૮૬મે

Revision as of 07:28, 9 August 2022 by MeghaBhavsar (talk | contribs)


86me123.jpg


૮૬મે

નિરંજન ભગત


અર્પણ:
ભોલાભાઈ ની સ્મૃતિ

વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય, ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય; તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,

અભિસારિકા-૧

પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?
          તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
          તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
          તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
          તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

          તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
          તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
          તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?

૨૦૦૯
 

અભિસારિકા-૨

સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,
          હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.

          હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
          હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
          હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
  
          હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
          હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
          હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.

૨૦૦૯
 

મળતા નથી, બોલતા નથી

સ્ત્રી": એક તો તમે મને મળતા નથી,
          ઓચિંતા જો મળો તો બોલતા નથી;
          ગયા તે ગયા, પાછા વળતા નથી;
          હૃદયમાં શું છે તે ખોલતા નથી.

          એને પથ્થર શું પોચા પડ્યા
          તે વિધાતાએ તમને ઘડ્યા?
          એકેય બાજુ તમે ઢળતા નથી,
          આસનથી ક્યારેય ડોલતા નથી.

          છો હું એકાન્તમાં ડરી જાઉં,
          હું એકલતાથી મરી જાઉં;
          શો તમારો અહમ્ તે ચળતા નથી,
          મેરુની સાથે એને તોલતા નથી.

૨૦૧૧
 

કોના તોલે તોલવું?

પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું?
          હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું?

          વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી,
          પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી;
          ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું?

          વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું,
          પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું;
          તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું?

૨૦૧૧
 

બંધન–મુક્તિ

સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો.

પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો.
          પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ;
          બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ;
          જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો.

          કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા;
          હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા;
          તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો,

૨૦૦૯
 

તમને જે અજાણ

સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત!

પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત!

સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો?
          મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો!
          મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત!

પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું,
          તમને જે અજાણ એવા તમને હું માણું છું;
          એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?

૨૦૧૨
 

બળો છો ને બાળો છો

તમે તો બળો છો ને બાળો છો,
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?

તમારે બળવું હોય તો બળો, ના નથી,
તમે બીજાને પણ બાળો એમાં હા નથી;
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.

પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?

૨૦૧૧
 

દયા ખાશો નહિ

હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.

દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.

હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.

૨૦૧૧
 

શું તમારું મન મેલું નથી?

હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
‘ના, એ ઘેલું નથી.’

જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

૨૦૧૨