેવી સંતુ ગોબરને બદલે તારા રોટલા ન ઘડતી હોત ? તારામાં પાણી બળ્યું હોત તો ઓલ્યો શાદૂળિયો એની સામે ઊંચી આંખ પણ શેને કરી શક્યો હોત ? આ તો તેં હાથે કરીને, મોઢે આવેલો કોળિયો જાવા દીધો...

આવાં આવાં વિચારવમળોને અંતે માંડણ વધારે ને વધારે માનસિક વ્યથા અનુભવી રહેતો હતો. કશા કામમાં એનું ચિત્ત ચોંટતું નહિ. કોઈ જોડે વાત કરવાનું ય એને દિલ થતું નહોતું. ગોબર અને હાદા પટેલ વારંવાર એને ઘેર આવતા, પણ માંડણ એમના ભણી શૂન્ય નજરે તાકી રહેતો. માંડણને બંને ટંક ઠુમરની ડેલીએ રોટલા ખાવાનું આમંત્રણ હતું, છતાં એ ભાગ્યે જ ત્યાં જમવા જતો.

એક દિવસ ભરઉનાળે એ અંબાભવાનીને ઉંબરે આવીને બેઠો; રોટલાટાણું હતું છતાં માંડણના હાથમાં ગાંઠિયાનું પડીકું જોઈને રઘાએ એને પૂછ્યું :

‘કેમ એલા, રોટલાટાણે ય ગાંઠિયા ફાકશ ?’

માંડણ મૂંગો રહ્યો એટલે રઘાએ એને ભોજનનું આમંત્રણ આપ્યું. ​‘હાલ્ય આપણે મેડે. ગિરજાપરસાદ ઊની ઊની રોટલી ઉતારે છે. ખાઈ લે પેટ ભરીને.’

પણ માંડણ જાણે કશું સાંભળતો જ ન હોય એમ સાજા હાથે ગાંઠિયા ચાવતો રહ્યો...

રઘાએ ફરી ફરીને એને ભોજન માટે વિનવણી કરી જોઈ, પણ ધૂની માંડણે એ તરફ ધ્યાન જ ન આપ્યું, અને ગાંઠિયાનું પડીકું પૂરું કર્યા પછી માત્ર ચહાનો પ્યાલો જ માગ્યો ત્યારે રઘાની આંખમાં આંસુ આવી ગયાં. આ જુવાનની જિંદગીની બરબાદી જોઈને એને લાગી આવ્યું.

પણ હૉટલમાં બેઠેલા બીજા બધા જ માણસો કાંઈ રઘા જેવા દિલસોજ નહોતા. એમણે તો માંડણની આ ઉદાસીન સ્થિતિ જોઈને માર્મિક મજાક પણ કરવા માંડી :

‘જુવાન હમણાંનો સાવ ઝંખાઈ ગ્યો છ.’

‘માનો કે ન માનો, પણ માંડણનો જીવ હમણાં ક્યાંક બીજે ભમે છે.’

‘કે પછી શાદૂળભા વિના સોરવતું નથી !’ ભૂધર મેરાઈના વલ્લભે ટકોર કરી.

સાંભળીને રઘાની આંખ ચમકી ઊઠી. પણ શાદૂળભા વિષે હવે કશી ય નૂક્તેચિની કરવામાં જોખમ છે એમ સમજાતાં એ મૂંગો રહ્યો.

‘શાદૂળભા વિના સોરવતું ન હોય તો માંડણે ય ભલે એનો સથવારો કરે !’ ઘરાકોએ વાત આગળ વધારી.

‘ક્યાં જઈને સથવારો કરે ? રાજકોટની જેલમાં ?’ થોડી હસાહસ પણ ચાલી.

બીજો કોઈ પ્રસંગ હોત તો પોતાની આવી હાંસી સાંભળીને માંડણિયાના મગજની કમાન ક્યારની છટકી ગઈ હોત પણ હમણાંની શારીરિક અને માનસિક યંત્રણાઓ સહન કર્યા પછી એનામાં હવે ​કજિયા કરવાના હોશ રહ્યા નહોતા. એ તો મૂંગો મૂંગો ઊભો થયો ને ગિધાની દુકાને જઈને ગાંઠિયાનું બીજુ એક પડીકું બંધાવી આવ્યો, ને વળી અંબાભવાનીના ઊંબરામાં બેઠો બેઠો ચાવવા લાગ્યો.

હવે રઘો આ દૃશ્ય વધુ જિરવી ન શક્યો. બળતે હૃદયે એ બોલ્યો :

’એલા, રોટલા નથી ભાવતા તી દિ’ આખો ગાંઠિયા ફાકશ ?’

રઘો જાણતો હતો કે માંડણને ત્યાં રહેલો નવો સાથી અરજણ રોજ ઊઠીને રોટલા ઘડતો હતો પણ માંડણ એમાથી બટકું પણ ભાંગતો નહોતો.

‘ગિધાના વણેલા ગાંઠિયા જેવો સવાદ રોટલામાં તો ક્યાંથી આવે ?’ વળી હૉટલમાં બેઠેલા નવરા ઘરાકમાંથી એક જણે ટકોર કરી.

‘હા વળી, ગિધાનો હાટકા જેવો ગંધાતો લોટ, ને હડમાનને ચડેલું સડેલું તેલ બીજે ક્યાં જડે ? ને વળી ગિધો ગાંઠિયા વણતો જાય તંયે ભેગાભેગો કપાળેથી નિતરતો પરસેવો ને મોઢામાં સળગતી બીડીમાંથી ખરતી રાખ સોત ગાંઠિયામાં ભેગી વણી નાખે. એનો સવાદ તો દુનિયામાં ક્યાંય થયો છે !’

માંડણને નિમિત્તે આવી હળવી મજાકો ચાલી રહી હતી, ત્યાં કોઈ દિવસ નહિ ને આજે સંતુ બપોરે અસૂરી પાણી ભરવા નીકળી. પાણીશેરડે જતી વેળા તો એ ઉતાવળે ઉતાવળે ચાલતી હોવાથી એની નજર ‘અંબાભવાની’ની દિશામાં નહોતી પડી; પણ પાછા વળતાં એણે ઉંબરામાં જ માંડણિયાને ગાંઠિયા ફાકતો જોયો.

ગિરનાર પર દંગલ મચી ગયા પછી સંતુને મન માંડણ તો ગોબરનો જીવનદાતા જ બની રહેલો; ત્યારથી સંતુ આ જુવાનને એ દૃષ્ટિએ જ નિહાળતી. અત્યારે પણ એણે લોકાચારની સઘળી મર્યાદાઓ લોપીને, માથા પર ખેંચેલી લાજનો ઘૂમટો ઊંચો તાણીને લાગણીવશ અવાજે કહ્યું : ​‘માંડણ જેઠ ! રોટલા ટાણે શું કામે હૉટરમાં બેઠા ગાંઠિયા ચાવો છે ? હાલો ઘેર રોટલા ખાવા !’

સંતુનો આ આદેશ ‘અંબાભવાની’માં સહુ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. એક માત્ર માંડણે જ એ પ્રત્યે ઉપેક્ષા દાખવી.

‘હાલો, ઊઠો ઝટ ! ઘરના ઘડેલા રોટલા મેલીને આવા કચરા શું કામ ખાવ છો ?’

હજી ય માંડણ મૂંગો મૂંગો સાંભળી રહ્યો. મનમાં વિચારી ૨હ્યો : 'કોના ઘરના ઘડેલા ?’

‘ઊભા થાવ છો કે તમારા ભાઈને તેડવા મોકલું ?’ સંતુએ છેલ્લે પૂછ્યું. અને પછી ટકોર કરી. ‘ઘરમાં ઘડેલા રોટલા ભાવતા નથી તી આવી બજારની ચીજું ખાવી પડે છે ?’

માંડણના મનમાં ફરી પ્રશ્ન ઊઠયો : ‘કોના ઘરમાં ઘડેલા ?’

ઊભી બજારે આવી આગ્રહભરી વિનતિઓ કરવા છતાંય આ માણસ રોટલો ખાવા ન ઊઠ્યો તેથી કંટાળીને સંતુ વિદાય થઈ. પછી માંડણ વિચારી રહ્યો હતો : ‘તારા હાથનો ઘડેલો રોટલો જરૂર ખાઉં, પણ ગોબરને રાંધણિયે નહિ, મારે આંગણે આવીને મારા રોટલા ઘડતી થાઈશ તે દિ’ જરૂર ખાઈશ !’