ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરાજ સૂરિ-રાજસમુદ્ર

Revision as of 13:15, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનરાજ(સૂરિ)/રાજસમુદ્ર'''</span> [જ.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનરાજ(સૂરિ)/રાજસમુદ્ર [જ.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૭, બુધવાર/શુક્રવાર-અવ. ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, અસાડ સુદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિ-જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ ખેતસી. બોથરા ગોત્ર. પિતા ધરમસી શાહ. માતા ધારલદેવી. દીક્ષા ઈ.૧૬૦૦/૧૬૦૧માં. દીક્ષાનામ રાજસમુદ્ર. ઈ.૧૬૧૧/૧૬૧૨માં વાચકપદ અને ઈ.૧૬૧૮માં આચાર્યપદ. ત્યારથી ‘ભટ્ટારક’ કહેવાયા. તેમણે ૬ ભાષા, ૧૮ લિપિ, ૧૪ વિદ્યા, ૭૨ કલા, ૩૬ રાગ તથા અલંકાર, કોશ, છંદ, તર્ક, વ્યાકરણ આદિ શાસ્ત્રોમાં પારંગતતા મેળવી હતી. અનેક તીર્થયાત્રાઓ કરી હતી અને સેંકડો જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું અવસાન પાટણમાં થયું હતું. વિવિધ પ્રકારોમાં થયેલું, ‘રાજસમુદ્ર’ તેમ જ ‘જિનરાજ’ એવી નામછાપ ધરાવતું, આ કવિનું વિપુલ સાહિત્યસર્જન ધર્મોપદેશક અને અધ્યાત્મવિષયક છે. પરંતુ તેમાં અલંકારોની પ્રૌઢિ અને અનુપ્રાસાત્મક શૈલી કવિના કાવ્યકસબનો પરિચય કરાવે છે. કવિની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ વર્તાય છે તે ઉપરાંત કેટલીક નાની કૃતિઓ હિંદી ભાષામાં પણ છે. કવિની રાસકૃતિઓમાં દુહા-દેશીબદ્ધ ૨૯ ઢાળનો ‘શાલિભદ્રચરિત્ર-રાસ/શાલિભદ્ર-ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, આસો વદ ૬; મુ.), પ્રાસાદિક વર્ણનકથન, અલંકૃત શૈલી અને ઉપદેશક પંક્તિઓને કારણે રસપ્રદ બને છે. “જિનસિંહસૂરિ સીસ મતિસારે, ભવિયણનિ ઉપગારેજી, જિનરાજવચન અનુસારઈ, ચરિત કહ્યો સુવિચારજી”એ અંતની પંક્તિઓ થોડી સંદિગ્ધ છે અને એમાં ‘મતિસારે’ શબ્દ ‘મતિ અનુસાર’ એવા પ્રચલિત અર્થ ઉપરાંત ‘મતિસાર’ વ્યક્તિનામ હોય એવા અર્થને પણ અવકાશ આપી શકે તેમ છે. તેથી જ આ કૃતિ ઘણી વાર મતિસારને નામે તેમ જ ક્વચિત્ ભૂલથી મતિસાગરને નામે પણ નોંધાયેલી જોવા મળે છે. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ ૩૦ ઢાળનો ‘ગજસુકુમાર-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, વૈશાખ સુદ ૫; મુ.) ગજસુકુમારમુનિનું ચરિત્ર ચિત્રાત્મક અને વીગતપૂર્ણ રીતે ને અલંકૃત ભાષામાં આલેખે છે. આ કૃતિ તેમના શિષ્ય જિનરત્નસૂરિએ પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં જિનરત્નસૂરિનું નામ નોંધાયેલું મળે છે પરંતુ કર્તૃત્વનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. કવિએ ઈ.૧૬૪૩માં ‘જન્બૂ-રાસ’ રચ્યો હોવાની માહિતી નોંધાયેલ છે પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ લાગે છે. કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનસિંહસૂરિ-દ્વાદશમાસ’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, કારતક વદ ૯; મુ.), જૈન કર્મસિદ્ધાંતના ઊંડા અધ્યયનના ફળસ્વરૂપ ૧૯ કડીની ‘ચૌદગુણસ્થાનવિચારગર્ભિત પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૯; મુ.), જ્ઞાનપ્રબોધક ‘કર્મ-બત્રીસી’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, ભાદરવા વદ-, ગુરુવાર; મુ.), ‘શીલ-બત્રીસી’(મુ.), ‘પ્રશ્નોત્તરરત્નમાલા-વીશી’, ૪૪ કડીની ‘પાર્શ્વનાથગુણ-વેલી’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, પોષ વદ ૮, બુધવાર), ૩ ઢાળની ‘નવપદ-સ્તવન’ (ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, આસો સુદ ૭; મુ.), વિવિધ દેશીબદ્ધ પ્રાસાદિક ચોવીશી (મુ.) અને વીશી(મુ.) છે. આ ઉપરાંત, આ કવિએ તીર્થો તથા તીર્થંકરો વિશેનાં અનેક સ્તવનો, પંચેન્દ્રિય, નિંદાવારક વગેરે વિષયો પરની સઝાયો, ઋષભની બાળલીલા અને રામાયણ સંબંધી ભાવવાહી પદો, દમયંતી વગેરે સતીઓ વિશેનાં ગીતો અને ‘કર-સંવાદ’ જેવી અનેક કૃતિઓ (ઘણીખરી મુ.) રચેલી છે. એમણે પોતાની ૨ કૃતિઓ ‘ચૌદ ગુણસ્થાનવિચારગર્ભિતપાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘શીલ-બત્રીસી’ પર બાલાવબોધ પણ રચેલા છે. આ વિદ્વાન કવિએ સંસ્કૃતમાં ‘નૈષધ મહાકાવ્ય પર ૩૬૦૦૦ શ્લોકની ટીકા તથા ‘ઠાણાંગસૂત્રવિષયપદાર્થ-વૃત્તિ’ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ ગ્રંથો હાલ અલભ્ય છે. કૃતિ : ૧. જિનરાજસૂરિ કૃત કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.);  ૨. અસ્તમંજુષા; ૩. આકામહોદધિ : ૧; ૪.ઐજૈકાસંગ્રહ (+સં.); ૫. ચોસંગ્રહ; ૬. જ્ઞાનાવલિ : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૨. ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલી’;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]