વ્યાજનો વારસ/એનું પેટ પહોંચ્યું

Revision as of 05:30, 9 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એનું પેટ પહોંચ્યું|}} {{Poem2Open}} માંડ માંડ કરીને અમરતે તરતો કરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એનું પેટ પહોંચ્યું

માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો.

પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો પીંખાઈ ગયો. ચતરભજે ફૂંક મારીને, પત્તાંનો બનાવેલ આ એકદંડિયો જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

છેલ્લી હોડ બકવામાં પણ અમરત હારી ગઈ હતી. પણ હાર્યા જુગારીની જેમ બમણું રમવાની અમરતમાં હવે તાકાત કે તમન્ના કશું રહ્યું નહોતું. ઊલટાની, અમરતની સ્થિતિ તો સહુ કરતાં દયામણી બની હતી. દલુ જેવો પેટનો દીકરો માની સામે ફરી બેઠો હતો. રિખવનું ખૂન કરનાર સંધીઓને ઉશ્કેરવામાં જીવણશા ઉપરાંત પોતાની માનો હાથ છે એમ જ્યારે દલુએ ઓધિયાને મોંએથી સાંભળ્યું ત્યારથી દલુનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો છે.

આજ દિવસ સુધી માવડિયો ગણાતો દલુ આજે મા સામે જ મોરચો માંડીને બેઠો છે. મા પ્રત્યે એને પારાવાર ઘૃણા ઊપજી છે.

‘મા, તને મારા ઉપર જરાય દયા હોય તો તારું કાળું મોંઢું મને કોઈ દી બતાવીશ માં.’

દલુને મોંએથી અમરતે આ વાક્ય સાંભળ્યું ત્યારે પહેલાં તો એ સાચું જ ન માની શકી કે દલુ જેવો કહ્યાગરો વિનયી છોકરો આવો અંતિમમાર્ગી બની શકે !

‘તું મારી મા છો એ જાણીને હું લાજી મરું છું.’ ​ દલુનું બીજું વાક્ય. આ તે શું થવા બેઠું છે ! આવાં આકરાં વેણ ખરેખર મારો દલુ જ બોલે છે ?

‘દીકરા, તને થયું છે શું એ ખબર પડે ?’

‘થાય શું, કપાળ ? તારું મોઢું બાળ હવે તો !’

‘પણ મારો કાંઈ વાંક–ગુનો ?...’

‘સો ચૂવા માર્યા પછી હજી વાંક–ગુનો પૂછે છે ? સગા ભાઈના દીકરાનું કાસળ...’

‘ભગવાન ભગવાન ! આવું બોલતાં તારી જીભ કેમ ઊપડે છે ?’

‘તારો હાથ ઊપડી શક્યો, તો મારી જીભ ન ઊપડે ?’

‘દીકરા તને કોઈએ ભરમાવ્યો લાગે છે.’

‘મને દીકરો કહીને હવે દુભવજે માં.’

દલુને અમરતનું મોઢું જોવું અકારું થઈ પડ્યું. છેલ્લાં પાંચ વર્ષની સ્વતંત્ર કામગીરીને પરિણામે પેઢીના સંચાલનમાં પોતે પાવરધો થઈ ગયો હતો. એનો લાભ લઈને દલુએ પેઢીનો કબજો લઈ લીધો અને જે ઉંબરો ચડવાની અમરતે ઓધિયાને મના ફરમાવી હતી એ જ ઉંબરાને અડવાની દલુએ અમરતને મના ફરમાવી દીધી.

અમરતનાં અમાનુષી કૃત્યોએ દલુમાં ભારોભાર માનવતા પ્રેરી. મૂળથી જ એ હૃદયનો નિખાલસ તો હતો જ. અને જ્યારે એને જાણવા મળ્યું કે કુટુંબના આ સર્વનાશ માટે એકમાત્ર પોતાની મા જ જવાબદાર છે, ત્યારે એના પ્રત્યાઘાત રૂપે મહાન પ્રાયશ્ચિત્ત કરવાની ભાવના એના દિલમાં પ્રગટી. પદ્મકાન્તના ખૂનીને શોધીને એના પર વેર વાળવાનો પણ એને ઉત્સાહ ન રહ્યો. પદ્મકાન્તની સંભાળ રાખવામાં ગાફેલ રહેનાર રઘીને માર મારવા પાછળ પણ દલુએ શક્તિઓ વેડફી નહિ. એના દિલમાં તો હવે એક જ તમન્ના હતી : જેના મૃત્યુ માટે પોતે આડકતરી રીતે પણ જવાબદાર છે, એ રિખવના આત્માનું તર્પણ કરવું. એના મૃત્યુને પરિણામે જેની જીવનવેલ અકાળે મુરઝાઈ ગઈ છે એ સુલેખાની જીવનવેલ પુનઃ પ્રફુલ્લિત કરવામાં યત્કિંચિત્ ​ સહાય કરવી.

તર્પણ અને પ્રાયશ્ચિત્તની આ નેમને લક્ષમાં રાખીને દલુએ પ્રયત્નો આરંભી દીધા.

સુલેખા પાસેથી એણે આભાશાએ કરેલા જૂના વીલની નકલ મેળવી અને પેઢી તેમ જ ઘરનો કુલઝપટ કબજો સુલેખાને સોંપી દીધો. આજ દિવસ સુધી દલુને ‘રિખવ શેઠનો ચપરાસી’ કહીને જે લોકોએ કાંકરો કાઢી નાખ્યો હતો એ જ લોકોને કબૂલ કરવું પડ્યું કે ‘છોકરો છે તો પાણીદાર !’

‘એનું પાણી દેખાડવાનું ટાણું આવે ત્યારે દેખાડે ને ! આજ દિવસ સુધી તો અમરતે દીકરાને સાવ માવડિયો કરી રાખ્યો તો; હાથમાં વહીવટ આવે તો એનું પાણી બતાવે ને ?... હવે એણે બતાવી આપ્યું.’

દલુની માનવતાનાં બે–મોઢે વખાણ થાય છે. એ સાંભળી સાંભળીને અમરતના હૃદયમાં આગ ઊઠે છે. ધીમે ધીમે સઘળી ઇસ્કામત સુલેખાને નામે ચડી ગઈ અને દલુ તો એના વહીવટકર્તા તરીકે જ રહ્યો.

વાત આટલી હદે પહોંચી ત્યારે અમરત ગાંડી થઈ ગઈ. અસીમ અહમ્ અને અથોક કૃપણતા માટે આ સિવાય બીજો આરો નહોતો. કાં તો એ આપઘાત કરે ને કાં મગજનું સમતોલપણું ગુમાવી બેસે. જિંદગી આખી કરેલાં અનેક કાળાંધોળાં કૃત્યોનો સરવાળો શૂન્યમાં આવતો જોઈને એ જીવી શેં શકે ? જીવનપલટાની કટોકટીને ટાણે ગાંડપણ અમરતની વહારે આવી પહોંચ્યું અને એ ગાંડપણ અમરત માટે આશીર્વાદ સમાન પણ નીવડ્યું, કારણ કે, હવે પછી આ કુટુંબની ઇસ્કામતનો જે ઉપયોગ થવાનો હતો એ તો ‘ડાહી’ અમરત જીરવી જ ન શકત.

અમરતનું ગાંડપણ દલુ માટે પણ આશીર્વાદ સમાન નીવડ્યું. જે ગુનેગાર માતાનું પોતે મોઢું જોવા નહોતો માગતો એને હવે ચોવીસે કલાક ઓરડાની ચાર ભીંતો વચ્ચે જ પૂરી રાખવી પડતી ​ હોવાથી એ મુખદર્શનની યાતનામાંથી પણ એ ઊગરી ગયો.

છેલ્લે છેલ્લે અમરત એટલું સમજતી થઈ હતી કે જિંદગી આખી મેં આડા વહેરની જે ધોકાપંથી નીતિ ચલાવી હતી, એમાંનો છેલ્લો આડો વહેર મને આકરો પડી ગયો ! પણ એ નીતિ અંગે તો એ વિમાસણ અનુભવે એ પહેલાં જ ગાંડપણે આવીને એને સઘળી વિમાસણમાંથી મુક્તિ બક્ષી દીધી હતી.

અમરત પ્રત્યે દલુના કરતાંય ચંપાને વધારે તિરસ્કાર હતો. પોતાની બે મોટી બહેનો —માનવંતી તેમ જ નંદનની જિંદગીઓ બરબાદ કરવા માટે પોતાની સાસુ જવાબદાર છે એમ જાણ્યા પછી એને કદી પણ અમરત પ્રત્યે આદરભાવનો ઉમળકો થયો જ નહોતો. અને હવે એના ગાંડપણના દિવસેમાં તો ચંપાનો તિરસ્કાર અનેકગણો વધી ગયો હતો.

અમરતને એના અંગત ઓરડામાં જ પૂરી રાખવામાં આવી હતી, ત્યાં રોજ બેય ટાણાં રઘી એને જમવાનું નીરી આવતી. આ એ જ ઓરડો હતો, જેમાં એક વખત રઘીને પૂરીને અમરતે એના વાંસા ઉપર ચાબુકના સોળ પાડ્યા હતા. અમરતની થાળી લઈને જતી રઘીને બેય ટાણે એ પ્રસંગ યાદ આવી જતો અને એ દિવસે પોતે જેના ચાબુકની દયા ઉપર હતી, એ પ્રાણી આજે મારી દયા ઉપર છે, મારા નીર્યા રોટલા ખાય છે એ જાણીને રઘી અનાયાસે સહેજ મલકી જતી પણ ખરી.

રઘી ઉપરાંત પણ, અમરતના આડા વહેરના સપાટામાં જે જે લોકો આવ્યા હતા એ સહુ એ નીતિના પુરસ્કર્તાની થયેલી આવી ભૂંડી વલે માટે આનંદી રહ્યા હતા. અને એ અંગેના સઘળા જશના અધિકારી દલુને જાણે કે અભિનંદન આપતા હોય એવી રીતે એક મીઠું આશ્વાસન અનુભવતા હતા.

‘જેને કોઈ ન પહોંચી શક્યું એને એનું પેટ પહોંચ્યું !’

*