રાજા-રાણી/ભૂમિકા

Revision as of 12:25, 28 July 2022 by KhyatiJoshi (talk | contribs)
ભૂમિકા


[મૂળ બંગાળી નાટક 1889માં પ્રગટ થયું હતું, પણ આ ભૂમિકા 1940ની આવૃત્તિમાં છે. 1924માં અનુવાદ પ્રગટ થયો ત્યારે આ ‘ભૂમિકા’ નહોતી. આ નાની પ્રસ્તાવના તરફ શ્રી કનુભાઈ જાનીએ ધ્યાન દોર્યું, અને તેનો અનુવાદ શ્રી ભોળાભાઈ પટેલે આપ્યો, એ 1997ની આ આવૃત્તિમાં ઉમેરાય છે. બેઉ મિત્રોનો આભાર. — જયંત મેઘાણી.]

એક દિવસ મોટા આકારે દેખાયું એક નાટક : ‘રાજા ઓ રાની’. એની નાટ્યભૂમિ પર ‘લિરિક’ની અતિવૃષ્ટિ થતાં નાટક થયું દુર્બળ. એ ભેજવાળી કાવ્યભૂમિ બની ગયું. એ લિરિકના ખેંચાણથી એમાં પ્રવેશ થયો ઇલા અને કુમારના ઉપદ્રવનો. નાટકમાં તે જરાય સંગત નથી. આ નાટકમાં જ્યાં વિક્રમનો દુર્દાન્ત પ્રેમ આઘાત પામતાં દુર્દાન્ત ઇર્ષ્યામાં ફેરવાઈ જાય છે, આત્મઘાતી પ્રેમ વિશ્વાસઘાતી બની જાય છે, ત્યાં નાટકની વાસ્તવિક પરિણતિ જોવા મળે છે. ‘પ્રકૃતિર પ્રતિશોધ’[1] નાટક સાથે ‘રાજા ઓ રાની’નો એક બાબતે મેળ છે. ત્યાં અસીમની ખોજમાં સન્યાસી વાસ્તવથી દૂર ચાલ્યો જતાં સત્યથી દૂર જાય છે, એવી રીતે અહીં પ્રેમમાં વાસ્તવની સીમાને ઓળંગવા જતાં વિક્રમ સત્યને ખોઈ બેસે છે. બરાબર આ જ તત્ત્વને સભાનપણે લક્ષ્યમાં રાખીને આ નાટક લખાયું છે, એવું નથી. એની અંદર આ વાત પોતે જ પ્રકટ થવા આતુર છે કે સંસારની જમીન પરથી પ્રેમને ઉખાડીને લાવતાં તે પોતાનો રસ પોતે જોગવી શકતો નથી, તેની અંદર વિકૃતિ આવી જાય. તેઓ સુખને માટે ઇચ્છે છે પ્રેમ, પ્રેમ મળતો નથી, કેવળ સુખ જતું રહે છે. એવી છે માયાની છલના. રવીન્દ્રનાથ ઠાકુર શાંતિનિકેતન : 28-1-40

  1. ‘વાલ્મીકિ પ્રતિભા’ પછીનું રવીન્દ્રનાથનું બીજા ક્રમનું નાટક.