શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/‘ધૂળમાંની પગલીઓ’ (૧૯૮૪)માંથી અંશો

Revision as of 12:16, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs)
‘ધૂળમાંની પગલીઓ’ (૧૯૮૪)માંથી અંશો


આજે સવારે એક સામયિક જોતો હતો. એ સામયિકમાં એક વ્યક્તિની વિવિધ ઉંમરે લીધેલી તસવીરો હતી. મને એ તસવીરો જોવામાં ભારે રસ પડ્યો. બાળપણનો ચહેરો ને ઘડપણનો ચહેરો! હું એ બેય ચહેરાઓમાં રહેલાં સામ્યવૈષમ્યોની ખોજમાં લાગી ગયો. ઉંમરની સાથે ચહેરો કઈ રીતે ને કેવો બદલાય છે તેનું રહસ્ય પામવાને હું મથી રહ્યો; પણ એ રહસ્યનો સાક્ષાત્કાર કંઈ સહેલો છે? સમયના સ્વાદ વિના સમયનું રહસ્ય પામી શકાય? ને સમયના સ્વાદની પ્રતીતિ શી રીતે થાય?

હું ફરી એક વાર મારી જાતને ખોલવા બેસી ગયો. મારી જીવનમંજૂષામાંથી એક પછી એક નમૂના કાઢતો ગયો. મને ખબર નહોતી કે મારી આ મંજૂષા પણ આટલી જાદુઈ હશે. એક પછી એક જાતભાતની વસ્તુઓ નીકળતી ગઈ. છેવટે સ્મૃતિ થાકીને જ્યાં વિરમે એ અટકસ્થાન આવી ગયું. મને થયું, ઠીક છે. અહીંથી શરૂ કરીએ સમયની સાથે સ્નેહાલાપ. વાતચીત હું મારા સમય સાથે – મારી સાથે કરીશ; પણ એમાં તમનેય સંડોવીશ. હું મને લાગે છે તે કહીશ. આજે લાગે છે તેમ કહીશ ને ત્યારે લાગતું હતું તેય કહીશ. મારો રસ મારા નિમિત્તે સમયને બોલતો કરવાનો છે, જીવનની મંજૂષાને મારી આગળ ખુલ્લી કરી દેવાનો છે. જોઈએ તો ખરા, એમાં શું સચવાયું છે, કેમ સચવાયું છે!

પેલું કાલોલ – પંચમહાલ જિલ્લાનું એક તાલુકા-ગામ, ૧૯૩૮ની સાલનું. એનો ચહેરો મને છેક જ ધૂંધળો દેખાય છે. ગર્ભની આસપાસ જેવું પડળ હોય એવું કંઈક આ ગામની આસપાસ વીંટાયેલું દેખાય છે. હું સ્મૃતિને ખેંચીને કંઈક હાથ કરવા મથું છું પણ નિષ્ફળ. અંધકારની નાનીમોટી અનેક ઢગલીઓ જાણે દેખાય છે. એવી એકાદ ઢગલીમાંથી હું પ્રગટ્યો હોઈશ. મારા વડીલો કહે છે: ‘તારા જમ્યા પછીથી એક ધરતીકંપ થયેલો. ત્યારે તું ઘોડિયામાં હતો. તને છોડીને સૌ બહાર નીકળી ગયેલાં… મા સુધ્ધાં. પછી એકાએક તું યાદ આવ્યો ને તને ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો’. બરોબર છે. આજે અનેક કંપ મારા પગ તળે થાય જ છે, પણ મને બહાર કાઢી લેનાર તે જ જાણે ગાયબ છે.

કાલોલની ધ્રૂજતી ધરામાંથી હું ખાસ કંઈ રળી શક્યો નથી. માત્ર એક ફોટોગ્રાફમાં માના હાથમાં મારું શિશુક રૂપ જોઉં છું. એમાંથી કયા હાથના કસબે આજનું રૂપ નીપજી આવ્યું એ તો આપણા કૌતુકનો વિષય છે. હાલ તો આપણે કાલોલ છોડી દાહોદ પહોંચવું પડશે.

દાહોદ અને ભીલ – મારામાં એક થઈ ગયાં છે. કાળું બદન, કાળું પહેરણ ને એનાં ચાંદીનાં બોરિયાં, ખુલ્લા પગ, હાથમાં કડું, તીરકામઠું ખરું જ. આમ તો લંગોટી, પણ વસ્તીના આદર માટે લપેટેલું સફેદ વસ્ત્ર, માથે લુખ્ખા ઊડતા વાળને શિસ્તમાં રાખવા મથતો સફેદ કકડો. ક્યારેક આવો ભીલવેશ જોઉં છું ત્યારે એમાં મને દાહોદની પાણીદાર ધરતીની ધાર ઊપસી આવેલી વરતાય છે. દાહોદની ધરતીમાં કઠિનાઈ છે ને એટલી જ છે લીલી મકાઈની મીઠાશ. એમાં પરિશ્રમની સાથે છે આદિવાસીઓનો ઉલ્લાસ. ડુંગર ને જંગલ એકબીજામાં ભળી ગયાં છે. પથ્થર ને પાણી એકબીજાને સતત ભેદતાં રહ્યાં છે. મકાઈદોડાનાં પાંદડાં ને રેસા ઉતારતો હોઉં એમ સમયનાં પડ એક પછી એક ખસે છે. દૂધિયા મકાઈદાણાની ચમકશું એક દાહોદનું મોહક બાલરૂપ મારી નજર સમક્ષ આજે છતું થાય છે. એની આંખમાં કૌતુક ને ક્રીડા છે. એના મુખે સ્નેહનો સ્વાદ ને શ્રદ્ધાનો ઉજાસ છે. સમય જાણે સવારે ધૂળમાં અંકાયેલી કાગડાની નર્તનરેખા સાથે પોતાનાં ચરણ મિલાવે છે. ઘેરૈયાના ધમકતા ઘૂઘરા ને પનિહારીનાં ઝાંઝરના ઝણકાર એકસાથે સંભળાય છે. હું આંખ મીંચી મારી જાતને કોઈ પહાડી ઝરણાના હાથમાં મૂકી દઉં છું ને હું શિયાળાની સવારના મીઠા તડકામાં એક ફળિયાના નાકે કંતાનના પાથરણા પર મને બેઠેલો જોઉં છું.

મારા પોશાકનું મને સ્પષ્ટ સ્મરણ નથી. કદાચ રૂની ડગલી પહેરી હશે. બાજુમાં પિતાજી છે. રૂનો મોરપીંછ રંગનો ડગલો. માથે રાતા મંગલિયાનું બાંધણું. એમની પાસે માળા ને વૈષ્ણવધર્મની નિત્યનિયમની ચોપડી છે. આ સાથે ફળિયાના બીજા ત્રણચાર છોકરડાઓ આવી ગયા છે. મારા પિતાજી બુલંદ અવાજે તાલી પાડતાં ગવડાવે છે:

‘રાધેશ્યામ કહો, ઘનશ્યામ કહો;
એ નામ વિના બેડો પાર ન હો.’

અમે છોકરડાઓ ગળાની નસો તંગ કરીને મોટેથી એ ધૂન ઝીલીએ છીએ ને સાથે તાળી પાડીએ છીએ. શિયાળાની સવારની ઠંડી અમારી નજીક છતાં અમને અડતી નથી. અમે અમારા મોઢામાંથી નીકળતી બાષ્પ જોવામાં ને ધૂન ગાવામાં લીન છીએ. ત્યાં જ વસાણાની ગોટીઓ આવે છે. અમારા રાધેશ્યામને થોડી વાર ઊભા રહેવું પડે છે. ગોટીઓ ગળામાં ઊતરીને ગરમાવો કરે છે કે તુરત જ પાછા રાધેશ્યામ ઠેક મારતાકને ખડા થઈ જાય છે. અમારી ધૂન ફરી શરૂ થાય છે: ‘રાધેશ્યામ કહો…’

ને તે વખતે અમારી નજર સામે જે ચલચિત્ર ચાલતું એમાં ગાયોના ધણ સાથે પનિહારીઓનાં વૃંદ ખાસ આવતાં. પેલી રાતી ગોમતી ગાય, અમારે ત્યાં દૂધ દેવા આવે છે એ છગનની. કેવી ડોકની ઝાલર ઝુલાવતી ને ઘંટડી રણકાવતી છટાથી ચાલી જાય છે! ને પેલી પનિહારીઓ! કદાચ તે વખતે મને દેખાતી હતી તેથી વધુ સારી રીતે આજે એમને હું જોઈ શકું છું. પેલાં નર્મદાકાકી. પડછંદ, જાજરમાન. પૂરાં ભગવાનમાં સમર્પિત. સૌથી બચતાં આઘાં આઘાં પણ સ્ફૂર્તિથી ચાલે. એમની સાથે પેલી રાધા રમતુડી. ભારે ટીખળી. હસતી જાય ને મોતીના સાથિયા જાણે પૂરતી જાય. એની આંખોમાં તળાવની માછલીઓ જાણે સળવળતી ચમકતી ન હોય! ને પેલી શારદુડી. હું ન બોલું તો મને ગલીપચી કરીને બોલાવે. ને પેલી હમણાં જ પરણીને આવેલી રેવલી. ઘૂમટો કાઢતી જાય ને બાપુજીનેય ટીખળમાં લપેટતી જાય. એની નમણી આંખો નચાવતી, ગાલનાં લાલ ગુલાબ ખિલાવતી જરા લળીને મારા બાપુજીને કહે:

‘ભગતકાકા, તમે તો ઠીક જમાવટ કરી છે ને કંઈ… આ બચુડાનેય ભજનમાં ભેળવી દીધો!’

‘તે સારું ને!’

‘હા સ્તો, આખા ગામને ભગતનું ગામ કરી દેજો.’

‘ભગવાનની મરજી હશે તો તેય થશે.’

રેવલી પછી હસતી હસતી ઠાવકાઈથી ચાલી જતી. ક્યારેક એ થોભીને એકાદ-બે કોઠાં કે એવું કંઈક લાવી હોય તો એય અમારા કંતાનના પાથરણા પર છોડી જતી… એ રેવલીની ચાલમાં કંઈક અનોખી લચક હતી. વગર ઝાંઝરે એનાથી ત્યારે રસ્તો ઝણકતો હશે એમ આજે હું અનુમાન કરું છું. એનું સહિયરવૃંદ વિશાળ હતું અને એમની ખટમીઠી મજાકનો લાભ અમારી ભક્તમંડળીને યથાવકાશ રોજેરોજ મળતો રહેતો.

એ કાળે ગામનું તળાવ, ઑલમ્પિકના મેદાનથીયે અમારે મન વધારે મહત્ત્વનું હતું. તળાવને કાંઠે એક વિશાળ વડ. અમારા ભાઈજી પટાવાળાનો દીકરો વેચાત ભારેનો તરવૈયો. વડના ઝાડ પર સપાટાભર ચડી જતો, છેક ટોચે પહોંચી ત્યાંથી તળાવમાં પડતું મેલતો. ધુબાક અવાજ ને પાણીનો મસમોટો ઉછાળ. વેચાત પાણીને તળિયે જઈને આંખના પલકારામાં બહાર આવતો. આ વેચાત અમારે મન મંદિરના ઠાકોરજી જેટલો જ મહિમાવાન હતો. અમે એની પાછળ પાછળ ફરતા. એનો પડ્યો બોલ ઝીલી લેતા ને એ પણ અત્યંત ઉદારતાથી પોતાના પરાક્રમની પ્રસાદીરૂપ કમલકાકડીનો ગરાસ અમને સૌને વહેંચી આપતો. એ વેચાતને બીડી પીવી હોય તો અમે એના માટે ગમે ત્યાંથી સળગતું છાણું શોધી લાવતા. મંદિરમાંથી એના માટે પ્રસાદનો મૂઠો ભરી લાવતા. એને તરસ લાગે ત્યારે એકસાથે ત્રણચાર સાગરીતો ઘેર પાણી લેવા દોડતા ને બદલામાં એ અમને રક્ષણ આપતો. એ અમારી ક્ષેમકુશલતા સચવાય એની તકેદારી રાખતો.

સાંજે શંકરના મંદિરે જતા ત્યારે ત્યાં આરતીટાણે નગારું ને ઘંટ કોણ વગાડે એની ભારે હુંસાતુંસી થતી. આવે ટાણે અમારો સરદાર વેચાત ગૌરવભર્યા ડગે પધારતો. નગારું ને ઘંટ વગાડવા માગતા સૌ એના આવતાં જ જાણે એને માન આપવા બે ભાગમાં વહેંચાઈ જતા. વેચાત ચારે બાજુ નજર કરતો. સૌ એની કૃપાનજર આકર્ષવા મથતું. ક્યારેક મારી ટીકી લાગી જતી. વેચાત મને બાવડેથી ઝાલી, નગારા આગળ બેસાડી દેતો; ને પછી તો હું છે ને નગારું છે. આરતીટાણું બને તેટલું બુલંદ બને એ માટે અમે સૌ સહિયારો પ્રયત્ન કરતા. જેમને નગારું કે ઘંટ હાથમાં ન આવતાં તેમની પાસે તાળી પાડવા માટે હાથ તો હતા જ. તેઓ જોશથી તાળી પાડીને આનંદને સ્ફોટક બનાવવાનો આનંદ લેતા.

આ આરતીટાણાના ઉજાશમાં આખું ગામ જાણે કોઈ જુદું જ રૂપ લેતું હતું. આરતીના મધુર ઘંટારવમાં ગામ સમસ્તનો પ્રવૃત્તિમય કોલાહલ ડૂબી જતો. આધ્યાત્મિકતાની એક સોનરેખા કાળી ધૂસરતાની ઉપર ઝબકી જતી. કોપરાના પ્રસાદનો ઉજેશ, સંધ્યાકાળે લઘુ હથેલીઓમાં કેવું રમણીય રૂપ ધારતો હતો! અમે મંદિરના પૂજારીની આરતીની રમણીયતાના ભારે આશક હતા. એ જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી, તેને નમણો મરોડ આપતો તે પર અમે સૌ વારી જતા અને એટલા જ અમે વારી જતા ચતુરાઈથી પ્રસાદ વહેંચવાની અમારા વેચાતની કળા પર.

એ ઇચ્છે તે રીતે પ્રસાદ વહેંચવાનું ગોઠવાતું. ક્યારેક અમે જ સામે ચાલીને વેચાતને પ્રસાદ વહેંચવાનું કહેતા ને ત્યારે વેચાત મોટા ભાગે તો અમને જ એ જવાબદારી સોંપતો. અમે વેચાત માટે પ્રસાદનો માનભર્યો હિસ્સો અનામત રાખીને પછી જ સમાજવાદી રીતે પ્રસાદ રાય અને રંક સૌને વહેંચતા.

આ આરતીના લયમાં જાણે અમારી સાથે આખું ગામ ઝૂમતું. સૌનો દિવસભરનો થાક આરતી પછી જાણે વીસરાઈ જતો. સૌ મંદિરને ઓટલે અહીંતહીં બેઠક જમાવી જાતભાતનાં ટોળટપ્પાં ને રમતો જમાવતા. હું તો પિતાજીની ધાકથી વહેલો વહેલો ઘેર પહોંચી જતો; પણ પછી લાગતું કે ઘેર તો શરીર જ પહોંચ્યું છે; મન તો હજી ફૂદાની જેમ મંદિરની આરતીની આસપાસ ઘૂમ્યા કરે છે!

*

મારા પિતાજી પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં ઠાકોરજીની પૂજા પૂરા ઠાઠમાઠથી થાય. મંદિર ને ઘરમાં ભક્તિનું એકસરખું વાતાવરણ. અમારી રમતોમાંયે ઠાકોરજી ખરા જ. મને યાદ છે એક પ્રસંગ – હિંડોળાનો. મોટાભાઈએ બાપુજીની ગેરહાજરીમાં વળગણી પરથી ધોતિયું કાઢી આવડ્યું એ રીતે પહેર્યું. તે પછી સાડલા ને ચણિયા પણ વળગણી પરથી ઉતારી તેનાથી હીંચકાને સજાવ્યો. ચણિયાની ઝૂલ કરી. સાડલાની પિછવાઈઓ. દીવાલ પરથી ફોટા ઇત્યાદિ ઉતારી તેય હીંચકા પર ગોઠવ્યા. એક તબક્કે એમને કંઈક સૂઝી આવ્યું એટલે મને બોલાવીને કહેઃ તારે ઠાકોરજી થવાનું છે ને હીંચકે બેસવાનું છે. હું મોટાભાઈની હીંચકા ખાવા-ખવડાવવાની રીતથી પૂરો વાકેફ. એટલે મેં પડવાની બીકે ના પાડી દીધી હતી. એમનું ચાલત તો હીંચકે મને બેસાડીને જ રહેત; પરંતુ ભેંકડો તાણું તો બધીયે રમતમાં અકાળે ભંગ પડે એનો એમને ભય; એટલે મને ઉદારતાથી એમની કસ્ટડીમાંથી છોડી દીધો; પણ પછી બહેનને પકડી. બહેનને કહે: ‘તારે યશોદા થઈને આ હિંડોળો ઝુલાવવાનો છે.’ બહેન કહે: ‘જા, જા, હું યશોદા શા માટે થઉં? હું તો ઠાકોરજી થઈ હીંચકે ઝૂલીશ. તું મુખિયાજી બની મને ઝુલાવજે.’ આ રમણીય વિચાર તો મોટાભાઈને વધારે માફક આવી ગયો. એ કહેઃ ‘ઠાકોરજી, તું થાય એ સારું ન કહેવાય. છોકરીથી ઠાકોરજી ન થવાય. હું થઈશ.’ ને એ એક રમકડાની વાંસળી શોધી લાવી હીંચકા પર બેસી ગયા. પણ બહેનમાં સત્યાગ્રહનો આવેશ ભરાઈ આવ્યો. એ હીંચકો ઝુલાવે જ નહીં. મોટાભાઈ તો ઠાકોરજી, જાતે ઓછો જ હીંચકો ઝુલાવાય?! ભારેની ખેંચતાણ ચાલી. મોટાભાઈ ઉશ્કેરાયા; કલહનું જે અનિવાર્યતયા પરિણામ આવે છે તે આવ્યું. બહેનના રુદનના બારે મેઘ છૂટી પડ્યા ને પરિણામે એકાએક આવી ચઢેલા પિતાશ્રીનો કરપ્રસાદ ઠાકોરજી થયેલા મોટાભાઈને આરોગવો પડેલો. તે દિવસે પિતાશ્રીએ મારી શાંતિપૂર્વક રમતા રહેવાની વિનીત ચેષ્ટાની પ્રશંસા કરેલી એવું યાદ છે.

*

મને નાનપણમાં જે અનેક રમકડાં મળ્યાં તેમાં લાલજી માટે ખાસ પક્ષપાત. લાલજીને લંગોટી પહેરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે પણ ખાસ ફાવ્યો હોઉં એવું યાદ નથી. આ લાલજી મહારાજને પહેલી વાર પ્રસાદ ધરાવવાની વાત આવેલી ત્યારે મેં સરુદન ઉગ્ર વિરોધ બહેન આગળ કરેલો એવું યાદ છે; પણ પછી અનેક અનુભવોએ પ્રતીત થયું કે લાલજી મહારાજને જે કંઈ ધરાવીએ છીએ તે જરાય ઘટ વિના જેમનું તેમ પાછું મળે છે ત્યારે મારો એમને નિયમિત પ્રસાદ ધરવાનો ઉત્સાહ વધતો ગયો. આ લાલજી મહારાજ પોતાના હાથમાંનો લાડુયે ખાતા નથી એ મને એક વાર ખૂબ અયોગ્ય લાગેલું ને મેં એમનો હાથ વાળવા રાક્ષસી ઉપાયો કરેલા તે યાદ છે. સારું થયું કે મોટાભાઈએ સમયસર પ્રવેશ કર્યો અને લાલજી મહારાજનો લાડુવાળો હાથ સલામત રહ્યો.

આ લાલજી મહારાજ મારા ખાસ સાથી. મારી અનેક વાતો એમણે સાંભળી હશે. એમણે બોલવાનું હોય તે પણ હું જ બોલી દેતો. એમણે તો માત્ર હું નવડાવું ત્યારે નાહવાનું ને હું સુવાડું ત્યારે સૂવાનું. આ લાલજી સાથે બીજા મિત્રો મારે હતા. પોપટ હતો, આગગાડી હતી ને એક ગોપગોપીની જોડીયે હતી. વળી ભીંત પણ મારી જિગરજાન દોસ્ત. આજેય એ ભીંત કાયમ છે; અલબત્ત, હવે એ મારી મૂક વેદનાની સાક્ષી થાય છે. એની સાથે વાત કરવાની ફાવટ મેં ગુમાવી છે. પોપટ તો ક્યારનોય મારા રમકડાંના દરબારમાંથી ઊડી ગયો છે. આગગાડીયે મને અહીંની અડાબીડતામાં અધવચ્ચે સૂના સ્ટેશનની જેમ ઝૂરતો છોડીને વિદાય થઈ ગઈ છે. બીજી આગગાડી આવશે કે નહીં તે કહેનાર અહીં કોઈ નથી. દશેરાની દબદબાભરી આખીયે સવારી ક્યારની ચાલી ગઈ છે; રહી છે ધૂળમાં એની અંકિત નિશાનીઓ. એ નિશાનીઓના આધારે ચાલી ગયેલી સવારીને ફરીથી હું અહીં ખડી કરી શકીશ?

આજે તો આ ધૂળ મને ખૂબ ગમે છે. જાણે નાતમાં ઘી-સાકરથી લચપચ હૂંફાળા કંસારની કથરોટમાં હું મારો હાથ નાખતો હોઉં તેમ આ ધૂળમાં હાથ નાખું છું. કશુંક મીઠું મીઠું હાથને અડે છે ને મનને એનો સ્વાદ લાગે છે. મન કોઈની નજરમાં લાપસીમાંથી ઘીની ધાર જેમ છૂટે એમ છૂટવા તરવરે છે.

૧૩-૮-૮૨


આજે હું કંજરીમાં નથી, કર્ણાવતીમાં – અમદાવાદમાં છું. અમદાવાદના માથેય આકાશ તો છે, પરંતુ પેલું કંજરીનું નહીં. આજનું મારું આકાશ તો ડહોળાયેલું છે, એ પેલા ઠાકોરજીની ચાંદીની ઝારીમાં ભરેલા યમુનાજલ જેવું સ્વચ્છ નથી. મારી અંદરના ને બહારના કંઈક ગરબડગોટાઓથી એ ખરડાયેલું છે. પેલા કંજરીના આકાશની તો વાત જ જુદી!

અમારા ગામમાં કોઈ નવું માણસ પ્રવેશે કે એનાં વમળ ગામ આખાને પલકમાં પહોંચી જાય. એવું જ શું અમારા કંજરીના આકાશનેય નહોતું થતું, નવું પંખી એની પાંખમાં આવતું ત્યારે? કંજરીમાં રહેવા મળ્યું તે દરમિયાન એવો એકેય દિવસ યાદ નથી, જ્યારે મારી આંખોને આકાશ સાથે કંઈ ને કંઈ ગુફતેગો ન ચાલી હોય. આકાશને ઘણું ઘણું કહેવાનું હતું અને મારી આંખોને ઘણું ઘણું સાંભળવાનું હતું. મેઘધનુષના સાત રંગ છે તો આકાશને સાતસો રંગ છે. કેમ જોવા એનો પ્રશ્ન છે. આકાશને સવારે જુઓ, બપોરે જુઓ ને તે પછી સાંજે જુઓ, મધરાતે જુઓ ને મળસકે જુઓ. વેળા વેળાની એની છટાઓ. છે, વેળા વેળાના એના રંગો છે. આકાશ કોઈ વાર સવારે મીનાકારી મુરાદાબાદી તાસક જેવું લાગ્યું છે તો ચાંદની રાતે રૂપાના થાળ જેવુંયે લાગ્યું છે. ઉનાળાની બપોરે ધધખતા સીસાના ચકરડા જેવું પણ એ ભાસ્યું છે. એ આકાશને ઉઘાડી આંખે જોવાની તો મજા છે જ, મેં મીંચેલી આંખેય એની મજા ચાખવા પ્રયત્ન કર્યો છે, ક્યારેક સૂરજ આડે હથેલી રાખી એની રતાશનો ચટકો પકડવાનોયે પ્રયાસ કર્યો છે. કેટલીક વાર અમારા ગામના બપોરી વેળાના શાંત તળાવનો પડઘો હોય એવું પણ આકાશ અમને લાગ્યું છે ને કેટલીક વાર પનિહારીઓની તાંબાપિત્તળની હેલોની આડશે એ ઝગારા મારતું લાગ્યું છે. ક્યારેક તો સમાધિસ્થ ચિત્તમાં કોઈ વિકારનો સંચાર થાય એ રીતે આકાશમાં કોઈ એકલદોકલ પંખીનો સંચાર થતો અનુભવ્યો છે.

આ આકાશ સાચે જ એક તિલસ્મી દેશ છે. એનેય મનાય છે કે, સાત પડ છે — એકની પાછળ બીજું, એ રીતે! ભગવાન આ સાત પડ કે પડદાઓની પાછળ રહીને મનમાન્યા વિવિધ ખેલ ખેલે છે. કોઈ વાર પાણીની કોઠીઓ પર કોઠીઓ ગગડાવે છે – ગબડાવે છે; ને બધું થઈ જાય છે જળબંબાકાર. કોઈ વાર એ સોનાની પિચકારી લઈ, અવનવા રંગોની શેડ છોડે છે ને બધું થઈ જાય છે રંગેબહાર. મને યાદ છે એક વાર નાનપણમાં મારા બનેવી સાથે પાવાગઢ જવાનું થયું. વહેલી સવારનું ચઢાણ. ચઢતાં ચઢતાં સૂરજ ઊગ્યો. આજુબાજુના પહાડની પૃષ્ઠભૂમિને સ્પર્શતા અભ્રિલ વિસ્તારમાં રંગોની એક અજાયબ પટલતા પ્રગટી. જાણે કોઈ સ્વર્ગભૂમિની રંગીન ફરસબંધી. મને ત્યારે વળી વળીને થતું, એકાદ વાર જો આ ફરસ પર પગલીઓ પાડવાનું મળે તો…! પણ મારો હાથ કડકમાં કડક ચાથીયે વધુ કડક એવા મારા બનેવીના હસ્તવજ્રમાં જકડાયેલો હતો. અને એ તો મિજાજેય એવા કે મારા મનનું પતંગિયું પંખામાં ખૂલવા ચાહે તોય ન ખૂલી શકે! પાવાગઢમાં રંગીન ફરસબંધીવાળો પ્રદેશ છે એવી ભ્રાંતિ મારા મુગ્ધ મનમાં સારો એવો લાંબો સમય સત્ય રૂપે ટકેલી ને પરાણે પાછળથી એ ટળી. ખરેખર ટળી છે?

મને કોણ જાણે કેમ, આકાશમાં હરતાફરતા રહેતા પદાર્થો ને સત્ત્વો માટે કોઈ નિગૂઢ આકર્ષણ રહ્યું છે. રાત્રે આકાશમાં ઊડતા આગિયાઓને પકડવા ને ખિસ્સામાં ભરી મિત્રોને ચમકાવવા માટે મેં સારી દોટંદોટ કરી છે. આકાશમાંની વાદળીઓની તો પૂંઠ જ પકડતો. એ તરતી – સરતી કોઈ મકાન કે ઝાડી પાછળ ઓઝલ થાય ત્યાં સુધી મારી નજરનેય દોડાવતો – કહો કે નજરને છોડતો, પતંગની સહેલમાં જેમ દોરી છોડવામાં આવે તેમ. વાદળીઓ ક્ષણે ક્ષણે જે નવતા ધારણ કરતી એનું મને અદમ્ય કૌતુક રહેતું. હું વાદળીની સતત ગતિશીલ રેખાઓમાંથી કોઈ પશુ, પંખી કે માણસનો ચહેરો તારવી લેવા મથતો, ને આવા રસિક કાર્યમાં અન્ય સાથીદારોનેય સામેલ કરતો.

જ્યારે ગ્રહણનો દિવસ આવતો ત્યારે મને એના પર ઊંડો અભાવો જાગતો. જાણે આકાશનું ગળું રૂંધવાની પેંતરાબાજીથી કોઈ દુષ્ટ મન સક્રિય થયું ન હોય! તે દિવસે ગ્રહણ છૂટે નહીં ત્યાં સુધી ઘરમાં કશાને અડાય નહીં. ખવાય-પિવાય નહીં. આપણે ઘરમાંથી છેક જ બહિષ્કૃત જીવ જાણે! પિતાજી, મા, બહેન વગેરે સૌ ભગવાનનું નામસ્મરણ કરતાં પડશાળ-ઓસરીમાં બેઠાં હોય. દાનધરમની વાતો ચાલે. સૂરજ કે ચંદ્ર કોઈનું અકાળે અવસાન થતાં સૌ સૂતક પાળવા તૈયાર થયાં હોય એવું મને તો લાગતું. મને આ જરાયે ગમતું નહીં. અમે આતુરતાથી ક્યારે ગ્રહણ છૂટે એની રાહ જોયા કરતા.

પરંતુ ગ્રહણ તો એની રીતે – એના સમયે છૂટવાનું. દરમિયાન અમારે શું કરવું? સૂર્યગ્રહણ હોય તો તો તે જોવા માટેની તૈયારીનો આનંદ ઠીક રહેતો. ક્યાંકથી ભાંગેલો કાચ શોધી લાવવો, તેને સરખો કરવો, સાફ કરવો, તેના પર મેશનું પડ ચડાવવું. કોઈ વાર એ ન બને તો કોઈ કથરોટ કે એવું વાસણ લઈ આવી એમાં પાણી ભરવું. ત્યાર બાદ ગ્રહણ લાગતાં જ એ નીરખવાનો કાર્યક્રમ ચાલુ થતો. અમે કોઈક રીતે ગ્રહણ જોઈને રહેતા ને તે મારાં મા-બહેન વગેરેને ગમતું નહીં. કહે: ‘સામે ચાલીને ખરાબ વસ્તુ જોવાનું કારણ?’ અને અમે ગ્રહણ કઈ રીતે ખરાબ એ પૂછતાં તો અમને ખુલાસા રૂપે સમુદ્રમંથનની કથા સાંભળવા મળતી. ઠીક ઠીક મોટી ઉંમરે રાહુ-કેતુ પાછળની ખગોળશાસ્ત્રીય ભૂમિકા સ્વીકારવાનું મારાથી બની શક્યું.

મને જો માસોમાં આસો ઉત્તમ લાગેલ છે તો આસોમાં મને આકાશ સર્વોત્તમ લાગે છે ને આકાશમાંયે ચંદ્ર. આસોનું આકાશ મને હંમેશાં સભર કમલસરોવર જેવું ચારુ-પ્રસન્ન લાગતું રહ્યું છે. ‘નિજમાં પરિતૃપ્ત મગ્ન’ કહેવું હોય તો એને કહી શકાય. અમને અનેક વાર થતું: આ આકાશમાં સહેલવા મળે તો કેવી મજા આવે! ચકલીઓ ફરક ફરક કરતીકને આ ડાળેથી પેલી ડાળે ને આ છાપરેથી પેલે છાપરે, એમ ચપળતાથી પહોંચી જતી તે અમે વિસ્મયમુગ્ધ થઈને જોતા. અમને ચકલીઓ અમારાથી ખૂબ નસીબદાર લાગતી. નહીં લેસનની લપછપ, નહીં કમાવાની ખટપટ; બસ, મન થયું ત્યારે ઊડ્યાં, મન થયું ત્યારે ચણ્યાં ને મન થયું ત્યારે ગાયું. નહીં રસ્તાઓની જાળઝંઝટ; નહીં વાહનોની પળોજણ. શું એવી કોઈ જડીબુટ્ટી ન મળે જે ઘસીને પીતાં આપણે બલૂન જેવા હલકાફૂલ થઈને મનની મોજ પ્રમાણે ઊડી શકીએ? મને સૂર્ય વિના, તડકા વિના, ઉઘાડ વિનાય ભાર ભાર લાગતો હોય છે ને પેલા સૂર્યમુખીને છે એવો જ મનેય પ્રેમ છે સૂર્ય પર; પણ મારો પક્ષપાત, મારી આસક્તિ તો ચંદ્ર માટે જ. ચંદ્ર શ્યામ હોત તો પણ હું એને જ ચાહત. ચંદ્રમાં કંઈક એવું છે જે મને મૂળમાંથી ખેંચે છે. કદાચ મારી ત્રણ નાડીઓ ઇડા, પિંગલા ને સુષુમ્ણામાં ઇડા સવિશેષ બળવાન હશે! ચંદ્રને જોતાં કદી મને થાક લાગ્યો નથી. ચંદ્રમાં સસલું છે, હરણ છે કે રેંટિયો કાંતતી વૃદ્ધ ડોશી છે એ આજેય, ચંદ્ર પર અવકાશયાન ઊતર્યું તે પછી પણ, હું નક્કી કરી શક્યો નથી. ચંદ્રને મેં , ભગવાનની – ખાસ તો બાલકૃષ્ણની જમવા માટેની ચાંદીની થાળી જેવોય માન્યો છે અને ગોકુલમાં ગેડીથી રમવા કામ લાગે એવો દડોય માન્યો છે. એને ‘ફૂટબૉલ’ માનવાનો તો મારો સાફ સાફ ઇનકાર છે.

આ ચંદ્રની સ્નિગ્ધ નજર હેઠળ ખેલવા – કલ્લોલવાનો કોઈ જુદો જ આનંદ હોય છે. અમને ચાંદની હોય તો ધૂળમાં બેસવાની ને ક્યારેક તો તેમાં આળોટવાની મોજ આવતી. જેમ ધૂળ પાણીથી ભીની થાય છે તેમ ચાંદનીથીયે ભીની થતી હશે! અમને હંમેશાં ચાંદનીમાં ધૂળ જુદી જ લાગી છે. ચાંદનીની ધૂળ તડકાની ધૂળથીયે જુદી જ હોય છે!

આસો માસ હોય, એમાંયે ચારુદત્તના ચહેરા જેવો ચંદ્ર આકાશે ચઢ્યો હોય, ખુલ્લો ચોક હોય ને એમાં સરખી સાહેલીઓ ટેળે વળી હોય – એ દશ્યનો સ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણે. ચંદ્રને જોઈએ ને આપણા રક્તમાં કશુંયે ન થાય એમ બને ખરું? ચાંદનીની સાથે જ ઘટ ઘટમાં કશુંક હેલે ચઢે છે.

અમારી વૈષ્ણવ હવેલીમાં શ્વેત આરસ-ચોકમાં, ચાંદનીના સ્નિગ્ધ ઉજાસમાં, શ્વેત સજાવટ વચ્ચે, ચાંદીના બંગલામાં દ્વારકાધીશનું શ્યામ સ્વરૂપ વિરાજમાન છે. શ્વેત વાઘા, માથે મોતીનો સહેરો, અલંકારો પણ મોતીના, ચાંદીના કટોરામાં દૂધ-પૌંઆનો પ્રસાદ, શ્વેત રંગની એક ગૂઢ અને શુચિ-સ્વચ્છ દ્યુતિ ઉલ્લસિત ભાવે ઝલમલે છે. વાતાવરણમાં ચાંદનીનું કપૂર મઘમઘે છે. બધું જ ચાંદનીનું, ગાયો ને યમુના, ગોપ ને ગોપી – સૌ ચાંદનીમય. ચાંદનીનો જ રાસ! એ રાસના ઉછાળામાં નટરાજ શંકર ન ભીંજાય એમ બને? ઘીના દીવાના આછા ઉજાશમાં, ચંદનની શીળી મીઠી મહેકમાં, ગભારાની પ્રસન્ન ભાવે થરકતી તિમિરાળી શાંતિમાં ચાંદનીનો કોઈ ઊંડો અમલ ઘૂંટાઈ ઘંટાઈને સ્ફુરતો ન હોય જાણે! અમે સૌ જાણતાં-અજાણતાં આ અમલમાં મહાલતા. અમે કોઈ પોયણાની જેમ અંદરથી અમને ઊઘડેલા પ્ર-માણતા.

આવી શરદપૂનમની રાત પસાર કરવા માટે ઘરમાં સૌથી વધુ અનુકૂળ આવે અગાશી. ‘આકાશી’ પરથી જ આ ‘અગાશી’ નામ તો નહીં સૂઝ્યું હોય ને? ઘરને જેમ ધરતીમાં મૂળિયાં જોઈએ તેમ એના માથે આકાશ પણ જોઈએ, નહીંતર ઘર અપંગ – આંધળું થઈ જાય. અમે એવા અપંગ-આંધળા ઘરનાં નિવાસી નહીં જ. અમે તો વરસાદ આવે ત્યારે કાં તો નેવા તળે પહોંચીએ, નહીંતર અગાશીએ. શું ચૈતરની ચાંદનીમાં કે શું શરદની ચાંદનીમાં, મનને ધરવ વળે આકાશપ્રિયા અગાશીમાં જ. એના ખોળે બેસી અમે અનેક રમતો રમતા. અડકોદડકો, ઇતીકીતી, બાઈ બાઈ ચાળણી, લંગડી ને એવી કંઈક. અમારી રમતે અગાશી ધમધમે, પણ ઉત્સવના દિવસોમાં પિતાશ્રીની મહોરેલી ઉદારતા આ બધું વેઠી લેતી. એટલે અમારી આ બધી રમતો નિર્વિઘ્ના સંવિત્‌થી ચાલતી. તે દરમિયાન અમારી નજર, માએ દૂધ-પૌંઆ ભરેલી તપેલી અગાશીમાં સલામત ઠેકાણે ચાંદનીમાં ઠારવા માટે રાખી હોય, ત્યાં પણ રહેતી જ. ઊંઘ તો આંખમાં ડોકાય જ શાની? અંતકડી ને ગીતો – ભજનોયે ચાલે. નાની છોકરીઓ ગરબારસ પણ ચલાવે ને અમે હનુમાનજીના કુલદીપકો આવા ગરબારાસમાં અમારી એકબે વાનગી એમની અનિચ્છા છતાં ઉમેરવાનું ચૂકીએ નહીં. ગરબો બરોબર ચાક પકડે ત્યાં અમારામાંથી કોઈને એકાએક વઈ અાવે ને પડે. બધા ગભરાય ત્યાં એ હૂપ કરતોકને સ-ઠેક બેઠો થઈ છટકી જાય. ક્યાંક અંતકડી ચાલતી હોય ને અમારો સાગરીત સલામત અંતરે રહીને બુલંદ રીતે ‘પ્રૉમ્પ્‌ટિંગ’ ચલાવે. આવાં થોડાંક આસુરી તોફાનો સિવાય અગાશીમાંનો અમારો સંસ્કારકાર્યક્રમ સુપેરે ચાલતો, ને એની સ્વાદિષ્ટ પૂર્ણાહુતિ રૂપે પેલો દૂધપૌંઆનો પ્રસાદ આવી લાગતો.

એ દૂધ-પૌંઆ આરોગવાનો વિધિ હોય છે. કૃષ્ણે સુદામાના પૌંઆ, ગાયોનું દૂધ છતાં લુખ્ખા લુખ્ખા મુઠ્ઠી ભરીને ખાવાની ભૂલ કરી; આપણે તો ન જ કરીએ! અમે તો માં ગમે તેટલા દૂધ-પૌંઆ ગળ્યા કરીને આપે, પણ એને મોળા કહીને વધારાની ખાંડ ઉપર લેવાના જ. વળી આ દૂધ-પૌંઆ કંઈ પડિયા કે પિત્તળ કે કાચની ડિશમાં ઓછા જ લેવાય? એના માટે તો ચાંદીની જ વાટકી જોઈએ. અમારા ઘરમાં ચાંદીની વાટકી ઠાકોરજી માટે જ અનામત રહેતી તેથી અમારે નાછૂટકે જર્મનસિલ્વરની વાટકી સ્વીકારીને ચિત્તનું સમાધાન કરવું પડેલું. અમે જર્મનસિલ્વરની વાટકીમાં જેવા દૂધ-પૌંઆ પીરસાય કે તુરત જ વિના વિલંબ એને મુખમાં પધરાવી દેતા. અમારી વાટકી એથી ઊણી જ રહેતી ને મા દૂધ-પૌંઆ આપતાં થાકતી. છેવટે તપેલીનું તળિયું આવી લાગતું. ચમચાના અથડાવાથી તેનું ખાલી તળિયું કરુણ સ્વરે કણસતું ને ત્યારે અમારી દૂધ-પૌંઆની ભૂખ-તરસ તો ભીતર ઘીથી હોમાયેલા અગ્નિની જેમ ભડભડતી જ હોય. માય આવી સ્થિતિ આવતાં જરાક લેવાઈ ગયા જેવી થઈ જતી. બિચારી ગમે તેટલા દૂધ-પૌંઆ કરે, પણ ખૂટે જ, અમારા જેવા ગળપણખાઉ બાલદેવતાઓના કારણે. ત્યાં જ અમારા પડોશમાંની ગૌરી વહારે ધાતી. એ એની રઢિયાળી ઓઢણી તળે ઢાંકેલો દૂધ-પૌંઆ ભરેલો મોટો વાટકો લઈને હાજર થઈ જતી. હસતાં હસતાં કહેતી: ‘લો માશી, આપો આ આમને!’ મારું નામ તો લુચ્ચી બોલે જ શાની? મા એ દૂધ-પૌંઆ લેવા કે નહીં એ વિશે વિચારતી હોય ને ગૌરી તો તુરત જ અમારા ખાલી વાટકા એના દૂધ-પૌંઆથી ભરી દે. માની આંખ જરા ભીની થાય. બસ, એટલું જ. આવા પ્રકારના અનુભવ અનેક થયા છે. એવી કેટલીક શરદપૂનમો જરૂર આવી છે જે ગૌરીના દૂધ-પૌંઆએ વધુ સ્વાદિષ્ટ અને વધુ ઉજમાળી થઈ હોય.

પણ એ ગૌરીએ પણ એક અમાસને વહાલી કરી. એવી શરદપૂનમ પણ આવી જ્યારે મા હતી, ચંદ્ર હતો, અમે હતા, દૂધ-પૌંઆ પણ હતા; પણ પેલી ગૌરી નહોતી. એ ગૌરીની લીલી ઓઢણીનો ફરકાટ, એનું મોહક નિર્દોષ હાસ્ય, એના ચરણનો થનગનાટ – બધું આજે કેવળ સ્મૃતિમય બન્યું છે. ગૌરીએ અંચઈ કરી; મારી બેઅદબી કરી. મેં એને માગેલી ભિલ્લુ તરીકે, પણ ત્યારે જ એ હાથતાળી દઈને છટકી ગઈ. ટીખળી ખરી સ્તો!

ક્યાંક છુપાઈ હશે ચંદ્રના ચહેરા આડે, આકાશના પડદા પાછળ કે મારા જ એકાંતમાં એના કોઈક ખૂણાનો અંધાર ઓઢીને ગુપચુપ. એ ભલે દેખાતી નથી, પણ મને એ દેખતી હશે જરૂર. એ ભલે બોલતી નથી, પણ મારી વાત એ સાંભળતી હશે જરૂર. જરૂર એ હસતી હશે મારી આ લખવાની ચાપલૂસી પર. પણ એ મને છેક જ છોડી દઈ શકે ખરી? હું નથી માનતો. એ ક્યાંક મારી હદમાં હશે, કદાચ કોઈ નવા ચહેરે, કોઈ નવા રૂપે, કોઈ નવી ભૂમિકામાં. એ ક્યા વેશે હવે ઉપસ્થિત થાય એ કહેવાય નહીં ને તેથી જ મારે એના અણધાર્યા મીઠા મુકાબલા માટે વધુ જાગૃતિથી અને વધુ ખબરદારીથી શેષ જિંદગીનો મોરચો જાળવવાનો રહે છે.

જેને હું મારા પવિત્ર એકાંતનું સત્ય લેખું છું, જેની કોઈ પણ પ્રકારની જાહેરાત હું છેક જ નાપસંદ કરું તેનું જ નામ મારાથી જાહેર થઈ ગયું! સાચી વાત છે, જે હૈયે હોય તે કોઈક રીતે તો હોઠે આવે જ. ગૌરીની વાત મારે છેડવી નહોતી ને છેડાઈ. તો હવે એ વાત શા માટે બેપાંચ વાક્યમાં બાંધી રાખવી? એની તો એક રમણીય નવલ થાય એટલી વાતો છે, વાત અહીં છેડી જ છે તો થોડી વિસ્તારથી તો કરું જ.

હું પુનર્જન્મમાં માનું છું, કર્મફળમાં માનું છું, ઋણાનુબંધમાં માનું છું, કેમ કે હું જગત અને જીવનના સાતત્યમાં માનું છું. એક ચહેરો એકાએક ચમકે છે, સ્મરણપટ પર છપાઈ જાય છે ને અદૃશ્ય થઈ જાય છે. વર્ષો પછી કોઈ જુદા જ પરિવેશમાં કે સંદર્ભમાં એ ફરી વાર પ્રત્યક્ષ થાય છે – કોઈ અનોખી રીતે. આને શું કહેવું? ઠીક ઠીક સમય પાડોશમાં રહેલ બે જણ વર્ષો પછી રેલવેના એક ડબ્બામાં આકસ્મિક રીતે જ ભેગાં મળી જાય તો એને શું કહેવું? ઋણાનુબંધ જ. ગૌરી સાથેનો મારો સંબંધ તેય ઋણાનુબંધ જ. એ ગૌરીનો આજે વિચાર કરું છું ત્યારે કેવી લાગણી થાય છે? જાણે વરસોથી અમે સાથે રહીએ છીએ એક જ ઘરમાં – કદાચ એક જ ખોળિયે! એ જો સામે હોય તો હું એને મારા અંતરની રજેરજ વાત કરું જ. ન કરું તો મને જ ભાર લાગે! હું જ મૂળમાંથી બેચેન બની જાઉં. ગૌરીને તમે મારા જીવનની ‘મિથ’ કહી શકો. મારું ‘દિવાસ્વપ્ન’ કહી શકો. મારી વણ-પુરાયેલી અપેક્ષાઓની, વણ-પુરાયેલ આદર્શોની પ્રતિમા’ એને કહી શકો. ગમે તે કહો, મારે મન એ વાસ્તવિકતા છે. આજે સદેહે અહીં ક્યાંય નથી ને છતાં હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી ‘એ નથી’ એમ કહેવાની મારી તૈયારી નથી. ધૂળમાંની મારી પગલીઓમાં એનીય પગલીઓ ભળી ગયેલી છે. મારી ધૂળમાંની પગલીઓમાં જે કેટલુંક મને રમણીય ભાત રૂપે દેખાય છે (આપને એવું દેખાય કે ન દેખાય!) તેમાં મને ગૌરી જ કારણભૂત લાગે છે. કેટલુંક તો એનું જ ચલાવ્યું હું ચાલ્યો છું એમ મને લાગે છે ને તેથી જ એની વાત વિના મારું આ ધૂળિયા મારગનું ટચૂકડું પુરાણ મને તો અધૂરું જ દીસે.

મારી એક મુગ્ધ માન્યતા છે કે ગતિમાત્રના મૂળમાં વિરોધ – સંઘર્ષ – ખેંચાણ – તણાવ – જેવું કોઈક તત્ત્વ સક્રિય હોય છે. પુરુષની ગતિના મૂળમાં સ્ત્રીની તો સ્ત્રીની ગતિના મૂળમાં પુરુષની ચુંબકીય હસ્તી મને કારણભૂત લાગે છે. ધન અને ઋણ વિદ્યુતનાં સંચારકેન્દ્રો રૂપે હું પુરુષ અને સ્ત્રીને જોઉં છું. બંનેનું હોવું, હોવાથી મળવું, મળવાથી છૂટા પડવું ને છૂટા પડવાથી મળવું – આમ એક ક્રિયા-અનુક્રિયારૂપ – ક્રિયાપ્રતિક્રિયારૂપ ઘટનાપરંપરા અવિરતપણે ચાલતી જ રહી હોય છે. સ્ત્રી અને પુરુષ સંસારની એક રાસાયણિક પ્રક્રિયાનાં બે પ્રબળ ઘટકતત્ત્વો છે. એથી સાંસારિક ગતિપરિવર્તનનો એક સંકુલ જીવનપટ અસ્તિત્વમાં આવે છે. અનેક વાર મને થાય છે કે જેમ સૂર્યમંડળો કે ગ્રહમંડળોની, તેમ આપણાં સ્ત્રી-પુરુષ-મંડળોનીયે આકર્ષણ-અપાકર્ષણ પર નિર્ભર એક અટપટી સૃષ્ટિ છે. એ સૃષ્ટિનો મર્મ મરજીવાઓ જ પામી શકે, તીરે ઊભેલાઓ, કુશકીખાઉઓ નહીં.

ગૌરીનેય હું ઉપર્યુક્ત સૃષ્ટિના જ એક આધારબિન્દુ રૂપે પ્રતીત કરું છું. એનું એક વિશિષ્ટ આકર્ષણ મારામાં હજુયે ટકેલું, બલકે વિકસેલું અનુભવું છું. ગૌરી આજે શરીરની મર્યાદામાં ક્યાંય નથી, ને છતાં જે એક બાલસહજ નિર્દોષ પ્રીતિસંબંધ એની હયાતી દરમિયાન આરંભાયો તે એની ચિરવિદાય પછી પણ અનવરત વિકસતો જ રહ્યો છે. કહો કે ગૌરી આજે વધારે રહસ્યમયી બની છે, વધારે વ્યાપક અને સૂક્ષ્મરૂપા બની છે. એની સાથેનો સંબંધ મારા અંતઃપુરમાં વધુ ને વધુ અધિકારપૂર્વક પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. એના ચહેરાનો અણસાર જ્યાં જ્યાં મને વરતાયો છે ત્યાં ત્યાં મારું મન કોશેટો બાંધતું રહ્યું છે ને એમાંથી મારી કવિતાના રેશમી તાર અનાયાસ નીકળ્યા છે. મારો આનંદ પણ નાજુક રંગીન પાંખો ફરકાવતો એ કોશેટામાંથી લીલાભાવે વિસ્તર્યો છે.

કદાચ ગૌરીની જાણબહાર, મારા વિકાસ સાથે જ એનો વિકાસ અનવરુદ્ધ ચાલતો રહ્યો છે. બાળપણમાં ચારપાંચ પગલાં (પૂરાં સાત તો ક્યાંથી?) સાથે ચાલીને ધૂળિયા રસ્તાના કોઈ વળાંકેથી એ તો પરીની જેમ પાંખ ફફડાવતીકને ગાયબ થઈ ગઈ, પરંતુ તે પછી તે મારા રસ્તાના હરેક વળાંકે કોઈ અવનવે રૂપે હસતી, કૂક કરતીકને ચમકી છે. એને મેં સદેહે તો ફરાકમાં ને ચણિયાચોળીમાં – ઓઢણીમાં જોયેલી, પરંતુ પછી તો કોઈ પણ પોશાકમાં એને હું જોઈ શકું એવી અનુકૂળતા એણે મને બક્ષી છે. એને સાડી કે જીન્સ, વેણી કે રિબન – સર્વ બરોબર શોભે છે. જાણે કે કોઈ પણ દેશ-કાળને અનુરૂપ એવું એનું નમનીય સૌંદર્ય છે, એનું વ્યક્તિત્વ છે.

આજે એ ગૌરીને મારાં સ્વજનો – સ્નેહીઓમાં, અરે, મારામાંયે કોઈક ને કોઈક રીતે રહેતી-રમતી હું અનુભવું છું. મારામાં એ જ્યારે હસે છે, ત્યારે હું આનંદવિભોર બની જાઉં છું ને એ જ્યારે ઉદાસ થાય છે કે શૂન્યમનસ્ક બને છે ત્યારે હું ફ્યૂઝ ઊડી ગયા પછીના વીજળીના ગોળા-શો બની જાઉં છું. ક્યારેક મીંચેલી આંખમાં આ દૃશ્ય ધસી આવે છે! એક વિશાળ સ્ટેડિયમમાં લાંબી પગથાર પર ગૌરી હથેલીમાં એનું મુખકમળ ડુબાવીને સાવ ગ્લાનિમય મૌનમાં ખોવાયેલી બેઠી છે. એને એ રીતે જોતાં જ રમતની પિચ પર ઊભેલો હું એમ જ અટકી પડું છું. મારા હાથમાં બૅટ હોય છે, પણ તે જમીનથી અધ્ધર થતું નથી. બૉલ મારી પાસે આવતાં જ સંકોચાઈ – દબાઈને બેસી જાય છે. હું વગરરમ્યે આઉટ થઈ ગયાનો, હારી બેઠાનો ભાવ અનુભવું છું. હમદર્દ મિત્રો ત્યારે પૂછે છેય ખરા, ‘કેમ આમ સાવ ‘મૂડલેસ’ બની જાય છે? શું થાય છે?’ હું શો જવાબ દઉં? મારો જવાબ, મારી ભાવુકતા, ઊર્મિલતા કે ઘેલાઇના જ ઉદ્ગારરૂપ કદાચ લેખાય. ગૌરી સાથેના મારા નિદૉષ આધ્યાત્મિક, નિગૂઢ-સંકુલ સંબંધનો મર્મ યથાર્થ રીતે એમનાથી પકડાશે ખરો? મને આવી પરિસ્થિતિમાં મૌન જ સલામત લાગે છે. કોઈ બૅટ્સમૅન એના હાથમાં ગ્લૉવ્ઝ, પગનાં પૅડ વગેરે કાઢી ‘અર્લી રિટાયરમેન્ટ’ લઈ પેવિલિયનમાં પાછો ફરીને ત્યાં કોઈ નેતરના મૂડામાં ક્યાંક ઊંડે ડૂબી રહે એમ મને પણ મારી બધીયે ઇંદ્રિયો – આંખ, કાન, જીભ વગેરે સંકેલી લઈને મનનો પંખો બંધ કરી, ક્યાંક નાની-શી બચેલી બખોલના અવકાશમાં ડૂબી રહેવાની તીવ્ર ઇચ્છા થાય છે. ત્યાં હું કોઈથી, મારા વિચારોથીયે મને ખલેલ ન પહોંચે એમ ચાહતો હોઉં છું.

પરંતુ વિચિત્રતા એ સર્જાય છે કે જ્યારે હું મારા નીરન્ધ્ર એકાન્તમાં મને રોપવા માટે મથતો હોઉં છું ત્યારે જ મારા ચરણ તળે, મારા મસ્તક તળે, મારી કરોડરજ્જુમાં એક ઉત્કંપ શરૂ થઈ જાય છે. ગૌરી મારી આ મનઃસ્થિતિ જાણે વેઠી શકતી ન હોય એમ મનની કોઈ કોરી રહી ગયેલી જગાએથી તોફાની લહેરખીની રીતે પ્રવેશે છે. મારાં સર્વ આવરણોને એ ખેંચી કાઢે છે, મારી બધીયે બંધ સ્વિચોને એ પટાપટ પાડીને મારા એકાંતને ઝાકમઝોળ કરી દે છે. મને જાણે કોઈ મીઠી ગલીપચીની સંવેદના થાય છે. તપેલીના તળિયે ચોંટેલી બળેલી પોપડીઓ કોઈ તવેથાથી ઊખડતી હોય એમ મારીયે અનેક પોપડીઓ એની મીઠી તીક્ષ્ણ નજરથી ઊખડતી જાય છે. હું જાણે કાયાકલ્પ – મનઃકલ્પ પામું છું. મારા હાથમાં ફરીથી સ્ફૂર્તિ ઊછળે છે. ફરીથી હું બૅટ લઈ મેદાને પડું છું ને શરૂ કરું છું મારી અધૂરી રહી ગયેલી રમત. ગૌરી ત્યાં પૅવિલિયનમાં બેઠી મારા એકેએક રનને ગણે છે, ને હું પોરસાઉં છું. મારા હાથપગ થાકે છે પણ હું રમતનું મેદાન છોડવાનું નામ પણ લેતો નથી. છેવટે અંધકારના અવતરણનો પ્રારંભ થાય છે, ગૌરી બધા મલાજા છોડી રમતના મેદાન પર ધસી આવે છે, મારા હાથમાંથી બૅટ ખૂંચવી લે છે ને હું ગરમગરમ હાથે બૉલને ઉછાળતો એની પાછળ પાછળ પૅવિલિયન તરફ પગલાં ભરું છું.

ગૌરી મારી પરમ શુભેચ્છક — હિતચિંતક રહી છે. મને યાદ છે બોરવાળા પ્રસંગો. ગૌરીને બોર ખૂબ ભાવતાં. મને એ કહે, પેલી તલાવિયાની બોરડી પર મજાનાં બોર લાગ્યાં છે.’ ને હું એ વાતનો મર્મ તુરત જ સમજી જતો. સાંજે એના પગ આગળ મારાં ખમીસ-ચડ્ડીનાં બધાંયે ખિસ્સાં ઠાલવતો. લિસ્સાં, ચમકતાં બોર. શબરીની જેમ હું ચાખીને નહોતો લાવતો એટલું જ. ગૌરી બોર લે. ચાખે અને એની આંખોમાં આનંદની ચમક ચેતે કે તુરત હું એનો સ્વાદ મનમાં ઉતારતાં કોળી ઊઠતો – જાણે મને કાંટાળા છોડ્યનેય ગુલાબની જેમ બોર ફૂટતાં ન હોય! એક વાર આમ બોર ચાખતાં જ એની નજર મારા હાથ પર ગઈ. હાથમાં કાંટા વાગ્યાના અહીંતહીં થોડા રાતા ડંખ હતા. પછી તો ગૌરીએ મારી પાકી ચકાસણી કરી! મારા હાથપગમાં ક્યાં ક્યાં ઉઝરડા પડ્યા છે, કાંટા વાગ્યા છે તે બારીકીથી જોયું; ને પછી તો કદીયે ગૌરીએ મને બોર લેવા જવા દીધો નથી. મારે બોર જોઈએ તો એ ઘરમાંથી પવાલું ચોખા લઈ આવી, એના સાટામાં બોરવાળી પાસેથી મને એ અપાવે – પાછું એનાં ને મારા ઘરનાં કોઈ આ અપાવ્યું ન જાણે એવી કલામય રીતે!

ગૌરી મારો ભણવામાં ઊંચો નંબર આવે તો રાજી રાજી થતી. પોતાનાથી થઈ શકે એવી નાની નાની બાધાઓ પણ રાખતી. એક વાર મને તાવ આવ્યો ત્યારે અઠવાડિયા સુધી તેણે તુલસીપૂજન કરેલું ને તેય કશી ધમાલ વિના, સરખેસરખા મિત્રોમાં જ્યારે વાદવિવાદ કે પક્ષાપક્ષી થાય ત્યારે ગૌરીનો મત અચૂક મારા પક્ષે જ હોય. ગૌરી ક્યારેક મારે ખાતર બીજાઓને વઢવાયે જતી, ને એક વાર તો એની માએ પણ કહેલું કે ‘એ ભગતકાકાના દીકરા માટે તું શું કરવા ભૂંડાપો વહોરે છે? નકામી પારકી પંચાત કરવી?’ ત્યારે… ત્યારે ‘પારકી પંચાત શેની?’ એટલું કહીને એ શાંત રહેલી. આ વાત પણ ગૌરીના ભાઈએ મને ન કહી હોત તો હું કંઈ ગૌરીમુખે તો જાણવા પામત જ નહીં.

ગૌરી મારાથી બેએક વરસ મોટી. ગોળ ચહેરો. નાજુક બાંધો. ભીનો વાન. નમણું નાક. આંખો અત્યંત સ્વચ્છ ને પારદર્શક. એનામાં એવું કશુંક હતું કે જેના કારણે ભાગ્યે જ કોઈને એના પ્રત્યે અભાવો થતો કે એને નારાજ કરવાનું મન થતું. એને સૌનું કામ કરી આપવાનો ઉમંગ. પોતાના માટે તો વઢે જ નહીં. પણ અન્યાય કે જૂઠ લાગે ત્યાં બેલાશક બાખડી ભીડે. ભયને ઓળખતી નહીં. ઉંમરના પ્રમાણમાં એની પ્રૌઢિ ને સમજ ઘણી વધારે લેખાય. કોણ જાણે કેમ, પણ એને સૌથી વધારે મારી સાથે ગોઠતું. મનેય જે દિવસે એને હું જોઉં—મળું નહીં તે દિવસે જરાયે ન ગમતું, એ દિવસ દુર્દિન લાગતો. એક વાર એ એનાં માસી સાથે દસ-પંદર દિવસ બહારગામ ગઈ ત્યારે ભર્યા કુટુંબમાં હું સાવ એકલો પડી ગયો હોઉં એવું મને લાગ્યા કરતું. એ ગૌરી જ્યારે સદાય માટે વિદાય થઈ ત્યારે મારું કેટલુંયે એની સાથે લઈ ગઈ ને કેટલું મારું અહીં હવે બચીને રહ્યું તેનો હિસાબ માંડવાની મારી હિંમત કે તૈયારી નથી.

આ ગૌરી સાથે પણ મારો એક બીજી રીતનોયે સંસાર હતો, અલબત્ત, બાળપણનો – રમતનો. એ સંસારમાં ગૌરીનું એકચક્રી શાસન હતું. ગૌરી જે રમત નક્કી કરે તે રમાતી. મને એ જે કામ સોંપે એ મારે કરવાનું રહેતું. અમે કલાકોના કલાકો અમારા ઘર પાછળના વાડામાં, ખાટલાઓના પાર્ટિશન આડે ઘર ઘરની રમત ચલાવતાં. શેઠ તો હું જ. શેઠથી માંડીને વેપારી, દરબાર, મુખિયાજી, લુહાર, સુથાર, દરજી, હજામ, કુંભાર, ઢોલીડો કે ભિખારી સુધીનાં જૂજવાં પાત્રો મેં સફળ અદાકારીથી શોભાવ્યાં છે. નિશાળમાં જે પાઠ ભણાવાતા એનોયે લાભ અમે રમતોમાં લેતાં. એક વાર ગૌરી, સુનીતિ અને સુરુચિ બેય બનેલી ને મને ધ્રુવ બનાવેલો. તે દિવસે તો તે લુચ્ચીએ મને એક પગે ઊભો રખાવીને મારી ઠૂંસ કાઢી નાખેલી! બીજી એક વાર પૃથ્વીરાજ ને સંયુક્તાના સ્વયંવરની રમત માંડેલી. તે વખતે ગૌરી સંયુક્તા બની હતી. હું પૃથ્વીરાજ. પૃથ્વીરાજે સંયુક્તાને બે હાથે ઉપાડી લઈને, તેનું હરણ કરવાનું – આ એનો આગ્રહ! (ક્યાંક નાટક કે રામલીલામાં આવું જોયું હશે એણે!) મારે એ ભારેખમ કર્મ કરવું પડેલું ને ત્યારે એ જે ખિલખિલાટ હસી છે… એક વાર અમે બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ની રમત માંડી. યશોધરા થઈ પોતે ને બુદ્ધ થવાનું મને કહ્યું ને તે સાથે જ મારે કેવી રીતે ‘મહાભિનિષ્ક્રમણ’ કરવું તેની ઝીણવટભરી સૂચનાઓ પણ એણે જ આપી! હું કૃષ્ણ હોઉં ને એ ગોરી રાધા, હું વર હોઉં ને એ વહુ – એ તો ‘ગોઝ વિધાઉટ સેઇંગ!’ – એ રીતે તો કંઈ કેટલીયે વાર અમે રમ્યાં હોઈશું. હું ગોવાળિયો થાઉં ને એ ગાય દોહે, હું ખેતર ખેડું ને એ ભાત આપવા આવે, હું કમાવા જાઉં ને એ રાંધે – આવું તો અવારનવાર રમીએ. મને યાદ છે કે એક વાર હું ઑફિસેથી કમાઈને ઘેર આવ્યો. ગૌરીએ થાળી પીરસી. મને કહે: ‘લો, આ રોટલા.’ મેં કહ્યું, ‘રોટલા કેમ કર્યો? મારે રોટલી જોઈએ.’ ગૌરી કહે, ‘ઘરમાં ઘઉં જ નથી, રોટલી કેવી રીતે કરું!’ પાટલો પછાડીને ગુસ્સાભેર ઊઠી ગયો. માથે થેલીમાંથી બનાવેલી ટોપી પહેરી, કોટ ચડાવીને ચાલવા માંડ્યો. ગૌરી દોડીને આવી. હાથ પકડીને કહે, ‘બેસો, બેસો. મારા સમ. તમે રોટલા સાથે ઠાકોરજીનો પ્રસાદ લો.’ ને સમાધાન કર્યું, જમ્યો ને પછી આડે પડખે થયો. આ રમતમાં રોટલા ગોળ ઠીકરાંના હતા ને રોટલી બનત તો તેય ગોળ ઠીકરાંની જ બનત એ મારે સ્પષ્ટ કરવું જોઈએ. જોકે, અનેક વાર બપોરના મળતા નાસ્તાનોયે ઘર ઘરની રમતમાં કલામય રીતે વિનિયોગ થતો ખરો! અનેક વાર અમારી રમતમાં મંદિર પણ આવતું. હું બે ખાલી ડબલાં લઈ આવી, તેનાં નરઘાં બનાવી, એ વગાડતો. મારા પિતાશ્રીની રીતે કીર્તન કરતો ને ગૌરી મંજીરાં વગાડતાં એ ઝીલતી. એક વાર કીર્તન બરોબર જામેલું. હું ને ગૌરી એમાં તન્મય હતાં, ને ત્યાં મને શું સૂઝ્યું તે મારા પિતા મારી માને જે અદાથી કહેતા એ અદાથી મેં ગૌરીને કહ્યું, ‘જમુ, જરા જળ લાવજો, ગળું સુકાય છે!’ ને ગૌરી જેવી જળ લાવવા ઊભી થઈ ને પાછળ જુએ તો મારી બા! એ દિવસે એય ‘મૂઆ રડ્યાં, આ છોકરાં શું કરે છે!’ કહેતીક હસી છે… આ આખી કથા પછી તો ઘરનાંને બ્રહ્માનંદસહોદર આનંદ આપનારી થઈ પડી. તે દિવસે શરમની મારી એ એવી તો લચી પડેલી કે ન પૂછો વાત. આજેય રાતાચોળ લચકાલોળ શેતૂરને જોઉં છું ને પેલી લજ્જાનત ગૌરીની યાદ આવે છે. ભીના વાનમાંયે એની લજ્જાની શ્રી અપૂર્વ રીતે ઊઘડતી હતી.

કોઈ વાર આ ગૌરી ગોપી થાય ને ઘરમાં વલોણું કરે. અમે કૃષ્ણ-ગોવાળિયાઓ એના ઘરમાં ઘૂસીએ. માખણ લૂંટીએ. સાથેના કેટલાક દોસ્તો માંકડાની રીતે હૂપાહૂપ ને કૂદાકૂદ કરે. ભારે ધમાલ મચે. આસપાસનાં ઘરોમાં વડીલોને બપોરની મીઠી નીંદરમાં રસક્ષતિ પહોંચે ને એ અમને ધમકાવે. અમે સૌ ભાગીએ. ગૌરીએ ઉપરણાની સાડી કરી હોય, તેનો છેડો છૂટી જઈને ધૂળમાં રોળાય. મારું પચિયું ઓટીમાંથી ખસી જાય ને અમે ગોપી-કૃષ્ણની લાજ રાખવાની પાંચાલી રીતિની મથામણમાં ઠીક ઠીક મૂંઝવણ ભોગવતાં માંડ ક્યાંક સલામત – ‘નો મૅન્સ લેન્ડ’માં પહોંચીએ.

અમારી આ ઘર ઘરની રમતમાં કઈ વસ્તુ સમાવેશ નહોતી પામતી એ કહેવું મુશ્કેલ છે. નિશાળની કે દરબારની, મંદિરની કે બજારની, ભવાઈની કે રામલીલાની, ગામની કે શહેરની, સાંભળેલી કે વાંચેલી જે કંઈ ઘટનાઓ અમારા સુધી પહોંચતી એ બહુ સ્વલ્પ કાળમાં અમારી આ ઘર ઘરની રમતમાં રૂપાંતર પામતી. ગોકુલ ને વૃંદાવન, વડોદરા ને મુંબઈ અમારી રમત માટે કંઈ દૂરનાં સ્થળ નહોતાં. આ રમતમાં મોર ને ઢેલ થવું, ઘોડા-ગધેડા ને હાથી થવું, કૂકડો ને કોયલ થવું જરાય મુશ્કેલ નહોતું. અમે આ રમતમાં કેટલીય વાર જન્મ લેતાં ને મરણ પામતાં. પિતા થવું, દાદા થવું, ગુરુ થવું ને ગોર થવું – આ બધું અમને ખૂબ સુકર હતું. ગૌરી પણ મા થયેલી ને દાદી પણ. કેટલીયે વાર એને છોકરાં જન્મતાં ને મૃત્યુયે પામતાં. કેટલીયે વાર એ મૃત્યુ પામેલાં છોકરાંના અંતિમ સંસ્કારવિધિ મારે જ આવડે તેવી રીતે કરવાના રહેતા. મને ખબર નહોતી કે જે વિધિ અમે રમતમાં કરતાં હતાં તે ગૌરીની બાબતમાં ગંભીર રીતે વડીલોને કરવાનો આવશે. ગૌરી મૃત્યુ પામી – એને મેં મૃત્યુ પામતી નજરોનજર જોઈ ને છતાંય મને કેમ એમ લાગ્યા કરે છે કે એ હજુયે સજીવન છે! મરણશય્યા પરથી જે ચમકતી આંખે ગૌરીએ મારા આગમન-દર્શનને વધાવેલું તે હું આજેય ભૂલી શકતો નથી. હું ભૂલી શકતો નથી એનું સહજ માધુર્ય, એનું સરળ સ્મિત.

આજે મારી આંખ સામે જોઉં છું, એક કિનખાબી ચોપાટ પડી છે પથરાયેલી. સોનાનાં સોગટાં સામસામે બરોબર ગોઠવેલાં છે. સામે ભિલ્લુને બેસવાનું સુખાસન પણ તૈયાર છે. હાથીદાંતના પાસાય તૈયાર છે પણ એ ફેંકનાર ક્યાં છે? ક્યાં છે પેલી મારી ભિલ્લુનો ઘુઘરિયાળા સુવર્ણકંકણે રણકતો નાજુક હાથ? હું જાણે વરસોથી આ ચોપાટ આગળ બેઠેલો છું. એક જ આશાએ કે એક વાર, ઓછામાં ઓછું એક વાર મારી શ્રદ્ધાનો પડછંદ પાડતી એ અચૂક અહીં પધારશે. કમમાં કમ જિંદગીનો છેલ્લો દાવ તો મારે એકલાને રમવાનો નહીં જ હોય, એમાં ગૌરી સામેલ હશે. એ ગૌરી કયા વેશમાં – કયા રૂપમાં પધારશે એ હું કહી શકતો નથી, એમ બને કે એ ચતુર અલબેલી નાની-શી નાર કોઈ મુદ્રા કે મુદ્રિકાનું, કોઈ માયા કે છાયાનું ઓઠું લઈને પધારે, છેલ્લો ખેલ ભવ્ય રીતે ખેલી લેવા. આપણે તો આંખ-કાનની ચોકીને બરોબર સાવધ કરીને જાગતા રહી એની પ્રતીક્ષા કરવાની. પધારનાર એ ચતુરાને એમ તો ન જ લાગવું જોઈએ કે હું ક્ષણાર્ધ પણ એની બાબતમાં ગાફેલ રહ્યો છું. હું ગૌરીની બાબતમાં જરાયે ગાફેલ રહી શકું? રહું તો પેલો નંદ સામવેદી મને શું કહે?

શિયાળાની ઠંડીમાં મને ક્રૂરતાનો નહીં પણ મધુરતાનો જ સ્વાદ આવતો રહ્યો છે. વહેલી સવારે રજાઈમાંથી પંચમહાભૂતોને બહાર કાઢવાનો પ્રશ્ન આવે ત્યારે ઠંડીને હું કેટલીયે ગરમાગરમ ગાળો ચાંપું, પરંતુ ઠંડી તો ગુલાબી થઈને કોઈ બાળકના સુકુમાર ગાલમાં મીઠું મીઠું તાજું તાજું મરકતી જ હોય! ઠંડીમાં શ્લેષ છે સ્નેહ અને શક્તિનો. સૂરજ જેવો સૂરજ પણ કેવો માખણ જેવો કૂણો બની જાય છે! મારે શરીરે કોપરેલ ચોળાતું હોય ને એની સાથે તડકોય મને ચોળાતો હોય એવો ભાવ હું અનુભવું છું. પીઠીની ભાવના તડકાને જોઈને તો નહીં સૂઝી હોય ને? શિયાળાના પ્રભામંડળના કારણે જ કદાચ ફાગણમાં આવતી હોળીનો તાપ પણ મને કેરીના મોર-મરવા જેવો માદક સ્વાદિષ્ટ લાગે છે.

શિયાળાને મેં બાળકોના રાતા રાતા ગાલમાં, કોઈ કાશ્મીરી કન્યાના ગૌર કપોલમાં સોળે કળાએ ઊઘડતો જોયો છે. એની નરવાઈ પાકા ટમેટાની લાલિમામાં જ નહીં, ભુટ્ટાં-રીંગણની શ્યામ ચમકમાંયે હું અવલોકું છું. આ શિયાળો મોઢાના દાંત ધ્રુજાવે, મોઢામાંથી ઉચ્છ્‌વાસરૂપે બાષ્પ નીકળતી બતાવે, કરોડરજ્જુનું દોરડું કંપાવતી મારી હસ્તીમાંથી ટોર્પીડોની જેમ સોંસરી પાર નીકળે ને તોય એનો આશ્લેષ મને આહ્લાદક લાગે. શસ્યશ્યામલા ધરિત્રીના ચારુપ્રસન્ન ચહેરાના ઉદ્દેશે મારી આસપાસનો અવકાશ જાણે ઝલમલતો ન હોય! કોઈક સૌંદર્ય એવું હોય છે જે ઠંડીની સાથે જ ઊઘડે છે ને અંતરમાં પ્રસરે છે – હેમંતની સુરખીરૂપે, શિશિરની શક્તિ રૂપે. દર શિયાળે મારી સમક્ષ નવા વર્ષનો સૂર્ય – હેમંતનો સૂર્ય આશા ને ઉત્સાહના તાજગીભર્યા રસ સાથે ખૂલતો હોય છે. એમાં મારી જ નહીં, વિશ્વ સમસ્તની કોઈ અનન્ય કવિતાનો રોમાંચ તંદુરસ્ત ચહેરામાં રતાશ સ્ફુરે એમ સ્ફુરતો હોય છે.

આ શિયાળો નગર હોય ત્યારેય ગમે છે, પણ પેલા ગામઠી શિયાળાની તો વાત જ અનોખી. નગરમાં તો કોઈ ઠંડી ફૂટપાથ પર છાપાં પાથરીને સૂતેલા ચીંથરેહાલ બાળકને હું શિયાળામાં જોઉં છું ત્યારે હું મારામાંની જ કોઈ ઠંડી ક્રૂરતાની પ્રતીતિથી સમસમી જાઉં છું. વીજળી કરતાંય તે શિયાળાની ઠંડી મને વધુ તીવ્ર આંચકો આપતી લાગે છે. મને થાય કે હું એવું ન કરી શકું કે મારા એક ધાબળામાંથી નવસોનવાણું – અરે નવસો લાખ ધાબળા પેદા થાય! પરંતુ હું જાણે દ્રૌપદીનું સત અને કૃષ્ણની કરુણા – બેય કોઈ જુગારમાં હારી જઈને બેઠો છું. મારી સામે ખાલીપો છે અને હું આંખ મીંચી, શાહમૃગની રીતે ધરતીની ધૂળમાં મારું મન અને મારી નજર ખોસીને માણ્યું તેનું સ્મરણ કરતો શિયાળાના દહાડાની જેમ મારા આયુષ્યના વિસ્તારનેય ટૂંકાવવાનો કીમિયો ચલાવું છું. આ પણ એક પલાયન છે, આ પણ એક દીવાનગી છે; પણ મને એ સદી છે. હું જ્યાં કોઈ નથી ત્યાં સ્મૃતિના સહારે એક બદનામ(!) વસ્તી વસાવીને ધન્યતાના ભાવ સાથે મનમાં ને મનમાં મહાલું છું. આ પણ એક લીલા જ – જિજીવિષામાંથી જ પ્રભવેલી.

ગામડાગામમાં તો શિયાળામાં રાતના આઠ-નવ વાગ્યા કે નર્યો સોપો. ગામના તળાવ જેટલું જ ગામતળ પણ શાંત. કોઈ અસુરી વેળાનું ગાડું જો ગામ-સોંસરું નીકળે તો શાંતિમાં એક ખખડતો શેરડો પડી જાય. બસ, એટલું જ. અમે શિયાળો આવ્યો નથી ને ચોરસા-ચાદર કાઢ્યાં નથી. માળિયે મહિનાઓ અગાઉ માએ બનાવી રાખેલી માટીની તાપવા માટેની સગડી હોય તે કાઢીએ. એ સગડી ઘરની પરસાળમાં વચ્ચોવચ્ચ ગોઠવી હોય. જાણે મંડપમાં ચૉરી હોય એમ. એ સગડીમાં અડૈયાંછાણાં ધુમાય ને ધૂમ જલ નયણે ભરે. અમે ફૂંક મારીને પોઢેલા પાવકની પાંપણના પડદા ઉપાડીએ. જરૂર પડ્યે કરાંઠી ને છોડિયાં પણ નાખતા જઈએ. સગડી બરોબર ચેતે – જ્વાલા-મુખી થાય ત્યારે હાથ-પગનાં તળિયાં, વાંસો વગેરે શેકીએ; સગડીના દેવતાનો લાલ ઉજાશ આસપાસના સૌ ચહેરા પર જાણે તામ્રયુગીન સંસ્કૃતિનું તેજ ઉપસાવતો ન હોય? મને મારા ભીલ-નાયક ભાઈઓ યાદ આવે! મને પેલા પથ્થરયુગના મારા પૂર્વજો યાદ આવે. અગ્નિની શોધનાં રહસ્યો કોઈ અંદરના ચકમકે આછાં આછાં ચિત્તપટ પર ચમકતાં થાય. ‘નમીએ અગનકૂલ’નો ભાવ આવા પ્રકારના પરિવેશમાં વધુ પ્રત્યક્ષ થાય છે.

બળિયાકાકાની બિહામણી સગડીથી તો સાવ નિરાળી, માની હૂંફભરી છાતી જેવી આ શિયાળુ સગડીની આસપાસ જ સંસાર અને ધર્મની અવનવી ચદરિયા બુનાતી જાય. ‘ચોરાશી વૈષ્ણવની વારતા’, ‘બસોબાવન વૈષ્ણવની વારતા’, હરિરાયજીનું શિક્ષાપત્ર, શ્રીમદ્ભાગવત, નિત્યનિયમનાં ધોળ – આ બધાંમાંથી કંઈ ને કંઈ સાંભળવા મળે. પિતાજી ત્યારે આ રાત્રિબેઠકનું કેન્દ્ર. સત્સંગના રસમાં એ સહેલતા હોય ને સૌને એમાં સહેલાવતા હોય. ક્યારેક ઊલટ આવે ત્યારે બુલંદ કંઠે ગાય: ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોસો દૃઢ ઈન ચરનન કેરો…’ મા-બહેન સૌ ઝીલે. બહેન બહુ સુંદર હલકથી દયારામનાં પદો ગાય. મા માંડ ચાર ચોપડી ભણેલી. એ જ્યારે સર્વોત્તમ સ્તોત્ર કે યમુનાષ્ટક કે ગોપીગીત જેવી સંસ્કૃત રચનાઓનો અપભ્રષ્ટ રીતે મુખપાઠ કરે ત્યારે અમને બહુ રમૂજ પડતી.

ક્યારેક મારા જેવા તો એના ચાળાયે પાડે ને ત્યારે હસતાં હસતાં છણકો કરતી, ‘ઊભો રહે રોયા!’ કહીને મારવાયે ધસે ને ત્યારે દ્રુત લયે વેગળે જઈને અમે અંગૂઠો બતાવીને એને ચીડવીએ. જ્યારે આવી ઘટના પ્રમાણભાન ગુમાવે ત્યારે પિતાજીનો હિટલરી હુકમ છૂટે ને ત્યારે બધુંયે જાણે તાળાપેટીમાં ગડીબંધ ગોઠવાઈ વસાઈ જતું.

આ સગડી આગળની બેઠક કરતાં વધારે ફળદાયી અને ઈતિહાસસર્જક બેઠકો તો ઘર બહાર, તાપણા આગળની. મોટા ભાગે આવી બેઠકો માટેની અનુકૂળતા નધણિયાતી નિશાળના ચોગાનમાં સવિશેષ વરતાતી. અમારી લીલામંડળી સાત-આઠના સુમારે નિશાળની વંડી ઠેકી તેના ચોગાનમાં સ્વાધિકારાત્ પ્રવેશે. ત્યાં ઝાડનાં સૂકાં ડાળાં-પાંખડાં, પાંદડાં, કાગળ-કચરો વગેરે હોય તે અમે સળગાવીએ. ક્યારેક અહીંતહીંથી તસ્કરકળાએ ઉપાર્જિત કરેલું બળતણ પણ કામમાં આવે. તાપણાની ઝાળ માથોડાપૂર થાય ત્યારે અમે ખુશખુશાલ થઈ જઈએ. એની આસપાસ મિત્રો રાસડા લે, નાટકો કરે, નૃત્યો કરે, ગોષ્ઠિ કરે, ગાળો ને અંતકડીયે ચલાવે ને ક્યારેક મારામારી પણ! આ તાપણા-સૃષ્ટિ સાચે જ નવરસરુચિરા હ્લાદૈકમયી સૃષ્ટિ હતી. આજેય આ સૃષ્ટિ ચડિયાતી કે કવિતાની તે કહેવામાં હું ભારે દ્વિધા – અમૂંઝવણ અનુભવું છું. આ તાપણાદેવ કહો કે તાપણિયા દેવ, તેમની આગળ કંઈ કેટલીયે વહી ઉકેલાતી; પેલા બાવાએ પેલી રમા રાંડેલીને વશ કરી છે કે નહીં, પેલા ભાથી ખતરીવાળા વેચાત ભૂવાએ કોની સામે મૂઠ મારી છે, પેલી સવલી ગાંયજણ આજકાલ કોની હારે સૂએ છે, પેલો મનુ પાનવાળો હમણાં હમણાં ક્યાં લાઇન મારે છે, પેલો વીરજી ઠક્કર આંકફરકમાં કેટલા લગાવી આવ્યો, પેલો શનિયો ગઈ કાલે તીનપત્તીમાં કેટલા નાહ્યો, પેલા શંભુ ગોરને શા કારણે છોકરાં થતાં નથી – લગભગ આ જાતની કદાચ અમારી ઉંમરના પ્રમાણમાં વધુ પડતી ભડકીલી ને ભારે વાતોયે પૂરા મરીમસાલા સાથે, ચિત્રાત્મક રીતે, ક્યારેક તો સાભિનય આ બેઠકમાં રજૂ થતી. નવ શું નવસોનવ્વાણું રસનાં કૂંડાં અહીં ખુદાઈ ઉદારતાથી ઠલવાતાં. પીધે જ જાઓ, ઘૂંટડે ઘૂંટડે, પોશે પોશે. આ મંડળીમાં શાકાહારી અને બિનશાકાહારી સબ કિસમની વાગ્-બનાવટો પીરસાતી. કોઈ કોઈ વાર આ બેઠકો, મોટેરાંની ગંભીર તકરારો માટેની સબળ ભૂમિકા બની રહેતી ને એવા માઠા ટાણે આવી બેઠકો સામે એકસોચુમાસીસમી જડબેસલાક લાગી જતી; પરંતુ આમ છતાં ખ્રિસ્તી જનોની પેલી ગુપ્ત બેઠકોની જેમ આ બેઠકો તો કોઈના વાડામાં, કોઈની કોઢમાં, કોઈ મંદિરમહાદેવના ઓટલે કે કોઈ અવડ મકાનની ઓસરીમાં યોજાઈને રહેતી. આવી બેઠકોમાં જે દિવસે હાજરી ન આપતી તે દિવસે એમ લાગતું કે જાણે આજનું જીવવાનું ચૂકી જવાયું છે!

જેમ શિયાળાની રાત્રિનો તેમ સવારનો અનુભવ પણ અમારો ભારેનો રોમાંચક. વહેલી સવારે ફરવા જવાના ટૉનિક કાર્યક્રમમાં હું જોડાતો ત્યારે તેમાં ઘરનાંનો વિરોધ નહીં, બલકે સહર્ષ અનુરોધ રહેતો. મારું શરીર તીતીઘોડા કે ખડમાંકડી જેવું. માની સતત ચિંતા મારા અંગે. તેથી શરીર કસાય એવી બાબતોમાં સામાન્ય રીતે તેનો સહકાર હોય જ. વહેલી સવારે પગમાં ખાંડણિયા જેવા ગામઠી ચરડ ચરડ બોલતા જોડા, મથુરાથી મૂળ મોટાભાઈ માટે ખરીદી આણેલી પણ પછી એમને નાની પડતાં મારા સુધી પહોંચેલી રૂની બંડી અને એક-બે થીગડાં ચોડેલો ચારસો — આ વીંટાળીને ઊપડવાનું. અમારી ટુકડી જાણે ઉત્તર ધ્રુવની સાહસયાત્રાએ ઊપડતી હોય એવો તેનો ઠસ્સો. ખરબચડી, ખેતરાળ, ધૂળિયા વાટે અમારી ટુકડી કૂચકદમ માંડતી. હાથમાં અહીંતહીંથી ઝાડવાંની કાપેલી ડાળીઓની સોટીઓ હોય. એકાદબે પાસે બૅટરીયે ખરી. ગામમાંથી નીકળતાંયે આમતેમ કોઈ ઘરના ગોખ-જાળિયામાં આંખ મીંચકારતા હોઈએ એમ બૅટરી મારતા જઈએ ને વસાણા જેવી વજનદાર ગાળ પણ સાંભળતા જઈએ. ક્યારેક તો ઊંચે આકાશમાં બેપાંચ વાર બૅટરી લગાવીએ — ઝાંખા દેખાતા ચાંદાના ચહેરાને ચમકાવવાને સ્તો! રસ્તામાં આવતાં કોઈ બાવળ, કણજીની ડાંખળી કાપી દાતણોય તૈયાર થતાં અને પછી કોણ દાતણને વહેલામાં વહેલું ચાવી ચાવીને પોતાની કનિષ્ઠિકાથી ટૂંકું કરે છે તેની સ્પર્ધા મંડાતી. વળી અવારનવાર રસ્તામાં ભૂત, ડાકણ, ઝંડ, બ્રહ્મરાક્ષસ આદિની ભેદી વાતો ચાલતી. કયા ઝાડ પર ભૂત રહે છે, કઈ કબર પાસે ઝંડ રહે છે અને કયા રસ્તે ડાકણ આંટા મારે છે તેની ઝીણી ઝીણી વિગતો રજૂ થતી. કેટલીક તો એવી ઝીણી વિગતો કે ટપાલી વિનાયે માત્ર એ વિગતે જો કાગળ મોકલો તો આપમેળે જ નિધારિત ભૂતના અડ્ડે પહોંચી જાય! કોઈનાં હૈયાં આ બધું સાંભળતાં ફડકારોયે અનુભવતાં, પરંતુ એકબીજાની હૂંફ એવી કે ભય, નળરાજાના નગર બહાર જેમ કલિ આંટા મારતો એમ અમારી આસપાસ આંટા મારતો; પણ અંદર પ્રવેશતાં એ જ જાણે કોઈક ભય અનુભવતો!

અમારી ટોળી ઊબડખાબડ રસ્તેથી ચાલતી કંજરીના ફ્લૅગ સ્ટેશને પહોંચતી. ચાંપાનેરરોડથી પાવાગઢ — શિવરાજપુર લાઇન્સની નાની ગાડીનું એ સ્ટેશન. એ સ્ટેશને ભાગ્યે જ કોઈ ઊતરે કે ચડે. આવન-જાવનનો લગભગ બધો વ્યવહાર હાલોલથી ચાલે. અમે સ્ટેશને પહોંચી પાટા પર કાન માંડી ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરતા ને જ્યારે ગાડી આવવામાં હોય ત્યારે હાથ ઊંચો કરીને ઊભી રાખવાની સંજ્ઞા કરતા ને કદાચ જો ઊભી રહે તો અમે તુરત દૂર સરકી જતા.

એક વાર મારા ખિસ્સામાં માએ આપેલી પિત્તળની બે આની હતી. મિત્રોએ પરાણે મારી પાસેથી લઈને પાટા પર મુકાવી. ગાડી આવી ને પેલી બે આની પરથી સલામત રીતે પસાર થઈ ગઈ, પણ મારી બે આની સપાટ થઈ ગઈ. એ જોતાં જ મારો ચહેરોયે એ બે આની જેવો જ બની ગયો! મનમાં એક જ ફિકર, આ બે આની અંગે ઘેર મારે શું ખુલાસો કરવો? એ દિવસે આખો રસ્તો મારા માટે બેસ્વાદ બની ગયેલો. ઘેર ગયો, માએ બે આની પાછી માગી પણ એ હવે ચાલે એવી રહી નહોતી. એ અકળાઈ. જે છોકરાઓ મને ફરવા લઈ જતા હતા તેમને તેણે ઠપકો આપ્યો. પરિણામે કેટલાક દિવસ હું એ મિત્રમંડળમાંથી બહિષ્કૃત થયો. આ દિવસો મારા અતિશય વક્રી હતા. હું વહેલી સવારે ઊઠું, ઘરબહાર નીકળું, પેલા દોસ્તોને મને બોલાવ્યા વિના જતા જોઈ રહું ને મને કંઈ કંઈ થાય. મિત્રોની આ ઠંડી ક્રૂરતા ભરશિયાળેય મને ખૂબ ખૂબ દઝાડતી. છેવટે આ બહિષ્કારના નિરાકરણ માટે મારે પ્રભુના જ પ્રસાદનો આશ્રય લેવો પડ્યો. કેટલાક દિવસ સ્વેચ્છાએ મારા ભાગની લાડુડી ખાવાની જતી કરી એનો મૂલ્યવાન સંચય મેં ખંડિયા રાજાની રીતે મિત્રમંડળના કરારવિંદમાં સમર્પિત કર્યો અને પ્રભુપ્રસાદે સૌ મિત્રમંડળીમાં પુનઃ પ્રસન્નતાનું પ્રભાત પ્રગટાવ્યું. મારો મિત્રગચ્છમાં પ્રેમોત્સવ સાથે પુનઃ પટ્ટાભિષેક થયો!

એવા પણ શિયાળાના દિવસો યાદ છે જ્યારે અમારા ગામમાં તાજી જ શરૂ થયેલી અખાડા-પ્રવૃત્તિમાં અમે જોડાયેલા. રાષ્ટ્રગીત ગાતા. બજરંગ બલીના ફોટા આગળ શિર ઝુકાવતા ને પછી દંડબેઠક આદિ કરતા. આ અખાડા-પ્રવૃત્તિમાં ક્યારેય હું દૃઢમૂલ ન થઈ શક્યો. મલખમના દાવ તો આવડે જ નહીં. કુસ્તીમાં તો પ્રવેશ સાથે જ ચીત. જે કંઈ રમતો થાય એમાં હું ઝડપાઈ જાઉં – સિવાય કે આટાપાટાની રમતમાં. એમાં મારી ચકોરતાની શાખ હતી. આ અખાડામાં કસરત કરતાં મઝા આવતી તે કરતાંયે વધુ મઝા કસરત પછી ઘેર જે વસાણાનો લાડુ આરોગવા મળતો એમાં આવતી. અખાડાની ગોળાફેંક કરતાં ધીરે ધીરે મીઠા તડકાની સાથે, મમળાવતાં વસાણાના ગોળાને સૌમ્ય રીતે ખંડશઃ કણશઃ પેટમાં ફેંકવાની પ્રવૃત્તિ મને વધારે આહ્લાદક લાગતી. અખાડા-પ્રવૃત્તિમાં તો હું તીરે ઊભેલો – તટસ્થ જ રહ્યો! એ પ્રકારના તાટસ્થ્યના કાંટા ટાણે-કટાણે કેવા અને કેટલા વાગ્યા છે એની તે શું કથા માંડવી? અનેક શિયાળાઓથી સેવાયેલું આ મારું શ્રીઅંગ છે એટલું જ હાલ તો દર્શાવું!

મેં જલના કેફની વાત કહી, પરંતુ ‘જલના ઝીણા તાપ’ની વાત ન કરી. ન કરી એટલા માટે કે એવી વાતમાં કોઈને નાહકના સામેલ કરીને વ્યથિત કરવાનું મને દિલ થતું નથી. કેટલીક વાતો સમજવા માટે, વેંઢારવા ને વેઠવા માટે હોય છે; સૌને પહોંચાડવા માટે નથી હોતી. જલનાં અગણિત રૂપ હોય છે, પરંતુ જે જલ આપણી સમગ્ર હસ્તી નિચોવાતાં પ્રસવે છે એ તો અનોખું જ. કેટલુંક જલ એવું હોય છે જે નથી તારતું, નથી ડુબાડતું કે નથી ઠારતું. એ જલમાં આગ હોય છે અથવા એ જલ આગનું જ એક રૂપ હોય છે.

પરંતુ આવી રીતે શા માટે મારે જલના વલોણામાં ઘૂમરાવું જોઈએ? પેલા બાલ-કિશોરની ચરણચાલ છોડીને હું ક્યાં ચડી ગયો ચિત્તની ચાલમાં? આંખ સાફ કરીને, જલના પડદા ખસેડીને ભીતરમાં નજરને વાળીએ. ભીતર કેવળ ચાંદ-સૂરજના અજવાળાં જ નથી, એમાં મંછી માશીના ઘરમાં ચાડા પર ટમટમતા દીવાના કોડિયાનું પથ્ય અજવાળું છે; તો તે સાથે પંચાયતના ફાનસનું વારે વારે ભભકતું ને મેશ છોડતું સડેલા સ્થાનિક સ્વરાજ્ય જેવું વંધ્ય અજવાળુંય છે. એમાં અમારા મગના રાતની જાગતી-ભભૂકતી લગનિયા મશાલનું અજવાળું છે, તો સાથે મહાદેવવાળા ચોકમાં ઊંધે માથે થાંભલે લટકતી પેટ્રોમૅક્સનું ખેલદિલ અજવાળુંય છે. આવી પેટ્રોમૅક્સના અજવાળામાં સીસમમાંથી સુડોળ ઘડી કાઢેલી હોય એવી નમણી ગોલણો, જરી-કસબ-ફૂલના ખૂપે ઝળકારા મારતા વરરાજાવાળા, વરઘોડાઓ, જૂજવા વેશ લેતી બહુરૂપી (આમ તો પુંલ્લિંગ, પણ અમે તો સ્ત્રીલિંગ જ વાપરતા. શું કરશો વહાલા વ્યાકરણશાસ્ત્રીઓ, કથો?!), બપોરનાં પિત્તળનાં વાસણોને સાંધતો ને કલાઈ કરતો, પણ રાત્રે રામલીલામાં ‘વહાલી વીજળી’ના વેશમાં પેટ્રોમૅક્સને પંપ મારતો અમારો પેલો ચંદુ કંસારો – આ સૌની એક અનોખી ભાતીગળ સૃષ્ટિ પ્રગટી આવે છે. એમાં પેટ્રોમૅક્સની ચમકતી કોઠી પર પ્રતિબિંબિત અમારા ચહેરાના જે અવનવા વિકારો પથરાતા તે પણ મનોહર રીતે ગૂંથાઈ રહે છે. સૂરજચાંદાનાં અજવાળાં કરતાંય આ પેટ્રોમૅક્સનું અજવાળું અત્યારે આ લખું છું ત્યારે મને વધારે રોમાંચક અને આહ્લાદક લાગે છે. થાય છે હું ઈશ્વરને કહું કે આ પેટ્રોમૅક્સ સિવાયના બીજા સર્વ જ્યોતિ – નયનજ્યોતિ સિવાયના – હે પ્રભો! તું સંકેલી લે! સદ્ય સંહરી લે.

આ પેટ્રોમૅક્સના અજવાળામાં હું ખૂબ જ ઝડપથી સરવા માંડું છું. વરસોનાં પગથિયાં ઊતરતો નીચે છેક પેલી રામજીમંદિરવાળી ધરમશાળા તરફ. ત્યાં ગોપાલ બહુરૂપી ઊતરી છે. આમ તો પંચાવન – સાઠની ઉંમર છે; પરંતુ જીવનથી ઊભરાતું જાજરમાન હૂંફાળું વ્યક્તિત્વ. દર સાલ અચૂક એક વાર અમારા ગામમાં આવે જ. વીસત્રીસ દિવસનો મુકામ. અવનવા વેશ લઈ લે. જે દિવસે ગોપાલ બહુરૂપી વાંદરાનો વેશ લઈને નીકળે ત્યારે આંગણામાં ખાટલા પર જો કંઈ ખાદ્ય સામગ્રી મૂકી હોય તો તેમાંથી એ મૂઠી – બે મૂઠી લઈને મોઢામાં પધરાવે જ. સરસ્વતીનો વેશ લઈને નીકળે ત્યારે અમે સૌ નિશાળિયાઓ ખૂબ ભક્તિભાવપૂર્વક ગોપાળ બહુરૂપીની થાળીમાં પૈસો, બે પૈસા નાખીને સારા ભણતર માટે મનોમન અરજ ગુજારતા. આ બહુરૂપીએ એક વાર તો પોલીસ ઇન્સ્પેક્ટરનો સ્વાંગ સજેલો અને બપોરના ત્રણચારના સુમારે બેત્રણ પોલીસો સાથે ગામના સાત-આઠ દુકાનદાર ને ધીરધાર કરતા શાહુકારોને ત્યાં દરોડો પાડી પંચનામાં કરેલાં. પચીસ-પચાસ કટકી રૂપેય સૌ કનેથી પડાવેલા ને નાસ્તાપાણી તો છોગામાં! છેક સાંજે જ્યારે ગોપાળ બહુરૂપીએ જ્યાં જ્યાં દરોડા પાડેલા ત્યાં ત્યાં લીધેલી રકમ હસતાં હસતાં પાછી વાળવાનું કર્યું ત્યારે જ ભંડો ફૂટ્યો — ખરી વાતનો સૌને ખ્યાલ આવ્યો. અમે બાલકિશોરો, ગોપાલ બહુરૂપીના દિવસભરના કાર્યક્રમ પર ચાંપતી નજર રાખનારા, પણ આ વેશમાં તો અમેય થાપ ખાઈ ગયા. અમને એવા સમાચાર હતા કે ગોપાલ બહુરૂપી આજે મારવાડી શેઠનો વેશ લેનાર છે ને વેશ નીકળ્યો પોલીસ ઇન્સ્પેક્ટરનો. આ બહુરૂપીના કારણે સ્તો. અમારી રમતમાંયે બહુરૂપીની રમતનો એક મહત્ત્વનો ઉમેરો થયો હતો. થેલીમાંથી બનાવેલી ટોપી, પિતાજીનાં ચશ્માં, ટીકડી ફોડવાની રિવૉલ્વર, મોટાભાઈના જૂના થયેલા ચામડાના પટ્ટા — આ બધું લઈ મેં સુભાષબાબુનો વેશ કાઢ્યાનું પાકું સ્મરણ છે.

અમારી ગામડાની રાત્રિઓ જેમ બહુરૂપીને કારણે તેમ રામલીલા, કથાપારાયણ આદિને કારણે પણ લિજ્જતદાર બની રહેતી. ગામમાં રામલીલાવાળા આવ્યા છે તે અમારે માટે ઘણા અગત્યના સમાચાર હતા, દેશને આઝાદી મળ્યા જેવા જ. અમે વહેલાં વહેલાં જમી લઈ, જે જગાએ રામલીલા થતી ત્યાં પહોંચી જતા અને મોખાની જગા બોટી લેતા. એ પછી રામલીલાવાળાઓ ખેલ માટે જે ભવ્ય તૈયારી આદરતા તે અમે એમની મનાઈ ને ધમકી છતાં અવશ્ય જોતા ને તેનો અહેવાલ અમારા અન્ય સાગરીતોમાં પ્રસારિત કરતા: ચંદુ કંસારો કબજો પહેરે છે, કબજામાં છાતી બતાવવા કપડાંના ડૂચા ગોળ ગોળ કરી કરીને ખોસે છે. હવે એ સાડી પહેરે છે. હવે મોઢું રંગી રહ્યો છે – આમ અમારી રનિંગ કૉમેન્ટ્રી ચાલતી. બીજી બાજુ અમે રામલીલાને હર કોઈ પ્રકારે મદદ કરવા ખડે પગે રહેતા. ‘અલ્યા એ બચુડા, જરા ટેબલ લઈ આવ ને!’ અમે તુરત ટેબલ લઈ આવવા આસપાસના ઘરમાં દોડી જતા. પાણી મંગાવે તો હાજર. પેટીવાજું ને નરઘાં મૂકવાનું કહે તો તૈયાર. (સાથે નરઘાંના ટાલકામાં વહાલની બેચાર ટપલીઓય ખરી જ!) અમને એક જ આતુરતા રહેતી, ક્યારે રામલીલા શરૂ થાય છે. રામલીલામાંયે અમને રામ કરતાં બજરંગ બલી ને નારદ વધારે ગમતા. એમાંય વળી વિદૂષક આવે તો અહાહાહા…! થાય કે રામલીલામાં એક જ વિદૂષક આ લોકો શા માટે રાખે છે? ચારપાંચ જોઈએ! વિદૂષક અને ગોરી બટાકીની પ્રેમની રંગત – રંગરમત અમે મન ભરીને માણતા.

આ રામલીલામાં અમને ન ગમતી બાબત તે આરતી. રામલીલાવાળા આરતીની અમુક બોલી ન થાય, ને બીજા દિવસનું એમનું સીધું પાકું ન થાય, ત્યાં સુધી અધૂરી રાખેલી રામલીલા આગળ જ ન ચલાવતા. અમે એના આવા રગશિયાવેડાથી ખૂબ કંટાળીએ. અમને થાય કે હું જો ગામનો ઠાકોર — દરબાર હોઉં તો રામલીલાવાળાને આખા મહિનાની બધી આરતીઓના પૈસા – સીધાં ચપટીમાં એકસામટાં આપી દઉં, પરંતુ વો દિન કહાં કે…

આ રામલીલા રાતના એક-બે વાગ્યા સુધી ચાલે. મને ઘેરથી અગિયારેક વાગ્યા સુધી જ રામલીલામાં બેસવાનો પરવાનો. પણ કેમેય ઊંઘ આવે નહીં ને રામલીલા અધવચ્ચે છોડી જવાનો જીવ ચાલે નહીં. એક વાર સીતાસ્વયંવરનો ખેલ ચાલે. સીતાજી વરમાળા લઈ લાકડાની એક ભાંગેલી ખુરશી – સિંહાસનસ્તો! — આગળ ઊભાં હતાં. રામચંદ્રજી શિવધનુષ્ય ચડાવીને તેનો ભંગ કરવાની તૈયારીમાં હતા. સમસ્ત શ્રોતાગણ જાણે એકકાન હતો – એકનજર, એકચિત્ત હતો; ને ત્યાં રામલીલાના રંગીન નાટ્યાત્મક વાતાવરણના પડદાને ચ…ર…ડ…ડ… ચીરતો હોય એવો પિતાજીનો ડંગોરાના ઠકઠકાટ સાથે કાતિલ અવાજ ઊંચકાઈને આવ્યોઃ ‘ચંદ્રકાન્ત!!!’ હું કોઈ ગરમ અંગારો કાનને અડ્યો હોય એમ ચોંકી ઊઠ્યો. દરમિયાન ધ્યાનભંગ – રસભંગ થયેલા શ્રોતામાંથી કોઈ બોલ્યુંય ખરું, ‘આ કાકોય ખરો છે! બરોબરનો ખેલ જામેલો ત્યાં બધી મજા મારી નાખી!’ એ રાતે ઘેર ગયા પછી પથારીમાં પડ્યાં પડ્યાં કાનને દોડાવીને ‘રામલીલા’નું રસપાન કરવા મેં ઠીક ઠીક ઉજાગરો સેવેલો.

ગામમાં આવતી ‘રામલીલા’માં સ્વેચ્છાએ જોડાતા ચંદુ કંસારાની વાત જાણવા જેવી છે. બા-બાપા વિનાનો છોકરો. ગરીબ. જેમતેમ કરીને કંસારાનું કામ શીખ્યો. દરમિયાન એને એક છિનાળ ભટકાઈ ગઈ. પરણ્યાં પણ ઝાઝો વખત જોડે ન રહી શક્યાં. પેલી ઘરમાં જે કંઈ થોડુંક રહ્યુંસહ્યું હતું તે બધુંય ઉસરડી લઈને ચાલી નીકળી. ચંદુ એકલો પડ્યો એટલે દારૂની લતે ચડ્યો, ને પાયમાલ થયો. હજુય એ લત છૂટી નથી. કંસારાકામ કરતાં બે-પાંચ રૂપિયા મળે તો એમાંથી અડધા દારૂમાં જ ડૂલ થતા. આખો દહાડો વાસણો સાંધે, કલાઈ કરે; ન કોઈની સાથે ખાસ વાતચીત કે હસીમજાક, રાત પડે ત્યારે મોઢે પાઉડર-લપેડા કરી, ઘાઘરી-પોલકાં પહેરીને રામલીલાના ખેલમાં હાજર થાય ત્યારનો એ ચંદુ જાણે સાવ જુદો. ત્યાં વિદૂષક એને ‘બટાકી’ કહીને બોલાવે. શો એનો ઠસ્સો! શી એની બોલછા! આપણને થાયઃ આ બધું ઝવેરાત મુફલિસ ચંદુડાએ અંતરના કયા ભંડકિયામાં ભંડારી રાખેલું? કઈ સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં મૂકી રાખેલું? કેટકેટલા રંગ ને કેવી કેવી રંગતોનાં રમણીય રમખાણ એના ભીતરના અવકાશમાં છુપાઈને પડ્યાં છે! રામલીલામાં ચંદુનો ઇલમ જોયા બાદ અમારે માટે ચંદુ કેવળ કંસારા કરતાં ઘણું વધારે હતો. અમે છોકરાઓ ઘેર જઈ ચંદુને કામ મળે એ આશયથી કાણાં ને કલાઈવાળાં વાસણો માને બતાવી બતાવી તે સરખાં કેવીલેવાનો તકાદો કરતા અને મા મંજૂરી આપે કે તુરત અમે જ પોતે વાસણો લઈને ચંદુની ખિદમતમાં હાજર થઈ જતા. ક્યારેક ચંદુ રજા આપતો ત્યારે અમે તેની ભઠ્ઠીની ધમણ પણ ચલાવી આપતા.

આ રામલીલા માટે મારા પિતાજીને કંઈક ઉદાસીનતાનો ભાવ, તેનું કારણ રામચંદ્ર મર્યાદાપુરુષોત્તમ લેખાય ને અમારા પિતાજી ચુસ્ત પુષ્ટિમાર્ગી એટલે એમના માટે તો પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ જ. તેઓ શ્રીકૃષ્ણની લીલા ભજવનારા રાસધારીઓની મંડળી આવે ત્યારે એક પણ દિવસ ચૂક્યા વિના એ રાસધારીઓની મંડળીના ખેલ જુએ. એ વ્રજ-હિન્દીમાં જે રીતે ગાય, સંવાદો બોલે એ સર્વ રસથી મનમાં નોંધે ને ક્યારેક વાનગીદાખલ બેપાંચ યાદ રહેલ સંવાદો કે પદપંક્તિઓ ઊલટભેર બોલે પણ ખરા. અમનેય રાસલીલા જોવાની સંપૂર્ણ છૂટ. મા, બહેન વગેરે તો રાસલીલામાં શ્રીકૃષ્ણ-રાધા આવે ત્યારે તેમના પગમાં પડી ચરણરજ લે. ને યથાશક્તિ પૈસાય મૂકે!

અમારા ગામમાં નિયમિતપણે જેમ બહુરૂપી, રામલીલાવાળા, તેમ ભવાયા પણ આવતા. ગામમાં એમનો લાગો. અમને ભવાઈ જોવાની છૂટ નહીં. પિતાજી નોકરીના કામે પરગામ હોય ત્યારે તેમના મનાઈહુકમને જરાય ગાંઠ્યા વિના માની ઉપરવટ થઈ ભવાઈ જોવા નીકળી પડીએ. ભવાઈમાં ગાળાગાળીય ધરખમ ચાલે, પણ સૌ આદ્યશક્તિ જગદંબાનાં બાળક. ઉદાર ને કૃપાળુ મા એમનું અળવીતરાપણું ચલાવી લે, માફ કરે એવી માન્યતા. ભવાઈની અનેક અશ્લીલ બાબતો આ લખતાં સ્મરણમાં આવે છે પણ એની નોંધ આ સૃષ્ટિમાં અનિવાર્ય નથી.

આજે રામલીલાવાળા, રાસલીલાવાળા ને ભવાયા – ત્રણેયને યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે જે શક્તિ, જે ભાવસામગ્રી ને ભાષાનું અઢળક પણ કાચું સોનું ભવાઈમાં મને જોવા મળ્યું તે તો અનન્ય જ. આ ભવાયાઓ અઢારે વરણની જે નકલ કરતા, દુનિયાદારીનું જે નિષ્ઠુર દર્શન કરાવતા અને હસાવવાની જે અનેકાનેક તરકીબો અજમાવતા, એની તો વાત જ અનોખી. ભવાઈમાં જે રેખતા બોલાતા, ભૂંગળવાદન સાથે ‘તા તા થા થઈ થા’ના જે ઠેકા આવતા એનાથી ચિત્ત લયચકચૂર બની રહેતું, આજેય બને છે.

વળી ગામમાં અવારનવાર કથા-આખ્યાન કરનારા ભટ્ટજી-પુરાણીઓ કે ભજનકીર્તન કરનારા સંતો-ભજનિકોયે આવે. ખાસ તો લગભગ આખું મહાભારત એક માસ સળંગ સંભળાવનારા ભટ્ટજી અત્રે સ્મરણીય છે. કદાવર શરીર ને મીઠી જીભ. આવતાં જ ગામ આખાને વશ કરી લીધું. ગામમાં મહિનો રહ્યા ત્યાં સુધી એકેય દિવસ લચપચતા લાડુવાળા પાકા ભોજન વિનાનો એમનો ગયો નહોતો. પગથી વગાડાય એવું હાર્મોનિયમ સાથે રાખે. સંગત માટેનો તબલચી ગામમાંથી ગોતી લે, હાર્મોનિયમ બે હાથે વગાડે ને કથા કરે. કહેણી ખૂબ નાટ્યાત્મક. શૃંગાર ને વીર, હાસ્ય ને કરુણ, રુદ્ર ને ભયાનક – સૌ રસો બરોબર ચખાડે! મારા પિતાજી જેવા ચુસ્ત ભાગવતપ્રેમીઓ પણ ભટ્ટજીથી આકર્ષાયા. ભટ્ટજીએ જે દહાડે કથા પૂરી કરી તે દહાડે ગામે તેમની પોથીનો દબદબાપૂર્વક વરઘોડો કાઢ્યો. જ્યારે ભટ્ટજી વિદાય થયા ત્યારે ગામ આખું રોયું. સૌને એમની ખોટ સાલી. ભટ્ટજીએ બીજા વર્ષે આવવાનું વચન આપેલું પણ પછી કદીયે નહીં આવ્યા…

અમારી ચેતના જેમ ભવાઈના ઠેકાથી તેમ ડાકલાના ભેદી સંમોહક અવાજથીયે ઊછળતી – ઉત્તેજાતી. ભાથી ખતરીજીના મંદિરે રાતે કોઈ એરું આભડેલ વ્યક્તિને લઈ જવામાં આવે છે. ધૂપદીપ થાય છે. નાળિયેર વધેરાય છે, અમારો વીરસિંગ ભૂવો ધીમે ધીમે ધ્રૂજવા – ડોલવા-ધૂણવા લાગે છે. એનામાં ભાથીજી પોતે પધારે છે. વીરસિંગ હવે ખડો થાય છે. હાથમાં અણી પર લીંબુ ખોસેલી, નાડાછડીવાળી, કંકુના ચાંલ્લા કરેલ તલવારને રમરમાવે છે, ને સાથે છટાપૂર્વક હલાવે છે મોરપીંછનો ગુચ્છો. ગુલાલ ઊડે છે. વીરસિંગ ભૂવાના હોકારા – દેકારા સંભળાય છે. ડાકલા સાથે ભાથીજીને બિરદાવતા છંદ ગવાય છે. ધૂપદીપનો મઘમઘતો ગુલાલરંગી ઉજાસ વાતાવરણને કોઈ અકથ્ય અકાત્ત્વ ઉત્તેજનાથી બાંધે છે.

અમનેય આનો રોમાંચ બરોબર સ્પર્શે છે. ઘરે હાથમાં છરી-ચપ્પુ લઈને ડબ્બાનાં ડાકલાં બજાવતાં અમેય ભાથીજીને બોલાવીએ છીએ ને ત્યાં જ કોઈ ખબર કરે છે: કાકા (પિતાજી) આવે છે. તુરત ઊભરાતા દૂધમાં જાણે કે બરફનો એક ટુકડો ન પડતો હોય! બધું વેરાઈ – વીખરાઈ જાય છે – શમી જાય છે. પ્રશાંત. પિતાજી છરી-ચપ્પાં જોઈને કહે છે: ‘આનાથી રમાતું હશે? ક્યાંક વાગશે તો?’ અમે ચૂપચાપ ત્યાંથી ખસી જઈએ છીએ. થાય છે: અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જ્યારે રામલીલા, રાસલીલા, ભવાઈ ને બહુરૂપીના વેશ – સૌમાં વણાતી-ગૂંથાતી આ જિંદગીયે પાટણના પટોળાશી ભાતીગળ રૂપરોનક ધારણ કરી લે? પેલી રામલીલા રાસલીલા-શી મારીય આ જીવનલીલા દર્શનીય થાય? શ્રવણીય ને સ્મરણીય બને એવું કંઈક શું કદીયે નહીં સંભવી શકે? મને થાય છેઃ પેલી ગોપાલ બહુરૂપી જોડે, પેલા ચંદુ કંસારા જોડે મારે વધારે ગાઢ દોસ્તી કરવી જોઈતી હતી. હવે જો એવી દોસ્તીની તક મળે તો શું માનો છો, સાહેબ, હું ક્ષણનોયે વિલંબ કરું…?

‘દૂરથી ડુંગર રળિયામણા’ એ વાત જો સ્થળ પરત્વે પણ સાચી છે તો જીવન પરત્વે પણ સાચી નથી? આપણા રોજબરોજના એકધારા લાગતા જીવનનું ‘જરા આઘે રહીને દર્શન’ કરતાં તે કેટલું રળિયામણું – રોમાંચક લાગે છે! આજે આટલાં વર્ષે જ્યારે હું પૂંઠળ જોઉં છું ત્યારે અનેકાનેક વસ્તુઓ આંખો નચાવતી મને આકર્ષતી ન હોય એવી લાગ્યા કરે છે. આ વસ્તુઓ બેશક, આજના સરખી ત્યારે આકર્ષક લાગતી નહોતી જ. મારે રોજેરોજ કંજરીથી ચાલીને હાલોલ નિશાળે જવું પડતું હતું અને ત્યારે એ રસ્તો મને પાઠ્યપુસ્તકમાંના પાઠ જેવો લુખ્ખોલસ લાગતો હતો. આજે એ રસ્તો વાદળ મધ્યે અંકાયેલી કોઈ સ્વર્ણરેખ-શો મોહક-મીઠો લાગે છે. મને ખબર નથી કે એ મારો ધૂળિયો રસ્તો ડામરના શહેરી સપાટામાં આજે આવ્યો છે કે નહીં. આપણને માણસોને કેરકાંટાળી કેડી કે ઊબડખાબડ ગાડાવાટ, કાદવિયો કે કાંકરિયાળો રસ્તો – સૌ યથાપરિસ્થિતિ માફક આવી જાય છે, પરંતુ પેલી કામણગારી કારને તો લિસ્સાલટ રસ્તા જોઈએ! બાપડા પગને તો આછીપાતળી પગથીયે ચાલે, પણ પેલાં ટાયરવાળાં ચક્રોને? એમને તો રૂપાળી ડામર કે આસ્ફાલ્ટની સડકો જોઈએ છે!

કોણ જાણે શાથી, વરસોનાં વરસ આ ડામર પર જાતને ચલાવ્યા પછીયે ધૂળિયા મારગની મોહિની ઓસરતી નથી. વરસાદના પ્રથમ બિન્દુ સાથે જ હરિત તૃણની આશા ચમકી ઊઠે છે. માટીની સોડમનો સ્વાદ સળવળવા લાગે છે. મનમાં વરસાદના ફોરે ફોરે મહેકની અમીરાત ઊભરાઈ આવે છે. જેમ આંગળીના ટેરવે ચડાવી દાળભાત ખાતાં ધરવ વળે, જેમ પવાલું હોઠથી અડાડીને પાણી પીતાં તૃપ્તિ મળે, એવું જ થાય છે પગનાં તળિયાંને. એમને માટીનો સ્પર્શ થતાં જ તાજગીનો અનુભવ મળે છે. સાચે જ, માટી સાથે મારો કોઈ અંદરનો સંબંધ છે, એની સાથે મારો કોઈ ઊંડો ઘરોબો છે.

માટી હોય કે પાણી, પવન હોય કે પ્રકાશ અથવા આસપાસ અસીમ આકાશ હોય ત્યારે તેમના સંપર્કે મારામાંયે પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ – આ પાંચેય તત્ત્વો હેલે – હિલ્લોળે ચડે છે! હરિયાળીના તાજગી મારે રૂંવે રૂંવે સિંચાતી વિસ્તરે છે! મારા ઘરની બારીમાંથી લંબાતો તડકો મારા લોહીમાં ઊતરી ઉલ્લાસનો કોઈ અપૂર્વ થરકાટ જગાવી રહે છે. ધરતીના લાવણ્યથી તરવરતું આકાશ કોઈ ગ્રામકન્યાના નાજુક ચિબુક પરથી સરકતું મારા ચિદાકાશમાં પ્રસન્નતાનું એક સૌમ્ય બિંબ લહેરાવી રહે છે. સાચે જ આ માટીમાં, આ હવામાં, આ પાણીમાં કોઈ એવું તત્ત્વ છે જે મારા અંદરના સંચને ખોલીને એમાંની સૃષ્ટિને સહજતાએ ખીલવાની અનિવાર્યતા સર્જે છે. આ વૃક્ષોમાં, આ ઝરણાંમાં, આ પહાડોમાં ને હરિયાળીમાં, આ તારાઓના ચમકાર ને વીજળીઓના ઝબકારમાં મારા વિસ્મયની, મારી વ્યાપ્તિની, મારી વિભુતાની કોઈ સુદઢ મુદ્રા અંકિત છે. હું બધાંથી પરોવાતો, હું બધાંને પરોવતો આજના પગથિયા સુધી તો આવી લાગ્યો છું. હજુયે આગળ જઈશ…

જોકે મારે કહેવું જોઈએ, આજે જે રીતે હું લખું છું તે રીતે કદાચ તે કાળે નાનો હતો ત્યારે લખી શકત નહિ. આજે જેની મનભર મીઠાશ હું સ્મૃતિના પાનબીડે આસ્વાદું છું તેનો યત્કિંચિત્ અનુભવ, તેની યત્કિંચિત્ સાક્ષાત્કૃતિ ત્યારે હતી તો ખરી જ. ઘરની ચાર દીવાલો વચ્ચે મને વસમું લાગતું. બારીએ બેસવાનું ને કેરીગાળામાં એક પછી એક કેરી ચૂસતાં, રસ્તા પરનાં દૃશ્યો ઝીલતાં જવાનું મને જરાયે કંટાળાપ્રદ નહીં, બલકે વધુ રસપ્રદ લાગતું. અગાશીમાં મને ઉઘાડ મળતો, ને રસ્તે ચાલતાં મળતી રોનક. કહો ન કહો, પણ ક્યારેક ક્યાંકથી મને ‘સૌંદર્યની કોઈ સાપણ’ ડસી ગયેલી એ તો નક્કી જ – ક્યાંકથી મને ‘લીલોતરીના નાગ’ ડસેલા જ. ને તેથી જ નાનપણથી મારું મન ભીતરની ને બહારની રૂપચ્છટાઓમાં રંગાતું ને રંગાવા સાથે રૂમઝૂમતું રેલાતું રહેતું હોય એવું અનુભવતો રહ્યો છું.

આજે એક અદના કવિ હોવાના નાતે હકદાવે શબ્દનો વિચાર કરું છું ત્યારે મારું મન વિસ્મય ને આહ્લાદથી ઊભરાઈ આવે છે! કેટકેટલા શબ્દો, કેટકેટલી રીતે, કેટકેટલી વાર મારી કને આવ્યા? મારી ચેતનામાં રોજેરોજ કેટલા શબ્દો વવાતા ગયા? સતત વાવણી! સતત લણણી! મારા ચિદાકાશમાં શબ્દોનાં પંખીટોળાં ઊમટી આવે છે. નાજુક પાંખોનો ફરફરાટ અને કોમળ કલનાદ. શબ્દેશબ્દની આગવી નસલ આંખ સામે અંકાતી રહે. એનો પદરવ ચેતનામાં અભિનવો છંદોલય ઝંકૃત કરી રહે. સમગ્ર ચેતનામાં શબ્દાવતાર લેતું કોઈ વિભૂતિમત્ તત્ત્વ લહાય. હું તો નિમિત્તમાત્ર, હલકથી માંડીને હાકોટા સુધીનાં નાદતત્ત્વનાં વમળો ઘૂમરાતાં હોય. નિસ્તલ — ગહરાઈએથી એ સર્વ વમળોમાં ઉપરતળે થતાં મારે કોઈ લયાન્વિત આહ્લાદમાં રૂપાંતર પામવાનું. પેલી ભવાઈની ભૂંગળો, પેલા પેટીવાજાના સૂર, પેલી નરઘાં પરની થાપી ને મંજીરાંના ઝંકાર, પેલા ડાકલાના ને કાંસાની થાળીના ડ્રમકાર – ત્રમકાર, દરબારગઢના થાળીવાજાનાં ગાયનો ને બારૈયા-ધારાળા ભાઈઓની ભજનમંડળીઓના ભગવા સૂર, માંડવડીની રંગતાલીઓ ને પિતાજીના કીર્તનના બુલંદ આલાપો – કેટકેટલું એકબીજામાં ગૂંથાતું – વણાતું – રસાતું – રંગાતું નાદબ્રહ્મના એક મનોહર ભાતીગળ રંગપટ રૂપે પ્રત્યક્ષતા પામેલું ને હજુયે પામતું મારી ભીતર લહેર્યે જાય છે! વ્રીડાથી હાર પામેલી હોઠની વાણીની ચુપકીદી ને નયનની વહાલસભર વાણીની મૌન-મુખરતા કોઈ ગુપ્ત ઝરણની જેમ ભીતરની ભેખડમાં માર્મિક રીતે સ્ફુર્યા કરે છે. આજે આ હું જે અક્ષરોમાં મારી જાતને ચીતરવા મથું છું એ અક્ષરોની રેખાઓ કાગળ પરથી ઊંચકાઈને લંબાતી લંબાતી ક્યાંની ક્યાં ક્ષિતિજ પાછળ ખેંચાતી સંતાય છે! – ‘એક સૈ આવે એકડો, એકડો ને બે મીંડાં સો’ – એમ આંકનું ગાણું ચાલતું. એ ગાણાથી સંખ્યામાંથી સાંખ્ય તરફ – સખ્ય તરફ વળવા માટેની દિશાયે ખૂલી શકે એ તો એ દિશા ખૂલવાનો હચમચાટ જ્યારથી થોડો થોડો કળાતો થયો છે ત્યારથી જ સમજાવા લાગ્યું છે.

કક્કો ઘૂંટતાં એમાંથી કાવ્ય ઘૂંટાતું થઈ જશે એ તો વર્ષોના અનુભવે જ સમજાયું ને જ્યારે સમજાયું ત્યારે આનંદની પરિસીમા ન રહી. અરે! મારી વાણીનાં મૂળિયાં ક્યાં ક્યાં વિસ્તર્યાં છે! પેલા પંખીના કંઠમાંનું કૂજન, પેલાં મોજાંનો ઘુઘવાટ, પેલા શિવમંદિરનો ઘંટનો રણકાર ને મારા દરબારગઢની આલબેલનો પુકાર, પેલી મારા ગામની ફ્લૉરમિલનો ધમકાર ને પેલા હળલાકડાં ખેંચતા બળદના ગળાના ઘૂઘરાનો ઘમકાર – આ બધું એકાકાર થતું મારી નાભિમાંથી એક નાદકમળને સ્ફુરાવી રહે છે. એમાં પતંગિયાની પાંખોનો ગતિસ્પંદ પણ ગુંજરતો લાગશે! મારી રગેરગમાં કોઈ કાવ્યાત્મક ઉલ્લાસનો રસ ઘૂમરાય છે. મારે વય નથી, મારે વ્યવધાન નથી. મારે ‘મારું’ નથી. મારે મૃત્યુ નથી. બ્રહ્માંડરસને સહજતયા સ્રવતી જે એક ગોરસી એ જ મારી કવિતા, એ જ મારું અસલી રૂપ. બાળપણમાં આજે જેવું લહાય છે એવું ભલે ન લહાયું, પણ ગોરસની લીલા તો બાળલીલાના જ એક સાહજિક ચમત્કાર રૂપે હોવાનું મને પમાયેલું!

મારી આસપાસ કેટકેટલા ચહેરાઓનું ચમકતું તાજગીથી તરબતર વન હતું! હૂંફાળા તો મતલબી, રાંક તો રુઆબી, ઠરેલા તો વાયલ, કરુણાળુ તો કૃપણ – કિસમ કિસમના ચહેરાઓની રંગીન સૃષ્ટિજાળ મારી આસપાસ, મનેય લપેટમાં લેતી રચાતી જતી હતી. અરે! એ જાળને, કોઈ ચેસબોર્ડને જુએ એમ હું જોતો હતો. કઈ કૂકરી ક્યાં જતીકને ફસાય છે, ક્યાં મારે છે, ક્યાં તાકે છે ને ક્યાં જીતે છે, ક્યાં અટકે છે તે બધું જોવાની મને મજા પડતી. એ મજા આજેય ભીતરમાં એમ જ ઉછાળા લે છે.

મને પ્રેરનારાં, દોરનારાં, ઘડનારાં ને ઘુમાવનારાં – ને ભમાવનારાં પણ – કેટકેટલાં જણ હતાં! ગામ આખાનો ચાક ગોળ ગોળ ફરતો મારા પિંડને એની મોજનો આકાર આપતો ન હોય જાણે! કોઈએ મારી આંખમાં આંસુ જગાડ્યાં તો કોઈએ તે લૂછ્યાં. કોઈએ મને ખિલખિલ હસાવ્યો તો કોઈએ મને અંગેઠીમાં ભૂંજ્યોયે ખરો! પણ આવું બધું થતાં પરિણામે જે ઘાટ ઊતર્યો તે ઠીક જ ઊતર્યો. સ્વસ્થ રીતે જોતાં – વિચારતાં મને મારા વિશે કશીયે રાવફરિયાદ કરવાનું કારણ લાગતું નથી. ફર્યા તો ચર્યા, ગુમાવ્યું તો મેળવ્યું, ઘસાયા તો ઘડાયા, ભૂલા પડ્યા તો ભમવા મળ્યું. એમ લાગે છે કે મારી આસપાસની દુનિયાને મારા દ્વારા વ્યક્ત થવા માટે જે અનુકૂળતા જોઈએ તે ઠીક ઠીક પ્રમાણમાં પૂરી પાડવાની મેં તત્પરતા દાખવી જ છે. એ દુનિયાએ મારો કેટલો ઉપયોગ કર્યો; એ અલબત્ત, અલગ વાત છે!

મારી ચાલણગાડી માત્ર ગિજુભાઈ બધેકાવાળી જ નહોતી. મને ચલાવવા અનેક હાથોએ આંગળી આપી છે. જેમનું ચરિત્ર વાંચતો એ મારી સાથે ચાલવા લાગતું! એક વાર હું શંકરાચાર્યની આંગળીએ દોરાયો, ઘર છોડી ગામની ભાગોળ સુધી પહોંચ્યો, પણ મારા ને ગુજરાતી ભાષાસાહિત્યના સદ્ભાગ્યે આપમેળે જ પાછો ફર્યો! બીજી વાર મેં સુભાષબાબુ થવા ધાર્યું, મારા ફળિયામાં આઝાદ હિન્દ ફોજ જમાવવા મેં પ્રયત્ન કર્યો, પણ કમનસીબે મને નેતાગીરી ન ફાવી. (આજેય નથી ફાવતી!) થયું. પછી ગાંધીજી થવા ધાર્યું. ગાંધીજી થવા ખાદી જોઈએ. ને પિતાજીએ એ સામે કડક મનાઈહુકમ સુણાવ્યો! ગાંધીજી બાપડા મારો લાભ ન લઈ શક્યા. છેવટે રવીન્દ્રનાથ મારી નજરમાં આવ્યા. તેઓ કર્મે તો કવિ હતા જ, દેખાવે પણ હતા. મને એમની કવિતા કરતાંયે એમનો દેખાવ ખાસ તો વશ કરી ગયો. મને થયું આપણે આમના જેવા થવું જોઈએ. ને મેં એ નિમિત્તે કવિ-ઉપાસના દ્વારા કાવ્યોપાસના ઉપાડી. દરમિયાન બાલસામયિકો વાંચતો, એમાંની કવિતા પ્રમાણે કંઈક જોડવાની – લખવાની ઇચ્છાઓ સળવળવા લાગી ને મારું કામ ચાલ્યું. મને જે લાગવો જોઈતો હતો તે છંદ બરોબરનો લાગ્યો. શરૂઆતમાં જોડકણાં, પછી શિયાળો, ઉનાળો, ચોમાસું કવિતામાં આવવા લાગ્યાં ને પછી પ્રેમ. જોકે પહેલું કાવ્ય ‘એવા બાપુ અમર રહો’ નામનું હતું એમ સ્મરણ છે.

કવિતામાં મારું ઠીક ગાડું ગબડતું થયું. હરીફો ખાસ નહિ, એટલે આપણી બોલબાલા. અન્યથા શરીરસંપત્તિ ને રમતગમત આદિમાં આપણે પછાત તે આ લખવા-વાંચવામાં આગળ પડતા લેખાયા. અહં પોષાયો – પોરસાયો. ડાયરીઓ, નોટો ભરાવા લાગી. આરંભે વિવેચન – મૂલ્યાંકન નહોતું. હતી માત્ર સપાટી પરની તુલના. હું મારી રીતે કાવ્ય લખું ને પછી સિદ્ધહસ્તોની કાવ્યરચનાઓ સાથે મૂકીને સરખાવી જોઉં. ચેકછેકભૂંસ આદિ કરતો. સદ્ભાગ્યે, છપાવવાવાળી વાત પાછળથી આવી. પહેલું કાવ્ય પ્રગટ થયું અંગ્રેજી ત્રીજા ધોરણ (આજના સાતમા ધોરણ)માં. વર્ગના હસ્તલિખિત અંકમાં. ત્યારથી અમે અમારી અંદર એક કવિને જોતામળતા થયા ને એ મેળાપે કાળે કરીને આજે અમે આપના સુધી આ ગદ્યની કાવડ લઈને આવ્યા! એક સુભગ અકસ્માત, કહો કે યોગાયોગ, લેણદેણ, ઋણાનુબંધ!

આ ‘ઋણાનુબંધ’ સાચે જ અદ્ભુત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસનાં સાથે બાંધી રાખે છે – જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે. જે નહોતું તે તમારું થતું તમારી પાસે આવે છે. તમારા શબ્દમાં એ તમને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર જે કંઈ હોય, આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત. કદાચ, આજે તો તકલીફો છતાં, દોંગાઈ ને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે. એના હાથમાં જામ છે ને તેય છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત? બધું જ છે, મહેરબાન, બધું જ. એક જ ઘૂંટ ને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ઘૂંઘટમાં, શબદમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે, મારી કને, મીન જેમ સળવળતા મારા શબ્દ કને — ‘શબદ’ કને!