સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સત્યપ્રેમી

Revision as of 11:24, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સત્યપ્રેમી

કાદુના નામ જોડે સંકળાયેલા અનેક રોમાંચકારી કિસ્સાઓની મેં એમને પૂછપરછ કરી : એમાંના કેટલાએકનો એમણે સાફ દિલે ઇન્કાર કર્યો. પોતાના મામુનાં કાળાં કૃત્યો ઉપર અસત્ય વાતોનાં પુષ્પો ઓઢાડવાની ગુલમહમદને જરીકે ખેવના નહોતી. કાદુ વિશેની કેટલીક પ્રેમશૌર્યવંતી ભવ્ય ઘટનાઓની પછવાડે જે સાચું રતિ રતિ જેટલું જ તથ્યનું સુવર્ણ હતું તે પોતે નામઠામ ને તિથિ વાર સહિત કબૂલ કરી દીધું, બાકીના કલ્પના-ભાગને એણે નમ્રતાપૂર્વક જતો કર્યો. એક જ દૃષ્ટાંત આપું : કાદુ અને જેઠસૂર ખુમાણવાળો કિસ્સો : ‘સોરઠી બહારવટિયા’ (ભાગ 3)માં વાંચજો. કાદુને ઝાલવા નીકળનાર જેઠસૂર ઉપર બહારવટિયાએ ખાનદાની બતાવી હોવાની એ આખી જ સુંદર કથાને વિશે ગુલમહમદભાઈ લાગલા જ બોલી ઊઠ્યો : “અરે નહિ રે, બિલકુલ નહીં સાહેબ! એવું કાંઈ જ બન્યું નહોતું. ગલત વાત છે. જેઠસૂરભાઈ તો હમારા મોહબ્બતદાર કહેવાય” વગેરે વગેરે. અંધારે અંધારે રૂપિયો સમજીને ચોરી કરી ભાગનાર ચોર કોઈ બત્તીના પ્રકાશમાં જ્યારે પોતાની હથેળી ઉઘાડતાં ઢબ્બુ નિહાળે, ત્યારે એને એક લાગણી થાય છે : એ લાગણી આ વખતે મારી યે હતી. આવી તો કાદરબક્ષ વિશેની અનેક પ્રચલિત અદ્ભુતતાઓનું એમણે નિરસન કર્યું; એટલે જ મેં તારવેલું એ બહારવટિયાનું વૃત્તાંત ગળાયેલું, સત્યના સીમાડા પર ઊભેલું હું લેખી શકું છું. લોક-વાણીના સાહિત્યને સંઘરવા નીકળનાર શોધક આવા ભય વચ્ચે હંમેશાં ઊભેલો છે. એક જ જીભેથી ઝીલેલા બોલને એણે જગત પાસે ન ધરી દેવો ઘટે. લોકસાહિત્ય એટલે જ્યાં ત્યાંથી પડ્યો શબ્દ એ ને એ સ્વરૂપે રજૂ કરવાનું સાહિત્ય નહીં. એક જ વાત, એક જ ગીત, એક જ કથા, એક જ ઘટના : એના શક્ય તેટલા તમામ પાઠો એકઠા કર્યા પછી જ એમાંથી સાચો પાઠ પકડવો રહે છે.