ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયચંદ્ર ગણિ-૨

Revision as of 06:33, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, અસાડ સુદ ૧૫] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. રાયચંદ્ર-વિમલચંદ્રના શિષ્ય. પિતા વિકાનેરના રાકાગોત્રીય ઓશવાલ જેતા શાહ, માતા જેતલદે. દીક્ષા ઈ.૧૬૦૫માં બીકાનેરમાં. ઈ.૧૬૧૬માં આચાર્યપદ. એમનો ૨૨ ઢાળ અને ૨૫૬ કડીનો મુખ્યત્વે દેશીબદ્ધ ‘રસરત્ન-રાસ’ (ર.ઈ.૧૫૯૮; મુ.) ગુરુ રાયચંદ્રસૂરિને સૂરિપદવી મળી ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાંત વર્ણવે છે ને કેટલીક ઐતિહાસિક વીગતો તથા પરંપરાગત વર્ણનછટાથી ધ્યાન ખેંચે છે. ૩૯ કડીના દુહા-ઢાળબદ્ધ ‘રાયચંદ્રસૂરિ-બારમાસ’ (મુ) દીક્ષાર્થી રાયચંદ્રનાં બહેન સંપૂરા સાથેના સંવાદ રૂપે ચાલે છે. બહેન ઋતુવર્ણનના આનંદનો ઉપભોગ કરવા પ્રેરે અને રાયચંદ્ર ઋતુતત્ત્વોનો રૂપકાત્મક અર્થ કરી પોતાના વૈરાગ્યભાવમાં દૃઢ રહે - એ જાતના નિરૂપણથી આ કૃતિ સમગ્ર બારમાસા સાહિત્યમાં જુદી તરી આવે છે. આ કવિએ, આ ઉપરાંત, ‘પાર્શ્વચંદ્રસૂરિ-છંદ/પાર્શ્વચંદ્રસૂરિના સુડતાળીસ દુહા’ એ કૃતિ પણ રચેલી જે હિન્દીમાં હોવાનું જણાય છે. કૃતિ : ઐરાસંગ્રહ : ૧(+સં.); ૨. પ્રામબાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. લીંહસૂચી. [ર.ર.દ.]