અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી

Revision as of 16:38, 21 June 2021 by HardikSoni (talk | contribs)

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
         જગમાલણીરે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)