રાજા-રાણી/બીજો પ્રવેશ

Revision as of 06:31, 25 July 2022 by KhyatiJoshi (talk | contribs)


કાનો હજામ : અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?

મનજી પટેલ : સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.
કરસન લુવાર : ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.
કાનો હજામ : સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?
નંદલાલ : જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!
બધા : આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
કરસન લુવાર : મારી પાસે ત્રણ ભાલાં છે.
મનજી પટેલ : અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.
સલેમાન ઘાંચી : મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.
મનસુખલાલ વાણિયો : અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.
કાનો : હુંયે એમ જ કહું છું.
કરસન : મને પણ એમ જ લાગે છે.
સલેમાન : હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?
મનસુખલાલ : મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?
મનજી : હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
કાનો : મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
કરસન : ઠીક, પણ તું કહીશ શું?
મનસુખ : હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
સલેમાન : હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
મનસુખ : બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
अति दर्पे हता लङ्का अति माने च कौरव :|
अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||
હરિયો કુંભાર : હં, આનું નામ શાસ્તર!
કાનો : [બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
નંદલાલ : હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
મનસુખ : અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
ઝવેર વાંઝો : અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
સલેમાન : એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
નંદલાલ : બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
મનજી : વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
ઝવેર વાંઝો : પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
મનસુખ : તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે
लालने बहवो दोषास्ताडने बहवो गुणा :|
तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||

                   અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે. |હરિયો : |એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે. }}

સલેમાન : પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
નંદલાલ : જોને આ મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
ઝવેર વાંઝો : ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
કરસન : અને બરડો રીઢો કર્યા વગર અક્કલ ક્યાંથી આવે? એ તો ઠીક, પણ મારી વાત યાદ રહેશે કે? મારું નામ કરશન છે હો, કેશવો તો મારા ભત્રીજાનું નામ. એ તો બુધકોટમાં રહે છે. એ જ્યારે ત્રણ વરસનો હતો ત્યારે —
હરિયો : એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
કરસન : તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
કાનો : શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
મનજી : અલ્યા એ કોણ બોલ્યું?
કરસન : [સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
કાનો : ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
ઝવેર વાંઝો : પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
સલેમાન ઘાંચી : મારો બેટો વાંઝો ખરોને! આટલુંય સમજ્યો નહીં? ત્યારે અત્યાર સુધી આ શું માથાં ફોડ્યાં? જો, નક્કી એમ ઠર્યું કે : શાસ્તરનો મહિમા સમજવામાં બહુ વાર લાગે, પણ શસ્તરનો મહિમા તો ચપટી વાગે ત્યાં સમજાઈ જાય.
અનેક : [ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર.

[દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : લાંબી માથાકૂટની જરૂર નહીં પડે, હમણાં જ ચૂલામાં જાશો, એની જ તૈયારી થાય છે. બેટમજી, ઓરા આવો, શું બોલતા હતા તમે બધા?
સુલેમાન : અમે તો આ પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
દેવદત્ત : અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!

}}

કાનો : તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
મનજી : આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
કરસન : આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
દેવદત્ત : શું કહ્યું, અલ્યા! તમે બહુ ફાટ્યા છો. સાંભળવું છે? સાંભળો, કહું છું :
नसमानसमानसमानसमागममाप समीक्ष्य वसन्तनभ:
भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन :|
હરિયો : ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
દેવદત્ત : [મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
મનસુખ : આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
દેવદત્ત : [નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
નંદલાલ : હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
દેવદત્ત : [મનજી પ્રત્યે] આ તમામની અંદર એક તું સમજુ માણસ લાગ છ. ઠીક ત્યારે, કહે જોઉં, આંહીં બધી સારી વાતો થતી હતી? [કરસન પ્રત્યે] અને તું પણ ઠીક અક્કલવાળો આદમી લાગે છ; તારું નામ શું, ભાઈ?
કરસન : મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
દેવદત્ત : ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
હરિયો : અને અમારું શું થશે?
દેવદત્ત : એ હું શું જાણું, બાપુ? અત્યારે આંખનાં પાણીડાં પાડવા બેઠા છો, અને થોડી ઘડી પહેલાં કેવો જુદો જ સૂર કાઢતા હતા! એ વાતો શું રાજાજીએ નથી સાંભળી? રાજાજીને તો બધીયે બધી ખબર પડી જાય છે.
બધા : એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
કરસન : ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
દેવદત્ત : બરાબર બોલ્યો, ભાઈ, તારી લાયકાત પ્રમાણે જ તું બોલ્યો. શસ્ત્ર એટલે શું? શસ્ત્ર એટલે બળ, ખરું? હવે તમારું સહુનું બળ શું? ‘दुर्बल्यस्य बलं राजा’ ખરું ને? બળહીનનું બળ એનો રાજા. વળી પાછું, ‘बालानां रोदनं बलम्’ ખરું? અને તમે બધા રાજાજીની આગળ તો બાળક જ ગણાઓ, ખરું? એટલે કે, ટૂંકામાં, રોવું કકળવું એ તમારાં શસ્ત્ર. વાહ! ભારે બુદ્ધિની વાત! પ્રથમ તો મને કાંઈ સમજાણું નહોતું. તારું નામ શું, ભાઈ?
કરસન : મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
બધા : એ મહેરબાન! અમને માફ કરો.
દેવદત્ત : હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો.

{{Ps