વ્યાજનો વારસ/લોઢાનાં કાળજાં

Revision as of 05:31, 8 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લોઢાનાં કાળજાં|}} {{Poem2Open}} ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લોઢાનાં કાળજાં

ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછીના બનાવની આતુરતાથી રાહ જોવા માંડી હતી.

ઓધિયાને ચતરભજે લાખિયારના ઘરને પાછલે બારણે મોકલ્યો હતો, જેથી સુલેખા અને લશ્કરી શેઠ વચ્ચે થતી વાતચીત એ અક્ષરશઃ સાંભળી શકે.

ઓધિયાને આવતાં મોડું થતું ગયું તેમ તેમ ચતરભજની ચિંતા વધતી ચાલી. આભાશા વસિયતનામું કરવા માગે છે એવી ગંધ તો એના નાકમાં આવી જ ગઈ હતી, પણ એ કામ આટલી ઝડપે હાથ લેવામાં આવશે એમ એણે નહોતું ધાર્યું; પણ જ્યારે લશ્કરી શેઠ સુલેખા પાસે ગયા ત્યારે એ બનાવ પિતા–પુત્રીના સામાન્ય મિલન કરતાં કાંઈક વધારે રહસ્યમય લાગ્યો. અત્યારે એને અમરત ઉપર પણ ચીડ ચડી. એને આટલા દિવસો થયા તોલા એક અફીણનું ખરચ કરવાનું કહી રાખ્યું છે છતાં એનો અમલ નથી થયો ! થઈ ગયું હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત અને વસિયતનામાનો ડખો પણ ઊભો થયો નહોત. નવી અને જૂનીને જીવાઈ પૂરતું પકડાવીને તગડી મેલી હોત અને પેઢીમાં આભાશાની ગાદી ઉપર દલુ અને ઓધિયો બિરાજી ગયા હોત… અને અમરત ?!… ​ ચતરભજ આ ઉંમરે પણ અમરતને યાદ કરતાં એક જાતનો રોમાંચ અનુભવી રહ્યો.… અમરત આ ઘરની શેઠાણી બની બેઠી હોત. ભાઈના આપ્યા ટાઢા ટુકડા ખાવાને બદલે જરજમીનની ધણિયાણી બનીને… પણ એ અભાગણીના નસીબમાં જ સુખ નથી લખ્યું. નહિતર સાવ આમ તે હોય ! માણસ પોતાનું હિત પણ ન સમજે ? ઘૂંટડા અફીણનો ગળેડો કરી દેવો એમાં વળી જોષીને પૂછવા જવાનું હોય ?

આવી રીતે ચતરભજ રોષભર્યો ઊભો ઊભો અમરત ઉપર દાઝ ઠાલવતો હતો ત્યાં જ ઓધિયો આવી પહોંચ્યો અને લશ્કરી શેઠ અને સુલેખા વચ્ચે થયેલી વાતચીતનો સાર કહી સંભળાવ્યો.

‘એલા, પણ એને ક્યાંથી ખબર પડી કે અમરતે અફીણ ઘોળી રાખ્યું છે ?’ ચતરભજની આંખે અંધારાં આવી ગયાં.

‘હું એમાં શું જાણું ? આ તો વાત થાતી’તી એટલે મેં તમને કીધું.’ ઓધિયાએ જવાબ આપ્યો.

ચતરભજનો જીવ તાળવે ચોંટ્યો. બધી જ બાજી ઊંધી વળી જતી લાગી ફરી એ અમરત ઉપર રોષે ભરાયો. એણે પોતાની ફરજ બજાવવામાં મોડું કર્યું એમાં જ આ કૌભાંડ રચાયું ને ! મોડું કર્યું ત્યારે જ વાત બહાર પડી ગઈ, અને આભાશા બધું સુલેખાના નામ ઉપર ચડાવવા તૈયાર થયા ને ! પણ ના, ના, હજી કાંઈ મગચોખા ભેગા નથી થઈ ગયા. વીલ થતાં પહેલાં જ આભાશાનો ઘડોલાડવો કરાવી નાખું તો સહુ હાથ ખંખેરતા રહી જશે અને લશ્કરી શેઠ પણ ધોયેલ મૂળા જેવા પાછા જશે.

પણ અમરત વિના તો એ કોણ કરી શકે ?

અમરતનું નામ યાદ આવતાં ફરી ચતરભજ મનમાં મલકાઈ ઊઠ્યો; પણ અત્યારે મલકાટને અનુકૂળ સમય નથી એમ સમજી તરત એ અમરતને ઠપકો આપવા જવા ઊપડ્યો.

અમરત એકલી બેઠી બેઠી દલુના ભવિષ્ય અંગે વિચાર કરી રહી હતી. ​ઓધિયા જેવા ઊખડેલ છોકરાની સંગતમાં દલુનો પણ લોકોએ કાંકરો કાઢી નાખ્યો એ બદલ અમરત વિમાસણ અનુભવી રહી હતી. આજે રિખવ જીવતો હોત તો જરૂર આ ફઈના દીકરાને વરાવી પરણાવીને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હોત. બાકી મામાને તો આ ભાણેજનું જરાય પેટમાં બળે એમ નથી. નવીજૂનીના બેવડા કામણકૂટણમાં ભાઈ તો ગળા સુધી ડૂબી ગયા છે. એમાં બહેનનો કે ભાણેજનો તે વિચારેય ક્યાંથી આવે ? બહેને ભાઈ ઉપર કેટકેટલા ઉપકાર કર્યા છે એ આજે ભાઈને ક્યાંથી યાદ આવે ? એ નૂગરી માનવંતી પણ ભૂલી ગઈ કે આ નણંદ ના હોત તો રિખવ પણ ન હોત !… જાતી જિંદગીએ દીકરાની મા થઈ એ કોને પ્રતાપે ?… અને ચતરભજ…!…

ચતરભજ યાદ આવતાં અમરત ધ્રૂજી ઊઠી. જ્યારે જ્યારે એ યાદ આવતો ત્યારે ત્યારે અમરતના હૃદયમાં કોઈક ભૂતકાલીન ગુનાનો ડંખ ફરી જાગ્રત થતો. એવે સમયે એ એટલી તો ગભરાઈ ઊઠતી કે કોઈ કોઈ વાર એ ડંખની વેદના ન જીરવાતા રડી પણ પડતી.

અત્યારે પણ એની છાતીમાં ડૂમો ભરાયો હતો પણ ત્યાં તો સામેથી ખુદ ચતરભજને જ આવતો જોતાં હૃદય આનંદથી નાચી ઊઠ્યું.

પણ એ આનંદને ચતરભજે આવતાવેંત ઉડાડી મૂક્યો.

અમરતને મલકાતી જોઈને ચતુરભજે એને ઊધડી જ લીધી :

‘અટાણે તો પોક મૂકીને રોવાનું ટાણું છે એને બદલે તમે મલાવ્યા કરો છો તે શરમાતાં નથી ?’

‘પણ વાત શી છે ? કાંઈ ખબર પડે ?’ અમરતે પૂછ્યું .

‘દુનિયા લૂંટાઈ જાશે તો તમને તો કાંઈ ખબર જ નહિ પડે—’

‘પણ કોઈ લૂંટાઈ ગયું, ને કોણે લૂંટ્યાં… કાંઈ સમજ પડે ?’

‘એ… લૂંટાઈ ગયા તમે ને હું; ને ત્રીજો તમારો દલિયો…’

‘દલિયો મારો એકલીનો જ, ને તારે કાંઈ લેવાદેવા નહિ એમ કે ?’ ફરી અમરતે ચતરભજના વાક્યની ભૂલ સુધારી. ​ ‘હવે અટાણે ઘરણ ટાણે એની કાં આદરીને બેસો ? પગ આગળ સળગે છે એનું કરોને પહેલાં !’ ચતરભજ હજી રોષમાં જ હતો.

‘પણ થયું શું ? સીધી વાત તો કર !’

‘હવે સૂંથિયું ને સાવરણી—કાંઈ કામ નહિ આવે. ચકીબાઈ નાહી રહ્યાં. કરો મજા !’ કહીને ચત૨ભજે નિર્દય હાસ્ય વેર્યું.

અમરત એવી તો ડઘાઈ ગઈ કે હવે કશું વધારે પૂછવાના પણ એને હોશ ન રહ્યા. છેવટે ચતરભજે જ આગળ ચલાવ્યું :

‘હવે મા–દીકરો બેય જણાં એકેકું રામપાતર હાથમાં લઈ લ્યો એટલે બટકું બટકું રોટલો માગવા થાય.’

‘ભગવાન કોઈને એવા દી ન દેખાડે !’ અમરતે પ્રાર્થના કરી.

‘ભગવાન દેખાડે એ પહેલાં તો તમારા ભાઈ દેખાડી દેશે.’

‘ભાઈ તો બિચારા ખાટલે પડ્યા છે. ભોજાઈઓ નભાઈ…’

‘ખાટલે પડ્યા પડ્યા જ તમારા સારુ ખાડો ખોદી રિયા છે. વીસપુરથી લશ્કરી શેઠને શું કામ તેડાવ્યો છે, એ જાણો છો ?’

‘એ તો ભાઈના મંદવાડના ખબર પૂછવા આવ્યો…’

‘અરે રામ ! તમે, ગમે તેવી અજવાળી તોયે રાત તો ખરાં જ. આભાશા વીલ કરી રિયા છે વીલ. કુલઝપટ મિલકત સુલેખાને નામે…’

‘હેં ?’ અમરતનો સાદ ફાટી ગયો.

‘હેં હેં શું કરો છો ? તમને સોંપ્યું ઈ કામ ટાણાસર ન કર્યું પછી આમ જ થાય ને ? બાઈડિયુને ભરોસે રે’વામાં સો ટકાની ખોટ.’

‘પણ મેં તો બધુંય તૈયાર કરી રાખ્યું છે. પણ પેલી નભાઈ નંદુડી ભાઈને ખાટલે બેઠી બેઠી જમ જેવી ચોકી કરે છે. એમાં મારે જાવું કેમ કરી ને ?’

‘ચોકી તો કરે જ ને ? અફીણીની હાટેથી તોલો અફીણ સામટું દલુ લઈ ગયો છે એ એને ખબર પડી ગઈ છે.’

‘હેં ?’

‘હા.’ ​ ‘તો તો મારા દલિયાને નામે રાતી પાઈ પણ વીલમાં નહિ ચડાવે.’ અમરત ગળગળી થતી બોલી.

‘અરે ઓલી સુલેખડી તો દલિયાને હાથમાં શકોરું આપીને તગડી મેલશે આ ઘરમાંથી....’

‘માના જણ્યા સગા ભાઈને આ બેનનું પેટમાં ન બળ્યું તો પછી એ પારકી જણી તો એમ કરે જ, એમાં શી નવાઈ ? એનો ધોખો કરવો પણ શા કામનો ?…’ અમરતનો અવાજ રડવા જેવો થતો ગયો.

થોડી વાર મૂંગી રહીને એણે પૂછ્યું : ‘હવે આમાંથી કોઈ ઉગારો બતાવીશ, ચતરભજ ?’

‘હજીય અવસર ચૂક્યા મેહુલા જેવું કાંઈ નથી થ્યું...’ ચતરભજે આશા આપી.

‘કાંઈક રસ્તો સુઝાડ તો તારા જેવો ભલો ભગવાનેય નહિ....’

‘તમારામાં આવડત જોઈએ. લશ્કરી શેઠ ને સુલેખા બેય હાથ ખંખેરતાં ઊભાં રિયે...’

‘કેવી રીતે પણ ?’

‘રીત ને બીત. હજી વીલ થાતાં વાર લાગશે. એ પહેલાં તમે ઘૂંટડો પાઈ દિયો તો ખેલ ખતમ.’ ચતરભજે બન્ને હાથની ચાપટ વગાડીને ‘ખતમ’નો અભિનય કરી બતાવ્યો.

‘ઠીક, હવે થઈ ગ્યું એમ સમજી લેજે.’ અમરતે કહ્યું.

ચતરભજે વિચાર્યું કે હવે અમરતને બરોબર ચાનક ચડી છે. એણે પોતાનું કામ પાકું કરવા હજી વાત લંબાવી. બોલ્યો :

‘એ તો મોઢેથી બોલો એટલું જ. આવાં કામ કરવા સારુ તો લોઢાનાં કાળજાં જોઈએ લોઢાનાં.’

‘ચતરભજ, મારું કાળજું લોઢાનું જ છે. પણ તું તો મારો સાવ કાંકરો જ કાઢી નાખતો લાગે છે.’

‘હાથે કરીને કઢાવો છો.’ ​‘હવે આ વખતે કામ પતાવ્યા વિના તને ફરી મોઢું ન બતાવું.’ અમરતે ખાતરી આપવાની કોશિશ કરી.

આવા આકરા શપથ સાંભળીને ચતરભજને મજાક સૂઝી. બોલ્યો :

‘હં, હં, જોજો એવા ભારે નીમ લેતાં નહિ. તમારું મોઢું જોયા વિના તો હું જીવી કેમ શકીશ ?’

‘એલા વળી પાછો ફાટ્યો કે ? ગલઢે ગઢપણ હજી શરમાતો નથી ?’ અમરતે મીઠો રોષ બતાવ્યો.

‘હું પણ તમને એમ જ પૂછું તો ?’ ચતરભજે જતાં જતાં મર્મમાં કહ્યું.

અમરત હસી.

*