શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩. ખખડે – સુણું

Revision as of 12:32, 7 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. ખખડે – સુણું|}} <poem> મનના ખાલી ગોળા ગબડે – ખખડે, માંડ બિડાવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. ખખડે – સુણું


મનના ખાલી ગોળા ગબડે – ખખડે,
માંડ બિડાવા કરતી આંખે
ધાતુની બે કીકીઓ ખખડે,
આંગળીઓમાં ખખડે લીલા ફળની સુક્કી યાદ,
અને લોહીમાં ખખડે કોરાં પાંદ, કાંકરા, કાંટ.

ઉંબર પરથી ફરી ગયેલાં પગલાં પંથે ખખડે,
આંખોમાંથી ખરી પડેલાં આભ હવામાં ખખડે,
બંધ બારણે સેજે વાસી રાત અટૂલી ખખડે,
અશ્રુધારથી વીંધી વાતો પીળી પીળી ખખડે.

સપનાંનુંયે સુખ હતું તો ક્યાં છે?
ભર્યા નેહનો પડઘો લીલો ક્યાં છે?
પ્હાડ સમાણા પ્હાડ ઓગળી બેઠા!
સામે નર્યા સીમાડા ઊકળે!
આંગણ મારે છોડ અગનના ઊતરે!
જે ઘરની છાયામાં મારો દિવસ ગુજારું
તે આ ઘરને મોભે
કૈંક દિવસનો ભૂખ્યો સૂર્ય લટકતો!
ઘરનો જાણે દરેક ખૂણો ભડ ભડ બળતો!
જોતાં નજર સળગતી – એને કેમ બુઝાવું?
હોઠ સુધી અડતી જે ઝાળ,
કેમ કરી હડસેલું?
આંખ દઝાતી બંધ કરી હું,
તિમિરલોહનો શીત ખંડ તે
મૂકી પોપચે
મથતો ટાઢક લેવા;
મારી ગળી જાય છે રોમ રોમથી
રહીસહીય ભીનાશ,
કૂજે ભરેલ ઢળી જાય છે મારો શેષ ઉજાશ.

હવે તો ખોપરીઓમાં મેઢાં બબડે, સુણું
શબ્દોના ઠળિયાની આ એકલતા ખખડે, સુણું,
પલ પલ પારા જેવી,
મારા હાડ મહીં ટકરાતી, કણ કણ પથરાતી તે સુણું,
સુણું કરડ કરડ રે કૈંક ચવાતું
રાતદિવસ કો’ કરાલ દાઢે
ભીતર મારે ક્યાંક!

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬-૭)