સત્યના પ્રયોગો/કેસનીતૈયારી

Revision as of 04:40, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪. કેસની તૈયારી

રિટોરિયામાં મને જે એક વર્ષ મળ્યું તે મારા જીવનમાં અમૂલ્ય હતું. જાહેર કામ કરવાની મારી શક્તિનું કંઈક માપ મને અહીં મળ્યું. તે શીખવાનું અહીં મળ્યું. ધાર્મિક ભાવના એની મેળે તીવ્ર થવા લાગી. અને ખરી વકીલાત પણ અહીં જ શીખ્યો એમ કહેવાય. નવો બારિસ્ટર પુરાણા બારિસ્ટરની ઑફિસમાં રહી જે વસ્તુ શીખે છે તે વસ્તુ હું અહીં શીખી શક્યો. વકીલ તરીકે હું તદ્દન નાલાયક નહીં રહું એવો વિશ્વાસ મને અહીં આવ્યો. વકીલ થવાની ચાવી પણ મને અહીં જ હાથ લાગી.

દાદા અબદુલ્લાનો કેસ નાનો ન હતો. દાવો ૪૦,૦૦૦ પાઉન્ડનો, એટલે રૂપિયા છ લાખનો હતો. તે વેપારને અંગે હોઈ તેમાં નામાની ગૂંચવણો ઘણી હતી. કેટલોક ભાગ પ્રૉમિસરી નોટ ઉપર ને કેટલોક ભાગ પ્રૉમિસરી નોટ આપવાનું વચન પળાવવા ઉપર હતો. બચાવ એ હતો કે પ્રૉમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી અને પૂરો અવેજ નહોતો મળ્યો. આમાં હકીકત અને કાયદાની બારીઓ પુષ્કળ હતી. નામાની ગૂંચો પણ ઘણી હતી.

બંને પક્ષે સારામાં સારા સૉલિસિટરો ને બારિસ્ટરો રોકવામાં આવ્યા હતા. આથી મને તેઓના બન્નેના કામનો અનુભવ મેળવવાની સુંદર તક મળી. વાદી કેસે સૉલિસિટરને સારુ તૈયાર કરવાનો ને હકીકતો શોધવાનો બધો બોજો મારા ઉપર હતો. તેમાંથી સૉલિસિટર કેટલું રાખે છે ને સૉલિસિટર તૈયાર કરેલામાંથી બારિસ્ટર કેટલાનો ઉપયોગ કરે છે તે મને જોવા મળતું હતું. હું સમજી ગયો કે આ કેસ તૈયાર કરવામાં મારી ગ્રહણશક્તિનું ને ગોઠવણની શક્તિનું માપ મને ઠીક મળી રહેશે.

મેં કેસમાં પૂરો રસ લીધો. તેમાં હું તન્મય થયો. આગળપાછળનાં બધાં કાગળિયાં વાંચી ગયો. અસીલના વિશ્વાસનો ને તેની હોશિયારીનો પાર નહોતો. તેથી મારું કામ ઘણું સરળ થઈ પડયું. મેં નામાનો ઝીણવટથી અભ્યાસ કરી લીધો. ઘણા ગુજરાતી કાગળો હતો તેના તરજુમા પણ મારે જ કરવા પડતા. તેથી તરજુમા કરવાની શક્તિ વધી.

મારો ઉદ્યોગ ખૂબ હતો. જોકે ઉપર લખી ગયો તેમ, ધાર્મિક ચર્ચા વગેરેમાં ને જાહેર કામમાં મને ખૂબ રસ હતો અને તેમાં વખત આપતો, છતાં એ વસ્તુ મારે મન ગૌણ હતી. કેસની તૈયારીને હું પ્રધાનપદ આપતો હતો. તેને અંગે કાયદાનું વાંચન કે જે કંઈ બીજું વાંચવું પડે તે હમેશાં પહેલું કરી લેતો. પરિણામે, કેસની હકીકત ઉપર મેં એટલો કાબૂ મેળવ્યો કે તેટલું જ્ઞાન વાદીપ્રતિવાદીને પણ કદાચ ન હોય. કેમ કે મારી પાસે તો બંનેના કાગળિયાં હોય.

મને મરહૂમ મિ. પિંકટના શબ્દા યાદ આવ્યા. તેનું વધારે સમર્થન પાછળથી દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ બારિસ્ટર મરહૂમ મિ. લૅનર્ડે એક પ્રસંગે કર્યું હતું. ‘હકીકત એ ત્રણચતુર્થાંશ કાયદો છે,’ એ મિ. પિંકટનું વચન હતું. એક કેસને પ્રસંગે હું જાણતો હતો કે ન્યાય કેવળ અસીલ તરફ હતો, પણ કાયદો વિરુદ્ધ જતો જણાયો. હું નિરાશ થઈ મિ. લૅનર્ડની મદદ લેવા ધાયો. તેમને પણ હકીકતે કેસ મજબૂત લાગ્યો. તે બોલી ઊઠયા, ‘ગાંધી, હું એક વાત શીખ્યો છું કે જો આપણે હકીકત ઉપર બરોબર કાબૂ મેળવીએ તો કાયદો એની મેળે આપણને મળી રહેશે. આ કેસની હકીકત આપણે જાણીએ.’ આમ કહી તેમણે મને ફરી વાર એક વાર હકીકત પચાવવા ને ત્યાર પછી ફરી મળવાનું સૂચવ્યું. એ જ હકીકતને ફરી તપાસતાં, તેનું મનન કરતાં, મેં તેને જુદી રીતે જોઈ અને તેને લગતો દક્ષિણ આફ્રિકામાં થયેલો એક જૂનો કેસ પણ હાથ લાગ્યો. હું હર્ષભેર મિ. લૅનર્ડને ત્યાં પહોંચ્યો. તે રાજી થયા ને બોલ્યા : ‘જા, આપણે એ કેસ જીતવો જોઈએ. કયા જજ બેંચ ઉપર હશે તે જરા ધ્યાનમાં રાખવું પડશે.’

દાદા અબદુલ્લાના કેસની તૈયારી કરતો હતો ત્યારે હકીકતનો મહિમા હું આટલે દરજ્જે નહોતો પારખી શક્યો. હકીકત એટલે સત્ય વાત. સત્ય વાતને વળગી રહેતાં કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઈ જાય છે.

મેં તો અસીલના કેસને અંતે જોઈ લીધું કે તેનો કેસ ઘણો મજબૂત છે. કાયદો તેની મદદે પહોંચવો જ જોઈએ.

પણ કેસ લડતાં બંને સગા, એક જ શહેરમાં રહેનારા ખુવાર થઈ જશે એ મેં જોયું. કેસનો અંત કોઈ જોઈ ન શકે. કોર્ટમાં રહે તો કેસ ઇચ્છામાં આવે તેટલો લંબાવી શકાય. લંબાવવામાં બેમાંથી એકેને ફાયદો ન થાય. આથી કેસનો અંત થતો હોય તો તે બેઉ જણ ઇચ્છતા જ હતા.

તૈયબ શેઠને મેં વીનવ્યા. ઘરમેળે પતાવવાની સલાહ આપી. તેમના વકીલને મળવાનું મેં સૂચવ્યું. બંનેને વિશ્વાસ આવે તેવા પંચને તેઓ નીમે તો કેસ ઝટ પતી જાય. વકીલોનાં ખર્ચ એટલા બધાં ચડતાં હતાં કે તેમાં મોટા વેપારી પણ ખપી જાય. બંને એટલી ચિંતાથી કેસ લડતાં હતાં કે એકે નિરાંતે બીજું કશું કામ ન કરી શકે. દરમિયાન વેર પણ વધ્યે જ જતાં હતાં. મને વકીલાત ઉપર તિરસ્કાર છૂટયો. વકીલ તરીકે તો બંનેના વકીલોએ એકબીજાને જીતવાની કાયદાની બારીઓ જ શોધી દેવાની રહી. જીતનારને બધું ખર્ચ કોઈ દિવસ નથી મળી શકતું એ મેં આ કેસમાં પ્રથમ જાણ્યું. પક્ષકારની પાસેથી લઈ શકાય એવી ફીનો એક આંકડો હોય, ને તે ઉપરાંત અસીલવકીલ વચ્ચેનો બીજો આંકડો હોય. આ બધું મને અસહ્ય લાગ્યું. મને તો લાગ્યું કે મારો ધર્મ બંનેની મિત્રતા કરવાનો હતો, બંને સગાને મેળવવાનો હતો. મેં સમાધાનીને સારુ કાળજાતૂટ મહેનત કરી. તૈયબ શેઠ માન્યા. છેવટે પંચ નિમાયાં. કેસ ચાલ્યો. કેસમાં દાદા અબદુલ્લા જીત્યા.

પણ એટલેથી મને સંતોષ ન થયો. જો પંચના ઠરાવની બજવણી થાય તો તૈયબ હાજી ખાનમહમદ એટલા પૈસા એકાએક ન જ આપી શકે. દક્ષિણ આફ્રિકામાં વસતા પોરબંદરના મેમણોમાં એક ઘરમેળેનો અલિખિત કાયદો હતો કે પોતે મરે પણ દેવાળું ન કાઢે. તૈયબ શેઠ ૩૭,૦૦૦ પાઉન્ડ ને ખર્ચ એકાએક ન જ આપી શકે. તેમને એક દમડી ઓછી નહોતી આપવી. દેવાળું નહોતું જ કાઢવું. રસ્તો માત્ર એક જ હતો કે દાદા અબદુલ્લાએ તેમને પૂરતો વખત આપવો. દાદા અબદુલ્લાએ ઉદારતા વાપરીને ખૂબ લાંબો વખત આપ્યો. પંચ નિમાવવામાં મને જેટલી મહેનત પડી તેના કરતાં આ લાંબા હપતા કરવામાં વધારે મહેનત કરવી પડી. બંને પક્ષ રાજી થયા. બંનેની પ્રતિષ્ઠા વધી. મારા સંતોષનો પાર ન રહ્યો. હું ખરી વકીલાત શીખ્યો, મનુષ્યની સારી બાજુ ખોળી કાઢતાં શીખ્યો, મનુષ્યહૃદયમાં પ્રવેશ કરતાં શીખ્યો. મેં જોયું કે વકીલનું કર્તવ્ય પક્ષકારોની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે મારા મનમાં એવી જડ ઘાલી કે મારી વીસ વર્ષની વકીલાતનો મુખ્ય કાળ મારી ઑફિસમાં બેઠાં સેંકડો કેસોની સમાધાનીઓ કરાવવામાં જ ગયો. તેમાં મેં ખોયું નહીં. દ્રવ્ય ખોયું એમ પણ ન કહેવાય. આત્મા તો ન જ ખોયો.