રાણો પ્રતાપ/દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’

Revision as of 07:17, 29 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’|}} {{Poem2Open}} પ્રત્યેક ઐતિહાસિક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’


પ્રત્યેક ઐતિહાસિક નાટકનાં મૂલ મૂલવવા માટે આટલી રીતનો કસ ઉતારવો જરૂરી છે : 1. એમાં ઐતિહાસિક અને કલ્પિત બન્ને વસ્તુના અંશો કેટલા? એટલે કે કલ્પિત અંશ ઇતિહાસનો વધ કરે છે કે નહિ? 2. એમાં ઐતિહાસિક વાતાવરણની અર્થાત્ તે તે સમય, સ્થળ અને સંસ્કારોની જમાવટ કેવી ને કેટલી? 3. નાટક લખવાનો પ્રધાન હેતુ કયો? 4. એ બધાની ગૂંથણીમાં કલામયતા સાધવાના પ્રયત્નની સફળતા કેટલી? આ ચાર પ્રશ્નોનો ઉત્તર આપણે દ્વિજેન્દ્રનાં એક પછી એક સર્વ સુવિખ્યાત ઇતિહાસ નાટકો પાસેથી માગીએ. ઉત્તમતાને હિસાબે લઈએ ‘રાણો પ્રતાપ’ :


‘રાણો પ્રતાપ’ની કથા

એની કથા છે આટલી : અકબરશાહ સામે અણનમ રહેલો એકમાત્ર ક્ષત્રિય પ્રતાપ પોતાના સાથીઓ પાસે દેવી સન્મુખ મેવાડ ન જીતાય ત્યાં સુધીનાં ગરીબી-વ્રત લેવરાવે છે. એનો નાનો ભાઈ શક્તસિંહ વીર છે, પણ દેશાભિમાનવિહોણો, ધૂની, જગ-ધિક્કારતો ફિલસૂફ છે. પ્રતાપનો એદી ને વિલાસપ્રેમી પુત્ર અમરસિંહ કાકા શક્તસિંહના મનમાં ઓચિંતી સમસ્યા જગાવે છે કે ‘જ્યેષ્ઠ હોવાથી કાંઈ શ્રેષ્ઠ નથી થવાતું’. એ વિચાર-વિષથી પ્રેરાયેલો શક્તસિંહ પોતાની શ્રેષ્ઠતા સ્થાપવા અને મોટાભાઈની લાયકાત માપવા જંગલમાં પ્રતાપને દ્વંદ્વ યુદ્ધ રમવા પડકારે છે. વચ્ચે પડીને રાજપુરોહિત પોતાનો પ્રાણ આપે છે. પ્રતાપ શક્તસિંહને દેશવટો આપે છે. છેડાયેલો શક્તસિંહ મેવાડ પર વેર લેવા માટે અકબર સાથે — બેશક એક શુદ્ધ ક્ષત્રિયની રીતે — ભળી જાય છે. મેવાડ પર મોગલ સેના ઉતારે છે. સમરાંગણમાં છૂપે વેશે પ્રતાપની પુત્રી ઈરા પ્રવેશ કરી કાકા શક્તસિંહને એના કૃત્યની અધમતા સમજાવે છે. ચલિત થયેલો શક્તસિંહ યુદ્ધે ચડતો નથી, પોતાનો મહા અત્યાચાર સમજી મુંઝાય છે. હલદીઘાટના યુદ્ધમાંથી નાસી છૂટેલા ચેતક-સવાર પ્રતાપને દૂર અરણ્યમાં દુશ્મનોના હાથથી બચાવી પુનઃ મોટાભાઈની મહત્તાનું દર્શન પામીને મોગલ દરબારમાં પોતાના આ કાર્યનો ખુલાસો કરવા હાજર થાય છે. દેહાંત દંડની સજા પામી કારાગૃહમાં પૂરાય છે. પરંતુ પોતે હલદીઘાટના સમરક્ષેત્ર પર હતો તે વેળા મોગલ સેના સાથે યુદ્ધ જોવાને નિમિત્તે આવેલી બે મોગલ કુમારિકાઓ — જેમાંની એક મહેર અકબરની દીકરી છે, ને બીજી દૌલત ભાણેજ છે — તે બન્ને તરુણીઓ વીર શક્તસિંહ પર મુગ્ધ બનેલી હતી. એમાંની મેહેર યુક્તિ કરી શક્તસિંહને કારાગૃહમાંથી નસાડે છે અને પોતાના પ્યારનું મૂંગું બલિદાન આપી નાની બહેન દૌલતને શક્ત સાથે વિવાહમાં જોડી બન્નેને નસાડે છે. શક્તસિંહ પ્રતાપપક્ષે ગયો. એણે એક પછી એક કિલ્લા જીત્યા. દુઃખથી ડગમગતા પ્રતાપને શૌર્ય ચડાવી સૈન્ય જમાવ્યું. મેવાડના પુનરુદ્ધારની સર્વભક્ષી ધૂનમાં એ સ્ત્રીજાતિને ધિક્કારતા વીર-તત્ત્વને પોતાની સ્ત્રી દૌલતને કિલ્લામાં છૂપી રીતે રાખતાં રાખતાં કદી પ્રેમથી બોલાવી ચલાવી નહિ. આખરે છેલ્લા એક ઘોર સંગ્રામમાં દૌલત પોતાના સ્વામીના મેણાં-ટોણાં ખાતી પણ સાથી બની યુદ્ધે ચડી, મૌની સ્વાર્પણ દઈ, મરતી મરતી શક્તસિંહને સ્ત્રીજાતિની મહત્તાનું દર્શન કરાવી ગઈ. પ્રતાપે આ મ્લેચ્છ કન્યા સાથેના ભાઈના વિવાહની કથા જાણતાં, પોતાની હિન્દુવટની સંકુચિત દાઝને વશ બની ભાઈને દેશવટો દીધો. દરમિયાનમાં, શાહજાદી મેહેર પણ પોતે શક્ત-દૌલત વચ્ચે કરાવેલી શાદી બદલ પિતાનો તિરસ્કાર વહોરી પિતાને ‘સ્ત્રીજાતિને વિલાસની સામગ્રી’ કહેતો સાંભળી, મહેલ છોડી ચાલી નીકળી. પુરુષવેશે પ્રતાપને શરણે આવી. દૌલત, શક્ત વગેરેનો નાશ થયા પછી એનું હૃદય ભાંગી પડ્યું. શક્ત પ્રત્યેનો ગુપ્ત સ્નેહ દબાવી દબાવીને નીચોવાઈ ગઈ. પાદશાહનું તેડું આવ્યું. પાછી પિતા કને ગઈ. પ્રતાપની વિપત્તિ અને મહાનુભાવતાનું બયાન આપ્યું. પાદશાહનું દિલ પલળી ગયું. એણે પ્રતાપ સાથેનો વિગ્રહ બંધ પાડ્યો. પ્રતાપ એક ચિતોડગઢ ન જીતાયાનો સંતાપ લઈ, પુત્ર અમરસિંહને તરવાર બંધાવી, વિલાસમાં ન પડી જવાની શિખામણ દેતો, એક સૂર્યાસ્તને સમયે, અસ્ત થતા સૂર્યની સમગ્ર ભવ્યતા ને કરુણતાના જીવન-રંગો છવરાવતો અવસાન પામે છે.

ઇતિહાસ કેટલો?

આ આખી કથામાંથી મેહેર, દૌલત, પ્રતાપ-પુત્રી ઇરા, અને તે ત્રણેયનો આધાર ધરાવતી તમામ ઘટનાઓ બાદ કરીએ, એટલે પછી જે બાકી રહે છે તે બધું જ વિગતવાર દ્વિજેન્દ્રે ટૉડકૃત ‘રાજસ્થાન’માંથી વીણ્યું હોઈ તે સમયને હિસાબે અણીશુદ્ધ ઐતિહાસિક છે. (‘તે હિસાબે અણીશુદ્ધ ઐતિહાસિક’ હું એટલા માટે કહું છું કે અત્યારે તો પ્રખર સંશોધક શ્રી ગૌરીશંકર ઓઝાએ ટૉડકૃત ‘રાજસ્થાન’ની અનેક — ખાસ કરીને રાણા પ્રતાપ વિશેની — હકીકતોને ઉથલાવી પાડી નવેસર પ્રામાણિક ઇતિહાસ લખ્યો છે.) દ્વિજેન્દ્રની ‘રાજસ્થાન’ના ઇતિહાસ પ્રત્યેની બારીક વફાદારી ઉપર કહ્યા સિવાયની તમામ વિગતોમાં એવી તો ખૂબીથી સચવાઈ ગઈ છે, કે એણે ઇતિહાસનો સુંદર યોગ નાટ્યકલા સાથે સાધ્યો ગણાય : શક્ત-પ્રતાપ વચ્ચે અણબનાવ, અકબરનું નૌરોઝ-ગમન, માનસિંહનો શૌર્યપ્રતાપ, રાણાની વિપત્તિઓ, ડગમગ મનોદશા, અને આખરી મૃત્યુપ્રસંગ : એ સર્વ ‘રાજસ્થાન’માંથી ઉપાડ્યું છે. આ થયો મૂળ ઇતિહાસ : એની સાથે જોડાય છે શક્તસિંહની કલ્પિત જીવનઘટનાઓ. એ બધા સંજોગો શી શી અસર નીપજાવે છે? પ્રતાપની મહત્તાને પ્રગટ કરે છે, અકબરની પ્રતિ-વીર (‘એન્ટી-હીરો’) તરીકેની પ્રકૃતિને ગાઢે રંગે રંગે છે, અકબરના ગુણગૌરવને આવરી રાખે છે, અને નાટકના બીજા કેટલાક નૈતિક તથા ભાવનાત્મક આદર્શોને બહલાવે છે. તે વિવેચન હવે પછી કરશું. મને લાગે છે કે આમાં ઇતિહાસનો વધ થતો નથી. જો મેહેર-દૌલતના સર્જન પરત્વે આપણામાંના કોઈને ચાલુ કોમી વૈમનસ્યથી ખરડાએલી દૃષ્ટિ રાખીને વિચાર કરવાનો ન હોત, તો કલાની દૃષ્ટિએ આ કલ્પિત પાત્રોને દ્વિજેન્દ્રની મહાન સિદ્ધિઓ લખવા સહુ કોઈ તૈયાર હોત એ ચોક્કસ વાત છે. હા, એટલું ખરું કે આ નાટકના નાયકપદમાં શક્તસિંહનું પાત્ર પ્રતાપ સાથે ભાગ પડાવે છે. એટલો પ્રતાપનો તેજ-પુંજ ઝાંખો થઈ પડે છે.

વાતાવરણ

હવે ઐતિહાસિક સ્થળ-કાળ અને સંયોગોનું વાતાવરણ જમાવવા વિશેનો પ્રશ્ન લઈએ : અને એકસામટાં દ્વિજેન્દ્રનાં તમામ ઇતિહાસ-નાટકો વિશે આપણે વણખંચાયે કહી શકીએ છીએ કે ‘લોકલ એન્વાયરનમેન્ટ’ (સ્થાનિક વાતાવરણ) એમાં લગભગ નથી જ હોતું. એનાં પાત્રોને હરકોઈ જમાનાનાં નામો આપી દઈએ, તો તેથી કશો ફેરફાર આપણને જણાતો નથી. ઘટના રાજપૂતાનામાં બની કે મહારાષ્ટ્રમાં, કે બંગાળામાં, તે સૂચવનાર ચોક્કસ રંગો ગેરહાજર છે. અકબર, પ્રતાપ વગેરે નાના-મોટાં, નર અને નારી, તમામ પાત્રો એક જ રીતે બોલેચાલે છે. ઘટનાઓ વીસમી સદીમાં બની કે સત્તરમી સદીમાં, તેનો કશો અવાજ આલેખનમાંથી ઊઠતો નથી. આવું આલેખન દ્વિજેન્દ્રની અશક્તિમાંથી નીપજેલું છે, કે ઇરાદાપૂર્વક એણે અંગીકાર કરેલું છે, તે નક્કી થઈ શકતું નથી. એક બાજુ જેમ એણે રાજપૂતાનાનો પ્રત્યક્ષ સમાગમ ન કર્યો હોઈ કદાચ એ અશક્તિને લીધે પાત્ર, સ્થળ ને સમયનું આધુનિકતાભર્યું ને એકસૂરીલું આલેખન કરેલું હોવાનું સંભવિત છે, તેમ જ બીજી બાજુ રા. મુનશીએ પોતાનાં નવલોમાં જેનું અનુકરણ કર્યું છે તે ડૂમા-સંપ્રદાયના જ એક લક્ષણ તરીકે દ્વિજેન્દ્રે આવી રીતિ ગ્રહણ કરી હોવાનો પણ સંભવ છે. કવિ ન્હાનાલાલની રીતિ એથી ઉલટી છે. એમનાં ‘મોગલ નાટકો’ ઝીણી વિગતો પરત્વે પણ મોગલ-જીવનની અખંડ એક છાપ ઉઠાવી રહ્યાં છે. અંગ્રેજ કવિ સર વૉલ્ટર સ્કૉટની માફક આ પ્રશ્નની ચર્ચામાંથી જ ત્રીજા નંબરની કસોટી પર આપણે અનાયાસે આવી પડીએ છીએ.