સત્યના પ્રયોગો/ત્રણપાઉન્ડ

Revision as of 04:52, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ત્રણ પાઉન્ડનો કર|}} {{Poem2Open}} બાલાસુંદરમના કિસ્સાએ મને ગિરમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧. ત્રણ પાઉન્ડનો કર

બાલાસુંદરમના કિસ્સાએ મને ગિરમીટિયા હિંદીઓના સંબંધમાં જોડયો. પણ તેમના ઉપર કર નાખવાની જે હિલચાલ ચાલી તેને પરિણામે મારે તેમની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો પડયો.

આ ૧૮૯૪ની સાલમાં ગિરમીટિયા હિંદીઓ ઉપર દર વર્ષે પાઉન્ડ ૨૫નો, એટલે રૂ. ૩૭૫નો કર નાખવાનો ખરડો નાતાલની સરકારે તૈયાર કર્યો. આ ખરડો વાંચીને હું તો દિઙ્મૂઢ જ બની ગયો. મેં તે સ્થાનિક કૉંગ્રેસ પાસે રજૂ કર્યો; કૉંગ્રેસે તે બાબત જે હિલચાલ કરવી જોઈએ તે કરવાનો ઠરાવ કર્યો.

આ કરની હકીકત તોડી સમજીએ.

સુમારે ૧૮૬૦માં જ્યારે નાતાલમાં શેરડીનો સારો પાક થઈ શકે એમ છે એવું ત્યાં વસતા ગોરાઓએ જોયું ત્યારે તેમણે મજૂરોની ખોજ કરવા માંડી. મજૂર ન મળે તો શેરડી પાકે નહીં, સાકરખાંડ થાય નહીં. નાતાલના હબસીઓ આ મજૂરી કરે તેમ નહોતા. તેથી નાતાલવાસી ગોરાઓએ હિંદી સરકાર સાથે મસલત ચલાવીને હીંદી મજૂરને નાતાલ જવા દેવાની રજા મેળવી. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની બંધણી, ને પાંચ વર્ષને અંતે સ્વતંત્ર રીતે નાતાલમાં વસવાની છૂટ, એવી લાલચો આપવામાં આવી હતી. તેમને જમીનની માલિકી ધરાવવાના પૂરા હક પણ રાખ્યા હતા. તે વખતે ગોરાઓ ઇચ્છતા હતા કે હિંદી મજૂર પોતાનાં પાંચ વર્ષ પૂરાં કર્યાં પછી જમીન ખેડે ને પોતાના ઉદ્યમનો લાભ નાતાલને આપે.

આ લાભ હિંદી મજૂરે ધાર્યા ઉપરાંત આપ્યો. શાકભાજી પુષ્કળ વાવ્યાં. હિંદુસ્તાનનાં કેટલાંક મીઠાં સાકો વાવ્યાં. જે શાક થતાં હતાં તે સોંઘાં કર્યાં, હિંદુસ્તાનથી આંબો લાવીને વાવ્યો. પણ તેની સાથે તેણે તો વેપાર પણ કરવા માંડયો. ઘર બાંધવાને સારુ જમીનો ખરીદી ને મજૂર મટી ઘણા સારા જમીનદાર અને ઘરધણી થયા. મજૂરમાંથી થયેલા આવા ઘરધણીઓની પાછળ સ્વતંત્ર વેપારીઓ પણ આવ્યા. તેમાંના મરહૂમ શેઠ અબુબકર આમદ પ્રથમ દાખલ થનાર હતા. તેમણે પોતાનું કામ ખૂબ જમાવ્યું.

ગોરા વેપારી ચમક્યા. તેમણે પહેલાં હિંદી મજૂરને વધાવ્યા ત્યારે તેમને તેઓની વેપારશક્તિનો ખ્યાલ નહોતો આવ્યો. તેઓ ખેડૂત તરીકે સ્વતંત્ર રહે ત્યાં લગી તો તેઓને તે વખતે હરકત નહોતી. પણ વેપારમાં તેમની હરીફાઈ અસહ્ય લાગી.

આ હિંદીઓ સાથેના વિરોધનું મૂળ.

તેમાં બીજી વસ્તુઓ ભળી. આપણી નોખી રહેણીકરણી, આપણી સાદાઈ, આપણને ઓછા નફાથી સંતોષ, આરોગ્યના નિયમો વિશે આપણી બેદરકારી, ઘરઆંગણાને સાફ રાખવાનું આળસ, તેને સમારવામાં કંજૂસાઈ, આપણા જુદા ધર્મ – આ બધું વિરોધને ઉત્તેજન આપનાર નીવડયું.

તે વિરોધ પેલા મતાધિકારને લેવારૂપે ને ગિરમીટિયા ઉપર કર નાખવારૂપે કાયદામાં મૂર્તિમંત થયો. કાયદાની બહાર તો નાના પ્રકારની ખણખોદ ચાલુ થઈ જ ચૂકી હતી.

પ્રથમ સૂચના તો એ હતી કે ગિરમીટ પૂરી થવા આવે એટલે હિંદીઓને જબરજસ્તીથી પાછા મોકલવા, એવી રીતે કે તેનો કરાર હિંદુસ્તાનમાં પૂરો થાય. આ સૂચના હિંદી સરકાર કબૂલ રાખે તેમ નહોતું. એટલે એવી સૂચના થઈ કે,

૧. મજૂરીનો કરાર પૂરે થયે ગિરમીટિયો પાછો હિંદુસ્તાન જાય.

અથવા

૨. બબ્બે વર્ષની ગિરમીટ નવેસર કરાવ્યા કરે ને તેવી દર વેળાએ તેને પગારમાં કંઈક વધારો મળે;

૩. જો પાછો ન જાય, ને ફરી મજૂરીનું કરારનામું પણ ન કરે તો તેણે દર વર્ષે પાઉન્ડ ૨૫ કરના આપવા.

આ સૂચના કબૂલ કરાવવા સારુ સર હેનરી બ્રીન્સ તથા મિ. મેસનનું ડેપ્યુટેશન હિંદુસ્તાનનમાં મોકલવામાં આવ્યું. લૉર્ડ એલ્ગિન વાઇસરૉય હતા. તેમણે પચીસ પાઉન્ડનો કર તો નામંજૂર કર્યો; પણ તેવા દરેક હિંદી પાસેથી પાઉન્ડ ત્રણનો કર લેવો એમ સ્વીકાર્યું. મને ત્યારે લાગેલું ને હજુ લાગે છે કે, વાઇસરૉયની આ ગંભીર ભૂલ હતી. તેમણે આખા હિંદુસ્તાનનું હિત મુદ્દલ ન વિચાર્યું. નાતાલના ગોરાઓને આવી સગવડ કરી આપવાનો તેમનો મુદ્દલ ધર્મ નહોતો. ત્રણચાર વર્ષ બાદ આ કર તેવા હિંદીની સ્ત્રી પાસેથી અને તેમના દરેક ૧૬ વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક પુત્ર ને ૧૩ અને તેથી વધુ વર્ષની ઉંમરની દરેક પુત્રી પાસેથી પણ લેવાનું ઠર્યું. આમ પતિપત્ની અને બે બાળકોનું કુટુંબ, – જેમાંથી પતિને ભાગ્યે બહુ બહુ તો માસિક ૧૪ શિલિંગ મળતા હોય, – તેની પાસેથી પાઉન્ડ બાર એટલે રૂ. ૧૮૦ કર લેવો એ મહા જુલમ ગણાય. આવો કર દુનિયામાં ક્યાંયે આવી સ્થિતિના ગરીબ માણસો પાસેથી લેવાતો નહોતો.

આ કરની સામે સખત લડત મંડાઈ. જો નાતાલ ઇન્ડિયન કાýગ્રેસ તરફથી મુદ્દલ પોકાર ન થયો હોત તો વાઇસરૉય કદાચ ૨૫ પાઉન્ડ પણ કબૂલ કરત. પાઉન્ડ ૨૫ના પાઉન્ડ ૩ થયા, તે પણ કાýગ્રેસની હિલચાલની જ પ્રતાપ હોવાનો પૂરો સંભવ છે. પણ કલ્પનામાં મારી ભલે ભૂલ થતી હોય. એવો ભલે સંભવ હોય કે હિંદી સરકારે ૨૫ પાઉન્ડની વાતનો પ્રથમથી જ ઇન્કાર કર્યો હોય, ને ભલે તે કાýગ્રેસના વિરોધ વિના પણ પાઉન્ડ ૩નો જ કર સ્વીકારત. તોયે તે હિંદુસ્તાનના હિતનો ભંગ તો હતો જ. હિંદુસ્તાનના હિતરક્ષક તરીકે આવો અમાનુષી કર વાઇસરૉયે કદી કબૂલ કરવો નહોતો જોઈતો.

પચીસના ત્રણ પાઉન્ડ (રૂ. ૩૭૫ના રૂ. ૪૫) થવાને સારું કાýગ્રેસ શો જશ લે? કાýગ્રેસ ગિરમીટિયાના હિતની પૂરી રક્ષા ન કરી શકી એ જ તેને તો સાલ્યું. ને ત્રણ પાઉન્ડનો કર કોઈ દિવસે તો જવો જ જોઈએ એ નિશ્ચય કાýગ્રેસે કદી જતો નહોતો કર્યો. એ નિશ્ચય પાર પડતાં ૨૦ વર્ષ વીત્યાં. તેમાં નાતાલના જ નહીં પણ આખા દક્ષિણ આફ્રિકાના હિંદીઓને સંડોવાવું પડયું. તેમાં ગોખલેને નિમિત્ત થવું પડયું. તેમાં ગિરમીટિયા હિંદીઓને પૂરો ભાગ લેવો પડયો. તેને અંગે કેટલાકને ગોળીબારથી મરવું પડયું. દશ હજારથી ઉપરાંત હિંદીઓને જેલ ભોગવવી પડી.

પણ અંતે સત્યનો જય થયો. હિંદીઓની તપશ્ચર્યા સત્ય મૂર્તિમંત થયું. તેને સારુ અડગ શ્રદ્ધાની, ધીરજની એ સતત પ્રવૃત્તિની આવશ્યક્તા હતી. જો કોમ હારીને બેસી જાત, કાýગ્રેસ લડતને ભૂલી જાત, ને કરને અનિવાર્ય સમજી તેને શરણ થાત, તો એ કર આજ લગી ગિરમીટિયા હિંદીની પાસેથી લેવાતો હોત, અને એની નામોશી સ્થાનિક હિંદીઓને તેમ જ સમસ્ત હિંદુસ્તાનને લાગત.