સત્યના પ્રયોગો/નાતાલ

Revision as of 10:50, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬. નાતાલ પહોંચ્યો

વિલાયત જતાં વિયોગદુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ-મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી. વિલાયતથી મારા આવ્યા પછી અમે સાથે બહુ થોડું રહ્યાં હતાં, અને હું પોતે ગમે તેવો પણ શિક્ષક બન્યો હતો તેથી, તથા પત્નીમાં કેટલાક સુધારા કરાવ્યા હતા તેથી, તે નિભાવવા ખાતર પણ સાથે રહેવાની આવશ્યકતા અમને બન્નેને જણાતી હતી. પણ આફ્રિકા મને ખેંચી રહ્યું હતું. તેણે વિયોગને સહ્ય બનાવી મૂક્યો. ‘એક વર્ષ બાદ તો આપણે મળશું જ ના?’ એમ કહી સાંત્વન આપી મે રાજકોટ છોડયું ને મુંબઈ પહોંચ્યો.

દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટ મારફે મારે ટિકિટ કઢાવવાની હતી. પણ સ્ટીમરમાં કૅબિન ખાલી ન મળે. જો આ વેળા ચૂકું તો મારે એક માસ લગી મુંબઈમાં હવા ખાવી પડે તેમ હતું. એજન્ટે કહ્યું : ‘અમે તો બહુ મહેનત કરી પણ અમને ટિકિટ નથી મળી શકતી. ડેકમાં જાઓ તો ભલે. ખાવાનો બંદોબસ્ત સલૂનમાં થઈ શકશે.’ એ દિવસો મારા પહેલા વર્ગની મુસાફરીના હતા. ડેકનો ઉતારુ થઈને કંઈ બારિસ્ટર જાય? મેં ડેકમાં જવા ના પાડી. મને એજન્ટ ઉપર શક આવ્યો. પહેલા વર્ગની ટિકિટ ન જ મળે એ મારા માન્યામાં ન આવ્યું. એજન્ટની રજા લઈ મેં જ ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો. હું સ્ટીમર પર પહોંચ્યો. તેના વડા માલમને મળ્યો. તેને પૂછતાં તેણે મને નિખાલસપણે જવાબ આપ્યો : ‘અમારે ત્યાં આટલી ભીડ ભાગ્યે જ હોય છે. પણ મોઝામ્બિકના ગર્વનર-જનરલ આ સ્ટીમરમાં જાય છે, તેથી બધી જગા પુરાઈ ગઈ છે.’

‘ત્યારે શું તમે કોઈ રીતે મારે સારુ જગ્યા ન જ કાઢી શકો?’

માલમે મારી સામે જોયું. તે હસ્યો ને બોલ્યો, ‘એક ઉપાય છે. મારી કૅબિનમાં એક હીંચકો ખાલી હોય છે. તેમાં અમે ઉતારુને લેતા નથી, પણ તમને હું એ જગ્યા આપવા તૈયાર છું.’ હું રાજી થયો. માલમનો આભાર માન્યો. શેઠને વાત કરી ને ટિકિટ કઢાવી. ૧૮૯૩ના એપ્રિલ માસમાં હું હોંશભર્યો દક્ષિણ આફ્રિકામાં મારું નસીબ અજમાવવા ઊપડયો.

પહેલું બંદર લામું હતું. ત્યાં પહોંચતાં લગભગ તેર દિવસ થયા. રસ્તામાં કપ્તાનની સાથે ઠીક મહોબત જામી. કપ્તાનને શેતરંજ રમવાનો શોખ હતો. પણ તે હજુ નવશિખાઉં હતો. તેને પોતાના કરતાં ઠોઠ રમનારાનો ખપ હતો તેથી મને રમવા નોતર્યો. મેં શેતરંજની રમત કદી જોઈ નહોતી. તેને વિશે સાંભળ્યું ઠીક હતું. એ રમતમાં અક્કલનો ઉપયોગ સારી પેઠે પડે છે એમ રમનારાઓ કહેતા. કપ્તાને મને પોતે શીખવશે એમ કહ્યું. હું તેને ઠીક મુરીદ મળ્યો, કેમ કે મને ધીરજ હતી. હું તો હાર્યા જ કરતો. તેમ તેમ કપ્તાનને શીખવવાનું શૂર ચડતું ગયું. મને શેતરંજની રમત ગમી. પણ કોઈ દહાડો સ્ટીમરથી નીચે ન ઊતરી. રાજારાણી ઇત્યાદિ કેમ ચલાવી શકાય તે સમજવા ઉપરાંત આવડત ન વધી.

લામુ બંદર આવ્યું. ત્યાં સ્ટીમર ત્રણચાર કલાક રોકાવાની હતી. હું બંદર જોવા નીચે ઊતર્યો. કપ્તાન પણ ગયો હતો. તેણે મને કહ્યું : ‘અહીંનું બારું દગાખોર છે. તમે વહેલા પાછા વળજો.’

ગામ તો તદ્દન નાનું હતું. ત્યાંની પોસ્ટઑફિસે ગયો તો હિંદી નોકરો જોયા. તેથી રાજી થયો. તેમની સાથે વાતો કરી. હબસીઓને મળ્યો. તેમની રહેણીકરણીમાં રસ લાગ્યો. તેથી કંઈક વખત ગયો. બીજા કેટલાક ડેકના ઉતારુ હતા. તેમની સાથે મેં ઓળખાણ કરી હતી. તેઓ રસોઈ નિરાંતે જમવા સારુ નીચે ઊતર્યા હતા. હું તેમની હોડીમાં બેઠો. બારામાં ઠીક ભરતી હતી. અમારી હોડીમાં ભાર સારો હતો. તાણ એટલું બધું હતું કે હોડીનું દોરડું સ્ટીમરની સીડી સાથે કેમે કર્યું બંધાય જ નહીં. હોડી સીડીની પાસે જાય ને સરકી જાય. સ્ટીમર ઊપડવાની પહેલી સીટી થઈ. હું ગભરાયો. કપ્તાન ઉપરથી જોઈ રહ્યો હતો. તેણે પાંચ મિનિટ સ્ટીમર થોભાવવા કહ્યું. સ્ટીમરની પાસે એક મછવોં હતો તેને દસ રૂપિયા આપી મારે સારુ એક મિત્રે ભાડે કર્યો, ને તે મછવાંએ પેલી હોડીમાંથી મને ઊંચકી લીધો. સ્ટીમરની સીડી ઊપડી ગઈ હતી. દોરડાથી મને ઉપર ખેંચી લીધો, ને સ્ટીમર ચાલતી થઈ! બીજા ઉતારુઓ રહી ગયા. કપ્તાને આપેલી ચેતવણીનો અર્થ હવે સમજ્યો.

લામુથી મોમ્બાસા ને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. ઝાંઝીબારમાં તો બહુ જ રોકાવાનું હતું – આઠ કે દસ દિવસ. અહીં નવી સ્ટીમરમાં બદલવાનું હતું.

કપ્તાનના પ્રેમનો કંઈ પાર નહોતો. આ પ્રેમે મારે સારું ઊલટું સ્વરૂપ પકડયું. તેણે મને પોતાની સાથે સહેલ કરવા જવા નોતર્યો. એક અંગ્રેજ મિત્રને પણ નોતર્યો હતો. અમે ત્રણે કપ્તાનના મછવામાં ઊતર્યા. આ સહેલનો મર્મ હું મુદ્દલ નહોતો સમજ્યો. કપ્તાનને શી ખબર કે હું આવી બાબતોમાં છેક અજાણ્યો હોઈશ? અમે તો હબસી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ અમને ત્યાં લઈ ગયેલો. દરેક એક એક કોટડીમાં પુરાયા. પણ હું તો શરમનો માર્યો કોટડીમાં પુરાઈ જ રહ્યો. પેલી બાઈ બિચારીને શા વિચાર આવ્યા હશે એ તો તે જ જાણે. કપ્તાને બૂમ મારી. હું તો જેવો અંદર દાખલ થયો હતો તેવો જ બહાર નીકળ્યો. કપ્તાન મારું ભોળપણ સમજી ગયો. પ્રથમ તો મને બહુ જ ભોંઠપ લાગી. પણ આ કાર્ય કોઈ રીતે હું પસંદ કરી શકું તેમ નહોતું જ, તેથી તરત જ તે જતી રહી ને મેં ઈશ્વરનો પાડ માન્યો કે પેલી બહેનને જોઈ મને વિકાર સરખો પણ પેદા ન થયો. મને મારી નબળાઈ તરફ તિરસ્કાર ઊપજ્યો કે હું કોટડીમાં પુરાવાની જ ના પાડવાની હિંમત ન કરી શક્યો.

આ મારી જિંદગીની આવા પ્રકારની ત્રીજી કસોટી હતી. કેટલાયે જુવાનિયા પ્રથમ નિર્દોષ હોવા છતાં ખોટી શરમથી દોષમાં પડતા હશે. મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારુ મારે તો પાડ કેવળ ઈશ્વરનો જ માનવાનો રહ્યો છે. પણ આ કિસ્સાથી મારી ઈશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કંઈક શીખ્યો.

ઝાંઝીબારમાં એક અઠવાડિયું ગાળવાનું હતું. તેથી હું એક મકાન ભાડે લઈ શહેરમાં રહ્યો. શહેર ખૂબ ફરી ફરીને જોયું. ઝાંઝીબારની લીલોતરીનો ખ્યાલ માત્ર મલબારમાં જ આવી શકે. ત્યાંનાં વિશાળ ઝાડો, ત્યાંનાં મોટાં ફળો, ઇત્યાદિ જોઈ હું તો ચકિત થઈ ગયો.

ઝાંઝીબારથી મોઝાંબિક ને ત્યાંથી મે માસની લગભગ આખરે નાતાલ પહોંચ્યો.