શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૪. મારો ચક્રધર બાલસખા

Revision as of 11:50, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૪. મારો ચક્રધર બાલસખા


મને ડાયાબિટીસ છે. મારા ફૅમિલીડૉક્ટરે મને સલાહ આપી છે: ‘તમે રોજ સવારે ચારેક કિલોમીટર જેટલું ચાલવાનું રાખો.’ મને પણ થયું કે મારા આ મશીનને ઠીક રીતે કામ આપતું રાખવું હોય તો મારે ડૉક્ટરની સલાહ માની તેને રોજ નિયમિત રીતે ચલાવવું જોઈએ. મગજની સાથે પગ પણ ચાલે એ જરૂરી છે. પણ મારી માનસિકતા પેલા દુર્યોધનના જેવી છે. ધર્મ જાણીએ પણ આચરવાનો નહીં, અધર્મ જાણીએ પણ તે છોડવાનો નહીં! આવું થાય એટલે મારી જંગમતાને ગ્રહણ લાગે જ લાગે. પ્રમાદનો રાફડો દિમાગ સુધી ફરી વળે. પરિણામે સૂતો હોઉં તો બેસવાનું મન ન થાય, બેઠો હોઉં તો ઊભા થવાનું મન ન થાય અને ઊભો હોઉં તો ચાલવાનું મન ન થાય. આમ ને આમ જેમ પેલી અહલ્યાનું, અલબત્ત, બીજા કારણે શલ્યીકરણ થયું એમ મારુંયે ન થાય એ માટે મારે સાવધાન થવું જોઈએ.

એવામાં પંદરમી ઑગસ્ટ આવી. રાષ્ટ્રની મુક્તિનો જન્મદિવસ તો ખરો જ — તે સાથે આધ્યાત્મિક મુક્તિના સ્વપ્નદ્રષ્ટા શ્રી અરવિંદનો જન્મદિવસ પણ ખરો. તે દિવસે મને શ્રી વિવેકાનંદનું માનીતું સૂત્ર યાદ આવ્યું: ‘ઉત્તિષ્ઠિત, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત’ (ઊઠો, જાગો અને જે ઉત્તમ હોય તેનું આચરણ કરો.) મેં શિવસંકલ્પબદ્ધ થઈ, કોઈ પોતાના પ્રિય વાહનને ગૅરેજમાંથી ફેરવવા માટે બહાર કાઢે તેમ મારા શરીરને ઘરમાંથી બહાર કાઢ્યું અને સોસાયટીના ઝાંપે પહોંચાડી ત્યાંથી નગરપાલિકાના બગીચા તરફ વાળ્યું.

ત્યારે સવારના લગભગ સાત – સાડા સાતનો સમય થયેલો. મેં હરદ્વારથી મારા સન્મિત્ર કિરીટ ભાવસાર દ્વારા મગાવેલી લાકડી, કૂતરાંના સંભવિત હુમલાના પ્રતિકાર માટે મારા કરકમળમાં ધારણ કરેલી. એ રીતે મારી સાથે એ લાકડીનેય સવારના તાજગીભર્યા વાતાવરણમાં બહાર નીકળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. હું અને મારી લાકડી અમે બંનેય પૂરા તાલમેળમાં, ‘સંવાદિતાના સાધક’ બની તાજી હવાના ઘૂંટ લેતાં લેતાં બગીચા તરફ જઈ રહ્યાં હતાં. સોસાયટીનો ઝાંપો છોડી અમે આગળ વધતાં હતાં ત્યાં જ રસ્તાની સામી બાજુએથી, આઠેક વર્ષનો એક છોકરો લોઢાના સળિયાનું બનાવેલું પૈડું – ચક્ર ફેરવતો ફેરવતો નીકળ્યો. રસ્તાની જમણી બાજુની ફૂટપાથે હું હતો, તેની ડાબી બાજુની ફૂટપાથે એ. છોકરાએ લીલી ચડ્ડી પહેરેલી અને એમાં સફેદ ખમીસ ખોસેલું. એના વાળ વાંકડિયા ને લાંબા હતા. હવામાં એ ફરફરતા ત્યારે સોહામણા લાગતા. એનું મોઢું વસાણાના લાડવા જેવું ગોળ ને ચમકતું! શરીરે સરખો. ચાલવામાં ચપળ, સ્ફૂર્તિનો ઝરો! આકાશમાં કોઈ વાદળું લટાર મારવા નીકળે એમ એય નીકળેલો, લટાર મારવા આજની આ સોનલવર્ણી સવારે. એ વળી વળીને મને જોતો જાય અને એનું પૈડું ચલાવતો ચલાવતો આગળ દોડતો જાય. થોડો દોડીને પાછો ઊભો રહે. મારી જાણે વાટ જોતો હોય એમ ઊભો રહે, હું એની સમાંતરે, નજીક પહોંચું એટલે પાછો પૈડું ચલાવતો ચલાવતો એ આગળ ધપે! આમ અમે બેય પહોંચ્યા નગરપાલિકાના બગીચે.

મેં બગીચામાં પ્રવેશી ત્યાં એક ખાલી પડેલા બાંકડા પર આસન જમાવ્યું. એય જાણે મને અનુસરતો હોય એમ આવી લાગ્યો. મારા બાંકડાની બરોબર સામેના બાંકડે એય બેઠો, પડખે પોતાના પૈડાને બેસાડીને. મેં રૂમાલ કાઢી મોઢા પર વળેલો પરસેવો લૂછ્યો તો એણેય એની ચડ્ડીમાંથી રૂમાલ કાઢી પોતાના મોઢા પરનો પરસેવો લૂછ્યો. મેં બગાસું ખાધું તો એણેય બગાસું ખાધું. મેં આળસ ખાધી તો એણેય આળસ ખાધી. મેં પછી નજીકમાંના પાણીના નળે જઈ મોઢું ધોઈ, કોગળા કરી, થોડું પાણી પીધું ને ફરી બાંકડે બેઠક લીધી. એણેય એમ જ કર્યું. એણે તો થોડું પાણી મોંમાં ભરી એની પિચકારીઓ પણ મારી જોઈ. મેં આંખ મીંચી ઘડીભર આરામ કરી, ખિસ્સામાંથી ગીતાજીનો ગુટકો કાઢી એક પછી એક શ્લોક વાંચવા માંડ્યા. ત્યારે એ પણ જાણે મારી પાછળ ચોરીછૂપીથી આવી, ઊભો રહી, મારી સાથે સાથે જ શ્લોકો વાંચતો હોય એવો ભાસ થયો. હા, ભાસ! ત્યાં દૂધ-કૉલ્ડડ્રિન્ક(કૉલ્ડ ડ્રિન્ક)વાળો ફેરિયો આવ્યો. મેં એની પાસે બૉટલ દૂધ-કૉલ્ડડ્રિન્કની ખરીદી ત્યારે એ એની વેધક નજરે મને જોઈ રહ્યો હતો. મેં પેલા ફેરિયાને બીજી બૉટલના પૈસા ચૂકવી, પેલા પૈડાવાળા મારા નાનકડા દોસ્તને એ બૉટલ પહોંચાડવા જણાવ્યું. ફેરિયો એની પાસે પહોંચ્યો. ક્ષણભર મારો નાનકડો દોસ્ત ક્ષોભ પામીને અટક્યો, પછી મલક્યો, ઊછળ્યો ને જાણે તરાપ મારતો હોય એવી સ્ફૂર્તિથી તેણે ફેરિયાના હાથમાંથી દૂધની બોટલ લઈ લીધી ને મોંએ માંડી. બૉટલમાંથી દૂધના ઘૂંટડા ભરતો જાય, મને જોતો જાય, મલકતો જાય ને પાછો દૂધના ઘૂંટડા ભરતો જાય… એમ કરતાં એણે દૂધની બૉટલ પૂરી કરી. દૂધ પીતાં હોઠે ઉગાડેલી સફેદ ઝીણી મૂછને હસતાં હસતાં સાફ કરી એ ફરી પાછો પોતાના બાંકડા પર ગોઠવાઈ ગયો. થોડી વારમાં એ ઊભો થયો ને પૈડું લઈ પાંચસાત આંટા મારી આસપાસમાં લગાવી ફરી પાછો સામેના બાંકડે પોતાની જગ્યાએ બેસી ગયો અને કશુંક ગણગણવા લાગ્યો. થોડી વાર ગણગણીને પાછો ઊભો થયો. પોતાની ચડ્ડીના ખિસ્સામાંથી રબરની એક દડી કાઢી રમવા લાગ્યો: એક, બે, ત્રણ, ચાર.. એમ સો સુધી પહોંચી ગયો. પછી દડીને પાછી પોતાની ચડ્ડીના ખિસ્સામાં સેરવી દીધી ને બાંકડા પર બેસી અદબપૂર્વક મને જોઈ રહ્યો ને મરક મરક હસ્યો. એવામાં એક ગલૂડિયું તેની પાસેથી પસાર થઈ રહ્યું હતું તેને એણે ચપળતાપૂર્વક પકડ્યું ને તેની સાથે થોડી ગેલ-મસ્તી કરી લીધી. પાછો બેઠો ને કંઈક ગણગણવા લાગ્યો..

મેં ઘડિયાળ સામે જોયું. થયું કે ઊઠું. હું ઊભો થયો. એય મારી સાથે ઊભો થયો. મેં બગીચાના દરવાજા તરફ ચાલવા માંડ્યું. એણેય પોતાનું પૈડું લઈ મારી જોડાજોડ, સમાંતરે, રસ્તાની સામી બાજુએ ચાલવા માંડ્યું. કોઈ વત્સલ દાદાજી બાળકને આંગળી પકડીને ચલાવે એમ એ પણ પોતાના પૈડાને ચલાવતો હતો જાણે! થોડી વાર પૈડાની સાથે ઝડપથી ચાલી પાછો વળી મને જોવા લાગ્યો. મને પાછળ પડી ગયેલો જાણી એ ઊભો રહ્યો. હું એની નજીકમાં પહોંચ્યો કે એણે એની સવારી ઉપાડી! પૈડું ચલાવતો જાય ને સીટી વગાડતો જાય. વચ્ચે વચ્ચે મારી સામું જોઈને મીઠું મીઠું હસતો પણ જાય. એમ કરતાં એનો ખાંચો આવ્યો, તે ઘડીભર અટકી ગયો, મારી સામે નજર કરી ને પછી એનો નાનકડો રૂમાલ ફરકાવતો ફરકાવતો એના ખાંચામાં સરી ગયો… મારી આંખે એનો પીછો કર્યો પણ નિષ્ફળ… એ મને દેખાયો નહીં. મને થયું – કાલે વાત!

બીજે દિવસે, એ જ રીતે, સવારે ઊઠીને હું નીકળ્યો. રસ્તામાં એનો ખાંચો આવતાં હું ત્યાં ખડો રહ્યો, પણ એ ફરક્યો નહીં. મને થયું: ‘મેં ભૂલ કરી, ગઈ કાલે જ એનું ઘર જો મેં જોઈ લીધું હોત તો…’ પણ કદાચ ને એ નગરપાલિકાના બાંકડે પહોંચી ગયો હોય એવા ખ્યાલ સાથે હું ત્યાં પહોંચ્યો, પણ ત્યાંય મારો એ નાનકડો દોસ્ત મને દેખાયો નહીં.

આપણા પાકીટમાંથી આપણા પ્રિયજનનો ફોટો ગુમ થતાં જેવી લાગણી થાય એવી લાગણી મને થઈ. આમ તો જે બધું ગઈ કાલે હતું તે બધું આજે પણ હતું એમ કહેવું હોય તો કહી શકાય ને છતાં મને સતત એમ લાગ્યા કરતું હતું કે જાણે હું કંઈક ‘મિસ’ કરું છું… આમ તો મેં ખિસ્સામાં ચૉકલેટો પણ રાખેલી, જેથી ‘હાઉક’ કરતોકને જો એ સામે પ્રગટ થાય તો એની નાજુક હથેળીને હું તેનાથી ભરી દઈ મીઠી મીઠી કરી શકું, પરંતુ એવી રૂડી તક અભાગી એવા મને નહીં સાંપડી! માખણચોર શ્રીબાલકૃષ્ણના મારા જેવા પરમ ચાહક જીવને નગરપાલિકાના બગીચે સહેલ કરાવવા મારો પેલો ચક્રધર બાલસખા હવે પછીથી ક્યારે આવશે? આવશે?

૩૦-૮-૨૦૦૯


(રૂડી જણસો જીવતરની, પૃ. ૨૫-૨૮)