રાજા-રાણી/છઠ્ઠો પ્રવેશ4
Revision as of 12:48, 28 July 2022 by KhyatiJoshi (talk | contribs)
છઠ્ઠો પ્રવેશ
પાંચમો અંક
કુમાર : | રાત કેટલી રહી છે, બહેન? |
સુમિત્રા : | રાત હવે નથી રહી, ભાઈ, આકાશ રાતું થઈ ગયું છે. આંહીં તો ઝાડની ઘટાએ જ અંધકારને બાંધી રાખેલ છે. |
કુમાર : | આખી રાત તું જાગતી જ બેઠી છો, બહેન! આંખોમાં ઊંઘ નથી? |
સુમિત્રા : | માઠાં સ્વપ્ન આવતાં હતાં, એટલે હું જાગતી રહી. આખી રાત જાણે કોઈનાં પગલાંથી સૂકાં પાન ખડખડતાં હોય, ને ઝાડની ઓથે જાણે કોઈ ગુપ્ત વાતો કરતાં હોય, એવું જ લાગ્યા કર્યું. થાકેલી આંખો જરીક બિડાય, કે તરત ભયંકર માઠું સ્વપ્નું દેખી રોઈને હું જાગી ઊઠું; ત્યાં તો સુખમાં સૂતેલું તારું મોં ભાળીને પાછો ખોળિયામાં જીવ આવે. |
કુમાર : | માઠા વિચારો જ માઠાં સ્વપ્ન જન્માવે. પણ, બહેન, મારે માટે માઠી ચિંતા ન કર. હું સુખી છું. જીવનની અંદર મચેલો માણસ કદી જીવનના સુખને નથી ઓળખતો. પરંતુ હું તો જાણે મૃત્યુને કિનારે બેસીને એકાંતમાં જીવનને માણી રહ્યો છું. આ સંસારમાં જેટલાં સુખ, જેટલી શોભા ને જે પ્રેમ છે, તે બધાં જાણે મને ગાઢ આલિંગન કરી રહ્યાં છે! જીવનના પ્રત્યેક બિન્દુની અંદર જે મીઠાશ છે, તે બધીનો મેં સ્વાદ લીધો છે! આ ઘાટું અરણ્ય, આ ઊંચું ગિરિશિખર, આ ઉદાર આકાશ, ને આ નાચ કરતી નિર્ઝરણી : અહો! કેવી એ શોભા! અને પ્રીતિ તો અરણ્યનાં પુષ્પો સમી નિરંતર વણમાગી જ વરસી રહી છે. ચોમેર પ્રજાજનો વીંટળાઈ વળ્યાં છે, ને તારા જેવી પ્રીતિભરી બહેન તો ખોળામાં માથું લઈને બેઠી છે. અહા! જીવન-પંખીએ જાણે ઊડી જતાં જતાં પોતાનાં નવરંગી પીછડાં પ્રસાર્યાં! ઓ સાંભળ, કઠિયારો દુહા ગાય. ચાલો, એની પાસેથી રાજના ખબર પણ મળશે. |
[કઠિયારો ગાતો ગાતો પ્રવેશ કરે છે.]
કુમારસેન : | [આગળ આવીને] કાં ભાઈ, આજે કાંઈ ખબર? |
કઠિયારો : | ખબર તો માઠા છે, બાપુ! જયસેને કાલ રાતે નન્દીગ્રામ બાળી દીધું. આજ પાંડુપુર ભણી આવે છે. |
કુમારસેન : | હાય મારી ભક્ત પ્રજા, તમારી રક્ષા હું શી રીતે કરું? ભગવન્! આ નિર્દોષ ગરીબો ઉપર તું આવો નિર્દય કાં! |
કઠિયારો : | [સુમિત્રાને] બા, તમારે માટે આ ઇંધણાં લાવ્યો છું. |
સુમિત્રા : | જીવતો રહે, ભાઈ! |
[કઠિયારો જાય છે. વાઘરી આવે છે.]
કુમારસેન : | શા ખબર છે, ભાઈ? |
વાઘરી : | બાપુ, સાવધાન રે’જો હો! યુધોજિતે પડો વજડાવ્યો છે કે તમને જીવતા કે મરેલા કોઈ ઝાલી આપે એને ભારે ઇનામ મળશે. હવે કોઈનો વિશ્વાસ કરશો મા બાપુ! |
કુમારસેન : | એથી તો વિશ્વાસે મરવું ભલું! અવિશ્વાસ કોનો કરું? તમે બધાંય તો મારાં ભોળિયાં ભાંડુઓ છો! |
વાઘરી : | બા, આ થોડું મધ ભેળું કરીને લાવ્યો છું. દયા કરીને રાખી લો, બા. |
સુમિત્રા : | ભગવાન તારું ભલું કરશે, ભાઈ! |
[વાઘરી જાય છે. શિકારી આવે છે.]
શિકારી : | બાપુને ઘણી ખમા! શિકાર સારુ ડુંગરમાં જાતો’તો પણ ડુંગર બહુ આઘો, ને વળી રસ્તો પણ વિકટ. એટલે મનમાં થયું કે લે ને બાપુને રામરામ કરતો જાઉં. બાપુ! જયસેને તો મારો કૂબો બાળી દીધો! |
કુમારસેન : | ધિક્કાર છે એ પિશાચને! |
શિકારી : | પણ એમાં શું? એ બાપુ, અમે તો શિકારી. આ જંગલ છે ત્યાં લગી અમને કોણ ઘરબાર વગરનાં કરી શકે? બા, થોડુંક ખાવાનું લાવ્યો છું. આ રાંકની થોડી ભેટ રાખો, બા, અને આશીર્વાદ આપો કે ઝટ ઝટ યુવરાજ બાપુને ગાદીએ બેઠા ભાળીએ. |
કુમારસેન : | [હાથ લંબાવીને] આવ ભાઈ, આવ ભેટીએ. |
[શિકારી જાય છે.]
ઓ જો, પાંદડાને વીંધીને સૂર્યનાં કિરણો પડે છે. ચાલ, ઝરણમાં જઈને સ્નાન-સંધ્યા કરું, ભેખડ પર બેસી જરા વાર જળમાં મારી છાયાને તરતી જોઉં, જોઈને મારી કાયાને પણ છાયા સમજી લઉં. આ નાની નિર્ઝરિણી ધીરે ધીરે નદી બની જઈને ત્રિચૂડનાં પ્રમોદવનમાં ચાલી જાય છે, ખરું! મન થાય છે કે મારી છાયા આ પ્રવાહમાં તણાતી જાય, સમી સાંજરે તીરે ઢળેલાં તરુવરોને છાંયડે મારી ઇલા બેઠી હશે ત્યાં પહોંચી જાય, ને પછી ઇલાની નિસ્તેજ છાયાનેયે સાથે તેડી સદા સમુદ્ર ભણી ચાલતી થાય! બસ, હવે બસ, કલ્પના બહુ દોડી, ચાલો બહેન, નિત્યકર્મમાં લાગીએ. ઓ સાંભળ, ચોમેર પંખીડાંનાં ગાનથી અરણ્ય જાગી ઊઠ્યું.