ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કંદર્પ ર. દેસાઈ/આઠમી માર્ચ

Revision as of 05:10, 22 June 2021 by MeghaBhavsar (talk | contribs)

આઠમી માર્ચ


યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા રંગથી. વકીલનો અને કોર્ટનો કાળો રંગ! આજે એક વધુ મુદત. એણે બગાસું ખાધું. સહેજ આળસ મરડી. નાહવા જવાનું વિચારી થોડી અટકી. ગિઝરની સ્વિચ ઑન કરીને પાછી વળી. ડાઇનિંગ ટેબલ પર પડેલાં છાપાં પર નજર ગઈ.

એક છાપું હાથમાં લઈ હીંચકા પર બેઠી. આઠમી માર્ચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. દેશની, રાજ્યની, નગરની પચાસ મહિલાઓની યાદી જાતજાતનાં ફૂલડાંઓનો વરસાદ… ગુસ્સાથી યામિનીએ છાપું ફેંક્યું. નરેન્દ્ર વૉક લઈને પાછો ફરી રહ્યો હતો. એણે ઘરમાં પ્રવેશતાં યામિનીને છાપું ફેંકતાં જોઈ.

‘આજે વળી શું વાંચ્યું?’

‘આઠમી માર્ચની સવાર. મહિલા દિવસની ઉજવણી. વધુ એક વાર ફૉર્માલિટીની વણઝાર.’

વાતાવરણ સહેજ ભારે થઈ ગયું. નરેન્દ્રએ હસીને હળવાશ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ એમ કરવા જતાં એને જ થોડું અતડું, અવળું લાગ્યું એટલે હસવાનું પડતું મૂકયું. યામિની સામે જોયું. હવે તો બેતાળીસ ક્રૉસ થઈ ગયાં છે, તોય ચહેરા પર નાજુકાઈ ટકી છે. ઇચ્છે તોપણ ન હટાવી શકે એવી કડવાશ પણ દેખાય છે. એક જાતની નારાજગી!

કશુંક તો કરવું જોઈએ. નરેન્દ્રએ વિચાર્યું. જેથી આ બોઝિલતા ઓછી લાગે. એણે યામિનીને પૂછ્યું,

‘કૉફી પીશ?’

‘ના, ગિઝરની સ્વિચ ઓન છે. મૂકી આપું?’

નરેન્દ્રએ ડોકું ધુણાવીને ના પાડી. ‘તો શું એ કોર્ટમાં આવવા તૈયાર છે? છેલ્લા કેટલાય વખતથી એ…’

નરેન્દ્રએ કહ્યું, ‘આજે તું નહીં આવે તો ચાલશે.’

‘હા, નહીં આવું તો ચાલશે, મને ખબર છે. પણ નરેન, આ બધું ક્યાં સુધી ચાલશે? આઠ વર્ષ થયાં — યામિની અટકી ગઈ. નરેન્દ્ર ઇચ્છે છે કે કશી ચર્ચા ન કરવી પડે તો સારું. યામિની વળી પાછી — એને પીડાતી જોવી એ — પરિણામે નરેન્દ્રનો મૂડ પણ બગડી જાય છે. માત્ર મૂડ નહીં, દિવસ આખો — કોઈ કામમાં પછી ભલીવાર નહીં. જોકે યામિની ચૂપ ન રહી શકી.

‘ભલે, તને વાત કરવી ન ગમે પણ મને અંદરથી બહુ પીડા થાય છે, જાણે કોઈ મને નિચોવી કાઢે છે. તે દિવસ થઈ હતી, એથીય વધુ — ખાસ તો આવા દિવસની ઉજવણીના તાયફાને કારણે કરવું કશું નથી અને યુ હેવ ટુ ટૉક વિથ મી નરેન—’ વાત કરતાં-કરતાં યામિનીને જાણે શ્વાસ ચઢી આવ્યો હોય એમ હાંફી રહી.

નરેન્દ્ર તોપણ ચુપ છે. નીચે પડેલા છાપાને ઊંચક્યું. એની ગડી વાળી. ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. કિચનમાં જઈ બે ગ્લાસ પાણીના ભરી લાવ્યો. એક ગ્લાસ યામિનીને આપ્યો, બીજો એણે મોઢે માંડ્યો. યામિની એના થોભિયામાં આવેલી સફેદી જોઈ રહી. કેવો છે આ માણસ? વરસો થયાં, જરાય વિચલિત નથી થયો. મને એમ જ જુએ છે જેમ પહેલાં. બસ, એક વાત વધી છે, કાળજી. પહેલાં કરતાં વધુ કેમ કરે છે! યામિનીના ચહેરાની તંગ રેખાઓ સહેજ હળવી થઈ. નરેન્દ્રએ ગ્લાસ ટેબલ પર મૂક્યો. નૅપ્કિનથી મોં લૂછ્યું ને કહ્યું:

‘બોલ, યામિની, શી વાત કરવી છે? પીડાની? એ તો હવે મને અડતીય નથી. ખબર નથી કેમ? દિવસો થયા એ વાતને — મારી આજુબાજુ જાણે કવચ — વીંટાઈ ગયું હોય એમ એ દિવસની ઘટના—’ નરેન્દ્રને બરોબર યાદ છે. યામિનીની માતા થવાની ઘેલછા એને કોઈ ઢોંગી-ધુતારા પાસે લઈ ગઈ હતી. એ બાજુની રૂમમાં હતો અને ત્યાં તે આવી. વીંખાયેલાં કપડાં, વાળ અને મન સાથે. એવી તો બઘવાયેલી — નરેન્દ્રએ વળી યામિની સામે જોયું. એની આંખો નીચે કાળાશ આવી ગઈ છે. પણ એનું ધ્યાન છે ક્યાં? નરેન્દ્રએ મનમાં ઉઠેલા પ્રશ્નને દબાવી પૂછ્યું:

‘તું સાંભળે છે ને? તો સાંભળ. હું એ વાતને એટલી સહજતાથી હવે લઉં છું જાણે… જાણે કરિયાણાની દુકાને જઈ તેલના ડબ્બાનો ભાવ પૂછું! બસ મને પીડા માત્ર એક જ વાતે થાય છે — તને થતી પીડા મારાથી એ સહન નથી થતી. ન ત્યારે, ન અત્યારે. સો આઇ ડોન્ટ વૉન્ટ ટુ ટૉક — નરેન્દ્ર અટક્યો. અવાજમાં સહેજ કુમાશ લાવી કહ્યું, તે છતાં વાતો કરવાથી તને સારું લાગતું હોય, તારી બેચેની હળવી થતી હોય તો — પ્લીઝ, કૅરી ઑન.’

યામિની ચૂપ રહી, ‘વિશ્વાસ! કેવો મોટો શબ્દ છે એની એને ખબર જ નહોતી! એ ખબર તો ત્યારે પડી જ્યારે વિશ્વાસભંગ થયો. સાધુના વેશમાં, જડીબુટ્ટીનો જાણકાર, ક્યારેક ત્રાટક કરાતો, કયારેક બરાડતો ને પછી સાવ ચૂપ. પોતાને ગુરુ દત્તાત્રેયનો શિષ્ય ગણાવતો, જાડી — અદોદળી પત્નીને સાથે લઈ ફરતો એ માણસ. નામ ખબર છે પણ હોઠે તો ઠીક હૈયે પણ આવવા દેવું નથી. બાળક ન હોવાની પીડાએ…

અચાનક યામિની બોલી પડી, ‘તને ખબર છે નરેન! પછી. એ પછી… મને બાળક માટે કોઈ ઇચ્છા જ નથી થઈ! જાણે એ ઘટનાએ મારી બાળક માટેની તીવ્ર ઝંખના — સુક્કીભઠ્ઠ ધરતીમાં શોષાઈ જાય — એમ… એમ… ખબર નથી કેમ, કેવી રીતે? પણ…

‘બીજાનાં બાળકને જોઈ રાજી ભલે થઉં પણ મને — બસ, જાણે એકાએક એ ઇચ્છા, એ કુમળી લાગણી, એ — હવે મારી આ પીડા હું કોને સમજાવું? કોર્ટ તો બસ, મારા શરીર પર થયેલા હુમલા વિશે ચુકાદો આપશે. પણ… પણ…’

નરેન્દ્રને બરોબર યાદ છે, ભૂલવા ઇચ્છે તોપણ ન ભૂલી શકે એ દિવસોને! બાળકને તીવ્રતાથી ઝંખતી, ડૉક્ટર ને વૈદ, સંત-મહંત ને પીર. આ મંદિર ને તે દરગાહ. બાધા-આખડીનો તો પાર નહીં! બધું એકાએક ઓસરી ગયું. જે ઘર પોતાનું બાળક પામવાની ઝંખનાથી ભર્યું ભર્યું હતું એ હવે — સાવ ખાલીખમ છે!

યામિનીએ આ પીડાને કેવી રીતે આટલા દિવસો સુધી મનમાં ભંડારી રાખી હશે? કદાચ યામિનીને એ વાતનો અહેસાસ હવે રહી રહીને થતો હશે કે પછી — નરેન્દ્રને યામિની આ ઘડીએ સાવ અજાણી લાગી. જોકે એ ક્યારેય પૂરેપૂરી ઓળખી શકાઈ છે?

‘કેમ કશું બોલ્યા નહીં?’ યામિનીના પ્રશ્નોએ એને ઝબકાવ્યો.

‘તારી વાત સાચી છે કે એક અધૂરપનો ઘડો ફોડવા જતાં, આપણે જ એવા ફૂટી ગયા કે આજ સુધી ટુકડા વીણ્યા કરીએ છીએ.’ નરેન્દ્રએ એકદમ જ વાતને બીજી દિશામાં ફંટાવવા પૂછ્યું.

‘તને યાદ છે, પેલી પોલીસતપાસના દિવસો?’

‘તમે એ યાદ કરાવી… ના, ના, કહો, તમને શું યાદ આવી ગયું?’ કહેતાં યામિની હસી પડી. ‘કેવું ફની લાગે છે? એકની એક વાત, કેટકેટલી વાર કહી કહીને એવી તો મોઢે થઈ ગઈ! એમાં કશો ભાવ જ ન રહ્યો! યંત્રવત્ — જાણે કોઈ મશીન ચાલુ થયું સાંભળે, તેને કદાચ કંઈક થતું હોય તો તે જાણે, બાકી મ્યુઝિક પ્લેયર ક્યાં કોઈ ગીત સાંભળીને હસે છે કે રડે છે?’

‘પણ યામિની, આપણે તો માણસ છીએ.’

‘હા નરેન. એ જ તે વાત છે. પીડા, મૂળ વાતની નથી રહી… પીડા તો હું અને તું આમ સાવ મશીનની જેમ વાત કરી રહ્યા છીએ એની છે.’

‘યામિની, બસ કર.’ નરેન્દ્રએ ઊભા થઈ જવા જેવું કર્યું. એ ઊભો ન થઈ શક્યો. આંખેથી ચશ્માં ઉતાર્યાં ને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યાં છાપાં અને ચશ્માંને આમતેમ કરતો રહ્યો, જેમ એના મનમાં વિચારો આમતેમ થતા રહ્યા.

યંત્રવત્ હું કે યામિની નથી. યંત્ર તો પેલી લેડી ડૉક્ટર હતી, જેણે યામિનીનું ચેક-અપ કર્યું હતું. એક રૂટીન બાબત, ન નામની ઓળખ ન સ્ત્રી હોવાથી સ્ત્રીની પીડાને સમજી શકી છે એવું કોઈ અછડતું આશ્વાસન! યામિની ત્યાં માત્ર એક કેસનંબર છે. અનેકમાંની એક! એ ડૉક્ટર-નર્સ સાથે વાત કરતાં બોલી હતી,

‘આ તો રોજનું થયું. આનું વળી નસીબ સારું છે. કંઈ ખાસ નથી થયું.’

‘કંઈ ખાસ નથી થયું.’ એટલે શું પૂરેપૂરો બળાત્કાર થઈ જાય, તો જ બદનસીબ કે પછી એક નહીં બે-ચાર જણ પીંખી…

નરેન્દ્ર છેવટે ઊભો થઈ જ ગયો!

‘યામિની, પાણી ગરમ થઈ ગયું હશે. ગીઝરની સ્વિચ ઓફ કરી દઉં?’

‘કરી દો. આમેય હવે… ચલો, તમારા માટે કૉફી બનાવું. હું પણ થોડી પીશ.’

હવે યામિની સાવ સહજ છે. સ્વાભાવિક રીતે જ હીંચકા પરથી ઊભી થઈ. ગૅસ પાસે આવી તેને ચાલુ કર્યો. તપેલીમાં સહેજ પાણી નાખી ગેસ પર ચઢાવી. રોજિંદી આદત પ્રમાણે દૂધ-ખાંડ નાખ્યાં. ત્યાં ઊભા ઊભા નજર ફેરવી, બાજુમાં જ નાનકડું ડાઇનિંગ ટેબલ. ગોળ, સાગનું. પૉલીસ કરેલી ચમકતી સપાટી. એને અડીને હતી બે-ત્રણ ખુરશી. પાસે જ હિંચકો. સિંગલ ઝૂલો. ડાઇનિંગ ટેબલ પાસે જ આમ ઝૂલતો ઝૂલો બંનેને ગમે છે. ત્યાં બેસીને કૉફી પી શકાય. એ રસોઈ કરતી હોય ત્યારે નરેન્દ્ર ત્યાં બેસી એને જોયા કરે!

‘ક્યાં છે નરેન?’ યામિનીએ નરેન્દ્રને શોધ્યો.

‘તારી પાછળ, આ બે મગ. જો દૂધ ઊકળવા આવ્યું છે!’

યામિનીએ ચમચી ભરી કૉફી નાખી. કૉફીની હળવી સુગંધ પ્રસરી ગઈ. દૂધમાં હળવો રંગ ઉમેરાયો.

‘તમને યાદ છે પેલી લેડી પુલીસ?’ કૉફીને મગમાં ઠાલવતાં યામિનીએ પૂછ્યું.

‘જેવી ડૉક્ટર એવી એ લેડી ઑફિસર.’

‘તો તમે પણ મારી જેમ એ લેડી ડૉક્ટરને યાદ કરતા હતા, ખરુંને?’ યામિનીના હસવામાં અજબશી કુમાશ છે. એનું આમ હસવું… ખબર નહીં. કેટકેટલા સમય સુધી ગાયબ રહ્યું!

જોકે લેડી પુલીસે જે તોછડાઈ અને કડકાઈથી યામિનીની તપાસ શરૂ કરી… યામિની હસી પડી હતી! કોઈના પણ માટે એવું ધારી લેવું આસાન હતું કે યામિની આઘાતની મારી ગાંડી થઈ ગઈ છે! એના એ હસવાથી પુલીસ અફસર સહેજ સભાન થઈ. એનો અવાજ પહેલાં કરતાં નરમ બન્યો. બોલી,

‘યામિનીબહેન, મારી આ પૂછપરછ તમારા ભલા માટે જ છે.’

‘તો મને કેમ એવું લાગતું નથી? તમારી રીતભાત તો, તમને યાદ અપાવું. કયારની હું ઊભી છું, બેસવા ખુરશી પણ ઑફર નથી કરી, જાણે હું જ ગુનેગાર હોઉં એમ — હા, મારો ગુનો છે. મેં બાળકની ઇચ્છા કરી પણ — ખેર તમને નહીં સમજાય.’

‘ના, આટલું કહી દીધા પછી પણ મન શાંત થતું નથી… એ તો કહ્યા જ કરે છે. હા, પીડા એ વાતની છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ન સમજી શકે છે ન એની પીડાને પામી શકે છે. હૂંફ તો દૂરની વાત રહી. વાતોમાંય કયાંય કોઈ અછડતું આશ્વાસન નથી. એમને માટે તો આ બધી રૂટીન પ્રોસેસ જ છે. માત્ર એ જ કેમ, છાપાં ને મીડિયામાંથી આવતી ચટરપટર બોલતી છોકરીઓ માટે પણ યામિની માત્ર ન્યૂઝ આઇટમ જ હતી, નહીં કે જીવતી-જાગતી સંવેદનાથી છલોછલ સ્ત્રી!

‘પણ આપણે આ એકની એક વાત શા માટે યાદ કર્યા કરીએ છીએ? જવા દે એ બધું.’ યામિનીએ વાતને વિસારે પાડવા કહ્યું.

‘ના, પેલી ઓફિસરનું તો જાણે સમજ્યા… પણ વકીલો અને જજ પણ… એની તો વાત જ રહેવા દેજે યામિની!’ નરેન્દ્ર એકદમ બોલી પડ્યો, ‘કેવી વાહિયાત વાતો, સવાલો, તર્ક અને તારણો. જજની જોવાની નજર કંઈ જુદી નથી. આખરે કાયદો તો બધા સરખો જ શીખ્યા હોય ને?’

‘એક વાત તો તમને ખાસ યાદ કરાવીશ.’ યામિનીએ કહ્યું, ‘માંડ માંડ છ વર્ષે કેસ કોર્ટે ચઢ્યો. સામેવાળાના વકીલે પૂછી-પૂછીને હેરાન કરવામાં કંઈ બાકી રાખી નહોતી. બાળક મેળવવા ગઈ તે જાણે મારી જાત ધરવા —’ યામિની સહેજ રોકાઈ. થોડો શ્વાસ ખાઈ આગળ બોલી, ‘એવી જ એક પૂછપરછને અંતે મારાથી બોલાઈ ગયું, વકીલસાહેબ, જરા જઈને તમારી માને પૂછી આવો કે એમણે તમને કઈ રીતે જણ્યા? પણ જેને ન્યાયાલય એવું નામ અપાયું છે એમાં શું થયું? મારા એ ગંભીર સવાલે બધાને હસાવ્યા!! નરેન તમને યાદ છે? એ દિવસે વકીલે પછી નવી તારીખ માગી લીધી. મારી સામે આંખ મેળવી શક્યો ન હતો! બસ, એ એક જ એવી પળ છે, જ્યારે હું મારી પીડાને ક્યાંક બીજે જતી જોઈ શકી. ભલે એ એક જ પળ હોય.’

‘યામિની, તને પેલાની જાડી પત્ની યાદ છે?’

હવે બેઉ જણ હળવાં થઈ ગયાં હોય એમ વાતે વળગ્યાં. દિવસ ચઢવા માંડ્યો છે, તાપ વધવા લાગ્યો છે પણ એની કશી ફિકર નથી. ન નાહવા-ધોવાની પડી છે, ન રસોઈ-પાણીની.

‘હાસ્તો. એ જાડી, શું કહેતી’તી મને ખબર છે? કહે, બચ્ચાં જણ્યાં છે મેં? ચાર. તુંય આચરવાળ થઈ જાત. હવે ભોગવ આ કાળી ટીલી. કોર્ટે ચઢીને તને શું ફાયદો થયો? મારો ધણી તો એના પુણ્યપ્રતાપે છૂટી જશે. કેટકેટલી બાઈઓના ખોળા હર્યાભર્યા થયા છે, એ બધાની આશિષ એળે નહીં જાય, સમજી?’

‘એનો વર એની સાથે બેવફાઈ કરે છે એ વાતની તો જાણે એને કંઈ પડી જ નથી. આને સ્ત્રી કહેવાય?’

‘એનું ઘડતર જ એવું હશે. પતિ સાચો.’ યામિનીએ કહ્યું, ‘પોતાના વરનાં દુષ્ટ કર્મોને પુણ્યકર્મમાં ખપાવતી એ બાઈ — નાનપણથી જ એ કેવી રીતે ઉછેરી હશે? વિચારતાં જ હું કંપી ઊઠું છું. કેટલીય આઠમી માર્ચ આવે ને જાય. શું ફરક પડશે?’

‘ખરું, એની વિચારવાની રીત એટલી તે કેટલી જુદી?’ નરેન્દ્રએ સહેજ અટકીને પૂછ્યું, ‘પણ તેં મને આજ સુધી કહ્યું નથી કે તેં કોર્ટમાં આવવાનું કેમ બંધ કરી દીધું? બીજા સાક્ષીઓની જુબાનીમાં તને રસ જ નથી. એવું કેમ?’

‘એ ન પૂછો તો સારું.’

‘પણ કેમ?’

‘કેમ કે એ વાત પણ મને પીડા જ આપે છે. બીજું કંઈ નહીં.’

‘આજે તું આમ, તારાં પીડાનાં પોટલાં છોડવાં જ બેઠી છો તો—’

નરેન્દ્ર અટક્યો. યામિનીના કપાળે ધસી આવેલી લટને ઊંચકી પાછળની તરફ ગોઠવી, પણ એ પાછી કપાળે ફરફરવા લાગી. ફરફરતી લટ સામે એ જોઈ રહ્યો, પછી કહ્યું.

‘જોકે… ના, તને ન ગમે- એ સમજું છું… કંઈ નહીં, ચલ છોડ આ બધી વાત…’

યામિની ચૂપ રહી. જોકે એની નજર સામે વીતેલિ એ પળો તાદૃશ્ય થતી રહી.

છેલ્લે જ્યારે કોર્ટમાં ગઈ હતી, એક નવી તારીખ મળી હતી. એ અને નરેન્દ્ર ઊભાં થઈ કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યાં. બહાર નીકળતાં જ એને લાગ્યું કે સાડીનો છેડો ક્યાંક ભરાયો છે કે શું? પાછળ વળીને જોયું તો એક નાનકડો છોકરો એની સાડી ખેંચી રહ્યો હતો. એ અટકી. કશુંક કહેવા જાય એ પહેલાં જ કોઈ ભાઈ આવીને ઊભા, છોકરાને પોતાની નજીક ખેંચી કહ્યું, ‘સૉરી, મેં જ એને એમ કરવા કહ્યું હતું. મારે તમારી સાથે વાત કરવી છે બેન, ઊભાં રહેજો.’

એ નરેન્દ્રને બૂમ પાડવા ગઈ. નરેન્દ્ર સરકારી વકીલની રૂમમાં જતો દેખાયો. શું વાત કરવી હશે આ ભાઈને? સહેજ તવાયેલો હોય એવો પાતળો ચહેરો. સાથે છે એ છોકરો— ના, બાળક… એ તો સાવ નાનો છે, માંડ સાતેક વરસનો, જોતાં જ વહાલો લાગે એવો મીઠડો. પેલા ભાઈ કહી રહ્યા છે,

‘કેવો વહાલસોયો લાગે છે, નહીં? તમે એના માથે હાથ મૂકીને કહો કે આ માણસ પર તમે મૂકેલા આરોપો સાચા છે કે ખોટા? બસ, એક વાર કહી દો.’

યામિની પુલીસ અને કોર્ટની તપાસથી ઠીકઠીક રીઢી થઈ ગઈ હતી. આવા સવાલોને એમ સહેજમાં દાદ આપે એવી નથી.

‘તમારે શી પંચાત મિસ્ટર. તમે તમારું સંભાળો. કોર્ટનું કામ કોર્ટને કરવા દો.’ કહેતાં એ આગળ વધવા ગઈ.

‘તમારે કહેવું જ પડશે.’ એના અવાજમાં એવી તો યાચના હતી કે યામિની પોતાની જગ્યાએથી લગીરેય ચસકી ન શકી ને પૂછી બેઠી,

‘પણ શું કામ?’

‘આ છોકરાને જુઓ છો ને? એની મા મારી પત્ની છે. એ પણ — એ પણ આને ત્યાં ગઈ હતી. આશીર્વાદ લેવા કે દવા લેવા. બસ, મને કહો, આ માસૂમના માથે હાથ મૂકીને—’ કહેતાં એણે જબરજસ્તી હાથ ખેંચીને છોકરાના માથે મૂકી દીધો!

યામિનીએ બાળક સામે જોયું. કેવો માસૂમ છે, ભોળો છે! કદાચ એની મા જેવો જ. શું થશે એનું, એની માનું? જો હું આ પુરુષને કહી દઉં કે મારા આરોપો સાચા છે. યામિનીએ તરત જ હાથ પાછો ખેંચી લીધો હતો.

યામિનીની આંખમાં આજે પણ આંસુનું ટીપું બાઝી આવ્યું.