રાજા-રાણી/સાતમો પ્રવેશ4

Revision as of 12:48, 28 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાતમો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : ત્રિચૂડ પ્રમોદવન. વિક્રમદેવ અને અમરુરાજ.

અમરુરાજ : આર્ય, મારું સર્વસ્વ હું તમને સમર્પણ કરું છું. તમે વીર છો, રાજાધિરાજ છો. મારે એક કન્યા છે, તેનો અંગીકાર કરો, આર્ય! માધવી લતાને તો આંબાના જ આશરા શોભે. રહો મહારાજ, હું એને મોકલું.

[જાય છે.]

વિક્રમદેવ : કેવી મધુર શાંતિ છે અહીં! સદા અરણ્યના જ નિવાસ, સદા સુખમાં સૂતેલી તરુઘટા, અને આ ઝરણના નિરંતર કલકલ ધ્વનિ! શાંતિ આટલી શીતળ હોય, આટલી ગંભીર અને આવી નિસ્તબ્ધ હોય, છતાં સમુદ્ર સમી આટલી પ્રબળ ને ઉદાર હોય, એ તો જાણે કે બહુ દિવસોથી હું ભૂલી ગયો છું. એવું થાય છે કે મારા પ્રાણનો આ પ્રચંડ અગ્નિ આવી છાંયડી, આવું સ્થાન, આવી ગંભીરતા શોધીને તેમાં વિરમી જવા માગે છે આહા! એવું જ એકાંત સુખ અમારેયે હતું. ક્યાં ગયું એ? કોને વાંકે ગયું? મારે કે એને? ગમે તેને પણ આ જન્મારામાં શું હવે એ નહીં જ મળે? ખેર ન મળો તો! ચાલ્યાં જાઓ! પશ્ચાત્તાપને રૂપે જીવનમાં જાગ્રત ન રહો! જોઉં તો ખરો, આંહીં, સંસારના આ નિર્જન નેપથ્યમાં કોઈ નવો પ્રેમ — એવો અતલસ્પર્શી અને મધુર પ્રેમ — જો કદાચ સાંપડી જાય!

[સખીઓની સાથે ઇલા પ્રવેશ કરે છે.]

                  કેવું અપૂર્વ રૂપ! હું સફળ થયો. આ આસન લો, દેવી! શા માટે ચુપ રહો છો? શા માટે માથું ઢળેલું? મુખકમલ કાં કરમાયલું? કાયા કેમ કંપી રહી છે? શી વેદના છે તમને?

ઇલા : [ઘૂંટણ પર પડી] મેં સાંભળ્યું છે મહારાજાધિરાજ, કે તમે તો નવખંડ ધરતીના સ્વામી છો. તો મારી એક આજીજી છે આપના ચરણમાં.
વિક્રમદેવ : ઊઠો, ઊઠો સુંદરી! આ ધરતી તો તમારા પદસ્પર્શને પણ લાયક નથી, તો પછી ધૂળમાં કાં પડો છો? તમને ન આપું એવું આ વિશ્વમાં શું છે?
ઇલા : મહારાજ, મારા પિતાએ તમારા હાથમાં મારી જાતને સોંપી દીધી છે, તો એ મારી જાતને જ હું પાછી માગું છું. આપો, પ્રભુ. આપને તો અખૂટ ધન, રત્ન, રાજ અને દેશ છે! માત્ર મને પામરને જ આ ધરતી પર છોડી જવાથી આપને કશીયે ઊણપ નહીં આવે.
વિક્રમદેવ : મારે કશી ઊણપ નહીં? સુંદરી, હૃદય ખોલીને હું કેમ કરી દેખાડું? ત્યાં ક્યાં છે ધનરત્નો? ક્યાં છે નવખંડ ધરતી? બધું ખાલી ખાલી ખાલી છે. ઓ! આ રાજ્યધન જો મારે ન હોત, કેવળ તમે જ જો મારાં હોત —
ઇલા : [ઊઠીને] તો ભલે, લ્યો આ મારો જીવ. જંગલની હરણીને જે રીતે તમે, તીણાં તીરથી એની છાતી વીંધીને ઉઠાવી જાઓ છો, તે રીતે મારા હૈયાને ચીરી અંદરથી પ્રથમ મારો જીવ કાઢી નાખી, પછી મનેયે સુખેથી ઉઠાવી જાઓ!
વિક્રમદેવ : દેવી! શા માટે મારા ઉપર એટલો તિરસ્કાર? હું શું લગારે તમારે લાયક નથી? મેં આટલાં રાજ્યો ને દેશો જીત્યા; અને તમારા એક હૃદયને, આજીજી કર્યા છતાંયે શું નહીં જીતી શકું?
ઇલા : એ હૃદય શું હવે મારું રહ્યું છે? જતી વખતે જેને મેં મારું સર્વસ્વ સોંપી દીધું છે, તે જ એ હૃદય લઈને ચાલ્યો ગયો છે; કોલ દઈ ગયો છે કે ફરી આ વાડીમાં આવીને મળીશ! આજ એ વાતને કેટલા દિવસ થયા! જંગલમાં હવે દિવસોય નથી જતા. છતાંયે વાટ જોતી દિવસ-રાત આંહીં જ પડી રહું છું; કારણ, કદાચ એ આવે, મને ન દેખીને ચાલ્યો જાય, ને ફરી પાછો આવે નહીં તો? બોલો, મને ક્યાં લઈ જવી છે, રાજા? મને આંહીં જે મૂકી ગયો છે, તેને સારુ રાખી જાઓ, રાજન્!

વિક્રમદેવ : નથી જાણતો, કોણ એવો ભાગ્યવંત હશે. પણ સાવધાન, વિધાતા અતિપ્રેમને નથી સાંખી શકતો. મારીયે કથની સાંભળો. એક કાળે, ચરાચર સર્વને તુચ્છ માનીને હું કેવળ પ્યાર જ કરી રહ્યો હતો. એ પ્યાર ઉપર વિધાતાની કૂડી નજર પડી; જાગીને જોઉં તો ચરાચર સર્વ પડેલાં પણ પ્યાર તૂટી ગયેલો! એ મારી જીવનકથા છે. બોલો કુમારી, જેની વાટ જુઓ છો એનું નામ?

ઇલા : કાશ્મીરના યુવરાજ. નામ કુમાર.
વિક્રમદેવ : શું, કુમાર?
ઇલા : એને ઓળખો છો? અરે, એને કોણ ન ઓળખે? આખું કાશ્મીર એને માટે મરી પડે છે.
વિક્રમદેવ : કુમાર? કાશ્મીરના યુવરાજ?
ઇલા : હા, એ જ, રાજન્! એનું નામ તો નિરંતર ચોગમ ગાજી રહ્યું છે. તમારા એ મિત્ર હશે! મહાન છે એ રાજા; આખી પૃથ્વીનો પતિ થવા યોગ્ય છે.
વિક્રમદેવ : ત્યારે એની તો આશા છોડી દો. એનો સૌભાગ્ય-સૂર્ય આથમી ગયો. શિકારના કોઈ મૃગ સરીખો, એ આજે ત્રાસેલો, નાસેલો અને આશ્રયહીન, જંગલોની ઝાડીઓમાં છુપાતો ભટકે છે. કાશ્મીરનો કંગાલ ભિખારી પણ એનાથી વધુ સુખી છે.
ઇલા : સાચું કહો છો, મહારાજ?
વિક્રમદેવ : તમે રમણીઓ! ધરતીને ખૂણે બેઠી બેઠી સદા કેવળ પ્યાર જ કર્યા કરો છો. બહારની દુનિયા કેવી ગાજે છે, કાળના પ્રવાહમાં કોણ ક્યાં ઘસડાઈ જાય છે, તે તમે જરાય ન જાણો. છલ છલ થતી મોટી આંખો વડે તમે સદા ટગમગ જોયા જ કરો છો; બીજું કાંઈ ન સમજો. કુમારી, એની વ્યર્થ આશા તજી દો.
ઇલા : સાચું કહો, મહારાજ! કપટ ન રાખો. સમજો કે આ પામર અબળાના પ્રાણ માત્ર એને જ સારુ, એની જ વાટ જોતા ટકે છે. કહો, મારા કુમાર ક્યાં ભટકે છે — કયે નિર્જન માર્ગે? કયા અરણ્યમાં? હું એની પાછળ જઈશ. કહો, ક્યાં જવું? ઘર છોડીને હું કદી નથી નીકળી. કહો, કઈ દિશામાં? કયે રસ્તે?
વિક્રમદેવ : એ રાજદ્રોહી છે, એની પાછળ દિવસરાત રાજસેના આથડે છે.
ઇલા : તો તમે બધા શું એના મિત્રો નથી? તમે કોઈ શું એની રક્ષા નહીં કરો? એક રાજપુત્ર વનમાં આથડે છે, અને તમે બધા રાજાઓ શું જોઈ રહેશો? એટલીયે દયા શું કોઈમાં નથી? પ્રીતમ! ઓ પ્રીતમ! તારે માથે સંકટ પડ્યું તે તો હું જાણતીયે નથી, હું તો તારી વાટ જોતી જ બેઠી છું. વચ્ચે વચ્ચે વળી બહુ વિલંબ જોઈને હૈયામાં વીજળીના આંચકા સમા સંદેહો વાગતા. મેં તો સાંભળેલું કે અસંખ્ય લોકો તને ચાહે છે. ક્યાં ગયા એ બધા વિપદ વખતે? મહારાજ, તમે શું પૃથ્વીના રાજા નથી? એને રક્ષવાની શું તમારી ફરજ નથી? શું દુઃખિયાનું કોઈ ન રહે? આટલાં સૈન્ય, આટલા દેશ, આટલું સામર્થ્ય, એ બધું લઈને શું તમે આઘે જ બેઠા રહેશો? તો પછી મને રસ્તો બતાવી દો. હું એકલી, અબળા, એને મારું જીવતર સમર્પીશ.
વિક્રમદેવ : કેવો પ્રબળ પ્રેમ! ચાહજો, સદા એને આવા જ વેગથી ચાહજો. પ્રેમને સ્વર્ગેથી નીચે પડેલો હું, તમ સરખી જોડને જોઈ પાવન બન્યો, દેવી! મારે તમારો પ્રેમ નથી જોઈતો; સૂકાયેલા ઝાડનાં ફૂલો ઝરી પડે, પછી એને બીજા તરુવરનાં ફૂલો તોડીને શું શણગારવું? બહેન, વિશ્વાસ રાખજો, હું તમારો ભાઈ છું. ચાલો મારી સાથે, એને હું લાવી આપીશ, સિંહાસને બેસાડીશ, એના હાથમાં તમારું કાંડું સોંપી દઈશ, કુમારી!
ઇલા : મહારાજ, તમે મને જીવતદાન દીધું. જ્યાં કહેશો ત્યાં આવીશ.
વિક્રમદેવ : તૈયાર થઈને આવો ત્યારે, કાશ્મીરની રાજધાનીમાં જવું પડશે.

[ઇલા અને સખી જાય છે.]


                  હવે યુદ્ધ નથી ગમતું. અને શાંતિ તો એથીય બમણી અકારી લાગે છે. ઘરબાર વિનાના ઓ કુમાર! તું મારાથી વધુ સુખી છે. સંસારમાં તું જ્યાં જવાનો, ત્યાં તારી પ્રિયાનો પ્રેમ, ધ્રુવ તારલા સરખો સદા તારી સાથે જ રહેવાનો; એના પવિત્ર કિરણે વિપદનું વાદળું પણ ઝળહળી ઊઠી, સુખ જેવું સુવર્ણરંગી બની જાય! હું દેશદેશાન્તરે ફરું છું, સ્કંધ પર વિજય પતાકા ફેરવું છું, પરંતુ એ કયે સુખે? મારા ભીતરના પ્રાણ તો હિંસાગ્નિમાં ધગધગી રહ્યા છે! ક્યાં છે મારે માટે કોઈ માનવહૃદય જેના ભીતરમાં શિશિર જેવો શીતળ નિર્મળ સ્નેહ ખીલ્યો હોય! ઓ મારી પ્રેમમયી રાણી, તારા પવિત્ર અશ્રુજળ વડે આ મારો લોહિયાળ હાથ તું ધોઈ દેજે!


[પહેરેગીર પ્રવેશ કરે છે.]

પહેરેગીર : મહારાજ, કોઈ બ્રાહ્મણ આવ્યો છે, મળવા માગે છે.
વિક્રમદેવ : તેડી લાવો એને.

[દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : તમને આણ છે, રાજા, બ્રાહ્મણની રક્ષા કરજો!
વિક્રમદેવ : આ શું! તું ક્યાંથી આવ્યો? મારો વિધાતા આજ ત્રૂઠ્યો. તું તો મારું મિત્રરત્ન!
દેવદત્ત : મિત્રેય ખરો ને રત્નેય ખરો! રત્ન હોવા વિના કાંઈ આમ જાળવીને બાંધી રાખ્યો હશે? એ તો મારાં ભાગ્યબળ, કે બારણું ઉઘાડું ભાળીને ભાગી છૂટ્યો. એ બાપા! હવે પાછા રત્ન ગણીને સિપાઈના હાથમાં ન સોંપતા. હું માત્ર મિત્રરત્ન જ નથી, મારી ગોરાણીનો પતિરત્ન પણ મુઓ છું, મહારાજ! અરેરે! પણ એ બાપડી હવે ક્યાંથી જીવતી હોય!
વિક્રમદેવ : તું આ શું બોલે છે? તું આટલા દિવસ બંદીખાને હતો? મને તો ખબર પણ નથી.
દેવદત્ત : તમને શું કામે ખબર હોય? તમારા બે પહેરગીરોને ખબર છે. પૂછો એને. એને કેટલાં કેટલાં શાસ્ત્રો સંભળાવું, કેટલી કેટલી કાવ્યકથાઓ કહું, પણ એ મૂરખા તો દાંત જ કાઢ્યા કરે. એક દિવસ વરસાદ આવતો હતો; હું વિરહ-વેદનામાં પડ્યો પડ્યો એ બન્ને બેવકૂફોને બોલાવી મેઘદૂત સંભળાવવા મંડ્યો; ગધેડા બેય ઊંઘવા લાગ્યા. બસ, ત્યારથી એવી રીસ ચડી, તે બંદીખાનું તજી દઈને ચાલ્યો આવ્યો. બાપડા વિયોગી બ્રાહ્મણને માથે આવા બોતડા જેવા પહેરેગીરો મૂકવા મળ્યા! આટઆટલા સૈન્યમાંથી શાસ્ત્ર સમજી શકે એવા બે જણાય ન મળ્યા!
વિક્રમદેવ : મિત્રવર, તને બહુ કષ્ટ દીધું, હો! જે ધૂર્તે તને બંદીખાને પૂરી રાખ્યો હતો તેને હું બરાબર શિક્ષા કરીશ. નક્કી એ ક્રૂર જયસેન જ હશે.
દેવદત્ત : સજા પછી કરજો; એકવાર જલદી યુદ્ધ બંધ કરો ને ઝટ ભેળા થવા દો. સાચું કહું છું, મહારાજ, વિરહની વેદના જેવી તેવી નથી હો! આ વખતે જ એ અનુભવ થયો. પહેલાં તો હું સમજતો કે માત્ર મોટા માણસો જ વિરહમાં ઝૂરી મરતા હશે. આ વખતે ખબર પડી કે પંચશર કાકો તો દરિદ્ર બ્રાહ્મણના છોકરાનેય નથી છોડતો, નાના મોટાનો ભેદ જ નથી રાખતો.
વિક્રમદેવ : બંધુ, યમ અને પ્રેમ બન્નેની અમીદૃષ્ટિ સહુ જીવો ઉપર સરખી જ હોય. ચાલો, હવે તો દેશ જઈએ. જતાં પહેલાં એક કામ કરવાનું બાકી છે, ને તેનો ભાર તારે લેવાનો છે. કુમારસેન અરણ્યમાં સંતાઈ રહ્યો છે. ત્રિચૂડરાજ પાસેથી એનો પતો લાગશે. સખા, એની પાસે તારે જવું પડશે. જઈને કહેજે કે હવે હું એનો શત્રુ નથી; શસ્ત્રો દૂર ફેંકીને હું તો હવે એને પ્રેમથી બંદીવાન કરવા સારુ બેઠો છું. અને ભાઈ, ત્યાં બીજું કોઈ માનવી યે હોય — જો નજરે પડે, અગર કોઈ —
દેવદત્ત : સમજી ગયો, સમજી ગયો! દિવસ-રાત એની જ વાત હૃદયમાં રમ્યા કરે છે, પણ આટલી ઘડી હું નહોતો બોલ્યો. મોંમાંથી જાણે નથી બોલાતું. હવે તો એની વાત શબ્દથી અતીત બની ગઈ. એ સતી છે, એટલે જ એને માથે આવાં દુઃખ! એને યાદ કરું છું ત્યાં તો માતા જાનકી સાંભરી આવે છે. ત્યારે હવે જાઉં.
વિક્રમદેવ : બંધુ, વસંત આવે તે પહેલાં પ્રથમ તો દક્ષિણાનિલ આવી પહોંચે અને ત્યાર પછી જ પુષ્પે પુષ્પે ને પાંદડે પાંદડે વનદેવી પ્રફુલ્લ બની જાય. તું યે મારી જીવન-વસંતનો જાણે દક્ષિણાનિલ આવ્યો! તને દેખીને આશા જાગે છે કે મારા એ જૂના દિવસો પોતાનો ફૂલ-ભાર લઈને હવે પાછા આવશે.