રાજા-રાણી/ત્રીજો પ્રવેશ3
Revision as of 09:50, 28 July 2022 by KhyatiJoshi (talk | contribs)
ત્રીજો પ્રવેશ
ચોથો અંક
સ્થળ : જાલંધર. કુમારસેનનું શિબિર. કુમારસેન અને સુમિત્રા.
સુમિત્રા : | ભાઈ, રાજાને ક્ષમા કર, રોષ કરવો હોય તો ભલે મારા ઉપર કર. હું જાણું છું કે યુદ્ધનું કહેણ આવ્યું તોય તું ચુપ રહ્યો તે માત્ર મારે કારણે. હું વચ્ચે ન હોત તો તું યુદ્ધ કરીને સાચે જ વીરની કીર્તિ પામત. હું શું નથી સમજતી, વીરા, કે આ અપમાનનો ઘા તારા હૈયાને જીવતે મૉત જેવો લાગે છે? મેં અભાગિનીએ કેમ જાણે મારે જ હાથે મારા જ ભાઈના હૈયામાં અપમાનનું બાણ ભોંકી દીધું હોય, એવું થયું! આથી તો મૉત ભલું, ભાઈ, મૉત ભલું! |
કુમારસેન : | ના રે બહેન! એમાં શું? યુદ્ધ એ વીરધર્મ ખરો; પણ ક્ષમા તો એથીયે મોટો વીરધર્મ. અને અપમાન? અપમાન તો જે માનવંત હોય તે જ આપી શકે. બીજાનો એ અધિકાર નથી. |
સુમિત્રા : | વાહ, મારા વીરા! વાહ! તારું આ લેણું હું પ્રાણ દઈને પણ શી રીતે વાળી શકવાની? તું મોટા મનનો, ને આ માનવીઓમાં તું જ રાજા — |
કુમારસેન : | ના, બહેન, હું તો માત્ર તારો ભાઈ! ચાલો પાછાં કાશ્મીર; બરફનાં શિખરોથી ઘેરાયેલા એ શીતલ આનંદ-વનની અંદર આપણા નાજુક શૈલગૃહમાં ચાલો પાછાં પેસી જઈએ. બાળપણના શિખર ઉપર બે ઝરણાં જેવાં આપણ બન્ને બહેન-ભાઈ એક સાથે ખેલ્યાં હતાં; આજે શું, બહેન, પાછા એ જીવનના ઊંચા સુંદર શિખર ઉપર નહીં જઈ શકાય? |
સુમિત્રા : | ભલે ભાઈ, ચાલો. અને જે ઘરની અંદર આપણે બહેન-ભાઈ બે જ રમતાં, તે ઘરમાં હવે તો એક ભાભીયે જોશે! સમી સાંજે બેસીને હું એ નાનકડી ભાભીને તારા મનગમતા શણગાર સજાવીશ; અને મારા વીરાને કયું ફૂલ વહાલું છે કયું ગીત ગમે છે, કયા કાવ્યમાં રસ પડે છે, એ બધીય વાતો શિખાવીશ. આપણાં બાળપણની વાતો કહીશ ને તારા બાલ-હૃદયની મોટાઈઓ વર્ણવી બતાવીશ. |
કુમારસેન : | આજ મને એ વાતો યાદ આવે છે. આપણે બન્ને વીણા શીખતાં હું અધીરો બનીને નાસી જતો; અને તું સાંજરે બિછાનામાં બેઠી બેઠી, વાળ-વસ્ત્રનું ભાન ભૂલી, તારી નાનીનાની આંગળીઓ વતી પંપાળતી પંપાળતી વીણાને બહેનપણી બનાવી લેતી. ખરું, બહેન! |
સુમિત્રા : | મનેય સાંભરે છે, તું રમીને ઘેર આવતો ત્યારે મને અલૌકિક વાર્તાઓ કહેતો. કોઈ અજાણી નદીને કાંઠે તેં દેખેલી સુવર્ણ-નગરી; કોઈ અલૌકિક કુંજમાં ક્યાંઈકથી તારે ખોળે પડેલું મીઠું અમૃતફળ; એવી એવી વાતો તું જોડી કાઢતો, ને હું નિરાશ હૃદયે, ચકિત બનીને સાંભળતી. રાત્રિએ મને એ વાતો માહેલી દેવતાઈ ફૂલવાડીનાં સ્વપ્નાં આવતાં. યાદ છે ભાઈ? |
કુમારસેન : | હાં, બરાબર. અને પછી તો વાર્તા કહેતાં કહેતાં મારી કલ્પના જ મને છેતરતી; સાચું ને કલ્પિત, વાદળ અને પહાડની પેઠે એકાકાર બની જતાં; હું પોતે જ જાણે એ દૂરદૂરના પહાડની પેલી મેર પરીઓની નગરી દેખી શકતો. જો, આ શંકર આવે. ચાલો આપણે સમાચાર સાંભળીએ. |
[શંકર પ્રવેશ કરે છે.]
શંકર : | ભાઈ, તમે ધણી છો, તમે મારા રાજા છો. પણ મને ક્ષમા કરજો. રાણી બહેન, તમેય ક્ષમા કરજો. મારાથી ન રહેવાયું, ન સહેવાયું. મને શીદ દૂત બનાવીને એ રાજાની છાવણીમાં મોકલ્યો, બાપ? હું ઘરડો થઈ ગયો, મને સફાઈથી બોલતાં આવડતું નથી, અને મારાથી તમારું અપમાન તો શે’ સંખાય? સુલેહનું આપણું કહેણ સાંભળીને જ્યારે નીચ જયસેન ખડખડ હસવા લાગ્યો, અધમ યુધોજિત તીખી મજાક કરવા લાગ્યો, અને જાલંધરના ધણી વિક્રમદેવે પોતે પણ જ્યારે મચકારા મારી તમને ‘છોકરો ને બાયલો’ કહ્યા, ત્યારે તો આ ધોળા માથા ઉપર વજ્ર તૂટી પડ્યું, મારા કુમાર! મનમાં લાગ્યું કે જાણે ચારે બાજુએ એકેએક સભાસદ સામસામા જોતા હસે છે, આઘે દરવાજા પરના પહેરેગીર પણ જાણે હસે છે, અને પછવાડે બેઠેલાઓનું નિઃશબ્દ અટ્ટહાસ્ય પણ જાણે પાછળથી આવીને કાળા ભોરીંગ જેવું મને કરડવા લાગ્યું. ત્યારે તો પછી, આંહીંથી જેટલાં જેટલાં મીઠાં વેણ ગોખી ગયેલો તે તમામ ભૂલ્યો. રોષમાં ને રોષમાં મારાથી બોલી જવાયું કે “જાલંધરના ધણી! વઢકણી બાયડીની જેમ તને કજિયામાં જ વીરત્વ લાગે છે! તું ક્ષત્રિવીર ન હોય; તું બૈરી છે. અને સાંભળજો, ઓ સભાસદો! કે જાલંધરના ધણીને અસ્ત્રી સમજીને જ મારો રાજા પોતાની સમશેર મ્યાન કરી પાછો જાય છે.” ભાઈ, મારાં વચનો સાંભળીને જાલંધરનાથ કંપી ઊઠ્યો અને સૈન્ય સજ્જ થઈ રહ્યું છે. |
સુમિત્રા : | ભાઈ, મારા સ્વામીને ક્ષમા કર. |
શંકર : | આ શું બોલો છો, બહેનબા? કાશ્મીરની કુમારીના મોંમાં આવાં વેણ? પિયરના અપમાનની કથા શું આખા દેશમાં ગજાવી મૂકવી છે? ના ના, બહેન, હું કરગરીને કહું છું કે હવે તો ભાઈને એનો વીરધર્મ ન ચુકાવશો. |
સુમિત્રા : | શંકર, શંકર, એવું બોલ ના, મારા ભાઈ! માફ કર, મારા વીરા! તારે પાયે પડું છું. તેમ છતાંય જો તારા એ કોપની કંપતી જ્વાળાને તારે લોહીથી જ ઓલવવી હોય, તો આ રહ્યું મારી છાતીનું લોહી, આ લે. ચુપ કાં રહ્યો, ભાઈ? નાની હતી ત્યારથી તો તું વણમાગ્યે જ તારો પ્રેમ દેતો આવ્યો છે. આજ હું સામે ચાલીને તારો કોપ માગી લઉં છું. દઈ દે, ભાઈ! |
શંકર : | સાંભળો કુમાર બાપુ! વાત કહું. |
કુમારસેન : | બસ, શંકર! તું જા, સૈન્યને મારી આજ્ઞા સંભળાવ કે અબઘડી જ કાશ્મીર તરફ કૂચ કરી જાય. |
શંકર : | હાય, હાય, આવું કલંક! જગતમાં એવી અપકીર્તિ ગવાશે કે ‘ભીરુ ભાગ્યો, પીઠ બતાવી’. |
સુમિત્રા : | શંકરભાઈ, ઘડીભર તો એ બાળપણ સંભારી જો! બે નાનકડાં ભાઈ-બહેનને તું એક જ બાથમાં ભીડીને ખોળે બેસાડતો. એના કરતાં શું આજ કીર્તિ ને અપકીર્તિ વધુ વહાલાં થઈ પડ્યાં! જીવતાં સુધીનું આવું પ્રાણપ્રાણનું પરસ્પર હેત; માતાપિતા અને વિધાતાના આશીર્વાદ પામેલું આ પવિત્ર તીર્થધામ; એવી આ કલ્યાણ-ભૂમિમાં હિંસાની જ્વાળા લાવીને, ઓ શંકરભાઈ, શું તું લાય લગાડવા રાજી છે? |
શંકર : | ચાલો, ભાઈ, ચાલો, બહેન, ફરી પાછાં એ શાંતિસુધાભર્યા બાળાપણમાં ચાલ્યાં જઈએ. |