અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/કબીરવડ

Revision as of 17:31, 21 June 2021 by HardikSoni (talk | contribs)

(શિખરિણી)


ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કહે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
ખરે એ મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરૂ કેરી નીકળતા,
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જ તે;
મળી મૂળિયામાં, ફરી નીકળી આવે તરૂ રૂપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.

વડો વચ્ચે વચ્ચે, તરૂ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચ ખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવી, જન શીતળ છાયા સુખ લિયે;
ખૂલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મિત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,
ઘણા જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રહે બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.

અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દૂરે,
પશુ કો જોવાં જે, અહીંતહીં ચરે બેટ ઉપરે;
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુંને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.