શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૫. ખોખલા જણની કેફિયત

Revision as of 11:51, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૫. ખોખલા જણની કેફિયત


આમ તો અમારું કુળ-મૂળ ઘણું ઊંચું. એક તબક્કે તો અમે સૌને ખુમારીપૂર્વક કહેતા કે અમે શુકદેવજીના સીધા વંશજ. ભાગવત-પૂજા શુકદેવજીના વારાથી અમારા કુળમાં. શુકદેવજીના સીધા આશીર્વાદ સાંપડેલા અમારા વડવાઓને! કેટલાકે અમારી આ ખુમારીની વાતો સાંભળી જ નહીં, કેટલાકે સાંભળી તો પેલી પૂતળીની જેમ એક કાનેથી સાંભળી સીધી બીજા કાનેથી બહાર કાઢી નાખી ને કેટલાકે જો સાંભળી તો ભીતરમાં જ પૂરી ભંડારી દીધી! અમારી આ કુળવાતોમાં જે ખાટલાની મોટી ખોડ હતી તે તો બતાવી અમારા ઘર-ઘાટી કનૈયાએ – કનિયાએ. એ કહે: ‘કેવી નાખી દેવા જેવી વાત કરો છો? શુકદેવજી વળી કે દા’ડે પઇણેલા તે એના વંશની આમ માંડો છો? એ બાલબ્રહ્મચારી હતા બાલબ્રહ્મચારી! એના વંશજ તમે કેવી રીતે હો?’ કનૈયાની વાત તો સોળ આની સાચી હતી – કાનની બૂટ પકડવી પડે એવી! અમારે નાછૂટકે શુકદેવજીને અમારા કુળ-આંબામાંથી પડતા મૂકવા પડ્યા, પણ એમ કંઈ અમે ગાંજ્યા જઈએ! અમે અમારા કુળના મૂળપુરુષ તરીકે એ જ ઘડીએ શુકદેવજીના – એ બાપને – વેદવ્યાસને જ સ્થાપી દીધા! કોની મગદૂર છે કે હવે એમને અમારા કુળપુરુષપદેથી પદભ્રષ્ટ કરે?

અમારો વંશ સીધો જ વેદવ્યાસમાંથી ઊતરી આવેલો એટલે અમારા કુળસંસ્કારોમાંયે કેટલુંક નોખું-અનોખું, ઉન્નત-ઊંચું હોય ને? અમે આમ તો સ્વયંપાકી, જાતે રાંધીએ ને એ જ રાંધેલું ખાઈએ; તેમ છતાં આસપાસની પાડોશણ વાર-તહેવારે મીઠાઈ-ફરસાણ આવીને આપી જાય તો તેનો ઓછો જ અસ્વીકાર થાય? આપણે તો ભાવના ભૂખ્યા! ભાવ જોઈને ભાવતું કરીએ! ભગવાન જેવા ભગવાન રામ પણ જો જનમભૂખી શબરી જેવી ભીલડીનાં એઠાં બોર આરોગી શકે તો આપણે શું એનાથીયે ગયા? આપણે તો આગ્રહપૂર્વક કહેવું પડે કે તમે જે કંઈ અમને ધરો એ ચાખીને જ ધરજો એટલે પાછળથી પછી ખાંડ, મીઠું કે મરચું વગેરે નાખવા-ભભરાવવાનો સવાલ જ ન થાય! અને આમ જુઓ તો ચાખીને ચખાડવું, પીતાં પીતાં પિવડાવવું એમાં પ્રચ્છન્ન પ્રેમાચાર જ હોય છે ને?

અમે પાકા મરજાદી વૈષ્ણવ! ‘એક વર્યો ગોપીજનવલ્લભ નહીં સ્વામી બીજો’ — એવું દયારામની રીતે ચુસ્તીથી કહેવાતા વૈષ્ણવ! દયારામની જેમ કોઈ સોનારણનું બેડું ફોડવાની – એવો કાંકરીચાળો કરવાની ઇચ્છા અમને ઊગી નથી એમ તો કેમ કહેવાય? પણ અમે એ સોનારણના સ્વામીનાથની દંડશક્તિનો ખ્યાલ કરીને અમારા મન-મર્કટને સદાયે સદાચારના ફાંસલામાં જ જડબેસલાક જકડી રાખ્યું છે. અમે હંમેશાં ડાહ્યાભાઈના દીકરા ડાહ્યા દલપતરામની શિખામણ યાદ કરી કરીને સૌના સાળા ને સૌના સસરા થવાની કઠણ પળોજણ જીવ પર આવીને કરતા રહ્યા છીએ. અમારી સાથી, કૉલેજમાં ભણતી છોકરીઓ જે વિસ્તારમાં રહેતી હોય એ વિસ્તારમાં ડગલું ભરતાં પણ અમે બુદ્ધ ભગવાન કરતાંય વધારે વાર વિચારવિમર્શ કર્યો છે. આમ છતાં મીરાં જેવી મહિલા સ્ત્રીહઠથી પ્રેરાઈ ડાબે મેલ્યા મેવાડનું પાણી પીવામાંયે દોષ જુએ એવો દોષ જોવાનું અમે પુરુષપ્રવરો તો ન જ કરી શકીએ ને? સ્ત્રીદાક્ષિણ્ય જેવીયે કોઈ બાબત હોય છે ખરી. કોઈ કૉલેજકન્યા જો બૉલબૅટ રમતાં થાકીને તરસ્યા થયેલા અમને કરુણાથી જલ પાવા ચાહે તો એની અવજ્ઞા અમારાથી કઈ રીતે થઈ શકે? જળ તો વરુણદેવતા. એનો અનાદર કેમ થઈ શકે? અમારે એ કૉલેજકન્યાના વરદ કરકમળથી પ્રાપ્ત થતું જળ આબેહયાત હોય એ રીતે અથવા તો પ્રભુજીની ઝારીનું યમુનાજળ કે ગંગાજળ હોય એ રીતે પીવું જ રહ્યું. નરસિંહ મહેતાએ રતનના હાથનું જળ નહોતું પીધું? તો અમે તો વેદ-વ્યાસનું ખાનદાન! અમારાથી પેલી કૉલેજકન્યાના સખીકૃત્યનો ઇન્કાર કઈ રીતે થઈ શકે? અમારે તો ઊલટું કલાપીની રીતે કહેવું જ રહ્યુંઃ ‘બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુજને તૃષા!’

ક. મા. મુનશીની જેમ અમેય ‘જીવનનું કચ્ચરિયું’ કરવામાં જરા પણ ન જ માનીએ. અમે તો છાશવારે ગાતા હોઈએ છીએ – ‘આજનો લ્હાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે? ‘અમે તો પલે’ મળી તે પદમણી’ એ કહેવત પણ અવારનવાર — અમારા હમદર્દો ને પ્રશંસકોને યાદ કરાવીએ છીએ એટલે અમને મેળામાં શું કે મેળાવડામાં શું, સર્વત્ર કહો કે હોથલ પદમણીની જ તલાશ રહે છે. પથ હોય કે પદ, એ શોભે પદમણીએ! ઘર હોય કે ગામ, અંદર હોય કે બહાર – બધું રૂડું લાગે રસ-રમણીએ! ગોળ વિનાનો કંસાર ને નાર વિનાનો સંસાર સાવ ફિક્કાં જ! સીતા વિનાના જેવા રામ, રાધા વિનાના જેવા કહાન, એવા જ ભૂંડા અમે લાગતા હોઈશું તમને! પણ એમાં અમે શું કરીએ? અમે તો પેલા ‘નળાખ્યાન’માંના દેવતાઓની જેમ નળનો વેશ લઈને કેટલાંય વાટ-ઘાટ ખૂંદી વળ્યા, પણ દમયંતી ક્યાં રેઢી પડી છે? અમે નામ-છાપે સદાચારી છતાં કોઈ અળવીતરાનાં કરતૂતોએ અમને ‘સડાચારી’ના ચોકઠામાં હડસેલી દીધા છે ને તેથી અમને દમયંતીનો જ્યાં સ્વયંવર થવાનો છે એ દરબારમાં પેસવા સામે પણ પાકી મનાઈ છે!

અમે આમ તો ઘણા ઉદાર છીએ, પણ અનેક લોકો અમને બેઠક વગરના લોટામાં ગણી કાઢે છે! અમે તો શુકદેવજી સરખા બ્રહ્મચર્યના અઠંગ વ્રતધારી, પણ ભગવાન સાક્ષાત્ મોહિની વેશે હાજર થઈ મહાયોગી શંકરને એમની રમણીય લીલા દર્શાવતા હોય ત્યારે અમારે શું આંખો મીંચી દેવી? અમે બરોબર જાણીએ છીએ કે એ રીતે અમારા પૂર્વજ વેદવ્યાસને જોઈને આંખો મીંચી દેવાથી જ ધૃતરાષ્ટ્રને આંધળા જન્મવાનું થયું. અમારે હવે એવી આફતો નોંતરવી નથી. અમે મોહાંધ થયા વિના મોહિનીને જોઈશું અને જરૂર પડ્યે મોહિનીની સર્વાંગીણ કેળવણી માટે ‘બ્યુટી પાર્લર’ અને ‘ફેશનકોર્સ’ના વર્ગોથી માંડીને ‘વ્યક્તિત્વવિકાસ’ અને ‘નેતૃત્વવિકાસ’ના વર્ગો સુધીના અનેકાનેક વર્ગો ચલાવવાની અમારી તાતી તૈયારી છે જ છે અને તેય પાછી શુદ્ધ સેવાભાવનાથી. જનસેવા જો પ્રભુસેવા હોય તો એમાં નારીસેવાય આવે જ ને? અમે તો જ્યાં નારીપૂજા થતી હોય ત્યાં દેવતાની જેમ રમણ કરવા સદાયે તત્પર હોઈએ છીએ. નારી-સેવકોને તો એ જ શોભે!

અમારી નારીસેવાની આવી વિશુદ્ધ વૃત્તિ છતાં નારી-સમાજને અમારા તરફ કેમ અભાવો ને અરુચિ છે તે મસમોટું રહસ્ય છે. એમને અમારો રજ પણ ભરોસો પડતો નથી. અમે જાણે બકરી હલાલ કરનારા કસાઈ હોઈએ એમ તેઓ અમને તીખી નજરે જુએ છે. અમને તેથી પારાવાર ક્ષોભ ને આઘાત લાગે છે. અમારું પુરુષવેેશે આ અવનિતલ પરનું અવતરણ અમને અર્થહીન લાગે છે. અમે જાણે ‘મહિષાસુરમર્દિની’ પેલી જગદંબા માટે મહિષ ન હોઈએ! અમને અમારી આવી કઢંગી હાલતથી જોતાં અમારા પોતા પ્રતિ પારાવાર ક્રોધ અને કરુણા બેય સાથેલાગાં ઊપજે છે! પણ શું થાય? એક પ્રકારની કિંકર્તવ્યમૂઢતા અમને ઘેરી વળે છે. અમને અમારું રૂપ એવું અખળડખળ, ગરબડિયું, વરવું ને વસમું લાગે છે કે એને સરખું કરવા કોઈ મહાશક્તિને પ્રકટવું પડશે એમ લાગે છે! નહીંતર અમારા કૂડ કરમે જેમ આ ધરતી બગડી તેમ બહારનું અને અંદરનું આકાશ પણ બગડી શકે. ભગવાન અમને અમારા ખોખલાપણાથી બચાવી સૌને બચાવે.

(દીવે દીવે દેવ, પૃ. ૧૦૮-૧૧૦)