ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કયવન્ના શાહનો રાસ’

Revision as of 08:47, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘કયવન્ના શાહનો રાસ’ [ર.ઈ.૧૬૬૫] : પુણ્યકલશશિષ્ય-જયતસી/જયરંગરચિત દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળની સુપાત્રે દાનના મહિમાને નિરૂપતી રાસકૃતિ (મુ.). લગ્ન પછી પણ વૈરાગી જીવન જીવતા કયવન્નાના વૈરાગ્યને વારાંગના દેવદત્તાની મદદથી છોડાવવા જતાં એ દેવદત્તા-વશ બને છે અને પછી, નિર્ધન થઈ જતાં કમાવા માટે પરદેશ નીકળે છે. કેટલાક કડવા-મીઠા અનુભવોમાંથી પસાર થઈ કયવન્ના, પૂર્વભવમાં પોતે ભૂખ્યા રહી સાધુને ખીર વહોરાવી હતી તેના પરિણામ રૂપે ૭ પત્નીઓ અને અપાર સુખસંપત્તિનો સ્વામી બને છે. ધર્મબોધના હેતુથી રચાયેલી આ કૃતિ વીગતપૂર્ણ પ્રસંગવર્ણનો, પાત્રવર્તનો ને પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ અલંકારો, બોધક દૃષ્ટાન્તો, કહેવતો, રૂઢિપ્રયોગો ને સુભાષિતોના વિનિયોગ પરત્વે પ્રગટ થતી કવિની ક્ષમતાને કારણે ધ્યાન ખેંચે છે. દેશીઓમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ પ્રકારની ધ્રુવાઓ તથા સંગીતના રાગોનો ઉલ્લેખ કૃતિની ગેયતાનો નિર્દેશ કરે છે. કવિની ભાષામાં રાજસ્થાની તથા હિન્દી ભાષાનો પ્રભાવ વરતાય છે.[ર.ર.દ.]