રાજા-રાણી/બીજો પ્રવેશ2
Revision as of 10:50, 26 July 2022 by KhyatiJoshi (talk | contribs)
બીજો પ્રવેશ
ત્રીજો અંક
સ્થળ : ત્રિચૂડ નગરમાં વિહાર-વાડી. કુમારસેન, ઈલા અને સખીઓ.
ઈલા : | જવું જ પડશે, એમ કે? શા માટે જવું પડશે, કુમાર? બસ, ઇલા બે ઘડી જ વહાલી લાગે છે ને? અરેરે! કેટલું ચંચળ હૃદય! |
કુમારસેન : | મારાં પ્રજાજનો બધાં — |
ઇલા : | આ હા હા હા! તમારાં દર્શન વગર એ બધાં મારાથીય શું વધુ ઝૂરતાં હશે કે? રાજ્યમાં તમે ચાલ્યા જાઓ છો ત્યારે લાગે છે કે જાણે હું જીવતી જ નથી. તમે જેટલી ઘડી સંભારો, તેટલી ઘડી હું જીવતી; પછી એકલી તો જાણે હું હયાત જ ન હોઉં એવું લાગે! ત્યાં, રાજ્યમાં તો તમારે કેટલાં બધાં માણસો, કેટલી વાતચીતો, કેટલાં કામકાજ, ને કેટલા કેટલા રાજ, આડંબર! જે માંગો તે બધુંય હાજર. ફક્ત ત્યાં આ પામર ઈલા જ ન હોય, ખરું ને! |
કુમારસેન : | બીજું બધું હોય તોયે જાણે નથી; અને તમે તો ન હો છતાંય જાણે પાસે જ છો એવું લાગે, પ્રિયતમે! |
ઈલા : | જૂઠું શીદને બોલો છો, કુમાર? બહુ સારું. તમારા રાજ્યમાં ભલે તમે રાજા રહ્યા. આંહીં, આ અરણ્યમાં તો હું રાણી, ને તમે મારી રૈયત છો, સમજ્યા? જાશો તે ક્યાં? નહીં જવા દેવામાં આવે? બહેનો, આવો, ફૂલપાશથી બાંધો આ ચોરને, પછી ગાઓ ગીત, અને એમના હૃદયમાંથી ઝૂંટવી લ્યો એમની રાજ-ચિંતા. |
એને આવી આવીને કેમ જાવું ગમે?
એને આવી આવીને કેમ જાવું ગમે.
એને આવી આવીને કેમ જાવું ગમે.
કુમારસેન : | મને આ શું કરી નાખ્યું છે, અયિ કામણગારી! મારું સમસ્ત જીવન, મન, વચન અને નયનો, જાણે કેવળ વાસનામય બનીને તમારી પાછળ ધસે છે. જાણે આ દેહ તૂટીને તમારા દેહમાં લય બની જશે! એ બે નયનોની અંદર જાણે મીઠી નિદ્રા બનીને હું પ્રસરી જઈશ; હાસ્ય બનીને જાણે એ અધરમાં પેસી જઈશ; લાવણ્ય બનીને જાણે બે બાહુઓમાં વ્યાપી જઈશ; મિલન-સુખને રૂપે જાણે એ કોમળ હૃદયની સાથે મળી જઈશ! |
ઇલા : | હાં, પછી? પછી તો આખરે એક દિવસ અચાનક એ સ્વપ્ન-જાળ તૂટી પડશે, ને પોતાની હયાતીનું ભાન આવશે — પછી બીજે દિલ લગાવીને તમે ગાતા ચાલ્યા જશો, અને હું ગીતવિહોણી વીણા સમી, એકલી ધૂળમાં પડી રહેવાની! ના, ના, મિત્ર! એવાં સ્વપ્નનાં મિલન, મોહનાં મિલન મારે નથી જોતાં. હવે તો બાહુએ બાહુ ભિડાય, નયને નયન બંધાય, મર્મે મર્મ અને જીવને જીવન ઝકડાય, એવું મિલન-બંધન ક્યારે આવશે? |
કુમારસેન : | એનીયે હવે વાર નથી. આજ સપ્તમીનો અર્ધચંદ્ર આસ્તે આસ્તે પૂર્ણેન્દુ બનીને આપણા એ પૂર્ણ મિલનનો સાક્ષી બનશે. વચ્ચે જરીક અંતર રાખીને કમ્પાયમાન બે કાયાઓનું જે જોશભર્યું મિલન, તેનો આજે અંત આવ્યો છે. દૂર દૂર તોય પાસે પાસે અને પાસે તોય જાણે દૂર લાગે એવા મિલનની આજે સમાપ્તિ થાય છે. અચાનક મિલન અને અચાનક વિરહ વેદના, અરણ્યને માર્ગે થઈને લથડતે પગલે ઉજ્જડ ઘર તરફ ચાલ્યા જવું, સુખોની સ્મૃતિને સાથે લેતા જવું, પ્રત્યેક વાતને અને પ્રત્યેક હાસ્યને સંભારી સંભારી સો-સો વાર અંતરમાં ઊલટતા-પાલટતા જવું; અહો! એ દિવસો આજ પૂરા થાય છે. વારે વારે મળતી વખતે મૌનલજ્જા, અને વારે વારે વિદાયને વખતે આંસુની ધારા, એ દિવસો આજ ખલાસ થાય છે! |
ઇલા : | અહાહા! ભલે, ભલે એમ જ થતું. સુખના પડછાયાથી સુખ ભલું, રે! દુઃખ પણ ભલું. ઝાંઝવાનાં જળથી તૃષા ભલી. આજ સુધી તો ચિત્ત કેવું ચકડોળે ચડતું! જાણે કદાચ તમે મળશો કે નહીં મળો! જાણે કદાચ તમને હારી બેસીશ! એકલી બેઠી બેટી વિચારતી, કે ક્યાં હશો? શું કરતા હશો? તમારી શોધ કરતી કલ્પના રોઈ રોઈને અંતે અરણ્યને સીમાડેથી પાછી વળતી. જંગલની બહાર તો કશું જોયું નથી, ક્યાં ગોતું? પરંતુ હવે એ તરફડાટ ગયા. હવે તો સદાની તમારી બનીને જ ત્રિભુવનમાં રહેવાની; અજાણ્યું, અણદીઠ્યું કે અંધારમય કશુંયે નહીં રહે. હજુયે શું નથી ઝલાવું, નાથ? |
કુમારસેન : | ઝલાઈ તો સ્વેચ્છાથી જ ગયો છું. તોયે બાંધવાનું કાં મન કરો? કહો તો, શું નથી પામ્યાં? શી ઊણપ રહી છે હજુ? |
ઇલા : | તમારી પાસે બેસીને જ્યારે સુમિત્રા બહેનની વાતો સાંભળું છું, ત્યારે જાણે અંતરમાં વેદના જાગે છે. એવું લાગે કે એ બહેને જાણે તમારા બાળાપણને મારી પાસેથી ચોરી જઈને પોતાની પાસે સંતાડી રાખ્યું છે. કદી કદી મનમાં થાય છે કે જો એ બાળાપણની સહચરી આવીને તમને એ સુખી શૈશવકાળની ઘોલકીમાં પાછા ઉપાડી જાય, તો ત્યાં તો તમે એના જ બની બેસવાના! ત્યાં મારું શું ચાલે? કોઈ કોઈ વાર જાણે બહેનને જોવાનું મને મન થઈ આવે છે. |
કુમારસેન : | એ આવી હોત તો, અહા, કેવો આનંદ થાત! ઉત્સવના આનંદનું એક કિરણ બનીને મારા પિતૃગહને એ ઝળહળાવી મૂકત. તમને શણગાર સજાવત, હેતે હેતે તમને બથમાં ઘાલત, અને લપાઈ લપાઈને હસતી હસતી આપણાં મિલન જોયા કરત. હવે તો બિચારી ક્યાંથી આવે? પરાયી બનીને પરાયે ઘેર ગઈ! |
[ઇલા ગાય છે.] {{Ps
કુમારસેન : | શા માટે આવો કરુણ સ્વર? શા માટે શોકનું ગાન? આંખમાં ઉદાસી શાને? |
ઇલા : | આ શું શોકનું ગાન છે? ના, ના. એ તો સુખ જ્યારે ગંભીર બને ત્યારે દુઃખના જેવો જ ઉદાસ એનો સ્વર લાગે. સુખ ને દુઃખ બેય છોડીને આત્મવિસર્જન કરવું એ જ અબળાનું સાચું સુખ કહેવાય! |
કુમારસેન : | એવી ઉદાસી ન ઘટે. ના, ના, તમારા પ્રેમને બળે તો હું આખી પૃથ્વી સર કરવા તલપું છું. સખી! મારું જીવન જાણે આ આનંદમાં આખા વિશ્વને ભેટવા ઊઠે છે. અવિશ્રાંત કર્મસુખમાં મહાલવા દિલ ધસી પડે છે. એ અમર કીર્તિ પામીને તમને એનાં અધિષ્ઠાત્રી દેવી બનાવીશ. પ્રમાદીની માફક એકાંત વિલાસમાં બેસીને આ અગાધ પ્રેમ ભોગવવાનું મને નથી ગમવાનું. |
ઇલા : | ઓ જુઓ, જુઓ, પહાડની ખીણમાંથી થોકે થોક વાદળાં ઊઠે; હમણાં એ શિખરને ઘેરી લેશે, સૃષ્ટિના નવરંગી ચિત્રને ભૂંસી દેશે. |
કુમારસેન : | અરે, દક્ષિણમાં તો દૃષ્ટિ કરો; સૃષ્ટિને સુવર્ણના સમુદ્ર જેવી સમથળ બનાવી દઈને આથમતો સૂર્ય કઈ નવી દુનિયાને નિરખવા ચાલ્યો ગયો! આ ખેતરો, અરણ્યો, નદી અને લોકાલય : બધાં અસ્પષ્ટ બન્યાં — જાણે કનકના ચિત્રપટ પર વિધવિધ રંગો પુરાયા, પણ આકૃતિની રેખાઓ હજુ નથી ફૂટી! જાણે આ પહાડના અંતરાલમાંથી મારી આકાંક્ષાઓ, નીચે, ધરતી તરફ ધસે છે. હૃદયની અંદર જાણે કલ્પનાની કનકરંગી અસ્પષ્ટ છબી સાથે લીધી છે. અહો! એ ધરતી પર કેટલા દેશદેશાન્તરો, કેટલાં અવનવાં દૃશ્યો, નિત્ય નિત્ય કેટલી નવી કીર્તિ, અને કેટલી નવી નવી રંગભૂમિ પ્રાપ્ત થશે! |
ઇલા : | અનંતનું રૂપ ધરીને જાણે આ ઘોર વાદળ આપણને ગળી જવા આવે છે. પાસે આવો, પ્રિય! અહા, આપણ બેય જો આ વાદળાંની અંધારી દુનિયામાં વસી શકત, મહામેઘના આ માળામાં બે પંખી બનીને લપાયાં હોત, તો કેવાં સુખી થાત! તમે રહી શકત કે નહીં? ના, ના; એ ઘનઘટા વીંધીને ક્યાંઈકથી જગતનો સાદ તમારે કાને પહોંચત, અને મને એ પ્રલયમાં છોડીને તમે તો ચાલી નીકળત, ખરું? |
[દાસી પ્રવેશ કરે છે.]
દાસી : | જાલંધરથી ગુપ્ત સમાચાર લઈને એક દૂત આવેલ છે. |
કુમારસેન : | તો હવે હું જાઉં, વહાલી! ફરી આવતી પૂર્ણિમાની રાતે આવીશ; આવીને મારી હૃદયપૂર્ણિમાને ઉપાડી જઈશ. આજે મારાં હૃદયદેવી છો, તે દિવસથી ગૃહલક્ષ્મી બનશો. |
ઇલા : | જાઓ ત્યારે; હું એકલી કેમ કરી રોકી શકીશ! હાય, હું કેટલી પામર! કેટલી નાની! અને કેટલો વિશાળ આ સંસાર, કેટલું વેગવંત તમારું હૃદય! એમાં મારા — એક પામર નારીના — વિરહની ખબર કોને પડવાની હતી? મારાં રાંકનાં આંસુડાં ગણવા કોણ બેસશે? સૂના વગડામાં પડેલી આ સૂના હૃદયની બાલિકાની મર્મવેદનાને કોણ માનશે? |