અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચાંપશી વિ. ઉદ્દેશી/ચંદરોજ
Revision as of 07:02, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; જિંદગીનો આ ગુજારો ચંદરોજ.<br> કેમ પોતાન...")
આ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.
કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહીં તો તું ઠેરનારો ચંદરોજ.
વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.
(હૈયું અને શબદ, ૧૯૭૩, પૃ. ૧૫)