અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/જનની

Revision as of 17:52, 21 June 2021 by HardikSoni (talk | contribs)

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની.

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે. જનનીની.

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ્ય રે. જનનીની.

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની.

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની.

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે. જનનીની.

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની.

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)