શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૧. થાઉં બળિયો

Revision as of 12:27, 11 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૧૦૧. થાઉં બળિયો


મનસ્વી છું, ધાર્યું મગજ મહીં જે તે જ કરતો,
અને જ્યારે ભૂલું, તુરત તમને યાદ કરતો;
દિશાની, રસ્તાની ખબર નથી આખા મુલકની,
ગુમાને ઘૂમીને તમસમયતામાં ઊતરતો.

રહે છે મારામાં અવળમતિનો એક જણ, જે
કહ્યામાં ના મારા; મન વચન ને કર્મ – સહુમાં
કરે છે ગોટાળા, પ્રદૂષિત કરે અંદર હવા.
તમે પદ્મો દૈને સુરભિત કરો સત્વર મને.

તમારી પાસે છે સકળ રસ ને રંગ જગના,
છતાં શાને પીવા વિષમ વિષપ્યાલા નરકના?
તમારો હું છું તો પરવરિશ મારી અવ કરો;
તમારો આષાઢી સપૂત ઠરું એવું કંઈ કરો!

તમારો પ્રેર્યો હું ભવરમતમાં ભિલ્લુ બનિયો,
તમો રીઝો એવી રમત રમવા થાઉં બળિયો!

૨૫-૮-૨૦૧૧
(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૬૮)