ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચંદ્રકેવલીનો રાસ’

Revision as of 13:35, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘ચંદ્રકેવલીનો રાસ’ [ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩] : ‘આનંદમંદિર-રાસ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલો ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ જ્ઞાનવિમલકૃત આ રાસ (મુ.) પૂર્વભવના આયંબીલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખે છે. ખટપટને કારણે છોડી દેવાયેલો અને લક્ષ્મીદત્ત શેઠના પુત્ર તરીકે ઊછરેલો રાજકુમાર ચંદ્રકુમાર સત્યનિષ્ઠા આદિ પોતાના નિર્મળ ચરિત્રગુણોથી સૌનાં હૃદય જીતી લે છે, પોતાની બુદ્ધિની તેજસ્વિતાથી અને સાધનાથી ૭૨ કળાઓમાં પારંગત થાય છે અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવે છે, દેશાટન કરી પરાક્રમપૂર્વક રાજ્યો, સંપત્તિ અને સ્ત્રીઓ પ્રાપ્ત કરે છે, દાન અને પરોપકારનાં યશસ્વી કાર્યો કરે છે અને અનેક અદ્ભુત અનુભવોમાંથી પસાર થાય છે. છેવટે પોતાના જન્મદાતા માતાપિતાને મળી એમના રાજ્યનો સ્વામી પણ બને છે. અત્યંત કૌતુકરસિક અને ઘટનાપ્રચુર આ કથામાં દૃષ્ટાંત રૂપે અન્ય ધર્મકથાઓ પણ ગૂંથવામાં આવી છે. કથારસની સાથે જ્ઞાનોપદેશ પણ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતોનું વિવરણ, જૈન માન્યતા મુજબની ભૌગોલિક રચનાનું આલેખન, નાયકનાયિકાભેદ આદિ વિષયોનું નિરૂપણ, સુભાષિત-સમસ્યા-હરિયાળીની ગૂંથણી અને સંસ્કૃત શ્લોકો તથા પ્રાકૃત ગાથાઓનું ઉદ્ધરણ - આ બધામાં પ્રગટ થતી કવિની વ્યુત્પન્નતા ઘણી નોંધપાત્ર છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ પણ બને છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો અને ઝડઝમકવાળી ચારણી શૈલી કવિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય કરાવે છે. [જ.કો.]