પ્રવાલદ્વીપ

Revision as of 07:28, 8 August 2022 by MeghaBhavsar (talk | contribs)


Chandolay-Title.jpg


પ્રવાલદ્વીપ

નિરંજન ભગત


અર્પણ:
સુશીલ અને મડિયાને

મુંબઈનગરી

ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, ક્રૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

આધુનિક અરણ્ય

અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
(અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!)
વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિ:શ્વાસ? કે
કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?

મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)

તને હું જોઉં છું,
અને નહીં, અહીં નહીં,
જણાય કે ઊભો છું હું વનોમહીં.

તને હું જોઉં છું,
અને પ્રચંડ ગર્જનો
સુણાય, થાય શાંતિનાં વિસર્જનો.

તને હું જોઉં છું,
અને અરણ્ય અંધકારથી ભર્યું
તહીં શું તેજ માત્ર બે જ નેત્રથી સર્યું.

તને હું જોઉં છું,
અને સ્વયં કરાલ મૃત્યુકાળ
રૂપ સિંહનું ધરી ભરી રહ્યો પ્રલંબ ફાળ.

તને હું જોઉં છું,
અને... નહીં, નહીં, હું જોઉં માત્ર તાહરી પ્રતિકૃતિ;
તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ.

ઝૂમાં (સિંહને જોઈને)

એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.

પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.