સાહિત્યચર્યા/નેપથ્યે

Revision as of 06:02, 18 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નેપથ્યે|}} {{Poem2Open}} જનુભાઈ ઉર્ફે જયેન્દ્રભાઈ વ્યવસાયે સ્પિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેપથ્યે

જનુભાઈ ઉર્ફે જયેન્દ્રભાઈ વ્યવસાયે સ્પિનિંગ સુપરિન્ટેન્ડેન્ટ પણ સ્વભાવે સાહિત્યકાર; એમના પિતા છોટાલાલ પણ સાહિત્યકાર, એમના પુત્ર તારક પણ સાહિત્યકાર. આમ, પોતે, પોતાના પિતા અને પુત્ર – ત્રણે સાહિત્યકાર. પણ સાહિત્યકાર તરીકે તેઓ સૌ સૌના તાનમાં જીવ્યા છે. પિતા છોટાલાલને નાટકનો ભારે શોખ. એમને ગીત અને સંગીતનો પણ એવો જ ભારે શોખ. તેઓ ગીતો લખતા અને ગાતા. – તેઓ શીઘ્ર- કવિ પણ હતા. એમણે એક આખ્યાન – ‘મદાલસા આખ્યાન’ – પણ રચ્યું હતું. નાટક લખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ પ્રયત્નના પ્રમાણરૂપે એમના ઘરમાં અસંખ્ય હસ્તપ્રતો હતી. એમના અવસાન પછી પુત્ર જનુભાઈએ એનો નાશ કર્યો હતો. એમના ઘરમાં થોકબંધ ‘ઓપેરા બુક’નો સંગ્રહ પણ હતો. છોટાલાલનાં સંતાનોમાં ત્રણ પુત્રીઓ અને એક જ પુત્ર તે જનુભાઈ. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ પ્રગટ થયાં હતાં. જનુભાઈ નાના હતા ત્યારે જ ‘નાતના નવા લીડર’ હતા; એથી યુવક સંસ્થા, હસ્તલિખિત મૅગેઝિન, ઉત્સવો, ભાષણો આદિનું આયોજન કર્યું હતું. પિતાની જેમ ગરબા-ગીત આદિ કાવ્યો રચ્યાં હતાં. રંગભૂમિ માટે નહિ તો સિનેમા માટે પટકથા લખવાની મહત્ત્વાકાંક્ષા હતી. પિતા છોટાલાલનું લઘુ ચરિત્ર પણ લખ્યું હતું. વ્યવસાય અંગે છેલ્લે છેલ્લે મુંબઈમાં ક્રાઉન મિલમાં હતા ત્યારે પુત્ર તારકના આગ્રહથી આત્મવૃત્તાન્ત પણ લખ્યું હતું. સાહિત્યનો – સાહિત્યના વાચનનો પણ ભારે શોખ. ફ્રોઇડ અને હેવલોક એલિસનાં મનોવિજ્ઞાનનાં પુસ્તકોનો પણ સારો અભ્યાસ કર્યો હતો. એથી વિક્ટર હ્યુગો, એમિલ ઝોલા, હેન્રી મિલર, હેરલ્ડ રોબિન્સ, નોબોકોવ આદિ નવલકથાકારોની નવલકથાઓ વાંચી હતી. પણ એમને નાટકમાં – નાટકોના વાચનમાં સવિશેષ રસ. એમણે શેક્સ્પિયરથી શૉ લગીના નાટકકારોનાં નાટકોનું વાચન કર્યું હતું. એમાં પણ એમને પુત્ર તારકની પ્રેરણા હતી. પુત્ર તારકને તો માત્ર નાટક વાંચવાનો જ નહિ, નાટક લખવાનો અને ભજવવાનો પણ ભારે શોખ હતો. તેઓ એલિસબ્રિજમાં એચ. એલ. કૉમર્સ કૉલેજ અને એલ. ડી. આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે કૉલેજ જતાં આવતાં વચમાં માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાંથી સાહિત્યનાં – સવિશેષ નાટકનાં પુસ્તકો લાવે, વાંચે અને પિતા જનુભાઈને વંચાવે. જનુભાઈનું નિવાસસ્થાન સાંકડીશેરીમાં ઝુમખીની ખડકીમાં હતું. થોડેક જ દૂર રઘનાથ બંબની પોળમાં ભટ્ટસાહેબનું નિવાસસ્થાન હતું. ભટ્ટસાહેબ એટલે એસ. આર. ભટ્ટ, સન્તપ્રસાદ રણછોડદાસ ભટ્ટ. એમનું ટૂંકું લોકપ્રિય નામ હતું એસ. આર.. ભટ્ટસાહેબ માત્ર જગતભરના સાહિત્યના – સવિશેષ નાટ્યસાહિત્યના અદ્વિતીય વિદ્વાન જ ન હતા. એ યુરોપી રનેસાંસની બૌદ્ધિક પરંપરાના માનવપ્રેમી – બલકે માનવતાપ્રેમી હતા. જીવનના અનેક સ્તરે વિહરતી – વિચરતી એમની સર્વતોમુખી પ્રતિભા હતી. કોઈ પણ મનુષ્ય માટે એનું આકર્ષણ ન અનુભવવું અશક્ય હતું. જ્યારે જનુભાઈ તો ભટ્ટસાહેબના પડોશી. જનુભાઈ અને ભટ્ટસાહેબને પરસ્પર અંગત અને આત્મીય પરિચય હતો. ભટ્ટસાહેબ જનુભાઈના સાહિત્યપ્રેમથી – નાટ્યપ્રેમથી અને એમની રસરુચિથી સંપૂર્ણ સભાન હતા. એક વાર એમણે જનુભાઈને ઇટાલિયન નાટકકાર લુઈજી પિરાન્દેલોનાં નાટકો વાંચવાનું સૂચન કર્યુ.ં જનુભાઈએ અંગ્રેજી નાટકો વાંચ્યાં હતાં પણ યુરોપીય નાટકો વાંચવાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. પિતા-પુત્રએ પિરાન્દેલોનાં મુખ્ય પ્રસિદ્ધ નાટકો – ‘Six Characters in Search of an Author’, ‘Henry the Fourth’, ‘Each in His Own Way’ આદિ વાંચ્યાં. જનુભાઈને ફ્રોઇડ અને હેવલોક એલિસનાં મનોવિજ્ઞાનનાં પુસ્તકો અને શેકસ્પિયરથી શૉ લગીના નાટકકારોનાં નાટકોના વાચનનો અનુભવ હતો. એથી એમને પિરાન્દેલોનાં નાટકો ખૂબ ગમ્યાં. જનુભાઈને ‘Each in His Own Way’નો ગુજરાતીમાં અનુવાદ કરવાનું સૂઝ્યું. જનુભાઈએ આ નાટકનો અનુવાદ ન કર્યો, પણ એનું રૂપાંતર કર્યું. પિરાન્દેલોનાં નાટકો એમાં જે મૌલિક જીવનદૃષ્ટિ, વિશિષ્ટ વસ્તુવિષય અને વિચિત્ર શૈલીસ્વરૂપ છે એને કારણે ‘ક્લિષ્ટ’ અને ‘દુર્બોધ’ છે એમ જગતભરમાં સૌ – વાચકો, વિવેચકો, લેખકો, અભિનેતાઓ, પ્રેક્ષકો – માને છે. એથી જનુભાઈને માટે રૂપાંતર કરવાનું સરળ ન હતું. એમણે પુત્ર તારકને રૂપાંતર સુધારવાનું સૂચન કર્યું. તારકે શૈલીની પ્રવાહિતા અને સંવાદોની લયબદ્ધતાને હાનિ ન થાય એમ ક્યાંક ભારેખમ ભાષાને સ્થાને બોલચાલની ભાષા, ક્યાંક લાંબાં વાક્યોને સ્થાને ટૂંકાં વાક્યો, ક્યાંક અર્થબોધ ન થાય એવા શબ્દોને સ્થાને સરળ પરિચિત શબ્દો દ્વારા અનિવાર્ય હોય એટલું જ સુધાર્યું. આમ, આ રૂપાંતર એક ગૌણ અર્થમાં આ પિતા-પુત્રનું સહસર્જન હતું. જનુભાઈએ આ રૂપાંતર ભટ્ટસાહેબને વંચાવ્યું. ભટ્ટસાહેબને એ ગમ્યું, કેવું ગમ્યું એ તો ભટ્ટસાહેબનું ‘પ્રાસ્તાવિક’ જ કહી જાય છે. જનુભાઈએ આ રૂપાંતર મિત્ર જયંતિ દલાલને પણ વંચાવ્યું. જયંતિ દલાલ તો રંગભૂમિના જ જીવ, સ્વયં પ્રથમ પંક્તિના નાટકકાર. એમને પણ એ ગમ્યું. એથી જનુભાઈને એનું પ્રકાશન કરવાનું સૂઝ્યું. જયંતિ દલાલને નાટકના સર્જનનો જ નહિ, નાટકના પ્રકાશનનો પણ અનુભવ હતો. ‘વ્યવહારુ’ ગુજરાતમાં નાટકનું પ્રકાશન એટલે ખોટનો ધંધો એવું અનુભવથી શીખી-શીખવી શકે એટલા જયંતિ દલાલ વ્યવહારુ. એમણે જનુભાઈને નાટકના પ્રકાશન અંગે નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં એ નિષ્ફળ ગયા. અંતે ૧૯૫૦માં જનુભાઈએ ૫૦૦ નકલ અને રૂપિયા ૮૨૦નો ખર્ચ એમ નાટકનું પ્રકાશન કર્યું. જનુભાઈ આ ખોટના ધંધામાં સફળ થયા. એમણે નાટકની નકલો મિત્રો, સગાંસંબંધીઓ અને સાહિત્યરસિકોને ભેટ આપી. નાટક વેચાયું નહિ. પણ પછી તરત જ ૧૯૫૦માં જ નાટક ભજવાયું. જે નાટક વેચાયું નહિ, વંચાયું નહિ પણ વહેંચાયું એ નાટક અને તે પણ પિરાન્દેલોનું નાટક ૧૯૫૦માં અમદાવાદમાં ભજવાયું એ તો ચમત્કાર જ કહેવાય. ૧૯૫૦ પૂર્વે અમદાવાદમાં અવેતન કે સવેતન રંગભૂમિની એકે સંસ્થા ન હતી, અપવાદ રૂપે ‘રંગમંડળ’ની સંસ્થા હતી. એમાં હીરાલાલ ભગવતી, વિનોદિની નીલકંઠ, જયંતિ દલાલ વગેરે કુશળ કલાકારો સક્રિય હતા. પણ એ ‘એલિસબ્રિજ આરોગ્ય સમિતિ’ની મુખ્ય પ્રવૃત્તિના પરિઘ પરની સંસ્થા હતી. ‘સમિતિ’ના એક વિભાગ જેવી સંસ્થા હતી. એ નાટકની, રંગભૂમિની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા ન હતી. અને ૧૯૫૦માં તો એ લગભગ નિષ્ક્રિય હતી. જોકે ત્યારે અમદાવાદમાં જે પાંચ-સાત કૉલેજો હતી તે એના વાર્ષિક ઉત્સવના ભાગરૂપે નાટકો ભજવતી હતી. પુત્ર તારકે ૧૯૫૦ની ઇન્ટર કૉમર્સની પરીક્ષામાં ત્રણ વાર નાપાસ થયા પછી એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ કર્યો હતો. આ કૉલેજમાં અભ્યાસેતર સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ‘ડ્રામેટિક સોસાયટી’ સ્થાપવામાં આવી હતી. એ પ્રતિવર્ષ કૉલેજના વાર્ષિક ઉત્સવના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવતી હતી. એસ. આર. ભટ્ટ ત્યારે આ કૉલેજમાં અધ્યાપક હતા. એમની પ્રેરણાથી અને ઉમાશંકર જોશી જેમના મોટા ભાઈ હતા તે અન્ય યુવાન સાહિત્યરસિક અધ્યાપક દેવેન્દ્ર જોશીના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ દ્વારા આ નાટક કૉલેજના વાર્ષિક ઉત્સવના ભાગરૂપે ભજવાયું હતું. વળી અમદાવાદમાં અવેતન રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેતા જયંતિ પટેલ ૧૯૫૦ પૂર્વેના દાયકામાં આ કૉલેજમાં વિદ્યાર્થી હતા એથી આ કૉલેજમાં નાટક, અભિનય અને ભજવણી માટે વિશેષ અનુકૂળ વાતાવરણ હતું. નાટકનાં પાત્રો વિદ્યાર્થીઓએ જ ભજવ્યાં હતાં. પ્રેક્ષકોમાં પણ માત્ર આ કૉલેજના નહિ પણ અમદાવાદની અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓ – કુલ દોઢ-બે હજાર વિદ્યાર્થીઓ હતા. નાટક કોઈ થિયેટરમાં ભજવાયું ન હતું, કૉલેજના જ ખુલ્લા ચોખૂણિયા ચોગાનમાં વિશાળ મંડપ અને રંગમંચ રચીને લાઇટ્સ, માઇક્રોફોન, લાઉડસ્પીકર આદિ સાધનસામગ્રી સાથે આ નાટક ભજવાયું હતું. એક તો પિરાન્દેલોનું નાટક અને બીજું પાત્રો અને પ્રેક્ષકો તરીકે વિદ્યાર્થીઓ છતાં ચાર અંકના આ નાટકની ત્રણ કલાકની ભજવણી દરમ્યાન નાટક પાત્રો અને પ્રેક્ષકો બન્નેને સમજાય, ન સમજાય, અરધું સમજાય, જેટલું સમજાય એટલું સમજીને સૌએ સંતોષ માન્યો હતો. આ લખનાર પણ ત્યારે આ કૉલેજમાં અધ્યાપક હતો એથી પ્રેક્ષકોમાં હતો, અને આ સાહસનો સાક્ષી હતો. આમ, નાટક સફળતાપૂર્વક ભજવાયું અને પિતા-પુત્ર બન્નેએ ધન્યતાનો અનુભવ કર્યો. આજે પણ તેઓ આ સાહસ – સફળ સાહસ માટે અભિનંદનના અધિકારી છે. (પિરાન્દેલો રચિત નાટક ‘Each in His Own Way’ના જનુભાઈ છોટાલાલ મહેતાકૃત અનુવાદ ‘સૌ સૌના તાનમાં’ની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના. ૫ ઑગસ્ટ ૨૦૦૦)