શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/વાત અમારા ફરવાની

Revision as of 15:45, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાત અમારા ફરવાની|}} {{Poem2Open}} એક વાર ટીકુ મને કહે: ‘ચાલ નટુ, આપણે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વાત અમારા ફરવાની


એક વાર ટીકુ મને કહે: ‘ચાલ નટુ, આપણે ફરવા જઈએ!’

મેં કહ્યું: ‘ક્યાં જશું ફરવા?’

ટીકુ મને કહે: ‘તળાવે જઈએ તો?’

મેં કહ્યું: ‘ભલે!

તળાવે જઈશું,
ઝબોળા લઈશું,
દાદા સૂરજને
ફૂલપાન દઈશું.’

અને પછી ટીકુ અને હું — બંનેય પહાડ પરથી ઊતરીને પહોંચી ગયાં તળાવ કને. તળાવ પહાડની ટેકરીઓની વચ્ચોવચ હતું — ચમકતા અાસમાની કમળ જેવું! અમે તો એનું કાચ જેવું ચોખ્ખું ને ચમકતું પાણી જોઈને નાહવા માટે તૈયાર થયાં. ત્યાં તળાવભાઈએ કમળની જેમ મોઢું ઉઘાડી અમને કહ્યું:

‘અલ્યાં છોકરાંવ! જોજો નાહતાં! પાણી ઠંડુંહિમ છે! માત્ર હાથ-પગ જ બોળી લો!’

‘ભલે, ભલે!’ મેં ને ટીકુએ કહ્યું. અમને તળાવના ઠંડા પાણીમાં હાથ-પગ બોળતાં શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ હોય એવું લાગ્યું. તળાવ તો સ્વચ્છ અરીસા જેવું સુંદર હતું. અરીસા આગળથી ખસવું ગમે તો તળાવ આગળથી ખસવું ગમે! તળાવ અમને કહે:

‘જુઓ, તમે તો મને ધરાઈને જોયું, તમારી જેમ પહાડ પરથી ઊતરી આવતા ઝરણાનેય મળો ને! એને મળશો તો મનેય ભૂલી જશો!’

ટીકુ ને હું — બંનેય ઊપડ્યાં ઝરણા કને. ઝરણું તો જાણે નાનું બાળક — કલ કલ કરતું ને ખિલખિલ હસતું શિશુ નાચતું જાય ને ગાતું જાય, ગાતું જાય ને નાચતું જાય. ઝરણાને કહે:

‘ઝરણા રે ઝરણા!
મને ઝાંઝરી પ્હેરાવ,
સોનેરી માછલી
રમતી બતાવ!’

હું ને ટીકુ — બંનેય ઝરણામાં છબ છબ કરવા લાગ્યા. એકબીજાને પાણી ઉછાળીએ ને નાચીએ. ખૂબ મજા આવી. ઝરણુંયે અમારી સાથે રમતે ચડ્યું. પછી રમતાં રમતાં એ કહે:

‘તમે મારી સાથે તો બહુ નાચ્યાં, બહુ રમ્યાં,
હવે તમે જો મારી સાથે આવો તો આપણે
નદીમા પાસે જઈએ. ત્યાં પણ તમને
ખૂબ મજા આવશે.’

અમે તો ઝરણાની જોડે તાલ મિલાવતાં મિલાવતાં પહોંચ્યાં નદીમા કને. નદીમાને જોતાં અમને અમારી મમ્મીની યાદ આવી ગઈ. નદીમાયે મમ્મી જેવાં જ ગરવાં ને મીઠાં. ટીકુ કહે:

‘નદીમા, નદીમા, નાહવા દો,
ખોળો તમારો ખૂંદવા દો,
પોશ પોશ પાણી પીવા દો,
હોડીની સાથ સાથ ઘૂમવા દો!’

પછી તો ભાઈ, નદીમાને ખોળે અમે જે ખેલ્યાં છીએ… જે ખેલ્યાં છીએ… નદીમા તો હેતથી છલોછલ! બેય કાંઠે બધું લીલુંછમ! રેતીમાં તો જાણે રેશમ! અમે નદીમાં મન ભરીને નાહ્યાં. પાણી પીતાં પીતાં સૌને પાણી પાતાં રહ્યાં. નદીમાને નમીને અમે તો નીકળવાની તૈયારીમાં હતાં ત્યાં જ નદીમા બોલ્યાં:

‘બસ કે છોકરાંવ, આટલે જ અટકશો કે? મસમોટા આપણા દરિયાદાદાને નહીં મળો કે?’

અમે તો ઊભાં જ રહી ગયાં. નદીમા કહે:

‘દરિયાદાદાને તમે જોયા છે?’

અમે બંનેએ નકારમાં માથું ધુણાવ્યું. નદીમા કહે:

‘દરિયાદાદા મોટા છે!
મોજે દોટંદોટા છે.
ખૂબ ખૂબ એ ઊંડા છે,
ધરતી માટે રૂડા છે.’

અમે બંનેય પછીથી પહોંચ્યાં દરિયાદાદા કને. દરિયાદાદા તો આકાશ જેવા ઊંડા. મોજાં એમનાં પહાડ જેવાં. ચારેય બાજુ પાણી જ પાણી. દરિયાદાદાનો આવો દમામ જોઈને ટીકુબહેન તો ચકિત થઈ ગયાં! દરિયાદાદાને પછી વિનંતી કરતાં કહે:

‘દરિયાદાદા મોતી દો,
મીનપરીને ગોતી દો,
મોજે મોજે મળવું છે.
ભરતીમાંયે ભળવું છે!’

દરિયાદાદાએ ત્યારે એક મોજું એવું ઉછાળ્યું કે ટીકુબહેન ને હું — અમે બંનેય તરબોળ! અમને તો દરિયામાં પગ દેતાંય ડર લાગ્યો, પછી ભરતીમાં ભળવાની તો વાત જ શી? અમે તો દરિયાદાદાના કાંઠે બેસીને શંખલાં-છીપલાં વીણવાનું પસંદ કર્યું. અમે તો દરિયાદાદાને કાંઠે રેતીમાં જાતભાતનાં ઘર બાંધ્યાં. કાંઠાની રેશમ જેવી સુંવાળી રેતીમાં અમે પગલાંયે પાડ્યાં. દરિયાદાદા પાસે એ પગલાં ધોવડાવ્યાંયે ખરાં! હું ને ટીકુ તો દરિયાદાદાની રોનક જોતાં દરિયાદાદાની દીવાદાંડી જેવા સડક જ થઈ ગયાં! કદાચ અમે ખડકની જેમ ત્યાં જ ખોડાઈ જાત, પણ દરિયાદાદાએ અમને સચેત કર્યાં. એમણે ઊલટભેર અમને પૂછ્યું:

‘તમારે ઊંચે નથી જવું? તમારે આકાશમાં નથી ઊડવું? ચાલો, તમે બંનેય વાદળની પાંખો પહેરી દો ને સૂરજદાદાનો હાથ પકડીને ચડી જાઓ ઉપર. પછી તમે વાદળભાઈની સાથે ઊડજો. એ તમને જ્યાંથી તમે આવ્યાં ત્યાં પહોંચાડશે; પછી તમે હળવેથી ઊતરી જજો.’

અમે પછી દરિયાદાદાની સૂચના પ્રમાણે વાદળની પાંખો પહેરી ઊડ્યા ઊંચે આકાશમાં… એવી તો મજા આવી કે વાત જ ન પૂછો! ગામનાં ઘર તો બધાં સાવ દીવાસળીનાં ખોખાં જેવાં નાનકડાં. ગામનાં લોકો તો ઢીંગલાં જેવાં! લોકોએ જાણે ધરતી ઘર ઘરની રમત ન માંડી હોય! ઊંચેથી — દૂરથી જોતાં ધરતી ને ધરતી પરનાં દરિયા, પહાડ, નદી, ગામ, શહેર — બધાંયે ખૂબ ખૂબ રળિયામણાં લાગતાં હતાં. અમે તો ઠીક ઠીક સમય સુધી વાદળભાઈ સાથે આકાશમાં ઊડતાં રહ્યાં; પણ પછી વાદળભાઈયે થાક્યા, અમનેય થયું: હવે આપણે નીચે ધરતી પર ઊતરવું જોઈએ. દરમિયાન અમે તો નદીમાને અને ઝરણાભાઈને ‘આવજો’ કહ્યું. પછી અમે પર્વતદાદા પાસે પહોંચ્યાં. તેઓ તો મૂછમાં હસતા ટટાર બેઠેલા જ હતા. અમને એમનાં સફેદ દાઢીમૂછને અડવાની મજા આવી. હું ને ટીકુ બંનેય હળવેથી દાદાની કાંધે ઊતર્યાં. દાદાએ તો હાથી કમળને ઉપાડી લે એમ અમને હળવેથી ઉપાડી લીધાં. પર્વતદાદા મારા ને ટીકુના માથે હાથ ફેરવતા જાય ને હસતા જાય. પછી ધીમેથી અમને કહે:

‘છોકરાંવ, બહુ થયું હવે! બહુ ફર્યાં તમે! હવે ઊતરો મારા ખભેથી ને પહોંચો સીધાં ઘેર. રસ્તામાં શંકરદાદાના દહેરે આરતી થતી હશે, એમાં દર્શન પણ કરતાં જજો, જાઓ હવે માવતર તમારાં રાહ જોતાં હશે’

અને હું અને ટીકુ — બંનેય ઝરમર ઝરમર વરસાદની સાથે હળવે હળવે ધરતી પર ઊતર્યાં. અમે તો મનોમન ઝરણામાં પગ ઝબોળ્યા, નદીમાને મળ્યાં, તળાવદાદાને તાળી આપી ને પછી ઊપડ્યાં સીધાં ઘરે. પપ્પાનો ખોળો કબજે કર્યો ટીકુબહેને તો મેં કબજે કર્યો માનો ખોળો! અમે જ્યારે અમારી વાત મમ્મી-પપ્પાને કહેવાનું શરૂ કર્યું ત્યારે વાદળભાઈએ પણ ઝરમર વરસવાનું શરૂ કરી દીધું ને મોરભાઈએ ઊંચા સાદે ટહુકવા માંડ્યું — ‘ટેંહુક… ટેંહુક…’