અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /સુરમો નયન માટે

Revision as of 07:06, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે, મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રુદન માટે
.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગેયુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઈ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઈ જાવ, મારી ના નથી કાંઈ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી —
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો મને પૂછો — ફૂલો કાં થઈ ગયાં કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

(ગુલઝારે શાયરી-૧, પૃ. ૨૦)