શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૬. અગિયાર બ્રિટન-કાવ્યોમાંથી
૮. એટલી જ વાર!…
આ ટેકરીની કેડ પર લહેરાતી
ખેતરાઉ સ્કર્ટની લીલીછમ તરંગમાળ!
વાદળાંને પીંજી પીંજી, એમના પોલ ઉડાડતી,
હવાની રમતિયાળ ચાલ!
ઝરણાંમાં ખડકોની ખણખણ!
વર્ષામાં મોતીઓની રણઝણ!
જંગલમાં આમતેમ લપાતો – દેખાતો – લપાતો – દેખાતો
અટકચાળો સૂરજ!
બાહુપાશમાં કચડવાનું મન થાય એવી માદક-મીઠી ઠંડી!
તડકીલા શ્વાસે શ્વાસે ભીતરમાં ઊભરાતી સ્ફૂર્તિ!
અહીં ધરતીની ખુલ્લી લાલ હથેલીમાં
કૂકા સરખાં તગતગતાં ગામ ને ઘરાં!
યંત્રતંત્રની કૃપણકઠોર ચુંગાલ વચાળે પણ
સરોવરની શાન્ત ને સમુદાર સપાટી પર સંચરતી
સોનપરીની નાજુક સવારી!
લાલ-ધવલ
હરિત-શ્યામલ
ભૂરી ને ભૂખરી રંગરેખાઓથી ત્રોફાયેલી દેહયષ્ટિવાળી,
‘સૉલિટરી રીપર’ની સહિયર સમી,
આ અલ્લડ કન્યા બ્રિટાનિકા!
મારે તો આજે બસ, એમ જ નાચવું છે એની સાથે,
મન મૂકીને,
મન ભરીને!
મારે મારી ગંગા-જમનાનો હાથમેળાવો કરાવવો છે,
લંડનની આ થેમ્સ સાથે!
બિગબેન ટાવરમાં ટકોરા થાય…
એટલી જ વાર!…
૪-૧૨-૨૦૦૬
૩-૧૨-૨૦૦૭
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૧)